ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. જ્ઞાન શું છે ? અને જ્ઞેય એટલે કે જ્ઞાનથી જેમને જાણવાના છે તે પરમાત્મા વિષે સમજાવ્યું છે. શરીર, આત્મા, પરમાત્મા એ બધી બાબત અગાઉ સમજાવ્યું જ છે, પરંતુ વધુ સમજાય તે હેતુથી પુનરુક્તિ કરેલી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્ત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે. માનવીના જીવનનું આ મુખ્ય ધ્યેય હોવું જોઈએ.
ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે એ વાત બહુ મહત્વની છે. શ્લોક નં. ૫માં કહ્યું છે કે આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રાગરૂપ રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.
હે અર્જુન ! સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે. સત્વગુણ વધવાથી જ્ઞાન અને વિવેક ઊપજે છે, જે શાંતિદાયક છે. રજોગુણ વધવાથી લોભ, સકામ ભાવે કર્મનો આરંભ તથા ભોગની ઇચ્છા ઉત્પન્ન થાય છે, જે અશાંતિકારક છે. જ્યારે તમોગુણ વધે ત્યારે અજ્ઞાન, નિષ્ક્રિયતા, આળસ, મોહ એ બધાં જ ઉત્પન્ન થાય છે.
સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ છે. રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન છે. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાની, ગુણો સિવાય બીજો કોઈ કર્તા નથી અને પોતાને ત્રણે ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મારા સ્વરૂપને પામે છે. જ્યારે દેહધારી આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ ત્રણે ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, ઘડપણ અને તેમનાં દુઃખોમાંથી મુક્ત થઈ પરમાનંદને પામે છે.
અર્જુને પૂછ્યું : ‘‘હે પ્રભુ ! આ ત્રણ ગુણોથી પર મનુષ્યનાં લક્ષણો શાં ? અને કઈ રીતે આ ત્રણ ગુણોથી પર થઈ શકાય ?’’
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘હે અર્જુન ! જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારાં પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતાં તેમની ઇચ્છા નથી કરતો, તટસ્થની પેઠે સ્થિર રહે છે. ગુણોથી વિચલિત થતો નથી. ગુણો જ પોતાનું કાર્ય કરે છે એમ જાણીને સ્વસ્થ રહે છે. સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી. સુખ, દુઃખને સમાન સમજે છે. માટી, પથ્થર અને સોનાને સમાન માને છે. પ્રિય, અપ્રિયમાં કે નિંદા, સ્તુતિમાં, માન અપમાનમાં તથા શત્રુમિત્રમાં સમભાવ વાળો છે. તે બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.’’
‘‘જે અસ્ખલિત ભક્તિરૂપ યોગ વડે મને સેવે છે તે એ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય હોય છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ પણ હું છું. અખંડ એકરસ આનંદનું હું જ આશ્રય સ્થાન છું.’’
આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં. એવું નથી કે આપણે સારા થવા માગતા નથી, પરંતુ ઊંચે ચડવું અઘરું છે. પતન સહેલું છે. આત્મા ઉન્નતિ ઇચ્છે છે. જ્યારે મન પતન તરફ લઈ જવા કોશિશ કરે છે. એટલે જ બીજો કોઈ દુશ્મન ન હોય તો પણ આપણા પોતાના મન સાથે આપણે સતત અવિરામ યુદ્ધ કરવાની જરૂર છે. જ્યારે મનથી થાકીને યુદ્ધ ન કરવાની ઇચ્છા થાય ત્યારે જો શ્રીકૃષ્ણ ભગવાન આપણા સારથિ હોય તો આપણને ઉત્સાહ પ્રેરે. એટલે જ આપણે અર્જુનની જેમ, સાચા દિલથી શ્રીકૃષ્ણ ભગવાનને આપણા સારથિ બનવા પ્રાર્થના કરવાની જરૂર છે.
રજસ અને તમસ ગુણ તો બંધન કર્તા છે જ, પણ સત્વ ગુણ પણ બંધન કર્તા છે. ક્યારેક પોતે સારા હોવાનું કે મેં કોઈકનું સારું કર્યું છે તેવું સૂક્ષ્મ અભિમાન પણ બંધન કર્તા છે એટલે ત્રણે ગુણને તજવાની જરૂર છે. જે કંઈ થાય છે તે પ્રભુની ઇચ્છાથી જ થાય છે એમ માનીને સદાય નિર્લેપ રહેવાની કોશિશ કરવી એ જ શ્રેષ્ઠ છે. અકર્તા થવા પર ગીતાજીમાં ભાર મૂકેલો છે.
ગીતાજીમાં ખુદ પરમાત્માએ જેમને માટે કહ્યું છે કે ‘‘દેવર્ષિ નારદ હું છું.’’ એ શ્રી નારદજી પરમ ‘‘ગુણાતીત’’ હતા. તેમના આશીર્વાદથી ભક્ત પ્રહલાદ, ભક્ત ધૃવ તથા વાલિયા લૂંટારાના (મહર્ષિ વાલ્મીકિ) જીવનમાં કેવો અદભુત પલટો આવ્યો એ આપણે જાણીએ છીએ. એ વાતોને આપણે કદાચ પૌરાણિક સમજીને ન માનીએ, એ સ્વાભાવિક છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં જ ભગવાન સ્વામી નારાયણે પોતાના એક પરમ શિષ્યનું નામ ‘‘ગુણાતીતાનંદ’’ રાખેલું. એ સાચા અર્થમાં ‘‘ગુણાતીત’’ હતા. એમના આશીર્વાદથી એક માનવીના જીવનમાં આવેલા પલટાની વાત જાણવા જેવી છે.
એક વાર ગુણાતીતાનંદ સ્વામીજી અન્ય સંતો સાથે જંગલના રસ્તે ક્યાંક જતા હતા. રાત પડી ગઈ. તેથી રોકાવું પડે તેમ હતું. એક મુસ્લિમ કઠિયારાના છોકરાએ સંતો માટે થોડાં ફળની વ્યવસ્થા કરી. રાતે બહુ ઠંડી હોવાથી પોતે વેચવા માટે ભેગાં કરેલાં સૂકાં લાકડાંનું તાપણું કરી આપ્યું. પોતે ગરીબ હોવાથી વધુ સારી સેવા ન કરી શક્યાનો અફસોસ વ્યક્ત કરતાં, પરમ સંત ગુણાતીતાનંદ સ્વામીજીએ આશીર્વાદ આપતાં કહ્યું ‘‘બેટા ! તેં સંતોની ટાઢ ઉડાડી છે, પરમાત્મા તારી ટાઢ ઉડાડશે.’’ થોડા સમય પછી જૂનાગઢના નવાબે તે છોકરાને સામાન્ય નોકરી આપી. પોતાની કર્તવ્યનિષ્ઠા તથા ગરીબો પ્રત્યેની હમદર્દીને લીધે તેમની લોકપ્રિયતા વધતી ગઈ. આપબળે તેઓ જૂનાગઢના વજીરપદે પહોંચ્યા. આજે તેમની સ્મૃતિમાં જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ઊભી છે. એક ગુણાતીત સંતના આશીર્વાદથી એક કઠિયારાનું જીવન પલટાઈ ગયું.
| Comments |
|
|
||||||||
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’