તમારી નજરે ભારત એટલે શું? એને એક આઇડિયા અનેપીંછીના બે-ચાર લસરકાથી બતાવવું હોય તો? કામ થોડું મુશ્કેલ. જો તમારા એ ચિત્રને દેશના અસંખ્ય લોકો સુધી ધડાક દઈને પહોંચાડી દેવું હોય તો? કામ લગભગ અશક્ય. ગૂગલે આ કામ સહેલું બનાવી દીધું છે, અલબત્ત સ્કૂલે જતાં ટાબરિયાં માટે.

ગૂગલિંગ કરવાના હવે તો ઘણા રસ્તા છે છતાં, વિશ્ર્વભરમાં હજી પણ અનેક લોકો સર્ચ કરવા માટે ગૂગલ.કોમના ક્લાસિક પેજ પર જવાનું પસંદ કરે છે - જ્યાં સૌથી પહેલાં નજરે ચઢે છે ગૂગલનો લોગો, કંઈક અનોખો દિવસ હોય તો આ લોગો પણ આગવા રંગરૂપમાં જોવા મળે. એક તરફ કોકા-કોલા જેવી કંપની વર્ષોથી પોતાના લોગોમાં કોઈ ફેરફાર ન કરવાનું પોરસ લે છે, તો બીજી તરફ ગૂગલ તેના લોગોના મૂળ સ્વરૂપને અકબંધ રાખીને તેમાં અવારનવાર કંઈ ને કંઈ નવીનતા ઉમેરે છે. ગૂગલ ડૂડલ તરીકે ઓળખાતા આ નીતનવા લોગો હવે તો અનહદ લોકપ્રિય બની ગયા છે.
આની શરૂઆત થઈ વર્ષ ૨૦૦૦માં. ડેનિસ હવાંગ નામના એક કોલેજિયનને ગૂગલમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળી. કામ તો હતું આસિસ્ટન્ટ વેબમાસ્ટરનું, પણ ડેનિસની ચાંચ આર્ટમાં પણ ડૂબે. ગૂગલના સ્થાપકો એ સમયે લોગોમાં નવીનતા લાવવાનું વિચારતા હતા, એમણે ડેનિસને હાથ અજમાવી જોવા કહ્યું અને પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી ઓન વેબપેજીસ!
ડૂડલની લોકપ્રિયતા જોઈને હવે ગૂગલ વિવિધ દેશોમાં વિવિધ વિષયો પર ‘ડૂડલ ફોર ગૂગલ’ સ્પર્ધા યોજે છે. સદ્ભાગ્યે ગૂગલને ટેક્નોલોજી અને શિક્ષણને સાંકળવામાં ઊંડો રસ છે એટલે મોટા ભાગે આ સ્પર્ધા બાળકો માટે યોજાય છે. ગૂગલે ભારતનાં બાળકોને ચેલેન્જ આપી છે ‘માય ઇન્ડિયા’ વિષય પર ડૂડલ બનાવવાની. કોઈ પણ શાળાનાં ધોરણ-૧થી ૧૦નાં બાળકો માટે આ સ્પર્ધા ઓપન હતી (સોરી, ‘હતી’ એટલા માટે કે ડૂડલ સબમીટ કરવાની તારીખ વીતી ગઈ છે). જજીસની એક પેનલ અને લોકોએ પોતાના વોટ આપીને ૬૦૦ ફાયનલિસ્ટ્સ પસંદ કર્યા છે. તેમના માટે તો ઇનામો છે જ, ફાયનલ વિનર માટે છે એક લેપટોપ અને વિનરની સ્કૂલને મળશે એક લાખ રૂપિયાની ટેક્નોલોજી ગ્રાન્ટ! આપણું એનઆઇડી ડૂડલ ફોર ગૂગલનું પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ છે. વિજેતાએ બનાવેલ ડૂડલ ૧૪ નવેમ્બરના બાળદિને ગૂગલ ઇન્ડિયાના હોમપેજ પર જોવા મળશે!
સ્પર્ધામાં સીધો ભાગ લેવાનો ચાન્સ તો ચાલ્યો ગયો છે પણ જે બાળકોએ તેમાં ભાગ લીધો તેમની એન્ટ્રી જોવી હોય તો જલદી પહોંચો ડૂડલ ફોર ગૂગલના હોમપેજ પર. લિંક પૂછશો નહીં, શોધી લેજો!
અને હા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો ફાયનલમાં પહોંચ્યા હો કે ન પહોંચ્યા હો, તમારી એન્ટ્રી સાયબરસફર સાથે શેર કરશો?
લેખના મથાળે જે ડૂડલ આપ્યું છે તે ગુરગાંવમાં ચોથા ધોરણમાં ભણતા પુરુ પ્રતાપ સિંહે દોરેલું ડૂડલ છે. એ વિશે વધુ જાણો આ પેજ પર.
| Comments |
|
|
||||||||





