ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના 17મા અધ્યાયમાં ઉત્તમ દાન વિષે બહુ સુંદર વાત કરી છે. “દાન આપવું એ ફરજ છે, તેવી બુધ્ધિથી, બદલો મળવાની આશા રાખ્યા વગર, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે.” પરમાત્માએ કહેલી વાત બહુ શાંતિથી વિચારીને જ દાન આપવું જોઈએ.
સંસ્કૃતમાં એક બહુ સરસ શ્લોક છે –
“परोपकाराय विभाति सूर्य:, परोपकाराय वहन्ति नद्य:,
परोपकाराय फलन्ति वृक्ष:, परोपकारश्च सदैव कार्य...”
સૂર્ય નારાયણ, નદીઓ, વૃક્ષો વગેરે કોઈ અંગત સ્વાર્થ વિના જ, ફક્ત પરોપકાર માટે જ કાર્ય કરે છે, તેવી જ રીતે માનવીએ પણ પોતાના અંગત સ્વાર્થ વિના પરોપકાર કરતા રહીને પોતાનું જીવન જીવવું જોઈએ, એ જ ઉત્તમ જીવન છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં “નિષ્કામ કર્મ”ઉપર ખૂબ ભાર દીધો છે. વળી પરોપકાર કરવા માટે શ્રીમંત હોવું જરુરી નથી. પોતાની મર્યાદાનો ખ્યાલ રાખીને, થોડુંક દાન શુભ ભાવનાથી કરતા રહેવું જોઈએ. દાન ક્યાં કરવું, એ ખાસ વિચારણા માગી લે છે. ગમે ત્યાં દાન કરવું, એ ધનનો વિનાશ હોઈ શકે.
ભારતમાં મંદિરો ઘણાં છે, નવાં બાંધવાની જરુર નથી. તેમ જ ધનથી છલકાતાં મંદિરોને વિશેષ છલકાવવાની જરુર નથી. પરમાત્મા માત્ર મંદિરમાં વિરાજતા નથી, તે મંદિરની બહાર પણ છે, એ ભૂલવું ન જોઈએ.
આપણા જીવનમાં કોઈ ને કોઈ શુભ પ્રસંગો આવતા જ રહે છે. સુપુત્ર તથા સુપુત્રીનો જન્મ, તેમનાં લગ્ન, યજ્ઞોપવિત, મકાનનું વાસ્તુ, પરિવારના દરેક સભ્યનો જન્મ દિવસ વગેરે અનેક પ્રસંગો ગણાવી શકાય. એ શુભ પ્રસંગને આપણા આનંદ પુરતો સીમીત રાખવાને બદલે બીજાના જીવનમાં પણ આનંદ ફેલાય તેવું કંઈક કરીએ તો પરમાત્માની કૃપા જરુર અનુભવી શકીએ. આવા શુભ પ્રસંગે આપણે જે કાંઈ ખર્ચ કરવાનું વિચારીએ, તેમાં થોડી કરકસર કરીને થોડીક રકમ અન્યના કલ્યાણના શુભ હેતુથી દાન સ્વરુપે આપવામાં આવે એ બહુ જરુરી છે. મંદિરોમાં દાન કરવું જરુરી નથી પરંતુ મંદિર જેવાં જ પાવન તીર્થધામ સમાન અમુક સંસ્થાઓ ગુજરાતમાં છે, તે સંસ્થાઓ વિષે થોડું જાણીએ. તેમને આપણા ઘરના શુભ પ્રસંગોએ થોડું શક્તિ અનુસાર દાન મોકલીએ તો પરમાત્માની સાચી પૂજા થાય. અલબત્ત! આ લખાણથી પ્રેરાઈને નહીં પરંતુ આવાં તીર્થધામોની માહિતી મેળવી, કે અનુકૂળતાએ મુલાકાત લઈને, શુભ ભાવનાથી કાંઈક દાન કરીએ તો એ ઉત્તમ દાન ગણાય.
