ઇન્ટરનેટ પર બસ અમસ્તાં જ મોજથી સર્ફિંગ કરવા નીકળો કે કોઈ ચોક્કસ વિષય પર, ચોક્કસ પ્રકારની માહિતી શોધવા નીકળો ત્યારે મોટા ભાગે એવું બને કે જે જોઈતું હોય એનાથી અનેકગણું મળે. પણ થાય એવું કે આપણને એ બધું કામનું ન હોય અને ઘણું એવું પણ મળે, જે એમ લાગે કે ભવિષ્યમાં કામ લાગશે ખરું!
આવી દ્વિધા થાય ત્યારે સામાન્ય રીતે હૈયા પર પથ્થર મૂકીને આગળ વધી જવાનો જ રસ્તો રહે, પણ હવે એવા કઠણ કાળજાના થવાની બહુ જરૂર નથી. કામનું લાગે એ બધું સંઘરી લેવાનો (ને બીજાએ સંઘરેલી સામiગ્રીમાંય માથું નાખવાનો) એક સરસ ઉપાય છે અને એ પણ મફત!
આમ તો ઉપર જે લખ્યું એનો સાદો અર્થ થાય છે બુકમાર્કિંગ. તમે મોટા ભાગે આઇઈની ફેવરિટ્સ કે ફાયરફોક્સની બુકમાર્ક્સ સર્વિસનો ઉપયોગ કરતા જ હશો.. જે વેબપેજ કામનું લાગે એને ફેવરિટ કે બુકમાર્કનો સિક્કો મારી દેવાનો એટલે ભવિષ્યમાં એ પેજ પર સહેલાઈથી પહોંચી શકાય. ગૂગલની બુકમાર્ક સર્વિસ થોડી વધુ આગળ જઈને તમારા બધા બુકમાર્કને ઇન્ટરનેટ પર જ રાખીને, ગમે તે પીસી કે લેપટોપ પરથી એક્સેસિબલ બનાવી દે છે. ગૂગલની જ નોટબુક સર્વિસ હજી થોડી વધુ આગળ જઈને તમને કામની લાગે એ બધી સામગ્રી કોપી કરીને એક જગ્યાએ લાવીને, તમને ગમે તે રીતે તેને ઓર્ગેનાઇઝ કરવાની તક આપતી હતી (હવે ગૂગલે આ સેવા બંધ કરી દીધી છે, જૂના એકાઉન્ટ ચાલુ, પણ નવા માટે સોરી!)
આ બધાથી આગળ વધીને, ઇન્ટ
રનેટ પર રીસર્ચનું કામ એક દમ સહેલું ને વધુ કામઢું બનાવી દીધું છે ડિગો નામની એક વેબસર્વિસે (www.diigo.com). એટલું ઓછું હોય તેમ તેમાં સોશિયલ નેટવર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉમેરી દીધી છે (નેટ પરની કોઈ વાત આજકાલ આ સોશિયલ નેટવર્કિંગ વિના ક્યાં પૂરી થાય છે?!)
અચ્છા, તો આ ડિગો તમને કેવી રીતે કામ લાગે? વિગતવાર સમજવા માટે આ સાઇટ પર વિડિયો ઉપલબ્ધ છે, અત્યારે થોડું ઝપાટાબંધ સમજી લઈએ...
સાઇટના હોમપેજ પર જઈને તમે ફેસબુક, ટિ્વટર, ગૂગલ કે યાહૂના તમારા એકાઉન્ટની મદદથી ડિગોમાં ખાતું ખોલાવી શકો છો, આમાંનું કંઈ ન હોય તો નવેસરથી ડિગો એકાઉન્ટ બનાવવાનો વિકલ્પ તો છે જ. પછી તમે ઇચ્છો તો ડિગો ટૂલબાર ડાઉનલોડ કરી લો. એના વગર શરૂઆતમાં ડિગોલેટ નામનું એક ટચૂકડું બટન તમારા બ્રાઉઝરમાં ઉમેરવાથી પણ કામ ચાલી જશે.
પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. તમે જ્યારે પણ નેટસર્ફિંગ કરો ત્યારે ડિગો તમારી સાથે રહેશે. મતલબ કે કોઈ વેબપેજ તમને ઉપયોગી લાગે તો ટૂલબારની મદદથી કે ડિગોલેટ પર ક્લિક કરવાથી કે માઉસનું રાઇટ બટન દબાવવાથી તમને ઘણું બધું કરવા મળશે. જેમ કે તમે કોઈ લખાણ સિલેક્ટ કરીને તેને બુકમાર્ક બનાવી શકો, તેને અલગ રંગથી હાઇલાઇટ કરી શકો, એ લખાણ ઉપર તમારી પોતાની કમેન્ટની સ્ટીકી નોટ ઉમેરી શકો, એ પેજને કેપ્ચર કરી શકો, વગેરે વગેરે. તમે જે જે વેબપેજ પર આમાંનું જે જે કરતા રહો એ બધું ડિગો પરની તમારી પોતાની લાઇબ્રેરીમાં જમા થતું રહેશે. એ દરેક આઇટમને તમે ટેગ પણ કરી શકો. બીજા સાથે શેર કરી શકો. ટિ્વટર કે ફેસબુકના તમારા એકાઉન્ટમાં મોકલી શકો... (ફરી પાછું, વગેરે વગેરે સમજી લો!). આ બધું તમે ખાનગી રાખી શકો કે પબ્લિક રાખી શકો. તમારી જેમ બીજા લોકોએ જે કંઈ જમા કર્યું હોય એ, પબ્લિક રાખ્યું હોય તો તમે પણ જુદા જુદા અનેક વિષયો પર - વિવિધ લોકોને જે ઉપયોગી લાગ્યું છે એવું ઘણું બધું જોઈ શકો.
| Comments |
|





