ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૨૨. વિશ્વરૂપ દર્શન

શ્રીકૃષ્ણ ભગવાને પોતાના પ્રિય મિત્ર અને પરમ ભક્ત એવા અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ રાવ્યું, તેનું બહુ સરસ વર્ણન શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ૧૧મા અધ્યાયમાં છે. ૧૦મા અધ્યાયમાં ભગવાને પોતાની અનેક દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું, એટલે આ તમામ વિભૂતિઓ સહિત પરમાત્માનાં દર્શન કરવાની અર્જુનને ઇચ્છા થઈ. તેણે કહ્યું : ‘‘પ્રભુ ! આપ સચરાચર જગતમાં વ્યાપેલા છો અને એ બધું આપનામાં સમાયેલું છે એ વાત સત્ય છે, પરંતુ જો શક્ય હોય તો મારે આપના એ અદભુત સ્વરૂપનાં દર્શન કરવાં છે.’’

પરમાત્માએ પ્રસન્ન થઈને કહ્યું : ‘‘હે અર્જુન ! દેવ, દાનવ કે માનવ, કોઈએ હજી સુધી મારા એ દિવ્ય સ્વરૂપને જોયું નથી. સામાન્ય આંખોથી એ જોઈ શકાય તેવું નથી. તું મારો પરમ ભક્ત છે એટલે તને હું દિવ્ય નેત્રો આપું છું. તેનાથી તું મારા વિશ્વરૂપનાં દર્શન કરી શકીશ. એ રૂપમાં તું સચરાચર જગત મારા સ્વરૂપમાં સમાયેલું છે એ જોઈ શકીશ.’’

પરમાત્માએ પરમ ઐશ્વર્યોવાળું પોતાનું અદભુત દર્શન કરાવ્યું ત્યારે આકાશમાં એકસાથે હજારો સૂર્ય ઊગવાથી જે તેજ થાય એનાથી પણ વિશેષ તેજ પ્રગટ થયું. એ રૂપ અનેક મુખવાળું, અનેક નેત્રોવાળું, અનેક અદભુત દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોવાળું અને અનેક અલૌકિક શસ્ત્રોને હાથમાં ધારણ કરેલું, દિવ્ય માળાઓ અને વસ્ત્રો પહેરેલું, દિવ્ય ચંદનથી અર્ચાયેલું, સર્વ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલું, અંતરહિત, સર્વ તરફ મુખવાળું પ્રકાશિત હતું. પાંડુપુત્ર અર્જુને તે વખતે જુદા જુદા અનેક પ્રકારોથી વિભક્ત થયેલું સંપૂર્ણ જગત, દેવોના દેવ શ્રીકૃષ્ણના શરીરમાં એકરૂપે રહેલું જોયું.

શ્રીકૃષ્ણ ભગવાનના જીવનકાળ દરમિયાન ત્રણ વાર અદભુત દર્શનની વાત છે. બાળપણમાં એક વાર રમતાં રમતાં તેમણે માટી ખાધી. મોટા ભાઈ બલરામ જોઈ ગયા. બાળસહજ સ્વભાવ અનુસાર તેમણે મા યશોદાજીને ચાડી ખાધી. માએ શ્રીકૃષ્ણને મોઢું ખોલવા કહ્યું. પહેલાં તો બાળસહજ, શ્રીકૃષ્ણે આનાકાની કરી. મેં માટી ખાધી જ નથી, તેવું ભારપૂર્વક કહ્યું. તેમ છતાં સોટી મારવાની બીક બતાવી માએ પરાણે મોઢું ખોલાવતાં, તેમણે બાળ કનૈયાના મુખમાં, માટીને બદલે, સૂર્ય, ચંદ્ર, તારા સહિત અખિલ બ્રહ્માંડ જોયું. પોતાનો બાળક તો પરમાત્મા છે એ વિચારે મા યશોદા અવાક્ થઈ ગયાં. પરમાત્માએ તરત જ માને વિસ્મૃતિ આપતાં, તેઓ એ વાત ભૂલીને પોતાના વહાલસોયા બાળકને ગોદમાં લઈ રમાડવા લાગ્યાં.

