ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

પ્રસ્તાવના

શ્રીકૃષ્ણ ભગવાને ઉદબોધેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાજી વિષેની આ લેખમાળા મેં લખી નથી. હું લેખક નથી. વળી સામાન્ય વિષય હોય તો પણ કાંઈક લખી શકાય, પરંતુ ગીતાજી વિષે એકાદ લેખ લખવામાં પણ ખૂબ મુશ્કેલી પડે એટલે લેખમાળા લખવાનું તો મારું ગજું નથી. એટલું જ નહીં, પરંતુ હું કોઈ વિદ્વાન નથી તેમ જ બીજાને ઉપદેશ આપી શકું એવું સંત કક્ષાનું મારું જીવન નથી, હું તદ્દન સામાન્ય માનવી છું, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મારા અનેક દોષ ભૂલીને પરમાત્મા મારા પર ગજબ કૃપા કરે છે. એમ કેમ બને છે તે સમજાવી નહીં શકું, પણ પરમાત્માની સવિશેષ કૃપા જીવનમાં સતત અનુભવું છું. કોઈક એવી જ પળે ગીતાજી વિષેની લેખમાળા લખવા પરમાત્માએ પ્રેરણા કરી અને મેં એ કામ શરૂ કર્યું.

આને સ્ટેનોગ્રાફી કહી શકાય. પરમાત્માએ જે લખાવ્યું છે તે મેં લખ્યું છે. આ બિલકુલ અતિશયોક્તિ નથી. એ શક્ય છે કે પરમાત્માએ જે લખાવ્યું તેમાં ક્યાંક સાંભળવામાં મારી ભૂલ થઈ હોય, ક્યાંક લખવામાં મારી ભૂલ થઈ હોય, ક્યાંક સમજવામાં પણ મારી ભૂલ થઈ હોય એટલે કોઈને ક્યાંક ભૂલ લાગે તો એ મારી ભૂલ છે એવો ખુલ્લા દિલે એકરાર કરું છું અને તે માટે સાચા દિલથી માફી માગું છું. મહાવિદ્વાન અને પરમ સંત શ્રી જ્ઞાનેશ્વરે કહ્યું છેઃ ‘‘ગીતાજી એટલો બધો ગહન ગ્રંથ છે કે આ શ્લોકનો અર્થ આમ થાય તેમ હું કહી શકું નહીં, પરંતુ આ શ્લોકનો અર્થ હું આમ સમજ્યો છું એમ કહી શકું.’’ એક મહાવિદ્વાન પરમ સંત, સરળ ભાવે આમ કહેતા હોય તો મારા જેવો સામાન્ય માનવી તો શું કહે ?

એક વાર ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં ચિઠ્ઠી ઉપાડીને તેમાં જે વિષય લખ્યો હોય તેના પર બોલવાનું હતું. મેં ચિઠ્ઠી ઉપાડતાં, તેમાં લખ્યું હતું, ‘‘મારું પ્રિય પુસ્તક’’. સ્વાભાવિક રીતે હું ગીતાજી વિષે બોલ્યો. મેં કહ્યું, ‘‘ગીતાજી મને ખૂબ ગમે છે, બેચાર વાર વાંચી છે, પણ હું સમજ્યો નથી.’’ આ લેખમાળા લખ્યા પછી પણ લાગે છે કે હું ગીતાજીનું ગહન જ્ઞાન સમજ્યો નથી. હજી તો મારામાં રહેલા અનેક દોષો મારે દૂર કરવા જરૂરી છે. ગીતાજી એ એકાદ વાર વાંચવા જેવું પુસ્તક નથી. એ વારંવાર વાંચતાં રહેવું જરૂરી છે. બધું ન સમજાય તો પણ જેટલું સમજાય તેટલું આચરણમાં મૂકવા કોશિશ કરવી એ બહુ મહત્વનું છે.

