મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.
નવેમ્બર, ૨૦૦૯માં ફોટોવોલ નામની એક સર્વિસ શરૂ થઈ છે. જેમાં એક વાર ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવીને તમે તમારા મોબાઇલમાં ફોટોવોલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પછી ફોટોવોલ ઓન કરીને ફોટોગ્રાફ લેતા રહો. તમારા ફોટોગ્રાફ ફોટોવોલની સાઇટ પર, તમારી પોતાની આગવી ફોટોવોલ પર મૂકાતા જશે-ગણતરીની સેકંડમાં ! ચાહો તો તમારા ફોટોઝ ફ્રિલકર કે ફેસબુક જેવી સાઇટ પર પણ જશે. તમે ઇચ્છો તો તમારી ફોટોવોલને પબ્લિક વ્યૂઇંગ માટે ઓપન રાખો અથવા પોતાના નેટવર્ક પૂરતી સીમિત રાખો.
સાઇટની પોતાની ગ્લોબલ ફોટોવોલ પણ છે, જ્યાં થોડી સેકન્ડ્સ પહેલાં, દુનિયાભરમાં ખૂણે ખાંચરે મોબાઇલથી લેવાયેલા ફોટો ઠલવાતા રહે છે!
અલબત્ત, અત્યારે આ સર્વિસ માત્ર હાઇ-એન્ડ હેન્ડસેટ્સને જ સપોર્ટ કરે છે.