પાંડવો શરત અનુસાર, તેર વર્ષ વનવાસ ભોગવી પાછા આવ્યા ત્યારે તેમણે તેમનો રાજભાગ પાછો માગ્યો, પરંતુ કૌરવોએ તે ન સ્વીકારતાં મહાભારત યુદ્ધની ભયાનક શક્યતા ઊભી થઈ. યુદ્ધ નિવારવા માટે શ્રીકૃષ્ણ ભગવાને પોતે કૌરવોને સમજાવવા શાંતિદૂત તરીકે જવાનું સ્વીકાર્યું. યુદ્ધથી થનારા સંભવિત વિનાશ માટે સમજાવવા છતાં અને પાંડવોને તેમના હક્ક જેટલો નહીં તો થોડોક રાજભાગ આપવા સમજાવ્યા, પણ દુર્યોધને તે વાત ન સ્વીકારી. એટલું જ નહીં પણ ભીષ્મ પિતામહની સ્પષ્ટ ના છતાં, અવિચારી દુર્યોધને શ્રીકૃષ્ણને કેદ કરવા સૈનિકોને આદેશ આપવાની ધૃષ્ટતા કરી. પોતાને કેદ કરવાનો પ્રયત્ન કરી જોવા, પડકાર રૂપે શ્રીકૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આખી સભા શેહ ખાઈ ગઈ.

અંતે મહાભારત યુદ્ધ માટે કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે ગોઠવાઈ. સ્વજનોને હણીને રાજ્ય પ્રાપ્ત કરવાનું અર્જુનને અયોગ્ય લાગતાં, વિષાદને કારણે તેણે યુદ્ધ ન કરવાનું વિચાર્યું. સ્વજનોનો મોહ તજીને, પોતાની ફરજ રૂપે, યુદ્ધ કરવા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું. આ સંવાદ ‘‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ તરીકે સુપ્રસિદ્ધ છે. આ સંવાદ દરમિયાન પરમાત્માના ‘‘એક છતાં અનંત’’ સ્વરૂપ વિષે જે વાત થઈ તે વિભૂતિયોગ. એ વિભૂતિઓનું સાક્ષાત્ દર્શન એટલે ‘‘વિશ્વરૂપ દર્શન’’.

પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવાની ઇચ્છાથી અર્જુને પૂછ્યું : ‘‘હે પ્રભુ ! ઉગ્ર રૂપવાળા આપ કોણ છો ?’’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘હું મહાકાળ છું.’’ આ દર્શનના વર્ણન અનુસાર આ રૂપ અત્યંત ભયાનક હતું. ગીતાજીના અધ્યાય નં.૧૧ના શ્લોક નં.૨૫થી ૩૦માં આ ભયાનક સ્વરૂપનું વર્ણન છે. અર્જુને કહ્યું: ‘‘વિકરાળ દાઢો અને પ્રલયકાળના અગ્નિ જેવું આપનું મુખ છે. રાજાઓનો સમૂહ, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ અને અમારા પક્ષના અગ્રણી યોદ્ધાઓ વિકરાળ દાઢોવાળા આપનાં ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશી રહ્યા છે ને તેઓમાં કેટલાક ચૂર્ણ થઈ ગયેલાં મસ્તકો સાથે દાંતના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય છે.’’ ખુદ અર્જુન શૂરવીર હોવા છતાં ભયભીત થઈ ગયેલા, અને સૌમ્ય રૂપ દર્શાવવા પ્રભુને વિનંતી કરવા લાગેલા.

આ અતિ અલૌકિક, અદભુત અને અત્યંત આશ્ચર્યકારક દર્શન આપણા માટે તો શક્ય જ નથી. એટલે આપણે તો તેના વર્ણનથી જ સંતોષ માનવો પડે. સામાન્ય મૃત્યુના દર્શનથી આપણે તો ભયભીત અને આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ તો સાક્ષાત્ મહાકાળનાં દર્શન આપણને થથરાવી જ મૂકે ને !.

