ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝએક્સપ્લોર કરજો એક્ઝામ પછી!

એક્સપ્લોર કરજો એક્ઝામ પછી!

પરીક્ષાઓ બિલકુલ માથે આવી પહોંચી છે, વાતાવરણમાં ટેન્શન વધવા લાગ્યું છે... તો આપણે આ સ્થિતિનો લાભ લઈએ! એવી વાત કરીએ જેમાં  હોપફૂલ્લી વિદ્યાર્થીઓને અને એમનાં ટેન્શનગ્રાસ્ત માતાપિતાને બહુ રસ ન પડે, પણ જે લોકો માટે અત્યારના સમયમાં પણ ઓફિસના કામકાજનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે એમને આ વાત કંઈક ઉપયોગી થાય.

ઓફિસનું કામ ઘરે લાવવું એ આમ તો બિલકુલ સલાહભર્યું નથી, એમ ઘરનું કામ ઓફિસમાં કરવું એ પણ ઠીક નથી. પણ, અત્યારના સમયમાં કામ અને કામના સ્થળની આવી અદલાબદલી મોટા ભાગે અનિવાર્ય બની રહી છે. હવે જે કર્યા વિના છૂટકો જ નથી, એ વધુ સારી રીતે અને વધુ સહેલાઈથી કરવાનો પ્રયાસ શા માટે ન કરવો? એટલે જ, આજે વાત કરીએ તમારા ઓફિસના અને ઘરના કમ્પ્યુટર તથા લેપટોપ, સ્માર્ટફોન વગેરેને સિંક કરવામાં મદદ કરતી કેટલીક ઓનલાઈન સર્વિસીઝની.

આ માટે તમે ડ્રોપબોક્સ (www.dropbox.com), લાઇવ મેશ (www.mesh.com), સિંકપ્લીસિટી (www.syncplicity.com), સ્પાઇડરઓક (www.spideroak.com), સુગરસિંક (www.sugarsync.com), ફાઇલશેર એચક્યુ (www.filesharehq.com) વગેરે વગેરેનો ઉપયોગ કરી શકો છો. આમાંની ઘણી ખરી સર્વિસ મર્યાદિત ઉપયોગ માટે મફત છે, એ મર્યાદાથી વધુ તેમનો ઉપયોગ કરવો હોય તો પૈસા ખર્ચીને પ્રીમિયમ એકાઉન્ટ ખોલાવવાં જરૂરી બને છે. જોકે મોટા ભાગના વાચકો માટે મોટા ભાગે મળતી ૨ જીબી સુધીની મફત ઉપયોગની મર્યાદા પૂરતી જ છે.

હવે સૌથી પહેલાં આ બધી સર્વિસ કયા બેઝિક પ્રિન્સિપલ પર કામ કરે છે એની વાત કરી લઈએ. પ્રમાણમાં મોટી અને લેન નેટવર્ક ધરાવતી ઓફિસમાં કામ કરતા લોકોને અનુભવ હશે કે તેઓ એકબીજાના કમ્પ્યૂટરમાં રહેલી ફાઇલ્સ એક્સેસ કરીને તેના પર કામ કરી શકે છે. આના મોટા ભાગે બે રસ્તા હોય છે, એક તો જે તે કમ્પ્ટયૂટરમાં રહેલી ફાઇલ કે ફોલ્ડરને શેર કરીને તેને એડિટ કરવાનો રાઇટ બીજાને આપવાનો. બીજો રસ્તો, જે તે ફાઇલને તમારા કમ્પ્યૂટરના શેર્ડ ફોલ્ડર્સમાં મુકવાનો છે. જોકે ત્રીજો એક રસ્તો પણ છે, જો ઓફિસ મોટી હોય અને તેનું પોતાનું સર્વર હોય તો જુદાં જુદાં પીસી પર કામ કરતા લોકો પોતાની ફાઇલ એ કોમન સર્વર પર જ સેવ કરી શકે છે, જેથી જે જે વ્યક્તિ પાસે રાઇટ હોય એ બીજાની ફાઇલ એક્સેસ કરી શકે. બસ બિલકુલ આવું જ હવે ઓનલાઇન થઈ શકે છે.

