ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

૨૦. પરમાત્માનાં સાકાર સ્વરૂપો

શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં ગીતાજીના ઉદગાતા છે. તેમના અદભુત સાકાર સ્વરૂપથી આપણે પરિચિત છીએ. શ્રીમદ્ ભાગવત, હરિવંશ, મહાભારત વગેરેમાં તેમના કલ્પનાતીત સૌંદર્ય, અપ્રતિમ શૌર્ય, અઢળક સંપત્તિ, પરમ ઔદાર્ય, અદભુત જ્ઞાન, અને ગજબ શાણપણની અનેક વાતો લખેલી છે. દુનિયાના બધાં સાહિત્યમાં ક્યાંય આવું અનેરું વ્યક્તિત્વ ધરાવતી અન્ય કોઈ વ્યક્તિનું વર્ણન નથી. આવી વિરલ વ્યક્તિ બીજી કોઈ થઈ નથી અને થશે નહીં. વળી એ અપ્રતિમ, અનુપમ અને અવર્ણનીય, સુમધુર શ્રીકૃષ્ણનું વર્ણન કરતાં કરતાં કવિઓ અને વિદ્વાનો પણ થાકી જાય છે. હજારો વર્ષ પછી પણ એ નામનું માધુર્ય અમર છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ તો કહી દીધું કે ‘‘મધુરાધિપતે અખિલં મધુરમ્.’’

મહાભારતના વર્ણન પ્રમાણે ‘‘શ્રીકૃષ્ણ’’ સર્વ શક્તિમાન છે કેમ કે દ્રૌપદીના વસ્ત્રહરણના અશોભનીય પ્રસંગે, ખુદ ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ કે પાંચ પાંડવો તેમને બચાવી ન શક્યા ત્યારે પોતાની શીલરક્ષા કરવા દ્રૌપદીએ સ્મરણ કરી મદદ માટે બોલાવતાં શ્રીકૃષ્ણે જ તેમની લાજ બચાવી હતી. અશ્વત્થામાએ પાંડવોના વંશનો નાશ કરવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરિણામે ઉત્તરાના ગર્ભમાં રહેલો બાળક મૃત પુત્રરૂપે જન્મ્યો, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું ‘‘જો મેં જીવન પર્યંત સત્યનું જ આચરણ કર્યું હોય તો આ મૃત બાળક સજીવન થાઓ.’’ કુદરતના નિયમ વિરુદ્ધ એ મૃત બાળક સજીવન થયો. આમ શ્રીકૃષ્ણ પરમ સત્યવાદી હતા એ પુરવાર થયું. એ નિષ્કલંક, પરમ તત્ત્વનું વર્ણન શક્ય નથી.

‘‘શ્રીકૃષ્ણ’’નું જ બીજું સ્વરૂપ એટલે ‘‘રાધા’’. રાધાનું વર્ણન કરતાં કરતાં પણ વિદ્વાનો થાકી જાય છે. સામાન્ય રીતે રાધા અદભુત, અનુપમ અને અત્યંત સુમધુર લાવણ્ય ધરાવતી કન્યા એમ આપણે માનીએ છીએ, પણ રાધા એ કોઈ વ્યક્તિનું નામ નથી. રાધા એટલે કલ્પનાતીત, વાસનાવિહીન, અલૌકિક, પરમ વિશુદ્ધ પ્રેમ. એ પરમાત્માનું જ પરમ પ્રેમ સ્વરૂપ છે. એટલે જ એને પરમાત્માની પડખે સ્થાન મળ્યું છે. આપણા સીમિત જ્ઞાન અને ફક્ત લૌકિક પ્રેમની સમજણને કારણે અલૌકિક પ્રેમ શું કહેવાય એ જ ખબર ન હોય ત્યારે રાધાને આપણે ક્યાંથી ઓળખી શકીએ ? પરમ નિષ્કામ એટલે કે નિઃસ્વાર્થ પ્રેમ હોય તો જ શ્રીકૃષ્ણ મળે. રાધાની આંખ વિના એટલે કે આવા પ્રેમ વિના, શ્રીકૃષ્ણ દર્શન શક્ય નથી.