(1)જુનાગઢના ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલ શ્રીમતિ પુષ્પાબહેન મહેતાએ 1937માં “વિકાસગૃહ”નામની સંસ્થા પાલડી, અમદાવાદમાં સ્થાપી, તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 26 વર્ષની યુવાન વયે વિધવા થયા પછી તેમણે સમાજ સેવાનો રાહ અપનાવ્યો. વિધવા તથા પતિ કે પરિવાર દ્વારા ત્યજાએલી મહિલાઓને આ સંસ્થા આશ્રય આપે છે. સાચી પ્રેમની હુંફ આપે છે. તેમને જરુરી શિક્ષણ આપી પગભર કરવા કોશિષ કરે છે. માતા સાથે આવેલ બાળકોની અહીં વાત્સલ્ય સાથે માવજત કરાય છે. તેમનામાં ઉમદા સંસ્કારોનું સિંચન કરાય છે. અહીં આશ્રય લેતી કેટલીક મહિલાઓને પરેશાન કરવા, કેટલાંક અસામાજીક તત્વો તેનો કબજો મેળવવા પ્રયત્ન કરે છે. સંસ્થા તેમને કાયદાકીય રક્ષણ પુરું પાડે છે. સમજાવટથી જો સમાધાન શક્ય હોય તો, તેવા ઉમદા પ્રયત્નો પણ કરવામાં આવે છે. પરમ પૂજ્ય પુષ્પાબહેનના 1988માં નિધન પછી પણ આ સંસ્થા ઉત્તમ સેવા કાર્ય કરે છે. સ્વ. પરમ પૂજ્ય પુષ્પાબહેને વૈધવ્ય પછી જીવનભર કાળી સાડી પહેરી. તેમના અંગત જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓને કોઈ સ્થાન ન હતું. જીવનના અંત સુધી નિષ્કામ ભાવે સેવા કરનાર આ મહાન મહિલાનું જીવન ખૂબ જ સાદું હતું. “વડલાનાં વાવેતર”નામના પુસ્તકમાં પરમ પૂજ્ય પુષ્પાબહેન તથા વિકાસગૃહ વિષે સવિસ્તર માહિતી લખાયેલી છે. તેમણે વિકાસગૃહ ઉપરાંત વઢવાણમાં વિકાસ વિદ્યાલય તથા જુનાગઢમાં શિશુમંગલ નામની સંસ્થાઓ સ્થાપી.
(2)સ્વ. પરમ પૂજ્ય પુષ્પાબહેનનાં ભત્રીજી શ્રીમતિ અરુણાબહેન દેસાઈએ પણ,પૂજ્ય પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલ “વિકાસ વિદ્યાલય”નામની સંસ્થાનું સુકાન 1945થી સંભાળી અવિરત સેવા કાર્ય કરેલ છે. ત્યા પણ વિકાસગૃહની જેમ જ વિધવા તેમ જ ત્યક્તાઓને આશ્રય આપવામાં આવે છે. આ પાવન તીર્થની મુલાકાત લેતાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું. કેટલીક નિર્દય માતાઓ,સમાજની નિંદાના ડરથી, અનૈતિક સંબંધોને કારણે જન્મેલ બાળકોને અહીં છોડી જાય છે. આવાં નાનાં નાનાં નિર્દોષ શિશુઓને અહીં ખૂબ જ સ્નેહપૂર્વક ઉછેરવામાં આવે છે. સંસ્થાની બહેનો તેમની ખૂબ કાળજી રાખે છે. ઘોડીયામાં ઝુલતાં નિર્દોષ ભૂલકાંઓને હસતાં જોઈ પરમાત્માનાં દર્શન કર્યાનો આનંદ અનુભવ્યો. તેમની કાળજી લેનાર બહેનોને અભિનંદન આપતાં તેમણે કહ્યું – “આ સંસ્થાએ અમને આમ જ પ્રેમપૂર્વક ઉછેર્યાં છે, એટલે અમે વિશેષ સેવા કરીએ છીએ, એવું અમને લાગતું નથી.”પરમ પૂજ્ય અરુણાબહેનના નિધન પછી પણ આ સંસ્થાએ ઉત્તમ સેવાની પરંપરા ચાલુ રાખી છે. પરમ પૂજ્ય અરુણાબહેનના જીવનમાં પણ વૈભવને કોઈ સ્થાન ન હતું. તેઓ પણ ખૂબ સાદાઈથી જીવ્યાં. જીવનના અંત સુધી નિષ્કામ ભાવે સેવા કરતાં રહ્યાં. વિકાસગૃહ કે વિકાસ વિદ્યાલયમાં કોઈ મંદિર નથી પરંતુ પરમાત્માનું અસ્તિત્વ અહીં અનુભવી શકાય છે. પરમાત્મા માત્ર મંદિરમાં જ નથી પરંતુ મંદિરની બહાર પણ છે એ પરમ સત્ય અહીં અનુભવવા જેવું છે.
