શીર્ષક વાંચતાં જ આંગળીઓમાં સળવળાટ થવા લાગ્યો? તો માણો આજનો લેખ ફાસ્ટ ફોરવર્ડિંગ મોડમાં, સ્પેસ સ્પેશિયલ સ્વરૂપે!
થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો
. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા. સ્ટીલેરિયમમાં તમે પૃથ્વી પર રહીને અવકાશમાં નજર નાખી શકો છો, જ્યારે સેલેસ્ટિયા એવું સોફ્ટવેર છે, જેની મદદથી તમે આખી સોલર સિસ્ટમમાં સફર કરી શકો છો, એક લાખ જેટલા તારાની નજીક પહોંચી શકો છો અને ગેલેક્સીની પણ આગળ જઈ શકો છો! સોફ્ટવેર ૩૩ એમબીનું છે, પણ મફતમાં ડાઉનલોડ કર્યા પછી જલસો છે.
બ્રહ્માંડમાં તમને રસ પડતો હોય તો નાસાની સાઇટ તો તમે જોઈ જ હશે - જેમ આપણે નાસાના ફેન છીએ એમ નાસા ટ્વીટરનું ફેન હોય એવું લાગે છે. ગયા અઠવાડિયે નાસાએ એટલાન્ટિસ સ્પેસ શટલ લોન્ચ કર્યું ત્યારે તેનું લાઇવ ટ્વીટિંગ થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. મે મહિનામાં, એક એસ્ટ્રોનોટે સ્પેસમાંથી ટ્વીટ મોકલી હતી! નાસા વિશે ખૂણાખાંચરાની વિગતો જાણવાને નાસાને ટ્વીટર પર ફોલો કરો. નાસાની સાઇટમાં ‘ફોર સ્ટુડન્ટ્સ’ વિભાગ જોવાનું પણ ચૂકશો નહીં.
હવે વાત ત્રીજી સાઇટની. ક્યારેક ને ક્યારેક એવું તો બન્યું જ હશે કે આકાશમાં કોઈ ચમકતા તારા જેવું કંઈક સતત ગતિ કરતું જોઈને તમને વિસ્મય થયું હશે. તારો હોય તો સ્થિર હોય અને પ્લેન હોય તો એટલું બધું ચે પણ ન હોય. વાસ્તવમાં એ ઉપગ્રહ હોય છે. નિષ્ણાતો કહે છે કે લગભગ ઉપગ્રહ, સ્પેસ સ્ટેશન જેવા ૧૦૦ જેટલા ઓબ્જેક્ટ્સ, પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય એટલી નીચી ભ્રમણકક્ષામાં પૃથ્વી ફરતે ફરે છે. એમાંના અમુક, જેમ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઇએસએસ તો એટલું તેજસ્વી છે કે સહેલાઈથી જોઈ શકાય છે. સાફ આકાશવાળી રાતે આવા ઓબ્જેક્ટ્સ વધુ સહેલાઈથી જોઈ શકાય છે. આવા ઓબ્જેક્ટ્સ પૃથ્વીથી ઘણી ચાઈએ હોવાથી ક્યારેક પૃથ્વીની બીજી તરફ રહેલા સૂર્યનો પ્રકાશ ઓબ્જેક્ટની સોલાર પેનલ પર પડતાં એ એકદમ ચમકી ઠે છે.
આટલે સુધી વાંચીને, આવું કંઈક જોયાનો જૂનો અનુભવ યાદ કરીને બેસી રહેશો કે નરી આંખે ઉપગ્રહ કે સ્પેસ સ્ટેશન જોવાનો ઉત્સાહ જાગ્યો છે? બાળકો માટે તો આ ખરેખર રોમાંચક અનુભવ બની શકે છે. ઇન્ટરનેટની કૃપાથી અને અવકાશવિજ્ઞાનનો વધુ ને વધુ પ્રસાર થાય એમાં રસ ધરાવતા કેટલાક લોકોની મહેનતથી, હવે આપણે આપણા શહેર કે ગામમાંથી ક્યારેઉપગ્રહ જોઈ શકીએ તે જાણવું શક્ય બન્યું છે. પહોંચી જાઓ આ સાઇટ પર. આ સાઇટ પર જુદા જુદા ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સની ભ્રમણકક્ષામાંની સ્થિતિ સતત અપડેટ કરતાં ડાયનેમિક પેજીસ છે. કામ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં સાઇટના હોમપેજ પર નીચે આપેલી હેલ્પની લિંક શોધીને એ ધ્યાનથી વાંચી જજો. આ લખનારને, ઉપગ્રહ જોવાનો જાતઅનુભવ કરવાનો લ્હાવો નથી મળ્યો, પણ ભારતમાંથી ઉપગ્રહ જોઈ તો શકાશે જ.
આ બધી સાઇટ, આપણે તેના ઉપયોગમાં બહુ ઊંડા ઊતરીએ કે ન ઊતરીએ, આપણી જિજ્ઞાસા અને કુતૂહલને વધુ સતેજ તો ચોક્કસ કરે છે. મોટેરાં માટે આ સાઇટ્સ મસ્ત છે, પણ વિદ્યાર્થીઓ માટે તો મસ્ટ છે!