એક મહાત્માએ કહ્યું છે કે દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક ખામી હોય જ છે. એને કારણે સંકોચ રાખવાને બદલે તે ખામી દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે ખરેખર સારા થવું છે એવા દૃઢ સંકલ્પ સાથે સારા થવાની કોશિશ કરવી જોઈએ. પરમ પૂજ્ય રવિશંકર દાદાએ બહુ સરસ વાત કરી છે, ‘‘ઘસાઈને ઊજળા બનો.’’ તાંબાના કળશને થોડા દિવસ રાખી મૂકો, આપણે જોઈ શકીશું કે તે ખૂબ કાળો થઈ જાય છે. તેને ઘસશો તો તે ફરીથી ઊજળો થઈ જશે. આપણા જીવનનું પણ તેવું જ છે. સતત દુર્ગંધભર્યા વાતાવરણમાં રહેતાં આપણું મન પણ દુર્ગંધભર્યું બની જાય છે. આજે તેને ચોખ્ખું કરીએ આવતી કાલે તે ફરીથી ગંદું થઈ જતાં વાસ આવશે. એટલે ગીતાજીનું સતત મનન અને ચિંતન કરવું જોઈએ. ગીતાજીનું વાંચન અને તે પ્રમાણેનું આચરણ સતત કરવાથી જ મન સંપૂર્ણ નિર્મળ થશે.

સંત જ્ઞાનેશ્વર, પૂજ્ય મહાત્મા ગાંધીજી, પૂજ્ય વિનોબાજી, પૂજ્ય રવિશંકર દાદા અને કેટલાયે ઉચ્ચ કોટિના મહાનુભાવોએ ગીતાજીના આચરણ દ્વારા પોતાનું જીવન અત્યંત ઉજ્જ્વળ બનાવ્યું છે. આપણું જીવન ફક્ત આપણા માટે જ નથી, બીજા માટે તેને થોડુંક ઘસતાં રહેશું તો એ આપણી કલ્પના કરતાં વધુ ઉજ્જ્વળ બનશે અને પરમાત્માની કૃપાનો અનુભવ આપણે કરી શકીશું.

કોઈક પરમ સંતે પરમાત્માની કૃપા અનુભવીને લખ્યું હશેઃ

‘‘મૂકમ્ કરોતિ વાચાલમ્, પંગુમ્ લંઘયતે ગિરીમ્,

યત્ કૃપા તમ્ અહમ્ વંદે પરમાનંદ માધવમ્...’’

મૂંગો માણસ બોલી ન શકે, અપંગ માણસ પર્વત ચડી ન શકે તેમ છતાં જો એવું બને તો એ પરમાત્માની કૃપાથી જ શક્ય છે. સામાન્ય રીતે આવા અનુભવને આપણે ચમત્કાર તરીકે ઓળખીએ છીએ. આ લેખમાળા એક ચમત્કાર જ છે. ફક્ત 12 દિવસના ટુંકા ગાળામાં પરમાત્માએ બે વાર મને મોતના મુખમાંથી ઉગાર્યો છે અન્યથા આ લેખમાળા લખવાનો સંભવ જ ન હતો. ઉપરોક્ત શ્લોક ઘણાએ સાંભળ્યો હશે, પરંતુ દરેક માનવીને પરમાત્માની કૃપાનો અનુભવ કદાચ નહીં થતો હોય. એની ચમત્કારિકતા જોવી હોય તો નીચેના પ્રસંગો વાંચવા નમ્ર વિનંતિ છે.

તા. ૩૧-૫-૨૦૦૦ના રોજ હું અને વીણા દાર્જિલીંગથી પાછાં ફરતાં હતાં ત્યારે અધવચ્ચે રેલવે એન્જિન પાટા પરથી ખડી પડતાં અમારો કોચ એકદમ નમી ગયો, પરંતુ પાટા પાસે અઢી ત્રણ ફૂટની પાળીને આધારે ટેકવાઈ ગયો. કોચ જમીન પર પછડાયો હોત તો અમારું બંનેનું મૃત્યુ થઈ ગયું હોત કેમ કે અમે બંને બારી પાસે બેઠાં હતાં. જો એન્જિન ખીણ તરફના ટ્રેક પાસે ખડી ગયું હોત તો પણ અમે બંને ખીણમાં પડીને મૃત્યુ પામ્યાં હોત. તા. ૮-૬-૨૦૦૦ના રોજ અમે અમદાવાદ આવ્યાં.