(3)ભુજનાં શ્રીમતિ અનુબહેન ઠક્કર પણ ગજબ સેવામૂર્તિ હતાં. પોતે અકિંચન હતાં પણ સેવાની ગજબ ધૂનને કારણે તેમના ગુરુની આજ્ઞા અનુસાર,વડોદરા નજીક વાઘોડીઆ તાલુકામાં ગોરજ નામના એક નાનકડા ગામની સીમમાં ઉજ્જડ સ્થળે, તેમણે બાજુના ગામનાં નાનાં નાનાં બાળકોને ભેગાં કરી તેમને નવરાવવાનું, તેમનાં માથાં ઓળી દેવાનું, તેમના નખ કાપી આપવાનું, જેવાં નાનાં નાનાં કામથી સેવાની શરુઆત કરી. સેવાની સુગંધ પ્રસરતાં થોડી થોડી મદદ મળવા લાગી. તેમણે બાલમંદિરની સ્થાપના કરી. પછી શાળા, માધ્યમિક શાળા, હાઈસ્કૂલ વગેરેની સ્થાપના થઈ. બહેરાં મૂંગાં બાળકો માટે અલગ શાળા સ્થાપી. તેમને રહેવા માટે સુંદર સગવડોવાળી હોસ્ટેલ સ્થપાઈ. ત્યાર પછી વૃધ્ધાશ્રમની સ્થાપના કરી. વયોવૃધ્ધ વડીલોની અહીં ખૂબ કાળજી રખાય છે. આજુબાજુનાં ગામડાંના રહીશોની સગવડ માટે હોસ્પીટલ સ્થપાઈ. વડોદરાથી નિષ્ણાત ડોક્ટરો આવીને પોતાની સેવાઓ આપે છે. સેવાની અપ્રતિમ સુગંધના શ્રેષ્ઠ પરિપાક રુપે અહીં “કૈલાશ કેન્સર હોસ્પીટલ”ની સ્થાપના થઈ. કેન્સરના દર્દીઓની વિના મૂલ્યે શ્રેષ્ઠ સારવાર થાય છે. દર્દી અને તેના એટેન્ડન્ટને વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે.
પરમ પૂજ્ય અનુબહેને લગ્ન નહોતાં કર્યાં, પરંતુ સંન્યાસિનીની જેમ ભગવાં વસ્ત્રો પહેરતાં. તેમનું અંગત જીવન સાદાઈ ભર્યું હતું. એક અકિંચન નારી સેવાની ધગશથી શું કરી શકે ? એ ચમત્કાર જગતને બતાવી, સેવા કરતાં કરતાં પરમાત્માની પરમ જ્યોતમાં ભળી ગયાં. મુનિ આશ્રમ નામે પ્રખ્યાત એ સ્થળ આજે પણ સેવાની જ્યોતથી ઝગમગે છે.
(4)પ્રાત:સ્મરણીય સંત પરમ પૂજ્ય રણછોડદાસજી બાપૂએ, પોતે અકિંચન હોવા છતાં,સમાજના સહકારથી, બિહારના દુષ્કાળ વખતે રાહત કેમ્પ શરુ કરી, દરરોજ 35000 માણસોને છ મહિના સુધી પ્રેમપૂર્વક જમાડ્યાં. પૂર્ણાહૂતિ પ્રસંગે પુરુષોને ધોતી અને બહેનોને સાડી આપવામાં આવ્યાં. પુરુષોને ડ્રાઈવીંગની તાલીમ આપી જેથી દુષ્કાળ પછી તેમને કામ મળી શકે.
આ પવિત્ર સંતની પ્રેરણાથી રાજકોટમાં આંખની હોસ્પીટલ સ્થાપવામાં આવેલ છે. અહીં મોતીયાનાં ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવે છે. નિષ્ણાત સેવાભાવી ડોક્ટરો દ્વારા આંખના બીજા રોગની પણ સારવાર કરવામાં આવે છે. જરુરી મલમ, આંખનાં ટીપાં વગેરે મફત અપાય છે. મોતીયાના ઓપરેશન પછી, ગોગલ્સ અને ત્યાર બાદ એક મહિના પછી જરુરી ચશ્માં મફત અપાય છે. દર્દી તથા તેના એટેન્ડન્ટ માટે સાત્વિક ભોજનની મફત સુવિધા છે.
