ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્લોક નં. 54 થી 72માં અર્જુન સાથે સ્થિતપ્રજ્ઞ વિષે ખૂબ જ ઉત્તમ ચર્ચા કરી છે. આ અંગે આપણે પ્રકરણ (9) પેજ નં. 25-26-27 માં સવિસ્તર વિચારેલ છે. કોઈ એક સજ્જનને લાગ્યું કે આ લક્ષણો તો સ્વાભાવિક રીતે જ ખૂબ ઉત્તમ છે. પરંતુ જીવનમાં તેનું આચરણ શક્ય છે કે કેમ ? કોઈ માનવી સંપૂર્ણ રીતે સ્થિતપ્રજ્ઞ હોઈ શકે કે કેમ ?
શ્રી સ્વામી શિવાનંદ જ્ઞાનયજ્ઞ નિધિ, દિવ્ય જીવન સંઘ, અમદાવાદ દ્વારા પ્રકાશિત “અમૃતધારા” નામના પુસ્તકમાં આમુખમાં (પેજ નં. V) આ અંગે બહુ સરસ લખ્યું છે કે – એકવાર વૃંદાવનમાં શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ ગીતાજીનો ભક્તિયોગ સમજાવતા હતા ત્યારે કોઈ સજ્જને પૂછ્યું કે “શું ભક્તનાં આવાં લક્ષણો કળિયુગમાં શક્ય બને ?” એક ક્ષણના યે વિલંબ વગર સ્વામીજી મહારાજે કહ્યું હતું: “અરે ! યહ તો કુછ ગીને ચુને લક્ષણ હૈં... હમારે સ્વામી ચિદાનંદજી મહારાજ તો બહુગુની હૈ.. અનેક ગુનોંકે ધની હૈ !”
આવો જ પ્રસંગ લખનૌમાં શ્રીમત્ સ્વામી ચિન્મયાનંદજી મહારાજના ગીતાજ્ઞાન યજ્ઞમાં બનેલો. કોઈએ પૂછ્યું- “શું સ્થિતપ્રજ્ઞ માનવી સંભવી શકે ? ગુસ્સા વગરના કોઈ માનવીને આપે કદી જોયા છે ?” સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજનો પ્રત્યુત્તર હતો – “જી હા ! સ્થિતપ્રજ્ઞ સંભવી શકે. મેં તેમને જોયેલા, અનુભવેલા છે. શિવાનંદ આશ્રમ હૃષિકેશના પરમાધ્યક્ષ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ સ્થિતપ્રજ્ઞ છે. તેમને ગુસ્સે થતા કદીયે જોયા-સાંભળ્યા નથી.”
ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વાત, બારમા અધ્યાયમાં પરમ ભક્તનાં લક્ષણોની વાત અને ચૌદમા અધ્યાયમાં ત્રિગુણાતીત માનવીનાં લક્ષણોની વાત એક જ છે. ફક્ત જુદા જુદા શબ્દો છે. સ્થિતપ્રજ્ઞ, પરમ ભક્ત કે ત્રિગુણાતીત એ એકબીજાના પર્યાય છે. એટલે બીનજરુરી ગુંચવાવાની જરુર નથી
સ્થિતપ્રજ્ઞ દુખમાં ઉદ્વિગ્ન ન થાય અને તેને સુખની સ્પૃહા હોતી નથી. સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજ પરમ સંન્યાસી હતા એટલે કે તેમને સુખની કોઈ સ્પૃહા ન હતી. “અમૃતધારા” પુસ્તક તેમના જીવન પ્રસંગો પર આધારિત છે. એ વાંચતાં એમ ચોક્કસ કહી શકાય કે સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજ દુખથી ખૂબ જ વિચલિત થઈ જતા. તો એમને સ્થિતપ્રજ્ઞ કેમ કહેવા ? કાંઈક વિચિત્ર લાગે તેવી વાત છે. નીચેના પ્રસંગોએ પરમ પૂજ્ય સ્વામીજી ખૂબ જ વ્યથિત થઈ ગયાનું વર્ણન છે
(1) ગંગાજીને કિનારે કોઈ રક્તપિતના રોગીને જુએ એટલે ખૂબ વ્યથિત થઈ જાય. તેને પોતાના ખભે બેસાડી આશ્રમમાં લાવે. તેના ઘા ધુવે. પાટાપીંડી કરી તેને પ્રેમથી જમાડે. આમ દરરોજ સારવાર કરે.
(2) કોઈ અકસ્માતને કારણે એક કૂતરું ઘવાયું. તેને જોઈને પરમ પૂજ્ય સ્વામીજી
વ્યથિત થઈ ગયા. બીજું કોઈ વાહન તેને ફરી ન કચડે એટલે તેના ફરતા
પથ્થરો ગોઠવી તેના રક્ષણની વ્યવસ્થા પોતે કરી. તેની સારવાર કરવા
આશ્રમમાંથી એક ડોક્ટરને લઈ આવ્યા. પશુ ચિકિત્સાલયમાં વધુ સારી
સારવાર થાય પરંતુ રખડતાં કૂતરાંની કોઈ સારવાર નહીં કરે તેમ વાત થતાં
પોતાના ભગવાં વસ્ત્રનો ટુકડો ફાડી કૂતરાને ગળે બાંધ્યો. કૂતરાને સાચવીને
પશુ ચિકિત્સાલયમાં લઈ જવા અને “સ્વામી ચિદાનંદજીનો પાળેલો કૂતરો છે
અને તેની સારવારનો ખર્ચ આશ્રમ આપશે” તેમ કહેવા માણસોને સૂચના
આપી.
