ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝસાવધાન! આગળ તીવ્ર વળાંક છે!

સાવધાન! આગળ તીવ્ર વળાંક છે!

ગયા અઠવાડિયે, ગુજરાતના સૌથી પછાત ગણાતા પંચમહાલ જિલ્લાના એક નાના એવા ગામમાં જવાનું થયું. વાતવાતમાં જાણવા મળ્યું કે ગામમાં દસપંદર ઘરોમાં કમ્પ્યૂટર છે અને ઇન્ટરનેટ કનેક્શન પણ છે! સરકારના એક અધિકારીએ જણાવ્યું કે એ ગામમાં એમનો વિભાગ એક કમ્પ્યૂટર સેન્ટર શરૂ કરવાનો છે, જેમાં છ જેટલાં કમ્પ્યૂટર  નેટ કનેક્શન સાથેનાં  હશે અને એમના વિભાગનું બધું કામકાજ ઓનલાઇન થવા લાગશે. આ બતાવે છે કે આપણે કમ્પ્યૂટર અને ઇન્ટરનેટના વપરાશની બાબતે કેટલી ઝડપથી, કેટલા આગળ વધી રહ્યા છીએ.

આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, ઇન્ટરનેટ આપણા જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની રહ્યું છે.

એ ગામથી પરત આવ્યા પછી, ઇન્ટરનેટ પર એક સમાચાર વાંચવા મળ્યા કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની એક એજન્સીએ કરેલા સર્વે મુજબ, દસ પશ્ચિમી દેશોમાં, સરેરાશ ૮૧ ટકા ટોડલર્સ એટલે કે સાવ નાનાં બાળકો ઓનલાઇન ડિજિટલ પ્રેઝન્સ ધરાવે છે. અમેરિકાનાં ૯૨ ટકા બાળકો, ન્યૂ ઝીલેન્ડનાં ૯૧ અને ઓસ્ટ્રેલિયાકેનેડાનાં ૮૪ ટકા બાળકો ઇન્ટરનેટ પર હાજરી ધરાવે છે અને ત્યાંના સમાજને આ બાબત ચિંતાજનક લાગે છે.

આમાંથી ત્રીજા ભાગનાં બાળકો હજી તો માંડ બેત્રણ અઠવાડિયાંનાં થયાં હોય ત્યાં ઇન્ટરનેટ પર ભાખોડિયાં ભરવા લાગે છે અને કેટલાંક તો નવી ટેકનોલોજીના પ્રતાપે, હજી જન્મ્યાં પણ ન હોય ત્યાં માના ગર્ભમાંથી સીધાં ઇન્ટરનેટ પર છલાંગ લગાવે છે. દેખીતું છે કે આ બધાં કંઈ સુપરકિડ્ઝ નથી કે હજી બોલતાંચાલતાં શીખ્યાં ન હોય ત્યાં ફેસબુક પર એકાઉન્ટ ખોલાવી દે છે. એમનાં હોંશીલાં માબાપ જ બાળક જન્મે ત્યાં તો ફટાફટ મોબાઇલથી ફોટોગ્રાફ લઈને મોબાઇલથી મેઇલ કરીને ફેસબુક, ટ્વીટર, ફ્લિકર, પિકાસા, ઓર્કૂટ વગેરે દ્વારા દુનિયાભરના ખૂણે ખૂણે વસેલાં સ્વજનો સુધી બાળકની તસવીર ને યુટ્યૂબ મારફત એનું ઉવાં ઉવાં વહેતું કરી દે છે.

આમાં કંઈ ખોટું પણ નથી. તકલીફ ત્યારે થાય જ્યારે બાળકના જન્મના ઉત્સાહમાં આપણે જે તે સર્વિસ પર શેરિંગના યોગ્ય ઓપ્શન્સ સિલેક્ટ કરવાનું ભૂલી જઈએ. ટેક્સ્ટ, ફોટો કે વિડિયો શેર કરવાની સગવડ આપતી મોટા ભાગની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમને, તમે આપેલી માહિતીને પ્રાઇવેટ કે પબ્લિક રાખવાની સગવડ આપતી હોય છે. તમે માહિતીને પ્રાઇવેટ રાખો અને તમારા પસંદગી કોન્ટેક્ટ્સને તે જોવા માટે ઇન્વાઇટ કરો તો ફક્ત એ જ લોકો તમારી માહિતી જોઈ શકે.

