ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાયવાચી ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે ત્યાં તો એમાંથી સરી પડે! આવી ફિલિંગ થવી એ પણ ઓસ્સમ છે!
અત્યારે મોંઘવારી ને કલમાડી ને રાજા ને ઇન્ડિયાની નબળી બોલિંગ ને પછી બેટિંગ ને એમાં પાછી ૯થી ગમે ત્યાં સુધી ચાલે એવી નોકરી ને... એ બધા કકળાટમાં આપણે આપણી આસપાસ, રોજેરોજ, ક્ષણે ક્ષણે કેટકેટલું ઓસ્સમ બનતું હોવા છતાં, એમાંથી ઘણું ખરું અથવા તો કશું જ જોઈ કે માણી શકતા નથી.
રોજેરોજ તમે આવી કેવી કેવી જાતભાતની મજા ગુમાવો છો એ જાણવું હોય તો પહોંચો આ ઓસ્સમ બ્લોગ (1000awesomethings.com/) પર.
તમે કબાટમાં ગડી વાળીને મૂકેલાં કપડાં ઊંચાંનીચાં કરીને ચશ્મા શોધતા હો અને જે ખોવાઈ છે એવી જાણ પણ ન હોય એવી રૂપિયાની થોકડી મળી આવે તો કેવી મજા પડે? નારંગીની છાલ છોલવાની શરૂ કરો અને એક ઝાટકે આખે આખી છાલ છોલાઈ જાય તો મજોમજો થઈ જાય કે નહીં? તમે કોઈ સાથે ફોન પર હો અને સામેની વ્યક્તિએ મસ્ત મીઠડું સ્માઇલ આપ્યું એ ‘સાંભળી’ શકો ત્યારે દિલ કેવું બાગ બાગ થઈ જાય? કોઈ અજાણ્યો ચહેરો સતત આંખ સામે તરવરતો હોય અને અચાનક ઝાટકો થાય કે આ તો પેલા ભાઈ, ત્યારે? રસ્તે ચાલ્યા જતા હો અને ક્યાંક વરસાદ પડ્યાની ભીની મહેક ઊઠે તો?
આ બધું જ, અથવા આમાંનું કંઈ ને કંઈ રોજેરોજ આપણી આસપાસ પણ બનતું હોય છે, ફક્ત આપણે એ તરફ ધ્યાન નથી આપતા. આપણને તો આપણા કાયમી કકળાટ જ કોટે વળગાડીને ફરવું ગમે છે.
મૂળ ભારતીય પિતાના સંતાન અને કેનેડામાં ઉછરીને સ્થાયી થયેલા નીલ પસરીચા પણ છે તો આપણામાંના જ એક, એમને પણ એમના કકળાટ સતાવતા હતા પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા, ખાસમ્ખાસ દોસ્તાર ગંભીર ડીપ્રેશનમાં સરી પડ્યો હતો... પણ આ મોટી તકલીફોમાંથી રસ્તો શોધવા એમણે જિંદગીની નાની નાની ખુશી તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એમાંથી આ ખુશી વહેંચવાનો વિચાર આવ્યો અને એમાંથી જન્મ્યો એમનો બ્લોગ.
આજે બે વર્ષમાં આ બ્લોગ સીએનન, બીબીસી, વાયર્ડ, ધ ગાર્ડિયન, ધ ન્યૂ યોર્કર, ધ સન્ડે ટાઇમ્સ, ચાઇના ડેઇલી, ધ જાકાર્તા પોસ્ટ, ટેડ જેવા જાણીતા મીડિયા પ્લેટફોર્મ અને રીડર્સ ડાઇજેસ્ટના તાજા અંક સુધી પહોંચી ગયો છે (જે વંચાયા પછી, આ બ્લોગ કળશ સુધી પણ પહોંચ્યો!). આ બ્લોગને હવે ૬૦,૦૦૦ જેટલા લોકો (રોજના, કુલ નહીં!) વિઝિટ કરે છે, બ્લોગને ધ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ ડિજિટલ આટર્સ એન્ડ સાયન્સ તરફથી પ્રતિષ્ઠિત વેબી એવોર્ડ પણ મળ્યો છે. બ્લોગની એન્ટ્રીઝનાં પુસ્તક બન્યાં છે, નીલ પસરીચા પશ્ચિમી દેશોની મીડિયા સર્કિટમાં હોટ ન્યૂઝ બની ગયા છે!
તો આખી વાતનો સાર? એ જ કે, બ્લોગને ફક્ત સહેલી કમાણીના સાધન તરીકે ન જુઓ. ખુદની અભિવ્યક્તિ માટે બ્લોગ એક ખરેખર બહુ સશક્ત ને મજાનું માધ્યમ છે, ખરેખર તો ખુદની ઓળખ માટે પણ આ માધ્યમ અજમાવવા જેવું છે.
આ ઓસ્સમ બ્લોગ જેવી જ, પણ ઓછી જાણીતી એક બીજી સાઇટ છે thingstobehappyabout.com. આ સાઇટનાં સર્જક ડૉ. બાર્બરા એન કીફરે ૪૫ વર્ષ પહેલાં, પોતાની મમ્મીની પ્રેરણાથી રોજબરોજની જિંદગીમાં બનતી નાની નાની મજાની વાતો અને જીવનમાં ઉતારવા જેવી વાતો નોટબુકમાં લખી રાખવાનું શરૂ કર્યું. એમાંથી વર્ષો વીતતાં ‘૧૪૦૦૦ થિંગ્ઝ ટુ બી હેપ્પી અબાઉટ’ પુસ્તક જન્મ્યું અને પછી વેબસાઇટ સર્જાઈ. બિબાંઢાળ સેલ્ફહેલ્પ બુક્સથી બિલકુલ અલગ. જોકે વેબસાઇટ કરતાં, એની જરા જુદી રીતે માણશો તો વધુ મજા આપશે. જુદી એટલે કઈ રીતે? આપણી આ સફરના તમે જૂના સહયાત્રી હશો તો મોટા ભાગે તમે ગૂગલની, તમારું પોતાનું હોમપેજ બનાવવાની સગવડ આપતી આઇગૂગલ (www.google.com/ig) સર્વિસનો ઉપયોગ શરૂ કર્યો હશે. એમાં તમે ‘૧૪૦૦૦ થિંગ્ઝ ટુ બી હેપ્પી અબાઉટ’ અને ‘વડર્ઝ ઓફ વિઝડમ’ શબ્દો સર્ચ કરીને મળતાં ગેજેટ્સ એડ કરશો તો સતત તાજાં તાજાં, ટચૂકડાં ૪૫ વાક્યો વાંચવા મળશે. આ જ વેબસાઇટનું સેલ્ફ મેડિટેશન ગેજેટ ઉમેરશો તો સમજાશે કે આ વિદેશી લેખિકા હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં પણ ઊંડાં અભ્યાસુ છે.
ક્યારેક આવા બ્લોગવેબસાઇટ તરફ પણ નજર નાખજો, જિંદગી જોવાની નજર બદલાશે.