એ જમાનો યાદ છે? જ્યારે લગ્ન કે રીસેપ્શનમાં પેલા વિડિયોગ્રાફર ભારેભરખમ વિડિયો કૅમેરા ખભે ઊંચકીને પ્રસંગની વિડિયોગ્રાફી કરતા? મુખ્ય પ્રસંગના પાછા અલગ અલગ પેટાપ્રસંગો હોય અને એ દરેક વખતે વિડિયોગ્રાફર એમના પથારા સાથે હાજર હોય. મંડપમૂહુર્ત જેવો પેટાપ્રસંગ ઘરમાં જ ઉજવવાનો હોય ને ઘર નાનું હોય તો વિડિયોગ્રાફરને એમના મસમોટા કૅમેરા સાથે સમાવવા માટે મહેમાનોને પણ બહાર રાખવા પડે!
પછી એ દરેક પ્રસંગનું એડિટિંગ થાય, તમને એડિટિંગમાં રસ હોય અને વિડિયોગ્રાફર સારો હોય તો એ તમને ‘ફર્સ્ટ રફ કટ’ બતાવે. તમે એમાં સુધારાવધારા સૂચવો, તમે એકદમ ચૂઝી હો તો બેકગ્રાઉન્ડમાં મૂકવાનાં ગીતોનું લિસ્ટ પણ બનાવો ને છેવટે કેટલાય દિવસો પછી, પેલી બિલકુલ ખોવાઈ ગયેલી વીએચએસ વિડિયો કેસેટ રૂપે આખો વિડિયો તમારા હાથમાં આવે અને સગાંસ્નેહીઓને બોલાવીને, મોટા ભાગે ભાડે મંગાવેલા વીસીઆર (ટાઇપરાઇટરની જેમ, પણ એના કરતાં ઘણી વધુ ઝડપથી ગૂમ થઈ ગયેલું વધુ એક સાધન!) પર વિડિયો જોવામાં આવે!
હવે સમય બિલકુલ બદલાઈ ગયો છે. કૅમેરા તદ્દન સ્લિક થઈ ગયા છે, ત્યાં સુધી કે મેઇડ ઇન ચાઇના રીસ્ટવૉચમાં પણ ચારચાર જીબીની કેપેસિટીના વિડિયો કૅમેરા આવી ગયા છે. પરિણામે વિડિયો શૂટિંગમાં હવે કોઈ ઝંઝટ રહી નથી. જસ્ટ એઇમ એન્ટ સ્ટાર્ટ શૂટિંગ! બધું ડિજિટલ ફોર્મમાં હોવાથી શૂટિંગનું પરિણામ જોવા માટે પણ જરાય રાહ જોવી પડતી નથી. વાયર્સ આમતેમ કનેક્ટ કર્યા અને મોટા સ્ક્રીન પર વિડિયો ચાલુ! બધું એટલું સહેલું બની ગયું છે કે આખી વાતમાં પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી. તમે જ તપાસી જોજો, તમે જેટલા ફોટોગ્રાફ લો છો કે વિડિયો શૂટ કરો છો, એમાંથી કેટલા ખરેખરા ઉત્સાહથી ફરી ફરી જુઓ છો?
છતાં, જો તમારો ઉત્સાહ ટકી રહ્યો હોય તો સૌથી મોટી વિડિયો એડિટિંગની સમસ્યા હજી લગભગ પહેલાં જેટલી જ મોટી છે. આપણે પ્રોફેશનલ વિડિયોગ્રાફર તો છીએ નહીં કે બધી રીતે યોગ્ય શૂટિંગ કરી શકીએ. ઉપરાંત, બીજા લોકો પણ આપણા વિડિયો શૂટિંગને સીરિયસલી લેતા ન હોય એટલે ચાલુ શૂટિંગે વચ્ચે કોઈનો વાંસો આડો આવી જાય કે કોઈ આપણી સાથે વાત કરવા લાગે ને આપણું ધ્યાન શૂટિંગમાં રહે નહીં. ક્યારેક આપણે પણ વચ્ચે વચ્ચે કટ કરીને કટકે કટકે વિડિયો શૂટિંગ કરીએ.
