ૐ
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો વિષાદ દૂર કરવા ગીતાજીનો ઉપદેશ આપ્યો. આમ ગીતાજીની શરુઆત 'અર્જુન વિષાદ યોગ'થી થાય છે. લેખ નં. ૬ - 'યુદ્ધ ન કરવું કે કરવું?' થી શરુ કરી લેખ નં. ૩૨માં 'અહીં ગીતાજી પૂર્ણ થાય છે.' તેવી નોંધ છે. (પેજ નં. ૯૪) ગીતાજી એટલો બધો ગહન ગ્રંથ છે કે તેને મર્યાદિત પાનામાં સમાવી શકાય નહીં. તેના વિષે જેમ વધુ વિચારીએ તેમ નવું નવું સુઝે. બાકીના લેખ એ રીતે લખાયેલા છે. એક મિત્રે દિપાવલી નજીક હોવાથી ગીતાજીના અનુસંધાનમાં દિપાવલી અને નૂતન વર્ષ વિષે લખવા સૂચવ્યું આવો કોઈ ઉલ્લેખ ગીતાજીમાં નથી. પરંતુ પરમાત્માએ જે સુઝાડ્યું તે લખ્યું.
દિપાવલી એ પ્રકાશનું પર્વ છે. પ્રકાશ એ પરમાત્માનું નિરાકાર સ્વરુપ છે. એટલે દિપાવલી એ પરમાત્માની આરાધના કરવાનું પર્વ છે. જીવન નિર્મળ બનાવી, પરમાત્માનું આરાધન કરીએ તો આપણું જીવન પ્રકાશમય બની જાય. તે દિવસ લક્ષ્મીપૂજનનું તો ખાસ મહત્વ છે. લક્ષ્મી વિના જીવનનિર્વાહ મુશ્કેલ બની જાય. જીવનમાં બંનેનું ખૂબ મહત્વ છે. પ્રમાણિક પણે પરિશ્રમથી ધન મેળવીને પરિવાર માટે તેમ જ યથાશક્તિ સમાજ માટે તેનો સદ્ઉપયોગ કરીએ તો એ લક્ષ્મી પૂજન મંગલકારી બની રહે.
નૂતન વર્ષે આપણા જીવનનું સરવૈયું તપાસવાની વાત છે. સરવૈયું કાઢીએ તો જ નફા- નુકશાનની ખબર પડે. રુપીઆ જીવન માટે જરુરી છે, પરંતુ એ સર્વસ્વ નથી. ધન કરતા જીવન સવિશેષ મૂલ્યવાન છે. આર્થિક નુકશાન ન થાય તેની જેટલી દરકાર આપણે રાખીએ છીએ તેથી વિશેષ કાળજી જીવનમૂલ્યોને નુકશાન ન થાય તેની રાખીએ તો, અને સૌનું હિત થાય તેવા પ્રયત્ન કરીએ તો, સમાજની કાયાપલટ થઈ જાય.
આજના કહેવાતા ગુરુઓ અધમતાની હદ ઓળંગી રહ્યા છે. સમાજને સુધારવાનું, સંસ્કારી બનાવવાનું મહત્વનું કામ જેમણે કરવાનું છે, તેઓ નરાધમ બની ગયા છે. બે-ચાર શિક્ષકોને સજા થાય એ પુરતું નથી. ધન તરફની આંધળી દોટ અને અસંસ્કારી શિક્ષકોને છાવરતા રાજકારણીઓ સુધરે તો જ એ શક્ય બને. આવાં અસામાજીક તત્વો સમાજમાંથી જ આવે છે. નરાધમ શિક્ષકોને ખૂબ કડક સજા થાય, અને અસામાજિક રાજકારણીઓને પ્રજા ન ચૂંટે તો જ સમાજનો સડો સાફ થાય.
