‘‘આ વિશાળ ધરાતલે, નથી એકલ તું માનવી...’’ ભૂલ ન થતી હોય તો કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ છે. કવિએ તો કલ્પનાની પાંખે ચડીને આ ભાવના વહેતી મૂકી હશે, પણ હવે આજના સમયમાં આપણી પાસે માહિતી મેળવવાના અનેક સ્ત્રોત છે. તમે કહી શકો છો કે ખરેખર આ પૃથ્વી પર આપણી સાથે બીજા કેટલા જીવો વસતા હશે? કેટલા જીવો એવી કુલ સંખ્યા કહેવી મુશ્કેલ લાગતી હોય તો કહી શકો કે કેટલા પ્રકારના જીવો હશે?
ઇન્ટરનેટ હાથવગું હશે તો, બીજા મોટા ભાગના સવાલોની જેમ આ સવાલનો જવાબ મેળવવા પણ તમે વિકિપીડિયાનો આશરો લેશો. આ દુનિયા, ખરેખર તો આખા બ્રહ્માંડને લગતી કોઈ પણ બાબત વિશે અત્યંત વિગતવાર અને ઘણે અંશે વિશ્વસનીય માહિતી મેળવવી હોય તો વિકિપીડિયા જેટલો સમૃદ્ધ અને સતત અપડેટ થતો બીજો જ્ઞાનકોષ મળવો મુશ્કેલ છે. પરંતુ, આજે વાત માત્ર વિકિપીડિયાની કરવી નથી. વાત તો વિકિપીડિયાએ જે પાયો નાખ્યો છે તેની અને તેના ઉપર ચણાયેલી એક બીજી આ જ પ્રકારની ઇમારતની કરવી છે.
વિકિપીડિયાનો પાયો એટલે શું? હવે આપણે સૌ જાણીએ છીએ તેમ, વિકિપીડિયા એક એવો જ્ઞાનકોષ છે જેમાં જે તે વિષય સંબંધિત માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકે છે. આ માહિતી સાચી અને યોગ્ય છે કે નહીં એ તપાસવાના જુદા જુદા ઉપાયો આ સાઇટે કામે લગાડ્યા છે, પણ આ વિશેષ પ્રકારની સાઇટ વિક્સાવવાનું પરિણામ એ આવ્યું કે જુદા જુદા વિષયો પર, જુદા જુણા લોકો કે નિષ્ણાતો, જુદા જુદા પ્રકારની માહિતી સામગ્રી એકત્ર કરી શકે એવી વિકિ તરીકે ઓળખાતી વ્યવસ્થાને વેગ મળ્યો.
હવે આ પાયા પર ચણાયેલી, વિકિપીડિયા જેવી બીજી એક ઇમારતની વાત કરીએ. આ સફરના સહયાત્રીઓને કદાચ યાદ હશે કે આપણે વિશ્વનાં અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાતોના જુદા જુદા અફલાતૂન આઇડિયા અંગેના નિયમિત પ્રવચનો યોજતા અને તેને ઇન્ટરનેટ પર સુલભ (ખરા અર્થમાં, ભાષાંતર સાથે) કરતા ટેડ પ્રોગ્રામ (www.ted.com) વિશે વિગતવાર વાત કરી હતી. આ ટેડમાં ડૉ. એડવર્ડ ઓ. વિલ્સન નામના એક નિષ્ણાતે ૨૦૦૭માં એક પ્રવચન આપ્યું હતું. ત્યારે તેમણે વિશ્વભરમાં જોવા મળતા પ્રત્યેક પ્રકારના જીવનીમાહિતી આપતું એકએક વેબપેજ હોય એવી કલ્પના કરી હતી. આ કલ્પના અમલમાં મૂકવી એ એક અત્યંત મોટો પડકાર હતો, કેમ કે (હવે પહેલા ફકરાના સવાલનો જવાબ આવે છે!) આ પૃથ્વી પર, આપણી સાથે વસતા ૧૯ લાખ પ્રકારના જીવોને નિષ્ણાતો નામ આપી શક્યા છે. હમણાં થયેલાં વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે પૃથ્વી પર વાસ્તવમાં ૮૮ લાખ પ્રકારના જીવો છે. અગાઉના અંદાજો તો ૩૦ લાખથી ૧ કરોડ પ્રકારના જીવો હોવાનું કહેતા હતા, આવી જૈવિક વિવિધતા એટલે કે બાયોલોજિકલ ડાયવર્સિટી કે બાયોડાયવર્સિટી એટલે પૃથ્વી પરની તમામ વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ.
આ બધા વિશે અત્યાર સુધી જે કંઈ જાણી શકાયું છે એ બધું જ્ઞાન અલગ અલગ પુસ્તકો, જર્નલ્સ, ડેટાબેઝ, વેબસાઇટ્સ અને વિવિધ નિષ્ણાતોના મગજમાં ધરબાયેલું ને વિખરાયેલું પડ્યુ છે. એ બધું જ એક સાથે, એક જગ્યાએ, જ્યારે જોઈએ ત્યારે તરત જાણી શકાય એવી રીતે ઉપલબ્ધ કરી શકાય તો? ૨૦૦૭માં પહેલી વાર રજૂ થયેલું અને ૨૦૦૮માં સાકાર થવા લાગેલું આ સ્વપ્ન હવે એન્સાયક્લોપીડિયા ઓફ લાઇફ (www.eol.org) સ્વરૂપે વિસ્તરી રહ્યું છે.
સાઇટ પર અત્યારે વિવિધ જીવો વિશે વિગતવાર માહિતી આપતાં ૭,૫૨,૬૧૭ વેબપેજીસ હાજર છે. ૫૨,૯૪૯ લોકો તેની સાથે સંકળાયેલા છે અને કોઈ ને કોઈ રીતે સાઇટને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાઇટ પર ૪,૯૨,૬૦૧ જેટલી ઇમેજીસ છે. તમે પણ ઇચ્છો તો સાઇટમાં જોડાઇ શકો છો, અથવા હોમ પેજ પર સૌથી નોંધપાત્ર રીતે આપેલા સર્ચબોક્સમાં કોઈપણ વનસ્પતિ, જીવ કે સૂક્ષ્મ જીવાણુનું કોમન નેમ (જેમ કે એલિફન્ટ કે લાયન) લખીને તેના વિશે ઉપલબ્ધ માહિતી આપતા વેબપેજીસ પર જઈ શકો છો.
વિષય વૈજ્ઞાનિક છે અને તેમાં આપેલી વિગતો પણ વિદેશી નિષ્ણાતોએ મૂકેલી છે એટલે બધી માહિતી સમજવામાં કદાચ મુશ્કેલી પડશે, પણ પૃથ્વી પરની અપાર વિવિધતાને માણવી હોય તો આ સાઇટની સફર અચૂક ખેડવા જેવી છે!
| Comments |
|