હમણાં હમણાંથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ શબ્દ બહુ ચર્ચાવા લાગ્યો છે તેના પાયામાં પણ આ જ વાત છે.

ઓનલાઇન અને ઓફલાઇન ફાઇલ્સ કે ફોલ્ડર્સ સિંક કરી આપતી સર્વિસીઝનાં પોતાનાં સર્વર હોય છે. તમે એ સર્વિસમાં તમારું એકાઉન્ટ ખોલાવો એટલે તેના સર્વર પર તમને ૨ જીબીની જગ્યા મળે. આ આખી વાત બેન્કમાં ખાતું ખોલાવવા જેવી છે. તમે બેંકમાં ખાતું ખોલાવો એટલે તમે બેંકની જુદી જુદી બ્રાન્ચ કે એટીએમમાંથી રૂપિયા ઉપાડી કે જમા કરી શકો છો. એ જ રીતે, ઓનલાઇન સર્વિસમાં તમે ખાતું ખોલાવીને તેમાં તમારી ફાઇલ્સ અને ફોલ્ડર્સ જમા કરો એ, પછી જુદાં જુદાં કમ્પ્યૂટર કે મોબાઇલ પરથી તેને એક્સેસ કરી શકો છો.

આ માટેની વિધિ, સદ્ભાગ્યે, બેંકમાં ખાતું ખોલાવવા જેટલી કડાકૂટભરી નથી. તમે કોઇ પણ એક સર્વિસ પસંદ કરો અને આગળ વધો. મોટા ભાગે તમારે એક નાનકડો પ્રોગ્રામ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનો રહેશે. પછી, ધારો કે તમે ડ્રોપબોક્સ સર્વિસ પસંદ કરી છે, તો એ સર્વિસ તમારા કમ્પ્યૂટરમાં તમે કહો ત્યાં ડ્રોપબોક્સ નામનું એક ફોલ્ડર બનાવશે. તમારે તમારી જે ફાઇલ્સ અને ફોલ્ડર્સ સિંક કરીને ઓનલાઇન અવેલેબલ કરવાં હોય તે આ ડ્રોપબોક્સ ફોલ્ડરમાં મૂકી દેવાનાં. તમારે તમારી ફાઇલ્સ બીજા જોઈ શકે એ રીતે રાખવી હોય તો પબ્લિક ફોલ્ડરમાં રાખવાની. તમે ઇચ્છો તો તમારાં અલગ અલગ કમ્પ્યૂટર પર ડ્રોપબોક્સનો પ્રોગ્રામ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. પછી તમારા પીસીના ડ્રોપબોક્સ ફોલ્ડરમાં રહેલી તમામ ફાઇલ્સ તમે ઓનલાઇન, ગમે ત્યાંથી ડ્રોપબોક્સની સાઇટ પર લોગઇન કરીને એક્સેસ કરી શકો છો. પછી તમારું પીસી ઓફ હોય ત્યારે પણ તમે તમારી ફાઇલ ઓનલાઇન જોઈ શકો છો. તમે વર્ડની કોઈ ફાઇલ કે કોઈ ગીત ડ્રોપબોક્સમાં મૂક્યું હોય તો તેને ગમે ત્યાંથી એક્સેસ કરીને તેના પર કામ કરી, ફરી તેને ડ્રોપબોક્સમાં અપલોડ કરી દો એટલે, એ ફાઇલનું નવું વર્ઝન તમારા પીસી, મોબાઇલ વગેરે પર પણ અપડેટ થઈ જશે!

છેલ્લે છેલ્લે ગીતની વાત વાંચીને કાન સરવા થયા? તમને સવાલ થશે કે આમાં વિદ્યાર્થીઓને કે તેમના ટેન્શનગ્રાસ્ત માબાપને રસ ન પડે એવું શું છે? આ તો બધાને કામની વાત છે. વાત સાચી, પણ એક્સપ્લોર કરજો એક્ઝામ પછી.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com