વચ્ચે આવતા આવા કામ વગરના શોટ્સ કે બ્રેક્સ દૂર કરવા હોય તો શું કરવું? કે પછી એક જ વિષયની જુદી જુદી ક્લિપ્સ બની હોય એને ભેગી કેવી રીતે કરવી? પ્રોફેશનલ્સ માટે તો એ માટેનાં સરસ સોફ્ટવેર અને ટૂલ્સ હોય છે, પણ આપણને એવી બધી સગવડ ન હોય તો?
તો એનો ઉપાય છે મેજિસ્ટો (www.magisto.com). એકબે મહિના પહેલાં જ શરૂ થયેલી આ વેબ એપ્લિકેશન પર તમે ખાતું ખોલાવો, જુદી જુદી વિડિયો ક્લિપ્સ અપલોડ કરો, ચાહો તો એકાદું ગમતું ગીત બેકગ્રાઉન્ડ તરીકે અપલોડ કરો અથવા તો સાઇટ તરફથી મળતા ઓપ્શન્સમાંથી કોઈ પસંદ કરો એટલે તમારું કામ પૂરું! સાઇટના દાવા મુજબ, આ વેબ એપ્લિકેશનની ફેસ રેકગ્નિઝન ટેક્નોલોજીથી એ તમારા જુદા જુદા વિડિયો શોટ્સમાંથી ‘નકામા, બોરિંગ’ પાટર્સ દૂર કરે છે, જુદી જુદી ક્લિપ્સને ભેગી કરે છે, અલગ અલગ કટકાઓ વચ્ચે સરસ ટ્રાન્ઝિશન એનિમેશન્સ ઉમેરે છે, બધું કામ પાર પડે અને તમારો નવોનક્કોર વિડિયો તૈયાર થઈ જાય એટલે તમે આપેલા ઇમેઇલ પર જાણ પણ કરી દે છે કે આવો પધારો, તમારો વિડિયો તૈયાર છે! અહીંથી તમે યુટ્યૂબ પર અપલોડ કરો, વિવિધ સોશિયલ નેટવર્ક પર શેર કરી શકો અને ચાહો તો બીજાને ઇમેઇલ કરી શકો છો.
સર્વિસ સરસ છે, પણ હજી પ્રારંભિક તબક્કામાં છે. વિડિયોમાં ‘નકામા, બોરિંગ પાટર્સ’ની આ સર્વિસની વ્યાખ્યા અને તમારી વ્યાખ્યા જુદી હોઈ શકે છે. આ સર્વિસ વિડિયો એડિટિંગની આખી કસરતને બિલકુલ સહેલી બનાવી દે છે એ ખરું, પણ પરિણામ તમારી અપેક્ષા કરતાં ઘણું ઉતરતું હોઈ શકે છે. ઉપરાંત, તમે અપલોડ કરેલા વિડિયોઝ તમે ડિલીટ કરી શકો છો, પણ એને શેર કરવાના રાઇટ્સ આ સર્વિસ પોતાના કરી લે છે.
અલબત્ત, યુટ્યૂબે પણ આ સર્વિસને ઓટોમેટેડ એડિટિંગ ટૂલ તરીકે પોતાની સેવામાં સાંકળી લીધી છે. વિશ્વભરમાં જે રીતે ડિજિટલ કન્ટેન્ટનો ગંજ ખડકાઈ રહ્યો છે તે જોતાં આ પ્રકારની સર્વિસનું ભાવિ ચોક્કસ ઉજળું છે. ઇઝરાયલના તેલઅવીવ શહેરમાં મૂળ ધરાવતી આ કંપનીમાં, સાવ શરૂઆતના દિવસોમાં ફેસબુકને ફંડિંગ આપનારી કંપનીએ મૂડીરોકાણ કર્યું છે.
શરૂઆતમાં કદાચ બહુ મજા ન આવે, પણ આ સાઇટ નજરમાં રાખવા જેવી ચોક્કસ છે.
| Comments |
|
|
||||||||
|
||||||||