તા. ૧૧-૬-૨૦૦૦ની સવારે લગભગ આઠ વાગ્યે મારી પલ્સ અચાનક બંધ થઈ ગઈ. પરમાત્માની કોઈ અકળ કળા રૂપે, મારા વેવાઈ શ્રી વિપીનભાઈ ઝાલા, જેઓ પોરબંદરના પ્રતિષ્ઠિત ડોક્ટર છે, તેઓ તથા તેમનાં પત્ની અ. સૌ. બહેનશ્રી ઇલાબહેન, મહેમાન તરીકે અમારા ઘરમાં હાજર હતાં. મારા સુપુત્ર ચિ. હિમાંશુને ત્યારે ટાઇફોઈડ તાવ આવવાથી તેના ખબર પૂછવા તેઓ પતિપત્ની બંને પોરબંદરથી ખાસ આવ્યાં હતાં. આટલે દૂરથી ન આવવા વિનંતી કરવા છતાં લાગણીને કારણે તેઓ આવ્યાં હતાં. મારા પુત્રને ઇન્જેક્શન આપવા તેઓ આગલે દિવસે બે ઇન્જેક્શન લઈ આવ્યા. એક સવારે આપ્યું અને ગમે તે કારણે સાંજે ન આપ્યું. કાલે આપીશું એમ વિચારી ફ્રિજમાં મૂકી રાખ્યું. બીજે દિવસે સવારે મારી પલ્સ બંધ થઈ જતાં ઇમર્જન્સીમાં તે ઇન્જેક્શન મને આપ્યું અને પલ્સ ચાલુ થઈ ગઈ. બપોરે કાર્ડિયોગ્રામ લેવા આવેલા અમદાવાદના એક પ્રતિષ્ઠિત ડોક્ટરે કહ્યું, ‘‘બહારથી કોઈ ડોક્ટરને બોલાવવાનો કે ઇન્જેક્શન મગાવવાનો સમય ન હતો. તમારા ઘરમાં જ ડોક્ટર અને ઇન્જેક્શન બંને હતાં એટલે જ તમે બચ્યા. તેને ચમત્કાર જ કહી શકાય.’’ મને નવું જીવન આપવા બદલ ભાઈશ્રી વિપીનભાઈ ઝાલાનો હું આજીવન ઙ્ગણી છું. પરમાત્માની કૃપા વિના એ શક્ય ન હતું.

ત્યાર પછી છ મહિના બાદ ગમે તે કારણે ટૂંકા ગાળામાં મને બે વાર પેરેલિસીસના એટેક આવ્યા. બંને વાર તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. પ્રભુકૃપાથી અત્યારે મને કોઈ જ તકલીફ નથી. મારા બંને હાથનાં આંગળાં બરાબર કામ આપે છે. થોડો સમય થાક ખૂબ લાગતો, પણ ધીમે ધીમે આ લેખમાળા લખી શકાઈ. જ્ઞાનનો અભાવ અને શારીરિક ક્ષમતાના અભાવવાળો સામાન્ય કક્ષાનો માણસ ગીતાજી વિષે લેખમાળા લખે એ અશક્ય હતું તેમ છતાં એ અઘરું કામ શક્ય બન્યું તે પરમાત્માની કૃપાથી જ શક્ય બન્યું છે, એ નિર્વિવાદ છે.

જીવનમાં અનેક વાર પરમાત્માની અનન્ય કૃપા અનુભવી ચૂક્યો છું. આવો જ એક બીજો યાદગાર પ્રસંગ અહીં નોંધવા જેવો છે. ૧૯૯૫માં રાજકોટમાં મારાં પત્ની વીણાને સ્લિપડિસ્કની તકલીફ થવાથી તે પથારીવશ હતાં. થોડા દિવસ પછી રાત્રે આઠ વાગ્યે તેમને ટાઢ ચડી અને તાવ આવ્યો. બે ડિગ્રી તાવ હોવાથી બ્લેન્કેટ ઓઢાડી ડોક્ટર શ્રી લલિતભાઈ ત્રિવેદીને ઘેર બોલાવ્યા. તેઓ તરત જ આવ્યા.

તેમણે ચેક કરી તાવ છ ડિગ્રી હોવાનું કહ્યું. કંઈક અસાધારણ લાગતાં તાવ ફરીથી માપ્યો ત્યારે સાડા સાત ડિગ્રી હતો. આ સ્થિતિમાં સેરીબ્રલ હેમરેજ થવાની શક્યતા લાગી. તાત્કાલિક ઉપચાર તરીકે બરફના પાણીથી સ્પંજ કરવાનું ઉચિત લાગ્યું, પરંતુ તેમ કરવા જતાં કદાચ ન્યુમોનિયા થવાની શક્યતા લાગી. તેમણે મૂંઝવણ વ્યક્ત કરી. જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી.

