ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરઅરાઉન્ડ ધ વેબઇન્ટરનેટઃ દાયકામાં સૌથી દમદાર વિકાસ

ઇન્ટરનેટઃ દાયકામાં સૌથી દમદાર વિકાસ

વિજ્ઞાનમાં આપણે ગતિનો એક પ્રકાર ભણ્યા છીએ - પ્રવેગી ગતિ, એટલે કે સતત વધતી ગતિ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સાયબરજગત. ચાર દાયકા જોઈ ચુકેલા ઇન્ટરનેટે આજે દુનિયાની ચોથા ભાગની વસતીને ઓનલાઇન સાંકળી લીધી છે. ઇન્ટરનેટ સતત પ્રવેગી ગતિથી વિકસતું જાય છે અને એટલે જ ૨૦૦૧થી ૨૦૧૦ના દાયકામાં તેમાં ગજબ શબ્દ ઓછો પડે તેવાં પરિવર્તનો આવ્યાં છે. એક નજર આ દેખીતાં પરિવર્તનો પર...

  • બેન્ડવિડ્થમાં તેજ વધારો ઃ યાદ છે, એક સમયે આપણે મેઇલમાં કોઈ ફાઇલ કોઈને મોકલતાં પહેલાં કે કોઈ ગમતું ગીત ડાઉનલોડ કરતાં પહેલાં ચાર વાર વિચાર કરતા કેમ કે અપલોડ કે ડાઉનલોડની ગતિ બતાવતો બાર ગોકળગતિએ આગળ વધતો. ડાયલ અપનો જમાનો હવે એસટીડી બૂથ આગળની લાઇન જેટલો જૂનો લાગે છે કેમ કે આ દાયકામાં આવેલું બ્રોડબેન્ડ હવે કચ્છના ખૂણાના ગામ સુધી પણ પહોંચી ગયું છે અને હવે તો ચારેતરફ ૩જીનો થનગનાટ છે.
  • અફલાતૂન એજેક્સ ઃ આ શબ્દ તમને અજાણ્યો લાગશે, પણ સમજો કે આજનો ઇન્ટરનેટ એક્સપીરીયન્સ એક કાર છે, તો એજેક્સ એનું પેટ્રોલ છે. આ દાયકાની શરૂઆતમાં, એજેક્સ ટેક્નોલોજી વિકસીને ઉપયોગમાં લેવાતી થઈ તે પહેલાં, ઇન્ટરનેટ એક વિશાળ લાઇબ્રેરી સમાન હતું, ચૂપચાપ દાખલ થાઓ, વાંચો અને સૂનમૂન બહાર નીકળો. હવે થેન્ક્સ ટુ એજેક્સ, વેબસાઇટ ડોક્યુમેન્ટને બદલે એપ્લિકેશન્સ જેવી બની ગઈ છે, જ્યાં તમે વાંચવા ઉપરાંત ઘણું બધું કરી શકો, એ પણ ફટાફટ.
  • ઓપનસોર્સનો વાયરો ઃ માંડ એક દાયકા પહેલાં, ઇન્ટરનેટ જોવા માટે માઇક્રોસોફ્ટ કંપનીના ઇન્ટરનેટ એક્સપ્લોરરનો દબદબો હતો. આવી મોનોપોલી જેવી ટેક્નોલોજીને આ દાયકામાં સૌથી મોટી ચેલેન્જનો સામનો કરવાનો થયો ઓપનસોર્સ પ્રોજેક્ટ્સથથી, જેની આગેવાની લીધી ફાયરફોકસ બ્રાઉઝરે (જે તમે મફતમાં ડાઉનલોડ કરી શકો છો, આઇઇ પહેલાં મફતમાં ડાઉનલોડ થઈ શકતું નહોતું). ફાયરફોક્સ એક ઓપન સોર્સ પ્રોજેક્ટ છે, મતલબ કે અનેક આઇટી નિષ્ણાતો તેના પર કામ કરીને તેને સતત વિક્સાવે છે. એટલે જ તો ફાયરફોક્સને આધાર બનાવીને, ખાસ ભારતીય લોકો માટે એપિક જેવું બ્રાઉઝર તૈયાર થઈ શક્યું છે. તમે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યૂટ ખરીદવા ન માગતા હો તો ઓપનઓફિસ સ્યૂટ મફતમાં ડાઉનલોડ કરી શકો છે, તે આ ઓપનસોર્સના પ્રતાપે.
  • સોશિયલ નેટવર્કિંગ ઃ આ દાયકામાં ભરપૂર ફૂલેલા ફાલેલા સોશિયલ નેટવર્કંિગે ઇન્ટરનેટની સિકલ ફેરવી નાખી છે. ત્યાં સુધી કે ઇન્ટરનેટની ઓળખ બની ગયેલા ગૂગલને પણ સોશિયલ જાયન્ટ ફેસબુકે પાછળ રાખી દીધું છે. હવે લોકો ગૂગલ કરતાં ફેસબુક પર વધુ સમય વ્યતિત કરે છે. ફેસબુક, ટ્વીટર, માયસ્પેસ, લિંક્ડઇન જેવી આ દાયકામાં આવેલી સાઇટ્સથી લોકોની જીવનશૈલી જ બદલાઈ ગઈ છે. આ સાઇટ્સની લાક્ષણિકતા જ કંઈક એવી છે કે વાસ્તવિક જીવનમાં ઘણું છૂપાવી શકતા લોકો વિશે અહીં તમે ઘણું ઘણું જાણી શકો છો. ભાવિ જીવનસાથી કે એમ્પ્લોયીને હા પાડતાં પહેલાં એની અંગત જિંદગી વિશે આ સાઇટ્સ ઘણું કહી શકે છે.
  • અસંખ્ય એપ્લિકેશન્સ ઃ આગળ જણાવેલી બાબતોએ ઇન્ટરનેટની આજ બદલી નાખી છે, તો આ છેલ્લી બાબત તેની આવતી કાલ બદલી નાખે તેવી શક્યતા છે. ૨૦૦૧થી શરૂ થયેલી ઇન્ટરનેટની તેજ ગતિ ૨૦૧૦ આવતાં સુધીમાં એવી પ્રવેગી બની ગઈ છે કે હવે તે વેબ બ્રાઉઝર્સની મર્યાદામાં રહે તેમ નથી. નિષ્ણાતો ભાવિ ભાખે છે કે હવે ઇન્ટરનેટ જીવશે પણ વેબ મરશે. એટલે કે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કમ્પ્યૂટરના વેબ બ્રાઉઝર પર ઓછો કરશે અને મોબાઇલ, આઇપોડ કે ટેબલેટ જેવાં અન્ય સાધનો પર  અસંખ્ય એપ્લિકેશન્સની મદદથી  વધુ કરશે. અત્યારે સ્માર્ટફોન્સનું વેચાણ જે ઝડપે વધવા લાગ્યું છે તે જોતાં  અને ૩જીને ધ્યાનમાં લેતાં  આ દિવસો બિલકુલ દૂર નથી

