જેવું આખા ઇન્ટરનેટનું છે એવું જ સોશિયલ નેટવર્કિંગનું છે ખરેખર કામનું હોય એવું કંઇ પણ શોધતાં નાકે દમ આવી જાય! કેમ કે જેમ ઇન્ટરનેટ પર નકામા કચરાનો ગંજાવર ઢગ છે એમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ મોટા ભાગે અર્થ વગરની આપલે જ થયા કરતી હોય છે. એ સ્થિતિનો સામનો કરવો હોય તો?
તો તમારે તમારી લીટી મોટી કરવી પડે. એટલે કે તમને જે ખરેખર સારું ને અન્યોને ઉપયોગી થશે એવું લાગતું હોય એ અન્યો સાથે શેર કરવું પડે (ફરી આવ્યો પાઘડીનો વળ છેડે દુનિયાને હવે શેરિંગ વિના ચાલવાનું જ નથી!).

તમે ઘણી બધી સાઇટ પર ‘ગમતાંનો ગુલાલ’કરવાની એટલે કે જે તે વેબપેજને બીજા સાથે શેર કરવાની ભલામણ કરતી સગવડ જોઈ હશે. મોટા ભાગે આપણે એનો ઉપયોગ કરતા નથી કેમ કે કામ થોડું કડાકૂટભર્યું હોય છે. હવે ફાયરફોક્સે આ કામ એકદમ સહેલું કરી આપ્યું છે - એફવન નામના એક નવા એડ-ઓન સ્વરૂપે (બ્રાઉઝરની અંદર, તમારી જરૂરિયાત અનુસાર ઉમેરી શકાતી નાની નાની સગવડને એડ-ઓન કહે છે, ફાયરફોક્સ, આઇઇ, ગૂગલ ક્રોમ વગેરેમાં આવાં સંખ્યાબંધ એડ-ઓન્સ ઉમેરી શકાય છે મફતમાં - ક્યારેક થોડા ઊંડા ઊતરજો). આપણે જેની વાત કરતા હતા એ ફાયરફોક્સનું નવું એડ-ઓન તમે અહીં (https://addons.mozilla.org/en-US/firefox/addon/252539/)થી ડાઉનલોડ કરી શકો છો અને તેના વિશે વિગતવાર માહિતી અહીંથી (http://f1.mozillamessaging.com/)મળશે.
આ એડઓન તમારા ફાયરફોક્સમાં ઉમેરાઈ જાય એટલે એક વાર બ્રાઉઝર રીસ્ટાર્ટ કરવું પડશે. પછી, તમે કોઈ પણ સાઇટ જોતા હો અને લાગે કે આ પેજ પરની માહિતી તમારા કોઈ એક ચોક્કસ મિત્ર કે અનેક મિત્રોને કામની છે તો પછીનું કામ છે એફવનનું વોઇસ ક્લાઉડ જેવું એક બટન શોધવાનું. તમે ફાયરફોક્સની ડાર્ક કલરની સ્કીન રાખી હશે તો આ બટન શોધ્યું નહીં જડે કેમ કે એ બિલકુલ કાળું છે. તમે જે ટૂલબારમાં સાઇટનાં એડ્રેસ ટાઇપ કરો છો, તેની જમણે સર્ચબોક્સ પછી છેક છેડે આ બટન જોવા મળશે.
તેના પર ક્લિક કરશો એટલે તમે જે વેબપેજ પર હશો તેની ઉપર એક પટ્ટો ઓપન થશે, જેમાં ટ્વીટર, ફેસબુક અને જીમેઇલના ઓપ્શન દેખાશે. ઇચ્છો તો આ ત્રણેય સર્વિસમાં લોગઇન થઈ જાવ. પછીનું કામ સહેલું છે, તમે કોઇ ચોક્કસ મિત્ર સાથે એ પેજ શેર કરવા ઇચ્છતા હો તો જીમેઇલના તમારા એકાઉન્ટમાં લોગઇન થાવ અને ત્યાંથી જ તમારો મેઇલ મોકલી આપો બીજા પેજ પર જવાની કે યુઆરએલ કોપી-પેસ્ટ કરવાની જરૂર નથી. એક સાથે અનેક મિત્રો (તાળીમિત્રોનો જમાનો ગયો, હવે તો ક્લિકમિત્રોનો સમય છે છેલ્લે ક્યારે તમારા મિત્રની તાળી લીધી કે દીધી હતી એ યાદ કરી જુઓ) સાથે લિંક શેર કરવી હોય તો ટ્વીટર કે ફેસબુકમાં લોગઇન થાઓ, એ પેજ વિશે તમારા વિચાર ટૂંકમાં લખો એટલે પેજની લિંક આપોઆપ નેટગંગામાં વહેતી થઈ જશે! આ સગવડ એપિક બ્રાઉઝરમાં ચાલવી જોઈએ, પણ એમાં કંઈક ગરબડ થાય છે.
જેમ ફાયરફોક્સમાં આ સગવડ નવી ઉમેરાઇ છે તેમ આખેઆખા ફાયરફોક્સનું નવું વર્ઝન પણ બીટા વર્ઝનમાં લૉન્ચ થઈ ગયું છે, સાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી, ‘ખરેખર જબરું ફાસ્ટ’કહેવાતું આ વર્ઝન ટેસ્ટ કરી શકો છો.
હમણાં નેટ પર નવી સગવડ ને નવા વર્ઝનની મોસમ બેઠી લાગે છે કેમ કે ગૂગલે પણ તેના સર્ચ એન્જિનમાં એક સરસ નવી સગવડ ઉમેરી છે - ઇન્સ્ટન્ટ પ્રીવ્યૂની. હવે તમે ગૂગલિંગ કરશો તો રીઝલ્ટ્સમાં છેડે એક મેગ્નિફાઇંગ ગ્લાસ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે, જમણી બાજુ ઊભા પટ્ટામાં એ જે તે વેબસાઇટનો પ્રીવ્યૂ જોઈ શકશો! એટલે કે તમારે કામની સાઇટ શોધવા માટે હવે જુદી જુદી લિંક પર ક્લિક કરીને અનેક ટેબ ઓપન કરવાની લગભગ જરૂર નહીં પડે.
ટ્વીટરનું પણ બિલકુલ નવું વર્ઝન લૉન્ચ થયું છે. આમ તો એ સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ ગયું હતું, પણ તબક્કાવાર તમામ યુઝર્સ માટે રોલ-આઉટ થવાનું હતું. નવા ટ્વીટરમાં નવી ડિઝાઇન તો છે જ, પણ ડિઝાઇન એટલે માત્ર લૂક એન્ડ ફીલ નહીં એ મુદ્દો ટ્વીટરની આ નવી ડિઝાઇનથી તરત સમજાશે. ભારતમાં ટ્વીટર કરતાં અત્યારે ફેસબુકનો દબદબો વધી ગયો છે, પણ ફટાફટ વિચારોની આપલેમાં તમને રસ પડતો હોય તો ટ્વીટરનું નવું સ્વરૂપ ખરેખર મજા પડે એવું છે.
એના વિશે વિગતવાર ફરી ક્યારેક.
| Comments |
|






