ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગટિ્વટરનું નવું વર્ઝન

ટિ્વટરનું નવું વર્ઝન

ઓન્લી ચેન્જ ઇઝ પરમેનન્ટ. આ જાણીતી કહેવત ઇન્ટરનેટને પણ બરાબર લાગુ પડે છે  અહીં તો કદાચ વધુ પડતી લાગુ પડે છે કેમ કે અહીં બધું સતત બદલાતું જ રહે છે.

ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી હતી તેમ ટિ્વટર પણ હવે બદલાયું છે અને એનું વર્ઝન લૉન્ચ થઈ ગયું છે. એમાં ઊંડા ઊતરતાં પહેલાં, ટિ્વટરનું નામ તો સાંભળ્યું હોય, પણ એ આખરે છે શું એવું બીજાને પૂછતાં જે લોકો અચકાતા હોય તેમના માટે થોડી સ્પષ્ટતા...

ઇન્ટરનેટ પરની વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ (એટલે શું, એવું તો નહીં પૂછોને?) જેવી એક છે આ ટિ્વટર. માર્ચ ૨૦૦૬માં શરૂ થયેલી આ સર્વિસ ગજબની લોકપ્રિય નીવડી છે. એની ખરી મજા એની સરળતામાં છે. તમે ટિ્વટરની સાઇટ પર જઈને, બીજી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને કે સીધા ફોન પરથી જ ટિ્વટર પર ટિ્વટ કરી શકો. શરૂઆત કરવા માટે, તમે ટિ્વટરની સાઇટ પર જઈને એકાઉન્ટ ખોલાવો. વિધિ પૂરી થતાં જ, ટિ્વટર તમને પૂછશે કે ‘કેમ છો? શું ચાલે છે?’ શરત એટલી કે તમારે જવાબ ફક્ત ૧૪૦ કેરેક્ટરમાં આપવાનો. એ બોક્સમાં તમે જે કંઈ લખો તે ટિ્વટ કહેવાય. તમે ગુજરાતીમાં પણ ટિ્વટ કરી શકો. તમે કોઈ પણ સાઇટ પર હો અને તેમાં ખાસ સગવડ હોય તો જે તે લેખ, વિડિયો, ફોટો વિશે ટિ્વટ કરી શકો, જેમાં એ પેજની લિંક ઉમેરાઈ જાય.

તમારી જેમ દુનિયાભરના અનેક લોકો સતત અનેકવિધ વિષય પર ટિ્વટ કરતા રહે છે. તમે એમાંથી જેને ઇચ્છો તેને ફોલો કરી શકો, એટલે કે તેમના ટિ્વટ તમારા હોમપેજ પર છલકાતા રહે. એ રીતે, બીજા લોકો તમને ફોલો કરતા હોય તો તમે જે કંઈ ટિ્વટ કરો તે તેમના હોમપેજ પર દેખાય.

આ આખી વાતમાં ખરેખર મજા ‘ઇન્સ્ટન્ટ થોટ’ની છે. ‘શું લખું’એવું તમે વિચારવા બેસો અને પછી કંઈક લખો એના કરતાં મનમાં જે આવ્યું તે ધડાક દઈને લખી નાખો તો સૌને તમારો ખરો પરિચય થાય (જો એવું તમે કરવા માગતા હો તો!). જેમ કે અમદાવાદમાં રોડ પર ડિવાઇડર બની ગયા પછી, રોંગસાઇડમાં શોર્ટકટ લેતા લોકોને જોઇને તમને ત્રાસ થતો જ હશે. તમે ટિ્વટર પર જઈને જુઓ તો સમજાય કે ‘અચ્છા આપણી જેમ આ વાત અમિતાભ બચ્ચનને પણ ત્રાસજનક લાગે છે’કારણ કે તેઓ આવી ઝીણી ઝીણી વાતો વિશેની અકળામણ ઘણી વાર ટિ્વટર પર ઠાલવતા રહે છે.

અમિતાભ બચ્ચનનું નામ વાંચીને ટિ્વટરમાં વધુ રસ પડ્યો હોય, તો જાણી લો કે એમના જેવી અનેક, અલગ અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઝની નજીકની ઓળખ ટિ્વટર પર મળે.

હવે વાતમાં ખરેખર રસ પડ્યો હોય તો વાત કરીએ ટિ્વટરના નવા વર્ઝનની. પહેલાં લખ્યું તેમ ટિ્વટરની ખરી મજા ફક્ત ૧૪૦ કેરેક્ટરની મર્યાદામાં છે, પણ હવે ટિ્વટર પણ સ્વીકારે છે કે બધી વાત એટલા ટૂંકામાં કહી શકાય નહીં (હવે તો ટિ્વટ્સની નવી ભાષા પણ વિકસી રહી છે). એમાંય આજે દરેક મોબાઇલમાં વિડિયો કેમેરા હોય ત્યારે લોકો તેમની અભિવ્યક્તિ માત્ર શબ્દોથી નથી કરતા.

એટલે ટિ્વટરમાં શાબ્દિક ટિ્વટ્સ ઉપરાંત અન્ય મીડિયા પણ ઉમેરાયા અને નવા વર્ઝનમાં તેને જોવા સાંભળવાનું સહેલું બનાવવામાં આવ્યું. નવી ડિઝાઇનમાં, તમે તમારા પોતાના કે બીજાના ટિ્વટર પેજ પર હો ત્યારે કોઈ પણ ટિ્વટ પર માઉસ ફેરવતાં, જમણે ખૂણે એક એરો દેખાય છે, તેના પર ક્લિક કરતાં જમણી તરફ એક પેનલ ખૂલે છે, જેમાં તમે જે તે ટિ્વટમાં કોઈ વિડિયો કે ફોટોગ્રાફની લિંક આપી હોય તે ટિ્વટર પર જ જોઈ શકો છો. એ જ રીતે, એ ટિ્વટ અને તેના લેખકને લગતી બીજી માહિતી પણ એ પેનલમાં જોઈ શકાય છે.

એ રીતે બીજા કોઇ પેજ પર ગયા વિના તમે જે તે વ્યક્તિના મિનિ પ્રોફાઇલ જોઇ શકો છો. ટિ્વટ કરવાનું હવે વધુ સહેલું બન્યું છે અને હવે શક્યતા એવી છે કે લોકો બીજી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવાને બદલે સીધા ટિ્વટર પર જઈને ટિ્વટ કરવાનું પસંદ કરશે.

એકંદરે, ટિ્વટરના નવા વર્ઝનમાં માત્ર ડિઝાઇન નથી બદલાઈ, યુઝરના એક્સપિરીયન્સ પર વધુ ધ્યાન અપાયું છે અને એ વાત જ નવી ડિઝાઇનને વખાણવા લાયક બનાવે છે.

જોકે હજી બધું જ પરફેક્ટ છે એવું નથી. બીજાના ટિ્વટમાં તમારો વિચાર ઉમેરીને તમારે તેને તમારી દુનિયામાં વહેતો મુકવો હોય તો કામ હજી કડાકૂટભર્યું છે. ટિ્વટરના અઠંગ યુઝર્સને તો હજી કહે છે કે યે દિલ માંગે મોર, પણ એની વિગતોમાં ઊંડા ઊતરવા જેટલા, આ લખનાર સહિત, આપણે ટિ્વટરફેન નથી એવું સ્વીકારીને વાતને અહીં અટકાવીએ.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com