આ દાયકાની વેબસાઇટ્સ

  • વિકિપીડિયા (૨૦૦૧) ઃ દાયકાની શરૂઆતમાં લૉન્ચ થયેલી આ વેબસાઇટે વર્ષોથી મહાકાય, મહાકિંમતી ગ્રાંથોમાં એન્સાયક્લોપીડિયા રૂપે કેદ રહેલા જ્ઞાનને બિલકુલ આંગળીના ટેરવે સુલભ બનાવી દીધું છે. લોકો લખે, લોકો જ એડિટ કરે અને લોકો મંજૂર કરે એવા કન્ટેન્ટ સાથેની નવતર પ્રકારની ઇન્ટરનેટ પરની ‘વિકિ’ જેવી અદભૂત પ્રક્રિયાને ગજબની ઊંચાઈએ પહોંચાડી છે આ વિકિપીડિયાએ.
  • ગૂગલ ન્યૂઝ (૨૦૦૨) ઃ  જેના પાયામાં એક ભારતીય - ક્રિષ્ના ભારત - નું ભેજું છે એવી ગૂગલની આ સર્વિસે પત્રકારત્ત્વમાં પાયાથી પરિવર્તન લાવી દીધું છે. કોઈ પણ અખબાર ગમે તેટલું નિષ્પક્ષ હોય તો પણ, અંતે તો એ તેના જે તે તંત્રીસંપાદકના મગજને આધીન હોય છે. જ્યારે ગૂગલ ન્યૂઝ કમ્પ્યૂટર જનરેટેડ સાઇટ છે જે સતત દુનિયાભરના પચીસ હજાર જેટલા સમાચાર સ્ત્રોતો પર નજર ફેરવીને, એક જ સમાચાર અંગે વિવિધ સમાચારસ્ત્રોતોની હેડલાઇન્સ વાચક સમક્ષ મૂકે છે. મંતવ્યોમાંથી સત્ય તારવી લેવાનું કામ વાચકનું!
  • વર્ડપ્રેસ (૨૦૦૩) ઃ ‘ઇન્ટરનેટ એટલે મૂળ તો વાંચવાની બાબત’ એવી સામાન્ય વ્યાખ્યા વર્ડપ્રેસે બદલી નાખી અને ટેક્નોલોજી જેમનો વિષય કે આવડત નથી એવા લોકોને પણ ઇન્ટરનેટ પર સક્રિય કરી દીધા. સ્પેનનાં ૯૦ વર્ષનાં દાદીમા અને કવિતાપ્રેમી ગુજરાતી ગૃહિણીથી માંડીને નેટટેક્નોલોજી સિવાયના વિષયના માંધાતાઓ પોતાની વેબસાઇટ જેવા બ્લોગના સ્વરૂપમાં દિલની વાત અનેક લોકો સુધી પહોંચાડે છે વર્ડપ્રેસની મદદથી અને કમાણી કરે છે ગૂગલ એડસેન્સ (જે પણ ૨૦૦૩માં લૉન્ચ થઈ) જેવી સર્વિસની મદદથી.
  • સ્કાઇપ (૨૦૦૩) ઃ દુનિયાભરમાં પથરાયેલા ૫૨ કરોડ જેટલા લોકો આ અત્યંત લોકપ્રિય ‘વોઇસ ઓવર આઇપી’ સર્વિસની મદદથી, મફત સ્કાઇપ ટુ સ્કાઇપ કૉલ્સની મદદથી એકમેકના જીવંત સંપર્કમાં રહે છે. ઇન્ટરનેટ પર આધારિત હોવા છતાં આ કૉલિંગ સર્વિસ વિડિયો કોન્ફરન્સિંગ સહિત અદભૂત ગુણવત્તાભર્યું કામ આપે છે.