મુંબઈમાં આપણા ત્રણ વિદ્વાનો, શ્રી હરીન્દ્રભાઈ દવે, શ્રી ગુણવંતભાઈ શાહ અને શ્રી સુરેશભાઈ દલાલનું ‘‘શ્રીકૃષ્ણ મારી દ્રષ્ટિએ’’ એ વિષય પર એક સાંજે પ્રવચન યોજાયેલું. સંકલનકાર સજ્જન શ્રી વિનુભાઈ મહેતાએ અત્યંત સુંદર શબ્દોમાં લખ્યું છેઃ ‘‘રાધાની આંખ ઉછીની લઈને હું એ શ્રીકૃષ્ણ સંધ્યાની રાહ જોતો હતો.’’ પ્રવચન દરમિયાન શ્રી ગુણવંતભાઈ શાહે રાધાને અદભુત શીતલ, મધુર જળ સાથે સરખાવેલી છે. અત્યંત તરસ્યા માનવીને જ એ જળની મધુરતા સમજાય. એનું વર્ણન ન થઈ શકે.

મોરપીંછની અનુપમ સુંદરતા આપણે સૌએ જોઈ છે. મનમોહક સૂરોથી ગુંજતી વાંસળીના અદભુત સૂર પણ આપણે સાંભળ્યા છે. ગુલાબની મધુર સુગંધથી આપણે પરિચિત છીએ. રાધા એટલે સૌંદર્યભર્યું મોરપીંછ. રાધા એટલે વાંસળીના કર્ણપ્રિય સૂર. રાધા એટલે સુગંધથી છલકાતું ગુલાબ. મોરપીંછ અને વાંસળી વિના શ્રીકૃષ્ણનું ચિત્ર અધૂરું ગણાય. શ્રીકૃષ્ણ અને રાધા ક્યારેય અલગ હોઈ જ ન શકે. ગુલાબની સુગંધની જેમ એ બંને અદ્રશ્ય છે તો પણ યુગો વીતી જવા છતાં એમનું અસ્તિત્વ અમર છે.

ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને ૧૦મા અધ્યાય ‘વિભૂતિયોગ’માં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છેઃ ‘‘રુદ્રોમાં શંકર હું છું.’’ આમ શ્રીકૃષ્ણ અને શંકર બંને એક જ પરમ તત્ત્વ છે. દેવાધિદેવ મહાદેવ પરમ કલ્યાણકારી છે.

પલક વારમાં દેવોને પણ અઢળક સંપત્તિ આપવાની ક્ષમતા હોવા છતાં પોતે પરમ તપસ્વી તરીકે, વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. ચિતાભસ્મ ધારણ કરે છે. તેમને ગળે સર્પ વીંટળાયેલો છે. જગતની રક્ષા માટે કાતિલ ઝેર પીવાથી તેઓ નીલકંઠ કહેવાય છે. જેમને કોઈ ન સ્વીકારે તેમને મહાદેવજી સ્વીકારે છે. તમામ અમંગળ વસ્તુઓ તેમની પાસે રહે છે. મહાકાળ સ્વરૂપ હોવાથી તેઓ ખોપરીની માળા પહેરે છે. ભૂત, પલિત તેમની પાસે રહે છે તેવું મનાય છે. અનેક અમંગળ વસ્તુઓ તેમની પાસે હોવા છતાં તેઓ પરમ મંગલકારી છે. પરમ પવિત્ર મા ગંગામૈયા તેમની જટામાંથી વહે છે. શીતલ કિરણ ફેલાવતી બીજરેખા તેમના મસ્તક પર શોભે છે. ઝટ પ્રસન્ન થતા હોવાથી આશુતોષ કહેવાય છે. આસુરી શક્તિઓ માટે તેઓ વિનાશકારી મહારુદ્ર કહેવાય છે. આમ એક જ તત્ત્વમાં મંગલકારી અને વિનાશકારી બે અદભુત શક્તિઓનો સમન્વય ધરાવતું, એ ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે.

જગતજનની મા પાર્વતી તેમનું અર્ધું અંગ છે. તેઓ અંબા, જગદંબા, બહુચરા, મહાકાળી વગેરે અનેક નામોથી પૂજાય છે. તેઓ મા શક્તિનું સ્વરૂપ હોવાથી વાઘેશ્વરી તેમ જ સિંહવાહિની રૂપે પણ પૂજાય છે. શુંભ, નિશુંભ, મહિષાસુર વગેરે અનેક દૈત્યોને તેમણે હણ્યા છે તેથી ચંડી તેમ જ કાલિકાના રૌદ્ર રૂપે પણ પૂજાય છે. પોતાનાં સંતાનોની રક્ષા માટે અસુરો સામે લડનાર માના પવિત્ર સ્વરૂપે પૂજાય છે.

ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને ૧૦મા અધ્યાય ‘વિભૂતિયોગ’માં એમ પણ કહ્યું છે કે ‘‘શસ્ત્રધારીઓમાં રામ હું છું.’’ એટલે કે શ્રીકૃષ્ણ, મહાદેવજી અને શ્રીરામ ત્રણે એક જ પરમ તત્ત્વ છે. ફક્ત સ્વરૂપ જ જુદાં છે. શ્રીરામને પોતે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ તેમ જ લોકપ્રિય હોવા છતાં રાજ્યાભિષેકને દિવસે જ માતાપિતા તરફથી ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. પોતે નિર્દોષ હોવા છતાં આમ કેમ, એમ તેમણે વિરોધ ન કર્યો. પરિસ્થિતિના અણધાર્યા પલટાને તેમણે ખૂબ જ સહજતાથી નિષ્કામ ભાવે સ્વીકારી લીધો. ભગવાન શ્રીરામે સ્થિતપ્રજ્ઞતાનું આચરણ કર્યું. ગીતાજીમાં નિષ્કામ ભાવ અને સ્થિતપ્રજ્ઞતા ઉપર શ્રીકૃષ્ણ ભગવાને ખૂબ જ ભાર દીધો છે. શ્રીરામ પરમ આદર્શવાદી હતા. મંગલકારી અને સંહારક બંને શક્તિઓનો તેમના જીવનમાં પણ અદભુત સમન્વય હતો. ‘‘રામાયણ’’ ને હિંદુ ધર્મનો આદર્શ ગ્રંથ માનવામાં આવે છે.

‘‘રામાયણનાં પાત્રો’’ નામના પુસ્તકમાં શ્રી પાંડુરંગ આઠવલેએ સીતાજી માટે ગજબ લખ્યું છે. ધરતીમાંથી કોઈ જન્મતું નથી તો પછી વિદ્વાન વાલ્મીકિ મુનિએ સીતાજી ધરતીમાંથી જન્મ્યાં એવી કલ્પના કેમ કરી હશે ? તેમની વાત બહુ સરસ છે. ભગવાન શ્રીરામ જેવું પરમ આદર્શ પુરુષરત્ન માને પેટે જન્મી શકે એ સંભવ છે, પરંતુ સીતામાતા જેવું પરમ નારીરત્ન માને પેટે જન્મી જ ન શકે એ અસંભવ છે. એટલે જ તેઓ મા ધરતીમાંથી જન્મ્યાં હતાં એવી કલ્પના કરેલી છે.

આમ પરમાત્માનાં તમામ સાકાર સ્વરૂપો બહુ જ અદભુત છે. ગમે તે સ્વરૂપનું ધ્યાન આપણા જીવનને મંગળમય બનાવવા સમર્થ છે. સામાન્ય રીતે આપણને સૌને આપણા મનની એકાગ્રતા કેળવવા માટે કોઈ ચોક્કસ આકારની જરૂર પડે છે. એટલે સાકાર સ્વરૂપનું મહત્વ છે. કોઈ સ્વરૂપ નાનું કે મોટું નથી. કોઈનું મહત્વ વધુ કે ઓછું નથી. ક્યું સ્વરૂપ શ્રેષ્ઠ, એવી ચર્ચા તદ્દન બિનજરૂરી છે. રુચિભેદને કારણે સૌને અલગ અલગ સ્વરૂપ ગમતાં હોય છે. પરમાત્માના સ્વરૂપ વિષેની ચર્ચા નિરર્થક છે. તેના કરતાં પરમાત્માનું શરણ સૌથી વધુ મહત્વનું છે.

પોતાને ગમતા પરમાત્માના કોઈ પણ સ્વરૂપની અથવા મા શક્તિના કોઈ પણ સ્વરૂપની આરાધના સાચા દિલથી કરીએ તો એ પરમ શાંતિ આપે છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...