ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૨૪. ભક્તિયોગ - ૨

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું છે. એ જ વાત પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...’’ ભજનમાં સમજાવી છે. આ ભક્તિયોગની વાત પર આપણે વધુ ચિંતન કરીએ. ભક્તિથી મોક્ષ મળે છે, મોક્ષ એટલે મુક્તિ તો આ મુક્તિ મેળવવા શું કરવું? કર્મના ફળની આશાથી અને જ્ઞાનના અહંકારથી છૂટવું એટલે મુક્તિ. એ જ ભક્તિ.

કર્મયોગ એટલે કર્મ તો કરવાં પણ તેના ફળની આકાંક્ષાથી છૂટવું. નિષ્કામ કર્મ ઉપર પરમાત્માએ ખૂબ જ ભાર દીધો છે. જીવનમાં નાનીમોટી ઇચ્છાઓ જ દુઃખનું મૂળ છે. આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે આપણું પોતાનું મકાન હોય તો વધુ સારું એવી આશા જન્મે છે. નવું મકાન લેવાની આપણી આર્થિક ક્ષમતા ન હોય તો એ આશા બિનજરૂરી બોજો બની જાય. જે શક્ય નથી, એની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. એના કરતાં એ આશામાંથી છૂટવું એટલે ચિંતામાંથી મુક્તિ મળી જાય.

કાર લેવાનું મન થાય અને લઈ ન શકીએ તો એ વ્યર્થ આશા આપણને સતત મૂંઝવ્યા કરે. પત્ની કે પુત્રવધૂના પિયર પાસેથી દહેજ રૂપે ધન મેળવવાની ઇચ્છા જાગે. એ ન સંતોષાય તો પત્ની કે પુત્રવધૂને મારઝૂડ કરવાનું મન થાય. ક્યારેક તે નિર્દોષ કન્યાને આપણી ધનભૂખને કારણે સળગાવી દેવાનું મન થાય. ધનની લાલસાનું અત્યંત ભયાનક વરવું સ્વરૂપ સમજ્યા વિના ખૂન કરી નાખ્યા પછી પ્રશ્નો ઊભા થાય તેનાથી આપણી નીંદર હરામ થઈ જાય. એ ધન લાલસાને જ છોડી દીધી હોય તો ?

પરમાત્માએ તો કહ્યું જ છે કે મનમાંથી ઊઠતી નાનીમોટી તમામ ઇચ્છાઓને તજી દેવી એ ખૂબ જ હિતાવહ છે. ઇચ્છા જાગે અને પૂરી ન થાય તો દુઃખ થાય ને. કોઈક આપણી વાહવાહ કરે એવી ઇચ્છા મનમાં જાગે, પણ ગમે તે કારણે કોઈ વાહવાહ ન કરે તો આપણને અપમાન લાગે. માનની ઇચ્છા તજીએ તો અપમાન લાગવાનો પ્રશ્ન જ ન રહે. આમ માન, અપમાન, જય, પરાજય એ બધાં મનનાં કારણો છે. એક વાર ઇચ્છાઓ પર અંકુશ આવી જાય તો પાર વિનાના પ્રશ્નો ઊકલી જાય. મનની ગજબ શાંતિ આપણે અનુભવી શકીએ. પરમાત્માએ કર્મ તજવાનું કહ્યું નથી, પણ કર્મનું ફળ તજવાનું કહ્યું છે.

જ્ઞાન માટે તો શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે : ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ - ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. જ્ઞાની હોવું એ સારું છે, પણ એ જ્ઞાન સંપૂર્ણ અહંકાર વિનાનું હોવું સવિશેષ મહત્વનું છે. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે. એક કવિએ બહુ સુંદર પંક્તિઓ લખી છે :

‘‘મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ,

મારાં પુસ્તક, પોથાંની પોટલી ઊતરાવો શિરેથી આજ,

બોજો ખેંચી ખેંચીં માથું ફાટે છે ને કાયામાં કળતર થાય,

હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે ને આંખે અંધારાં ઘેરાય.’’

આમ કર્મયોગ અને જ્ઞાનયોગથી વિમુખ થવાની જરૂર નથી, પરંતુ એ બોજારૂપ ન બની જાય એટલી ખાસ કાળજી રાખવાની જરૂર છે. હું જ્ઞાની છું, બીજા બધા કરતાં હું કાંઈક વિશેષ છું એવું મિથ્યાભિમાન મનમાં પેસી ન જાય એટલી તકેદારી બહુ મહત્વની છે. આંબામાં જેમ જેમ કેરી વધતી જાય તેમ તેમ એ વધુ ને વધુ નમતો જાય. વિનમ્રતા એ ભક્તિનું પહેલું લક્ષણ છે.