જો આ કાળજી ન રાખો તો પછી વાત કમાનમાંથી છૂટેલા તીર જેવી થઈ જાય છે. તમારો, તમારી પોતાની માહિતી પર કોઈ અંકુશ રહેતો નથી. વાસ્તવિક જગતના તીર અને આ તીરમાં પાયામાં તફાવત એ છે કે ઇન્ટરનેટનું તીર આખી દુનિયામાં આંટા મારીને, ગમે ત્યારે પાછું ફરીને તમને પોતાને ભોંકાઈ શકે છે. ઇન્ટરનેટ પર, પબ્લિક શેરિંગ માટે મૂકાતો બાળકનો ફોટોગ્રાફ આજીવન ત્યાં રહેવાનો છે અને કોઈ પણ ઇચ્છે ત્યારે એને એક્સેસ કરી શકે છે, ઉપયોગમાં લઈ શકે છે. બાળપણની, ભોળપણની ક્ષણો, ભવિષ્યમાં એમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી શકે છે.

પ્રમાણમાં મોટાં થયેલાં બાળકો જાતે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવા લાગે ત્યારે એ શું જુએ છે, શું કરે છે એ ચોક્કસ જોતા રહો. તેની સાથે એ વિશે ચર્ચા પણ કરો. નેટવર્કિંગ સાઇટ્સ પર એકાઉન્ટ ખોલાવવા મોટા ભાગે ૧૩ વર્ષ જેવી વયમર્યાદા હોય છે, છતાં, આજની જનરેશન તેના શોર્ટકટ્સ શોધી લેતી હોય છે. તમારા સંતાને યોગ્ય રીતે એકાઉન્ટ ખોલાવ્યું હોય તો, એની તો અનિચ્છા હશે જ, પણ શક્ય હોય તો તમે પણ એક એકાઉન્ટ ખોલાવીને એના ગૃપમાં સામેલ થઈ જાઓ. આ રીતે વધુ પડતું મોનિટરિંગ ભલે ન કરો, પણ એના ફ્રેન્ડ (ઓનલાઇન નહીં, રીયલ!) બનીને એની ઓનલાઇન એક્ટિવિટીઝ વિશે નિખાલસ ચર્ચા ચોક્કસ કરતા રહો. 

મોટા ભાગની નેટવર્કિંગ સાઇટ્સ યુઝર્સના બહુ વિગતવાર પ્રોફાઇલ્સ તૈયાર કરવાની સગવડ આપતી હોય છે. તમારી દીકરીની ઘણી બધી વિગતો ઇન્ટરનેટ પર સૌ કોઈ જોઈ શકે એ ચોક્કસ ઇચ્છનીય નથી.

આ બધું વાંચીને ઇન્ટરનેટની મોકાણ ઘરમાં ઘૂસવા જ ન દેવીએવું વિચારતા હો તો પ્રેક્ટિકલી એ શક્ય જ નથી બનવાનું. અકસ્માતની બીકે રસ્તે વાહન ન ચલાવવા જેવી આ વાત છે. જે અનિવાર્ય છે એને સ્વીકારીને, એનાં જમા પાસાં તરફ વધુ ધ્યાન આપીને, દૂષણોની લીટીને નાની કરવાનું તમારા હાથમાં છે. ખરેખર તો, એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી!

આ વખતે કોઈ સાઇટની વાત નથી એટલે સોરી, પણ આટલું જરૂરી લાગ્યું.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Ruchir Gupta  - Savishesh Abhar!!!     |2011-02-10 05:55:11
હિમાંશુકાકા!
હું વિસનગર એન્જીનીયરીંગ કોલેજ માં કમ્પ્યુટર એન્જીનીયરીંગ ના છેલ્લા સેમેસ્ટર માં ભણું છું.
દર બુધવારે જયારે ફેરિયો ઘરે છાપું નાખીને જાય ત્યાર પછી હું સૌથી પહેલું કામ તમારો આર્ટીકલ વાંચવાનું કરું છું. મને તમારા લેખો ખુબ જ ગમે છે અને મારા અભ્યાસ માટે પણ ખુબ જ ઉપયોગી પુરવાર થાય છે. ઘણી બધી માહિતી અમને કોલેજ માં શીખવાડવામાં નથી આવતી તે તમારા લેખો અને તમારી વેબસાઈટમાંથી શીખવા મળે છે.
એકવાર ફરીથી આ દિશામાં પહેલ કરવા બદલ આભાર!

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com