ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં શ્લોક નં.૨૦-૨૧-૨૨માં દાનના ત્રણ પ્રકાર બાબત વાત કરી છે.
દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે, પરંતુ જે બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી, કચવાતા મને દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે. જે દાન સત્કાર વગર, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે.
સંસ્કૃત સાહિત્યમાં ધનની ત્રણ ગતિ દર્શાવેલી છે. ‘‘દાન, ભોગ, વિનાશ.’’ જે ધન બીજાના હિત માટે વપરાય તે દાન કહેવાય છે. જે ધન પોતાને માટે કે પોતાના પરિવાર માટે વપરાય તે ભોગ કહેવાય છે. જે ધન કોઈ માટે ન વપરાય એટલે કે ફક્ત સંગ્રહ રૂપે પડી રહે તે અને જે ધન અયોગ્ય કામ માટે વપરાય તે ધનનો વિનાશ કહેવાય છે.
પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી. હિંદીના સુપ્રસિદ્ધ કવિ શ્રી મૈથિલીશરણજીએ તો ગજબ કહ્યું :
‘‘યહી પશુ પ્રવૃત્તિ હૈ, કિ આપ આપ હી ચરે,
વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લીયે મરે.’’
લાંચ આપીને ખોટાં કામ કરાવવામાં કે સોપારીને નામે મોટી રકમ આપીને કોઈનું ખૂન કરાવવામાં જે ધન વપરાય છે એ ધનનો વિનાશ જ છે. ખોટાં કામ કરાવવાથી આપણને કદાચ થોડો આર્થિક ફાયદો થતો હશે, પણ સમાજને આપણે ગંભીર નુકસાન પહોંચાડીએ છીએ. લાંચિયા કર્મચારી, લાંચ ન મળે તો કામ કરતા નથી, આમ કામચોરી વધે છે અને સાચા માણસોને તેમનું કામ ન થવાથી અન્યાય થાય છે.
ભવિષ્યમાં કામ લાગે એ દ્રષ્ટિએ ધનનો થોડો સંચય જરૂરી છે. અણધારી માંદગી કે કોઈ સામાજિક જવાબદારીને કારણે રકમની જરૂર પડે તો મૂંઝાવું ન પડે, પણ ફક્ત બેંક બેલેન્સ વધારવાની વૃત્તિ યોગ્ય નથી. તેમાં પણ અયોગ્ય માર્ગે ધન ભેગું કરીને સ્વિસ બેંકમાં મૂકવું પડે એ તો દેશદ્રોહ જ છે. પશુ કરતાં માનવી વધુ બુદ્ધિશાળી છે, એટલે ધન, અનાજ, પાણી વગેરે વસ્તુઓનો સંગ્રહ કરે છે. એક વાર સંગ્રહની વૃત્તિ શરૂ થાય પછી સોનું, ચાંદી, રૂપિયા બધું સંઘરવા મંડે. આ અસંતોષની વૃત્તિ જ પતનનું કારણ બને છે.
સંતો ધન સંઘરતા નથી તો પણ તેઓ ગજબ સેવા કરી શકે છે. સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજ પાસે જરાય ધન ન હતું તેમ છતાં બિહારમાં દુકાળ પડતાં તેમણે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. દરરોજ ૩૫,૦૦૦ (પાંત્રીસ હજાર) માણસોને તેઓ જમાડતા. આ કેમ્પ છ મહિના ચાલ્યો. ધન ન હોય તો પણ એક સાચા સંત શું કરી શકે એ જાણવા ‘‘માનવ દ્રષ્ટિ’’ નામનું પુસ્તક સૌએ વાંચવા જેવું છે. અનેક સજ્જનોએ સ્વેચ્છાએ યથાશક્તિ દાન આપ્યું, તેમની સુવ્યવસ્થિત નિષ્કામ સેવાથી પ્રભાવિત થઈને, અરવિંદ મિલ્સવાળા શ્રી અરવિંદભાઈ મફતલાલે છ મહિના સુધીનો રાહત કેમ્પનો તમામ ખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.
પૂજ્ય રણછોડદાસજી મહારાજ તેમના ઉપદેશમાં કહેતા કે જેમની પાસે લાખો રૂપિયા હોય તે જ દાન કરી શકે એવું નથી. તમે શ્રીમંત ન હો તો પણ થોડુંક દાન તો જરૂર કરી શકો. તમને સિનેમા જોવાનો શોખ હોય તો એક સિનેમા ન જોઈને, એક ટિકિટ જેટલું દાન કરો. સિગારેટ પીવાનો શોખ હોય તો થોડીક સિગારેટ ઓછી પીને એક પાકીટ જેટલા રૂપિયા દાનમાં આપો. બીજાના હિત માટે તમારા મોજશોખમાં થોડો કાપ મૂકીને તમે બીજા માટે તકલીફ વેઠીને થોડુંક દાન કરો. એ શ્રેષ્ઠ દાન છે. તમને કોઈ વ્યસન ન હોય અને ધન પણ ન હોય તો પણ તમે તનથી અન્યની સેવા કરી શકો. શ્રમદાન પણ દાન જ છે. કદાચ ધન ન હોય અને સગાંસંબંધી દુષ્કાળ રાહત કેમ્પમાં જવાની રજા ન આપે તો પણ તમે ધન વિના કે શ્રમદાન રૂપે તનથી થતી સેવા પણ કર્યા વિના ઘેર બેસીને પણ અન્યની સેવા કરી શકો. દુષ્કાળ પીડિત માનવીઓનું કલ્યાણ કરવા, સાચા દિલથી પરમાત્માને પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળશે. આ મનથી થતી સેવા છે. સેવા તન, મન કે ધન કોઈ પણ રીતે થઈ શકે.
બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે, પણ શ્રીકૃષ્ણ ભગવાને ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતાજીમાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે પ્રભુની પૂજા કરવાની શુભ ભાવનારૂપે દાન કરવું જોઈએ.
શ્રેષ્ઠ દાન કોને કહેવાય એ બાબત મહાભારતમાં એક બહુ સરસ કથા છે, જે ભાવનગરના શ્રી નાનાભાઈ ભટ્ટ નામના વિદ્વાન લેખકે તેમના ‘‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ’’ નામના ઉત્તમ પુસ્તકમાં લખી છે.
યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે સારા કાર્ય માટે પુષ્કળ ધન વાપર્યું. શ્રીકૃષ્ણ ભગવાન, મહામુનિ વેદ વ્યાસજી, પાંડવો અને અનેક મહાનુભાવો જમીને વાતો કરતા હતા ત્યારે અર્ધું સોનાનું અને અર્ધું નોળિયા જેવું એક વિચિત્ર પ્રાણી જોયું. એ કચરામાં આળોટતું હતું. સૌને નવાઈ લાગી. મહર્ષિ વેદ વ્યાસજીએ તેના પર મંત્ર ભણીને પાણી છાંટતાં એ બોલી ઊઠ્યું : ‘‘આ યજ્ઞ ખોટો છે.’’ પાંડવો ગુસ્સે થઈને એને મારવા જતા હતા, તેમને શ્રીકૃષ્ણ ભગવાને રોક્યા અને કારણ જાણવા કહ્યું. પ્રાણીએ વાત કરી :
‘‘એક બ્રાહ્મણ પરિવાર ભિક્ષાન્ન પર જીવનનિર્વાહ કરતો હતો. મળેલી ભિક્ષામાંથી રસોઈ બનાવી જમવા બેસતાં એક વૃદ્ધ અતિથિ આવ્યા. તેઓ ખૂબ ભૂખ્યા હતા. બધું અન્ન તેમને આપી પરિવાર ભૂખ્યો રહ્યો. આવું એક મહિના સુધી ચાલ્યું. કોઈનાં મન પર કચવાટ ન હતો. બીજાને જમાડ્યાનો પરમ સંતોષ હતો. છેવટે અતિથિ રૂપે આવતા પરમાત્માએ દર્શન આપ્યાં. અતિથિએ જમીને હાથ ધોતાં થયેલા થોડાક કચરામાંથી હું પસાર થતાં મારું શરીર આવું થયું ત્યાર પછી હું ઘણે ઠેકાણે ગયો, પણ બાકીનું શરીર સોનાનું ન થયું. અહીં પણ ન થયું એટલે જ મેં કહ્યું કે આ યજ્ઞ ખોટો છે. પોતે ભૂખ્યા રહીને બીજાને અન્નદાન આપનારનો સેવાયજ્ઞ જ સાચો છે.’’
આપણી પાસે પુષ્કળ ધન હોય તો પણ તેમાંથી થોડુંક બીજા માટે વાપરતાં આપણે અચકાઈએ છીએ. આપણી પાસે કેટલું ધન છે એ વાત મહત્વની નથી. પુષ્કળ ધન હોય તો પણ આપણે ગરીબ હોઈ શકીએ. મનથી કંગાળ હોવું અને વધુ ને વધુ ધન ભેગું કર્યા કરવા ઝાવાં મારવાં એ અયોગ્ય છે. આપણી પાસે પુષ્કળ ધન હોય અને કદાચ થોડુંક બીજા માટે વાપરીએ તો પણ તેમાં મોટાઈ નથી. આપણા દાનની વાત જાણીને કોઈક આપણી વાહવાહ કરે, આપણા નામની તકતી ક્યાંક મુકાય, આપણે શ્રીમંત છીએ એવી સમાજમાં વાત ફેલાય એટલી અપેક્ષા મનમાં રહે છે. આપણે તકલીફ વેઠીને કોઈકનું ભલું કરવાનું ક્યારેય વિચારીએ છીએ ? આપણે ભૂખ્યા રહીને કોઈ ભૂખ્યા માનવીને જમાડવાનું ક્યારેય વિચારીશું? શ્રીકૃષ્ણ ભગવાને આવા દાનને જ શ્રેષ્ઠ ગણ્યું છે.
| Comments |
|
|
||||||||



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’