ઇન્ટરનેટ પર તમને સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ શું લાગે છે? મોટા ભાગના લોકોનો જવાબ હશે ફેસબુક કે ગૂગલ કે વિકિપીડિયા, પણ હવે નેટ પર એક બહુ મોટો વર્ગ એવો ઊભો થઈ રહ્યો છે, જેને ઇન્ટરનેટ પર પિન્ટરેસ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે!
આ પિન્ટરેસ્ટ શું છે એની વાત કરતાં પહેલાં, લોકોને ફેસબુક કે ગૂગલ કે આ નવતર પિન્ટરેસ્ટમાં કેમ રસ પડે છે એની થોડી વાત કરી લઈએ. એક રીતે જોઈએ તો ઇન્ટરનેટ પર સોશિયલ નેટવર્કિંગની શરૂઆત સાથે, આપણા સ્વજનો, મિત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓ, બિઝનેસ ક્લાયન્ટ, એસોસિએટ્સ વગેરે સૌ સાથેના સંબંધોમાં નવાં પરિમાણો ઉમેરાઈ રહ્યાં છે અને રીલેશન્સ, સોશિયલ ઇન્ટરએક્શન, બિઝનેસ કોમ્યુનિકેશન વગેરેની જોરદાર ભેળસેળ થઈ રહી છે. અગાઉ આપણને કોઈ વસ્તુ ગમતી તો આપણે ચાર જણને કહેતા કે વસ્તુ સારી છે, લેવા જેવી છે. હવે આપણે આ વાત એક સાથે ચારને બદલે ચાલીસ કે ચારસો (જેવું જેનું ગજું!) લોકોને કહી શકીએ છીએ! સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આટલું બધું ચાલી છે એના મૂળ કારણમાં, આપણે સૌ એકબીજાના વધુ સંપર્કમાં રહેવા માગીએ છીએ એ મુદ્દો તો છે જ, તેના ઉપરાંતનું મુખ્ય કારણ એ છે કે આ સાઇટ્સ અનેક કંપનીઓને તેમના બિઝનેસની વધુ અસરકારક પબ્લિસિટી કરવામાં મદદરૂપ થાય છે.
ઇન્ટરનેટની ભાષામાં આને રેફરલ ટ્રાફિક કહે છે. તમે કોઈ બિઝનેસ કરતા હો અને તમારી પ્રોડક્ટ ખરીદવામાં રસ ધરાવતી કોઈ વ્યક્તિ તમારી કંપનીનું વેબએડ્રેસ લખીને કે પ્રોડક્ટ વિશે સર્ચ કરીને તમારી સાઇટ પર પહોંચે તો તેને ડાઇરેક્ટ ટ્રાફિક કહેવાય, પણ બીજી કોઈ સાઇટ પર (જેમ કે ફેસબુક!) પર તમારી પ્રોડક્ટ વિશે સારો રીવ્યુ વાંચીને, તેની સાથે આપેલી તમારા વેબપેજની લિંક પર ક્લિક કરીને કોઈ તમારી સાઇટ પર આવે તો તેને રેફરલ ટ્રાફિક કહેવાય.
ઇન્ટરનેટ પર અત્યાર સુધી ટ્રાફિક મેળવવામાં સર્ચ એન્જિન્સનો જ સિંહફાળો રહ્યો છે, પણ સોશિયલ નેટવર્ક્સની લોકપ્રિયતા વધ્યા પછી રેફરલ ટ્રાફિકનું મહત્ત્વ વધવા લાગ્યું છે, ખાસ તો એટલા માટે કે સર્ચ એન્જિન માત્ર માહિતી આપે છે, જ્યારે સોશિયલ નેટવર્ક જે તે પ્રોડક્ટ કે સર્વિસ વિશે અભિપ્રાય પણ આપે છે તમારા જાણીતા લોકોના સારા અભિપ્રાય હોય તો એ બાબત વિશે તમારો અભિપ્રાય પણ સારો હોવાની સંભાવના વધી જાય!
આવો રેફરલ ટ્રાફિક આપતી સાઇટ્સમાં ફેસબુક ઉપરાંત, યુટ્યૂબ, રેડઇટ, ગૂગલ પ્લસ, લિંક્ડઇન અને માયસ્પેસ સૌથી આગળ હતી. હવે પિન્ટરેસ્ટ નામની એક સર્વિસે ફેસબુક પછીની પાંચેય સાઇટને પાછળ રાખી દીધી છે! આ સાઇટ અત્યારે ગૂગલ પ્લસ, યુટ્યૂબ અને લિંક્ડઇનના સરવાળા જેટલો ટ્રાફિક જનરેટ કરવા લાગી છે!
છે શું આ પિન્ટરેસ્ટ (http://pinterest.com)? આ એક એવી સર્વિસ છે, જેમાં લોકો આખા ઇન્ટરનેટ પર તેમને ગમતી ઇમેજીસ, આ સાઇટના પિનબોર્ડ પર પિન અપ કરી શકે છે તમે સાઇટ પર જોશો એટલે ખ્યાલ આવશે કે આખું વેબપેજ એક મોટા નોટીસબોર્ડ જેવું છે, જેમાં જુદી જુદી ઇમેજીસ અને તેના વિશે જુદા જુદા લોકોના અભિપ્રાયો જોઈ શકાય છે. બધી પિન (એટલે કે ઇમેજીસ)ને તમે જુદી જુદી કેટેગરી પ્રમાણે પણ જોઈ શકો છો. શરૂઆતમાં જાત ભાતની તસવીરો જોઈને ‘આમાં એવું તે શું છે?’ એવો સવાલ થશે જ, પણ એટલું જાણી લો કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૧ના ચાર મહિનામાં આ સાઇટ પરનો ટ્રાફિક ૪૨૯ ટકા વધી ગયો છે! આ સાઇટ માંડ બે વર્ષ જૂની છે.
જેમ થોડાં વર્ષ પહેલાં ફેસબુક પર કોઈ ગુજરાતી શોધ્યા જડતા નહોતા (અને હવે વેકેશનમાં આબુમાં અમદાવાદીઓ કે માથેરાનમાં મુંબઇગરા એકમેક સાથે અથડાય એટલી ભીડ જામી ગઈ છે!) એમ અત્યારે પિન્ટરેસ્ટ પર ભાગ્યે જ કોઈ ગુજરાતી દેખાય છે, પણ ટૂંક સમયમાં ભીડ જામવાની એ નક્કી. અત્યારે જ ઓવરઓલ ટ્રાફિક એટલો વધી ગયો છે કે માત્ર આમંત્રણથી એકાઉન્ટ ઓપન થઈ શકે છે.
એકાઉન્ટ વિના તમે બીજાની ઇમેજીસ જોઈ શકો છો, એકાઉન્ટ ઓપન થયા પછી પિન બટન મેળવીને સાયબરજગતમાં હરતાં ફરતાં જે ગમે તે બીજા સાથે શેર કરી શકશો અથવા તમારી સાઇટ પરની ઇમેજીસ પિન અપ કરીને તમારી સાઇટ પરનો ટ્રાફિક વધારી શકો છો કેમ કે દરેક ઇમેજ તેના મૂળ વેબપેજની લિંક ધરાવે છે! લાઇક, શેરિંગ વગેરે વગેરે તો આમાં છે જ. હવે આ સાઇટની લોકપ્રિયતાનું કારણ સમજાયું?!