લેખ નં. ૬માં બે વાત મહત્વની છે. (૧) અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે. એની સામે લડવું જ જોઈએ. (૨) દરેક માનવીને એક છુપો દુશ્મન હોય છે. એ દુશ્મન એટલે આપણું પોતાનું મન. તેની સામે યુદ્ધ કરવું અત્યંત જરુરી છે. હું ગીતાજી બહુ સમજ્યો નથી, એટલે આ બંને બાબતોનો ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેમ તે ખ્યાલ નથી. આ બંને બાબતો વિષેનું મારુંઅજ્ઞાન મને મુંઝવતું હતું. પરમાત્માની કૃપાથી એ બંને પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી જતાં અત્યંત આનંદ અનુભવું છું.
આપણા વિદ્વાન લેખક શ્રી ગૌતમભાઈ શર્માના પુસ્તક 'વિષ્ટિકાર શ્રીકૃષ્ણ' માં પેજ નં. ૩૫૧ પર અન્યાય બાબત બહુ સ્પષ્ટ વાત છે. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે પાંડવ અને કૌરવોનો આ કલહ માત્ર પ્રતીક જ છે. ધર્મ...સહનશીલ ધર્મ જે અન્યાયને સહ્યે જ ગયો છે એણે હવે અધર્મ સાથે યુદ્ધ કરવું જ રહ્યું.
આપણા વિદ્વાન લેખક શ્રી હરીન્દ્રભાઈ દવેના પુસ્તક 'આનંદપુરુષ શ્રીકૃષ્ણ'માં પેજ નં. ૨૮ પર મન સાથેના યુદ્ધ બાબત સરસ વર્ણન છે. મહાભારત યુદ્ધ પુરું થયા પછી સ્વજનોને હણવા બાબત યુધિષ્ઠિર વિષાદ અનુભવે છે. ખુદ ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને આશ્વાસન આપે છે કે સ્વપ્નમાં મળેલ ધનની જેમ મારા સો પુત્રોનો નાશ થયો. એટલે શોક તો મને થવો જોઈએ. તેમ છતાં યુધિષ્ઠિરનો વિષાદ શમતો નથી. ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે
મનસા એકેન યોદ્ધવ્ય તત્ તે યુદ્ધમુપસ્થિતમ્
"હે શત્રુદમન ! તમે દ્રોણ કે ભીષ્મ સાથે કર્યું હતું એ જ યુદ્ધ આજે તમારી સામે આવ્યું છે. પરંતુ આ યુદ્ધ મનસા - મનથી (મન સાથે - મન સામે ) લડવાનું છે અને એકેન - એકલાએ જ લડવાનું છે. ભીમ કે અર્જુનનું શૌર્ય પણ એ યુદ્ધ લડવા માટે નકામું છે." શ્રીકૃષ્ણ ભગવાને આ વાત આપણને સૌને કહી છે. જીવનમાં આવતાં દુખ, આર્થિક નુકશાન, પરાજય, નિષ્ફળતા, શોક વગેરે સામે નિર્ભય બનીને લડવું જોઈએ.
ઉપરોક્ત બંને વાત શ્રીકૃષ્ણ ભગવાને કહી છે. એટલે ગીતાજીની આ લેખમાળા મેં લખી નથી પરંતુ પરમાત્માએ લખાવી છે, એ સિદ્ધ થતાં હું સ્વાભાવિક રીતે આનંદ અનુભવું છું. આ કોઈ ભ્રમ કે અતિશયોક્તિ નથી પરંતુ નિર્ભેળ સત્ય છે.
'આનંદપુરુષ શ્રીકૃષ્ણ'માં પેજ નં. ૨૯ પરની નાનકડી વાત બહુ જ ગજબ છે
"કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનીયા તજી દે તોય માણસ ક્યારેય ત્યજાયેલો હોતો નથી . દુનીયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાયનો રહેતો નથી." - જગતનિયંતાને મારી એટલી જ પ્રાર્થના છે કે - "હે શ્રીકૃષ્ણ ભગવાન ! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઈચ્છું છું. મારો હાથ ઝાલશો ને, પ્રભુ ?
| Comments |
|
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’