તમારી કૉલેજના દરવાજા પાસે ત્રણચાર પાણીપૂરીવાળા ઊભા રહેતા હોય અને તમે નવીસવી પાણીપૂરી ખાવાનું શરૂ કર્યું હોય (એવું બને નહીં, પણ ખાલી ધારી લો) તો તમે કોની પાણીપૂરી ખાશો? મોટા ભાગે એની, જેના વિશે તમારા ફ્રેન્ડસર્કલે સારો ઓપિનિયન આપ્યો હશે. મૂવીમાં શું થાય છે? ‘‘ફલાણા આરજેએ ફલાણી મૂવીને સાડા ત્રણ સ્ટાર આપ્યા, મૂવીમાં કંઈક તો દમ હશે જ’’. માણસને સામાજિક પ્રાણી અમથું કહ્યું છે? આપણે આપણા વર્તુળમાં રહેલા લોકોના અભિપ્રાયને માન આપીએ છીએ, કેમ કે મોટા ભાગે આપણું ‘લાઇકિંગ’ સરખું હોય છે.
અત્યાર સુધી ફેસબુકે આ માનવસહજ સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો (અથવા કહો કે આપણને આપ્યો!) અને હવે ગૂગલે પણ તેમાં ઝંપલાવ્યું છે. તમે ફેસબુકના ફ્રિકવન્ટ યુઝર હશો તો તેના લાઇક બટનથી પૂરેપૂરા પરિચિત હશો. કોઈ ફ્રેન્ડે લખેલી કોઈ વાત ગમી? કરો લાઇક! કોઈ સાઇટ પરનો લેખ ગમ્યો? મિત્રો સાથે શેર કરવા માટે કરો લાઇકના બટન પર ક્લિક.
આ જ વાત હવે ગૂગલે આગળ વધારી છે. લોકોમાં પહોંચની બાબતે ફેસબુકે ઓર્કૂટને ભૂલાવી દીધા પછી આખેઆખા ગૂગલના સામ્રાજ્યને હંફાવવાની શરૂઆત કરી એટલે ગૂગલ અવારનવાર સોશિયલ નેટવર્કિંગમાં સિક્કો જમાવવાની કોશિશ કરે છે. ગૂગલ ફ્રેન્ડ્ઝ કનેક્ટ, બઝ, સાઇડવિકિ અને વેવ કંઈક આ જ પ્રકારના પ્રયાસ હતા, જેમાં ગૂગલ ફાવ્યું નહોતું એટલે હવે ગૂગલે જેમાં હજી સુધી તેની સોલિડ માસ્ટરી રહી છે એ સર્ચના પાયા પર સોશિયલ નેટવર્કિંગની જરા અલગ પ્રકારની ઇમારત ચણવાની પ્લાન અજમાવ્યો છે.
હમણાં ગૂગલે +૧ (પ્લસ વન) નામે ઓળખાતી એક સર્વિસ ચાલુ કરી છે. અત્યારે સૌ કોઈને તેનો લાભ મળતો નથી, પણ તમારે અજમાયશ કરવી હોય તો ગૂગલ એકાઉન્ટમાં સાઇનઇન કરીને http://www.google.com/experimental/ પર જઈને પ્લસ વનના પ્રયોગમાં જોડાઈ શકો છો.
આટલું કર્યા પછી, તમે ગૂગલમાં કશું પણ સર્ચ કરશો એટલે સર્ચ રીઝલ્ટની બાજુમાં એક નાનકડા બોક્સમાં પ્લસ વનની સાઇન દેખાશે. તમને સર્ચનું એ ચોક્કસ રીઝલ્ટ દર્શાવતું પેજ ગમ્યું? તો પ્લસ વન પર ક્લિક કરશો એટલે તમારો અભિપ્રાય ગૂગલની સિસ્ટમમાં અને તમારા પોતાના ગૂગલ પ્રોફાઇલમાં નોંધાઈ જશે.
વેબપેજ જોયા વિના, માત્ર સર્ચ રીઝલ્ટની યાદી પરથી એ ગમ્યું કે ન ગમ્યું એ નક્કી કરવું આમ તો મુશ્કેલ છે, પણ ગૂગલે એનો ઉપાય શોધી રાખ્યો છે પ્લસ વનનું બટન તમે તમારા બ્લોગ કે સાઇટ પર પણ મૂકી શકો છો. તેમ, ગૂગલની દરેક એડમાં પણ આ બટન વહેલા મોડું જોવા મળશે.
તમે પ્લસ વન કહી દીધા પછી શું થાય છે? જ્યારે તમારા સોશિયલ નેટવર્કમાંની કોઈ વ્યક્તિ એટલે કે તમારા ગૂગલ મેઇલ અને ચેટના કોન્ટેક્ટ્સ, બઝ કે રીડરમાં જેની સાથે કનેક્ટેડ હો એ લોકો જ્યારે કશુંક સર્ચ કરતા હશે ત્યારે, તમે પ્લસ વન કહેલું વેબપેજ એમના સર્ચ રીઝલ્ટમાં હશે તો એ એમને તમારા નામ સાથે જાણવા મળશે (અજાણ્યા લોકોનું લાઇકિંગ પણ ઘણી વાર કામનું નીકળે છે)! અથવા તમને જાણતા લોકો, તમારા ગૂગલ પ્રોફાઇલ પર જઈને (profiles.google.com/ જે તે વ્યક્તિનું નામ) તમે કઈ કઈ સાઇટ કે સર્વિસ કે લેખ કે વિડિયો વગેરે માટે સારો અભિપ્રાય ધરાવો છો એ જાણી શકશે.
આ આખી વાતમાં ગૂગલને શું ફાયદો? સૌથી પહેલાં તો ગૂગલ તેના સર્ચના સામ્રાજ્યને વધુ મજબૂત બનાવી શકશે, એ બરાબર જાણી શકશે કે મારાતમારા જેવા લોકોને વેબ પર શું ગમે છે. બીજું, જુદી જુદી સાઈટ પર મૂકાયેલાં પ્લસ વન બટનનાં રીઝલ્ટના આધારે જે તે સાઇટ કેટલી લોકપ્રિય છે એનો પાક્કો અંદાજ ગૂગલ બાંધી શકશે અને એની અસર જે તે સાઇટના સર્ચ રેન્કિંગ પર પણ પડશે. આવું જ એડસેન્સની એડમાં થશે. લોકોને કયા પ્રકારની એડ ગમે છે એ જેમ જેમ સ્પષ્ટ થતું જશે તેમ તેમ એડસેન્સની અસરકારકતા પણ વધારી શકાશે!
(સંખ્યાબંધ મિત્રો એડસેન્સ વિશે જાણવા ઇચ્છે છે, ગૂગલની આ સૌને કમાણી કરાવી આપતી સર્વિસે હમણાં જ આઠ વર્ષ પૂરાં કર્યાં, એના વિશે વિગતવાર વાત કરીશું થોડા સમયમાં).
ટૂંકમાં, એક બટનના તરાપે ગૂગલ જાતભાતના દરિયા પાર કરવા ઇચ્છે છે. પ્લસ વનને લોકો લાઈક કરે છે કે નહીં એ જાણવું બહુ મુશ્કેલ નથી. આવનારા થોડા મહિનામાં વેબ પર ચોરે ને ચૌટે પ્લસ વન દેખાય તો માનવું કે સર્વિસ ચાલી, બાકી ગૂગલના સોશિયલ નેટવર્કિંગના ખાતે વધુ એક માઇનસ વન!
| Comments |
|