ગંભીર પરિસ્થિતિ હોવા છતાં મારો મોટો સુપુત્ર ચિ.ચૈતન્ય અને સુપુત્રી ચિ. અ.સૌ. બહેનાં એકદમ સ્વસ્થ હતાં. ડોક્ટર શ્રી નીલાંગભાઈને જાણ કરતાં તેઓ પણ તરત આવ્યા. પરમાત્મા જે કરશે તે સારું જ હશે તેવી અખૂટ શ્રદ્ધાથી મેં બંને ડોક્ટરોને જે યોગ્ય લાગે તે ટ્રીટમેન્ટ કરવા વિનંતી કરી. જરૂરી ઇન્જેક્શન આપી, બરફના પાણીથી સ્પંજ કરવાનું ચાલુ રાખ્યું. મગજ ઉપર કોઈ અસર થઈ છે કે કેમ ? તે ચેક કરવા ચિ.અ.સૌ. જાહ્નવીને (બહેનાંને)સામે ઊભી રાખી. વીણા તેને ઓળખી ન શક્યાં. બંને ડોક્ટરોએ સતત ઉપચાર ચાલુ રાખતાં એકાદ કલાક પછી તાવ ઘટીને ત્રણ ડિગ્રી થયો. રાતના ૧૧ વાગ્યે તાવ ઘટીને એક ડિગ્રી થયો. હું ભાઈશ્રી લલિતભાઈ ત્રિવેદીનો તથા ભાઈશ્રી નીલાંગભાઈ વસાવડાનો આજીવન ઋણી છું. મારા અંગત સ્વજન તરીકે મારી વિનંતીને માન આપી તેઓ બંને તરત ન આવ્યા હોત તો પરિસ્થિતિએ અતિ ગંભીર વળાંક લીધો હોત. આમ ગંભીર સ્થિતિ હતી તેમ છતાં પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ એકદમ હળવી બની ગઈ.

ગીતાજી વિષેનું આ પુસ્તક લખવાના પવિત્ર કામ માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો એ મારે માટે અત્યંત આનંદદાયક વાત છે. ધન કે યશ મેળવવા આ પુસ્તક નથી લખ્યું. મારી ભૂલોના ભૂલનારાપરમાત્માને એટલી જ પ્રાર્થના છે કે મને તમારી કૃપાને લાયક બનાવજો. મારું મન ખૂબ પવિત્ર કરી દો. તમારું સ્મરણ ક્યારેય ન ભૂલું, એવી સન્મતિ આપો. તમારું સ્મરણ કરતાં કરતાં, તમારામાં ખોવાઈ જાઉં એથી વિશેષ બીજું કાંઈ નથી જોઈતું. પરમ ભક્ત શ્રી સુરદાસજીના શબ્દોમાં કહું તો...

‘‘ નૈનહીન કો રાહ દીખા પ્રભુ !, પગ પગ ઠોકર ખાઉં મૈં,

તેરી નગરીયા કી કઠિન ડગરીયા, ચલત ચલત ગીર જાઉં મૈં,

એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો.’’

- અજ્ઞાત

જન્માષ્ટમી તા. ૧૬-૮-૨૦૦૬

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Paresh Shah  - lekh gamyo.   |2011-11-12 01:12:05
Himanshu,
Lekg gamyo. Aagal vanchvaanu chale chhe.mane aa pustak kevi rite mali shake?
Nilesh Patel  - cant surf your site.   |2009-01-29 08:18:45
Dear Sir,

First of all,many thanks to lounch a Gujarati site. I read your coulum 'CYBER SAFAR' in Kalas -Divya Bhashkar, regularly. And i found many useful ideas from that coulum, thanks again.

Now i trided to search your website to-day, but due to font problem i count access. Will you please guide me how from where i can download the approprete fonts to access your site.

Waiting for your valued reply.

Kind regards,

Yours truly

Nilesh Patel.
Jamnagar

cell +94274-44822
email : brasspart@gmail.com

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

ગીતાજી વિશે

‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...