  • ફેસબુક (૨૦૦૪) ઃ આ સર્વિસ અત્યારે એટલી બધી લોકપ્રિય બની છે કે તમે ‘ફેસબુક શું છે?’ એવું પૂછવાની હિંમત પણ ન કરી શકો. ૫૦ કરોડથી વધુ લોકો જેના પર એક્ટિવ છે એવી આ ફેસબુક અત્યારે સોશિયલ નેટવર્કિંગનો પર્યાય બની ગઈ છે.
  • ફ્લિકર (૨૦૦૪) ઃ ફોટોગ્રાફીની દુનિયામાં રોલ ‘ધોવડાવવાની’ ઝંઝટ મટી અને ખિસ્સે ખિસ્સામાં ડિજિટલ કેમેરાનો યુગ શરૂ થયો ત્યારથી દુનિયામાં ફોટોગ્રાફના પ્રમાણમાં અનહદ વધારો થયો હશે. આવા નવાસવા અને અસલ ફોટોગ્રાફર્સ માટે ફોટો શેરિંગ સહેલું બનાવ્યું ફ્લિકરે. ફ્લિકરના જન્મ પછી એક આલ્બમ બે જણા હોંશથી સાંકડમુકડ બેસીને જુએ એ જમાનો વીતી ગયો અને એક સાઇટ પર અપલોડ કરેલા ફોટોગ્રાફ આખી દુનિયામાં અનેક લોકો - પોતાની ફુરસદે  જોતા થયા.
  • યુટ્યૂબ (૨૦૦૫) ઃ વધતી બેન્ડવિડ્થ સાથે ઇન્ટરનેટની સ્પીડ વધી એટલે નેટ પર વાંચવા ઉપરાંત ‘જોવા’નું પ્રમાણ પણ ગજબનું વધ્યું. હવે દર મિનિટે ૨૪ કલાકથી વધુ સમયની કુલ લંબાઈના વિડિયોઝ યુટ્યૂબ પર અપલોડ થાય છે. આ સાઇટના અગણિત દર્શકો છે અને સાઇટ પર હજારો શોર્ટફિલ્મ, ટીવીશોના એપિસોડ્ઝ અને અસંખ્ય ફૂલ લેન્ગ્થ ફિલ્મ્સ પણ જોઈ શકાય છે.
  • ટિ્વટર (૨૦૦૬) ઃ મનની વાત કહો, ફક્ત ૧૪૦ કેરેક્ટર્સમાં  ગમે ત્યાંથી, ગમે ત્યારે! લોકોને આ આઇડિયા ગમે ગયો અને માઇક્રોબ્લોગિંગનો નવો યુગ શરૂ થયો. ૨૦૦૮ના યુએસ પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં ઓબામાએ તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને ૨૦૦૯માં ઇરાનમાં ચૂંટણી દરમિયાન વિરોધ પ્રદર્શિત કરવા માટે પણ ટિ્વટરનો ઉપયોગ થયો.

પાછલાં બેત્રણ વર્ષમાં ઉપર જણાવેલી મોટા ભાગની સાઇટ્સનાં નવાં વર્ઝન્સ લૉન્ચ થયાં છે અને સાઇટ્સ વેબ બ્રાઉઝર્સની મર્યાદાઓ ઓળંગીને આગળ વધી રહી છે. હવે એવો સમય આવે છે, જેમાં તમારે ઇન્ટરનેટ પાસે જવાની જરૂર નથી, ઇન્ટરનેટ તમારી પાસે, વધુ ને વધુ નજીક આવી રહ્યું છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

અરાઉન્ડ ધ વેબમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com