તમને ઇન્ટરનેટ પર લખવાનું ગમે? આ કૉલમની જેમ ઇન્ટરનેટ વિશે લખવાની વાત નથી. ઇન્ટરનેટ પર બ્લોગ જેવું કંઈક લખવાની પણ વાત નથી. આ તો સીધેસીધું ઇન્ટરનેટ પર લખવાની વાત છે!
ગૂંચવાયા? સોરી, મૂળ વાત એમ છે કે તમે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હો અને કોઈ વેબસાઇટ જોતાં એવો વિચાર આવી જાય કે આ પેજ પર અપેલી માહિતી તમારા મિત્રને પણ કામ લાગે એવી છે, અને પેલી ફ્રિઝ પર કે કાગળ પર ચોંડાડી શકાય એવી પીળી પોસ્ટઇટ નોટ તમે એ વેબપેજ પર ચોંટાડી દો અને ધડાધડ તેના પરત તમારા મિત્રને ઉદ્દેશીને સંદેશો લખી નાખો આવી સગવડ મળે તો ગમે?
હજી વાત ગૂંચવણભરી લાગે છેને? ઓકે, નો પ્રોબ્લેમ. પહેલાં સાદી સમજણ મેળવી લઈએ. ધારો કે તમે બેત્રણ મિત્રો એક પ્રોજેક્ટ પર પ્રેઝન્ટેશન બનાવી રહ્યા છો. એ માટે તમારે ઇન્ટરનેટ પર જુદી જુદી વેબસાઇટ જોઈને માહિતી ભેગી કરવાની છે. તમે પોતે ત્રણચાર સાઇટ જોઈ અને એમાં એકમાં આપેલી માહિતી જોઈને તમને લાગ્યું કે બીજા મિત્રો સાથે શેર કરીને તેના વિચાર જાણવા જોઈએ. જૂનો રસ્તો, એ પેજની લિંક મિત્રોને મેઇલ કરવાનો છે. નવો રસ્તો, એ વેબસાઇટ પર એક નોટ ચોંટાડી દેવાનો છે, જે વાંચીને તમારા મિત્રો એના પર તેમના વિચાર લખી નાખે. માહિતી અને વિચારોની આપલે કરવાની આખી વાત કેટલી સરળ બની જાય?
તો હવે આપણે સીધી જ, આ એક મજાની સર્વિસ આપતી સાઇટ પર પહોંચી જઈએ અને તેનો ઉપયોગ શરૂ કરી દઈએ. વાત કામની છે એટલું નક્કી.
તો પહોંચો (www.writeonglass.com) સાઇટ પર. ઇચ્છો તો હોમપેજ પર આપેલી માહિતી પર નજર ફેરવી લો અથવા, તમારા આ દોસ્ત પર ભરોસો રાખીને સીધા ‘જોઇન ગ્લાસ નાઉ’ પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરી તમારું ખાતું ખોલાવી લો (ભરોસો રાખ્યા વિના, બીજું બધું વાંચી લીધુંને? ગુડ! વાંચ્યા વિના ક્યાંય સહિ ન કરવી!). એટલું યાદ રાખશો કે આ સર્વિસ હાલમાં માત્ર ફાયરફોક્સ અને ક્રોમમાં જ ચાલે છે. તમારું ખાતું ખોલાવશો એટલે આ સર્વિસ તમારા બ્રાઉઝરમાં એક એડઓન ઉમેરશે. બ્રાઉઝર કહેતું જાય એમ એડઓન ઇન્સ્ટોલ કરી લો. હવે એક વાર બ્રાઉઝર રીસ્ટાર્ટ થશે અને પછી તેના એડ્રેસબારમાં એક ‘જી’નું બટન જોવા મળશે. આટલું થયું એટલે તમે ઇન્ટરનેટ પર લખવા માટે તૈયાર થઈ ગયા!
હવે તમે બીજી કોઈ પણ સાઇટ પર પહોંચો. કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે તો એડ્રેસબાર પાસેના ‘જી’ના બટન પર ક્લિક કરો. એક નાની એવી વિન્ડો ખૂલશે. એમાં તમારો સંદેશો લખો. નીચે તમારા મિત્રનો ઇમેઇલ આઇડી લખો અને ‘પોસ્ટ’ પર ક્લિક કરી તમારી ટપાલ રવાના કરો. હવે તમે જેને આ પોસ્ટ મોકલી એ મિત્રને એક મેઇલ મળશે અને તેઓ પણ તેમના બ્રાઉઝરમાં ગ્લાસ ઇન્સ્ટોલ કરશે એટલે તેમને તમારો સંદેશો દેખાશે. એ તમારી ટપાલનો જવાબ લખશે તો એ વળી તમને દેખાશે!
ઉપરાંત, આ પ્રક્રિયામાં તમે નોંધ્યું હશે કે ‘જી’ના બટન પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે છે તેમાં ન્યૂ સ્લાઇડની સાથે ફીડનો પણ ઓપ્શન છે. આ ફીડમાં જઈને તમે તમે જે તે નોટ (કે કહો કે સ્લાઇડ) બીજાને મોકલી હોય તેનું લિસ્ટ તમને જોવા મળશે. અહીં જ તમને, તમારા મિત્રોએ મોકલેલી સ્લાઇડ કે તમારી સ્લાઇડ પર તેમણે લખેલા રીપ્લાય વાંચવા મળશે.
મૂળ તો આ સર્વિસ, આખા ઇન્ટરનેટને આવરી લેતા એક ગ્લાસ કાચના લેયર તરીકે કામ કરે છે. મજાની વાત એ છે કે તમે તમારા મિત્રો સાથે જે કંઈ નોટની આપલે કરો છો એ માત્ર તમે અને તમારા મિત્રો જ જોઈ શકે છે. અલબત્ત, ઇચ્છો તો તમારી નોટ્સને પબ્લિક બનાવી શકો છો.
ઉપરાંત, તમે સાઇટ પર જે કંઈ લખો છો એનાથી સાઇટ પર કોઈ અસર થતી નથી. સાઇટના સંચાલકને પણ એ વિશે કંઈ ખબર પડતી નથી. વાત તમારા ગૃપ પૂરતી જ સીમિત રહે છે. તમે તમારા ખાતામાં ઊંડા ઊતરીને પહેલેથી જ તમારા વિવિધ ઇમેઇલ એકાઉન્ટમાંના મિત્રોને આ સર્વિસમાં જોડાવા માટે આમંત્રણ આપી શકો છો.
અલબત્ત, યાદ રાખજો કે તમારી નોટ પર પોતાના વિચાર ઉમેરતા તમારા મિત્ર, તેના કોઈ ત્રીજા મિત્રને તમારી નોટ મોકલી શકે છે. મતલબ કે આ સર્વિસનો ખરેખર યોગ્ય કામ માટે જ ઉપયોગ કરવામાં તમારી ભલાઈ છે જરા સંભાલ કે!
| Comments |
|
|
||||||||