આપણે માટે તો દર્શનનો સીધોસાદો અર્થ, - મંદિરે જવું, પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાં, આવડે એવી કાંઈક સ્તુતિ બોલવી, કાંઈક ને કાંઈક માગવું, પછી ઘેર જવું. આપણાં મંદિરો ભીડથી ઊભરાતાં હોય છે, એટલે આપણને સૌને દર્શનની ખૂબ તાલાવેલી હોય છે એ નિર્વિવાદ છે, પણ હૈયેહૈયું દળાય એવી ભીડમાં શાંતિથી પ્રભુનાં દર્શન થઈ શકે ખરાં ? થોડીક ક્ષણ પણ મન પ્રભુમય થઈ જાય, મન આનંદથી છલકાઈ જાય તો મંદિરે જવાનો પરિશ્રમ સફળ ગણાય. પરમાત્માના સુંદર સ્વરૂપ કરતાં, સામાન્ય રીતે પરમાત્માએ ધારણ કરેલા વાઘાની ચમકદમક, કીમતી આભૂષણો, આરસનું મંદિર, એ બધાં આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે.

મંદિરની બહાર નીકળતાં આપણે એ બધાંની ચર્ચા કરીએ છીએ. એટલે તો લોકોને આકર્ષવા જુદા જુદા ઉત્સવ નિમિત્તે મંદિરને જુદી જુદી રીતે શણગારવામાં આવે છે. ઘણી વાર ભવ્ય રોશની કરવામાં આવે છે. હીંડોળાનાં દર્શનના ઉત્સવ દરમિયાન અનાજ, કઠોળ, શાકભાજી, ઘડિયાળ એમ અનેક ચીજ વસ્તુઓથી હીંડોળાને શણગારવામાં આવે છે. એમાં કાંઈ જ અયોગ્ય નથી. એ પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાની એક રીત છે એ નિમિત્તે પોતાની કળા પ્રગટ કરી શકાય છે અને એ રીતે આનંદ મેળવી શકાય છે અને અન્ય લોકોને આનંદ આપી શકાય છે.

એક ભાઈ અંધ હોવા છતાં દરરોજ નિયમિત રીતે પ્રભુનાં દર્શન કરવા મંદિરે જતા. સૌને નવાઈ લાગતી. એક દિવસ કોઈ ભાઈએ તેમને પૂછ્યું : ‘‘તમે તો અંધ છો, તમને કાંઈ દેખાતું નથી, મંદિર કેવું ભવ્ય અને સરસ છે, પ્રભુએ કેવાં કીમતી આભૂષણો ધારણ કર્યાં છે, પ્રભુના વાઘા કેવા સુંદર છે એમાંનું કાંઈ દેખાતું ન હોવા છતાં તમે કેમ રોજ આવો છો ? એ સમજાવશો ?’’ અંધ ભાઈએ હસીને કહ્યું ‘‘તમારી વાત સાચી છે, મને કાંઈ દેખાતું નથી, પણ રોજ મંદિરે આવું તો પરમાત્માની દ્રષ્ટિ તો મારા પર પડે ને. બસ, એટલા માટે જ હું આવું છું.’’

પ્રભુ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા છે, આ મૂર્તિમાં પણ તે છે. એમની દ્રષ્ટિ મારા પર પડે તો બસ, બીજું કાંઈ ન જોઈએ આ ભાવનાથી આપણે મંદિરે જઈએ તો કેવું સારું. વિશ્વમાં વ્યાપેલા કે મંદિરમાં મૂર્તિ રુપે વિરાજતા વિભુ સિવાય બીજું કાંઈ જોવાની ઇચ્છા જ ન રહે તો આપણને પણ ‘‘વિશ્વરૂપ દર્શન’’ થઈ જાય. પછી કદાચ મંદિરે જવાની જરૂર જ ન રહે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...