(5)પરમ પૂજ્ય પુષ્પાબહેનના માર્ગદર્શન નીચે, -- હળવદમાં શ્રી રેવાશંકર પ્રગતિ ગૃહ, જુનાગઢમાં શિશુમંગલ, ( તથા પ્રભાસપાટણ-વેરાવળમાં તેની શાખા રુપે ), રાજકોટમાં શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરમાં શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ, ભાવનગરમાં શ્રી તાપીબાઈ રણછોડદાસ ગાંધી વિકાસગૃહ, અમરેલીમાં શ્રી જડાવલક્ષ્મી રામજીભાઈ કામાણી વિકાસગૃહ વગેરે જુદા જુદા સજ્જનોએ ઉમદા સેવા ભાવનાથી સ્થાપેલ આવી સંસ્થાઓ છે. જ્યાં સમાજના અત્યાચારથી પીડિત મહિલાઓ તેમ જ બાળકોને સાચા અર્થમાં આશ્રય આપવામાં આવે છે. આ આશ્રય પણ કામચલાઉ નહીં પરંતુ તેઓ ભણીગણીને સ્વમાનભેર જીવનમાં સ્થિર થાય, પગભર થઈને હિમ્મતભેર જીવનની સમસ્યાઓનો સામનો કરી શકે ત્યાં સુધીનો હોય છે. આ કોઈ નાનુંસુનું કામ નથી.
દહેજના રુપમાં થોડુંક ધન મેળવવા, કોઈ નિર્દોષ કન્યાને જીવતી સળગાવવાનું કામ સહેલું છે, પરંતુ એમાં બહાદુરી નથી. કોઈનું સતત અપમાન કરી, મેણાંટોણાં કે શારીરિક ત્રાસ આપી, આંસુ પડાવવાનું કામ સહેલું છે, એમાં કાંઈ અઘરું નથી, પરંતુ આવા સતત ત્રાસથી મૃતપ્રાય બનેલ કોઈ નિરાધાર અસહાય નારીનાં આંસુ લુછવાનું, તેને સ્વમાનભેર જીવતાં શીખવવાનું, તેના જીવનમાં આનંદ ફેલાવવાનું કામ અત્યંત અઘરું છે. તે પણ એકાદ વ્યક્તિ નહીં પરંતુ હજારો નિરાધાર નારીઓનાં જીવનનું પરિવર્તન, કોઈ જ જાતના અંગત સ્વાર્થ વિના કરવું, એ અદભૂત કામને બીરદાવવા શબ્દો ઓછા પડે. આવાં તમામ મહાનુભાવોને શત શત પ્રણામ કરી, તેમના કાર્યમાં આપણે સૌએ યથાશક્તિ યોગદાન આપવું જ જોઈએ. આપણો અંગત સ્વાર્થ તજી, આવું પવિત્ર યોગદાન આપણે ક્યારે આપશું ?
આપણે શ્રીમંત છીએ એવું આપણું અહમ્ સંતોષવા કે સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધે એટલા માટે, ક્યારેક દાન કરીએ છીએ. પરંતુ એ શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશ અનુસાર નિષ્કામ કર્મ હોતું નથી. આપણા નામની તક્તી સંસ્થામાં મુકાય, લોકો આપણી વાહ વાહ કરે એટલી અપેક્ષા મનમાં જરુર છુપાયેલી હોય છે. આપણે દાનેશ્વરી છીએ, એવું આપણું અભિમાન સંતોષાય એવી કોશિષ કરીએ છીએ. ઉપરોક્ત મહાન મહિલાઓ તથા પરમ સંતે પોતાનું જીવન પરમાત્માને ચરણે ધરી દીધું. બીજાના જીવનમાં આનંદ પ્રગટાવવા એમણે પોતાના આનંદને ગૌણ માન્યો. એમની નિસ્વાર્થ સેવા માટે અભિનંદનના શબ્દો ઓછા પડે. બીજાના જીવનમાં સુગંધ ફેલાવવા, એમણે કાંટાળા માર્ગની પરવા ન કરી. એમના જેટલું ઉચ્ચ કક્ષાનું જીવન ન બનાવી શકીએ, પણ તેમના કાર્યને આગળ ધપાવવા કાંઈક નાનકડું યોગદાન આપી શકીએ, એ પણ નિષ્કામ સેવા છે. સ્વાર્થી જીવન તો સહુ જીવે, તેમાં કાંઈ વિશેષતા નથી, એને પશુજીવન કહી શકાય. નિષ્કામ ભાવે બીજાના જીવનમાં આનંદ પ્રગટાવવાને જ સાચું માનવજીવન કહી શકાય.
*****
| Comments |
|


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’