એક સજ્જન કોઈ સંતને મળવા ગયા. સંતની કુટિરનું બારણું બંધ હતું. તેમણે બારણાને પાટુ મારી બારણું ખોલ્યું. પગમાંથી ચંપલ જેમ તેમ કાઢીને સંત પાસે આવ્યા. સંતે આવવાનું કારણ પૂછતાં સજજ્ને કહ્યું કે ‘‘હું આપની પાસેથી ભક્તિ વિષે શીખવા આવ્યો છું. આપ મને ઉપદેશ આપો.’’ સંતે કહ્યું કે ‘‘હું ભક્તિ વિષે તમને ઉપદેશ આપીશ, પરંતુ પહેલાં તમે બારણાની માફી માગી આવો.’’ બારણાની માફી શા માટે માગવી એ ન સમજાતાં સંતે કહ્યું : ‘‘તમે બારણાને પાટુ માર્યું એ ઠીક ન ગણાય. બારણું તો ટાઢ, તડકાથી આપણું રક્ષણ કરે છે. વરસાદથી આપણને બચાવે છે. એની સાથે આપણાથી અયોગ્ય વર્તન ન થાય, એટલે તેની સામે હાથ જોડીને, માફી માગી આવો પછી આપણે ભક્તિ વિષે વાત કરીશું.’’

સજ્જને કમને સંતની સૂચના અનુસાર બારણાની માફી માગી. ફરીથી સંતને ભક્તિ માટે ઉપદેશ આપવા વિનંતી કરતાં સંતે હવે ચંપલની માફી માગવા કહ્યું. સજ્જન મૂંઝાઈ ગયા. સંતે શાંતિથી સમજાવ્યું કે ‘‘સજીવ કે નિર્જીવ વસ્તુ, આપણને ઉપકારક હોય કે ન હોય તો પણ કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોવું જોઈએ. ચંપલ જડ છે તો પણ એ ખૂબ ઉપકાર કરે છે. આપણા પગનું કાંટા, કાંકરાથી રક્ષણ કરે છે. તેને કારણે જ આપણે ગરમ સડક પર ચાલી શકીએ છીએ. પગમાંથી ચંપલ દૂર કરીએ ત્યારે પણ જાળવીને દૂર કરવાં જોઈએ’’.

કંઈક સમજાતાં સજજ્ન ચંપલ પાસે જઈને ઊભા રહ્યા. પોતાના અવિવેક બદલ ખૂબ જ નમ્ર થઈને ચંપલની માફી માગી. પછી સંત પાસે આવીને ભક્તિ વિષે ઉપદેશ આપવા વિનંતી કરી. સંતે હસતાં હસતાં કહ્યું : ‘‘તમને તો ભક્તિ આવડે જ છે. જે માનવી બારણા કે ચંપલ જેવી જડ વસ્તુ પાસે પણ પોતાના અવિવેક બદલ માફી માગે, એ સામાન્ય વ્યક્તિ ન હોય. એ સંત કક્ષાનો જ ગણાય. તમને તો હવે ભક્તિના ઉપદેશની જરૂર જ નથી. મારા કહેવા છતાં તમે અક્કડ રહીને માફી ન માગી હોત તો જ તમને ઉપદેશ આપવો પડત.’’ આપણાથી કોઈને તકલીફ ન થાય તેની કાળજી રાખવી. તેમ છતાં ક્યારેક કાંઈક ભૂલ થાય તો વિના સંકોચ માફી માગવી. માફી માગવાથી કોઈ નાનું બની જતું નથી. વિશાળ દિલવાળા માનવી જ માફી માગી શકે. પરમાત્મા બધામાં સમાયેલા છે એટલે આપણાથી કોઈને તકલીફ ન થાય, કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોય એ બહુ મહત્વનું છે.

આમ ખાતરી થશે કે આશા તજવાથી ચિંતાથી મુક્ત થઈ શકાય અને વિનમ્રતાને કારણે અહંકારથી મુક્ત થઈ શકાય. એવું જ ક્રોધ, વાસના, લોભ, લાલચ, મૃત્યુનો ભય વગેરેથી મુક્ત થવાથી ભક્તિ પ્રગટ થાય છે. જેમ જેમ એક એકથી મુક્ત થઈએ તેમ તેમ બોજો હળવો થતો જાય. આપણે હળવાફૂલ થતા જઈએ. બધા અવગુણોથી મુક્ત થતા જઈએ તેમ તેમ ભક્તિ વધતી જાય. આપણે ખાસ કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રભુની કૃપા જ આપણો માર્ગ સહેલો બનાવી દેશે.

સુપ્રસિદ્ધ સંત શ્રી રણછોડદાસજી મહારાજે કહ્યું છે કે જેમ માછલીને જળ વિના ચાલતું નથી, જળ વિના તે તરફડીને મરી જાય છે તેવી અતૂટ ઝંખના આપણને પ્રભુ માટે જાગે તો પ્રભુદર્શન અશક્ય નથી.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...