વ્યથિત થઈ ગયા. બીજું કોઈ વાહન તેને ફરી ન કચડે એટલે તેના ફરતા
પથ્થરો ગોઠવી તેના રક્ષણની વ્યવસ્થા પોતે કરી. તેની સારવાર કરવા
આશ્રમમાંથી એક ડોક્ટરને લઈ આવ્યા. પશુ ચિકિત્સાલયમાં વધુ સારી
સારવાર થાય પરંતુ રખડતાં કૂતરાંની કોઈ સારવાર નહીં કરે તેમ વાત થતાં
પોતાના ભગવાં વસ્ત્રનો ટુકડો ફાડી કૂતરાને ગળે બાંધ્યો. કૂતરાને સાચવીને
પશુ ચિકિત્સાલયમાં લઈ જવા અને “સ્વામી ચિદાનંદજીનો પાળેલો કૂતરો છે
અને તેની સારવારનો ખર્ચ આશ્રમ આપશે” તેમ કહેવા માણસોને સૂચના
આપી.
(3) કોઈ ઉત્સવ પ્રસંગે શોભા માટે કોઈ થોડાક છોડ લઈ આવ્યું. કામની વ્યસ્તતાને લીધે છોડને પાણી પાવાનું રહી જતાં છોડ મુરઝાવા લાગ્યા. પોતાની શારિરીક અશક્તિને લીધે પરમ પૂજ્ય સ્વામીજી જાતે પાણી પાઈ ન શક્યા. પરંતુ આ ઘટનાથી વ્યથિત થઈને સ્વામીજીએ પોતે પાણી પીવાનું બંધ કર્યું. આ વાતની જાણ થતાં શિષ્યોએ તરત ફુલછોડને અને પરમ પૂજ્ય સ્વામીજીને ગંગાજળ પાયું
સૌમાં પરમાત્માને જોનાર અને બીજાના દુખે દુખી થનાર વિરલ માનવી એવા, પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજને સ્થિતપ્રજ્ઞ કહેનાર પૂજ્ય સ્વામીશ્રી અખંડાનંદજી અને સ્વામીશ્રી ચિન્મયાનંદજીની વાત માનવી પડે તેવી છે ને !
શ્રી સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી બ્રહ્માનંદજીએ સંતની બહુ સરસ વ્યાખ્યા સમજાવી છે --
સંત પરમ હિતકારી જગતમાંહીં સંત પરમ હિતકારી....
શ્રી સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી બ્રહ્માનંદજીએ સંતની બહુ સરસ વ્યાખ્યા સમજાવી છે --
સંત પરમ હિતકારી જગતમાંહીં સંત પરમ હિતકારી....
ત્રિગુણાતીત, તીરથ તન, ત્યાગી, રીત જગતસે ન્યારી
પરમ કૃપાલુ, સકલ જીવન પર, હરિ સમ સબ દુખ હારી...
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી,
‘બ્રહ્માનંદ’ સંતનકી સોબત, કરત હૈ પ્રગટ મુરારી......જગતમાંહી સંત
“અમૃતધારા” એ ફક્ત પરમ પૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદજી મહારાજનાં વખાણ કરવા લખાયેલું પુસ્તક નથી. સંત કેવા હોય ? કેવા સંત સમાજનું કલ્યાણ કરી શકે ? સ્વકલ્યાણ નહીં પરંતુ સૌના કલ્યાણ માટે સતત પરિશ્રમ અને ચિંતન કરનાર માનવી જ સર્વશ્રેષ્ઠ છે. એ સમજાવતું પુસ્તક છે. એમને તમે સ્થિતપ્રજ્ઞ કહો, પરમ ભક્ત કહો, ત્રિગુણાતીત કહો કે પરમ સંત કહો. આવા અદ્વિતિય પરમ સંત જ આપણને પ્રભુદર્શન કરાવી શકે.
સ્વામીશ્રી રામકૃષ્ણ પરમહંસ સૌમાં પરમાત્માનાં દર્શન કરતા. શ્રી નરેન્દ્રનાથે (સ્વામી શ્રી વિવેકાનંદજીએ) પહેલી મુલાકાત વખતે પૂછ્યું: “તમે પરમાત્માનાં દર્શન કર્યાં છે ? મને કરાવી શકશો ?” સ્વામીજીએ સહજ ભાવે કહ્યું: “હા બેટા ! જેમ તને જોઉં છું, એમ પરમાત્માને જોઉં છું. તારી ઉત્કટ ઝંખના હશે તો તને પણ દર્શન થશે.” સ્વામીશ્રી વિવેકાનંદજીએ પરમાત્માનાં દર્શન પોતે કર્યાની વાત શિકાગોના પ્રવચનમાં કરી જ છે.
પરમ સંત શ્રી નરસિંહ મહેતા હરિજનોના આમંત્રણથી હરિજનવાસમાં ભજનો ગાવા ગયા. ઢેઢ, ભંગી જેવા તુચ્છકારભર્યા શબ્દોને સ્થાને તેમને હરિજન કહી તેમનું બહુમાન કર્યું. આજે 500 વર્ષ પછી હરિજનોની સ્થિતિ કેટલી સુધરી છે એ આપણે સૌ જાણીએ છીએ. એક પરમ સંતના આશીર્વાદ કેવો ચમત્કાર કરી શકે એ વર્ણન કરવાની જરુર નથી.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’