ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

બે બોલ

બાળકોને સારુ લખવામાં આવેલી આ ચોપડીને માટે થોડા શબ્દો લખી આપવાને કુદસિયા જૈદીએ મને વરસેક પહેલાં કહ્યું હતું. મેં બહાનું કાઢેલું કે મારાથી એટલો વખત કઢાય એવું નથી અને આવી વિનંતી પૂરી કરવાનું મને દિલ પણ થતું નથી. પણ તેમણે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો કે વચ્ચે વચ્ચે થોડો વખત કાઢી વહેલુંમોડું જરૂર કંઈ લખી આપો. આવો આગ્રહ તરછોડવાનું મારે સારુ મુશ્કેલ થતું ગયું. મેં જોયું કે તેમણે આ નાની સરખી ચોપડી સાચા દિલથી લખી છે. તેઓ એને માત્ર એક ચોપડી નથી માનતાં. વળી, તેમને મન ગાંધીજીની કહાણી એક મહત્વની તેમ જ પ્યારી ચીજ છે એ બીના પણ જણાતી છે.

આ ચોપડીનું લખાણ મારી પાસે એક વરસ પડી રહ્યું. તે જોતાં મને વારે વારે થયા કરતું કે મને એક વિનંતી કરવામાં આવેલી હોઈ તે પૂરી કરતાં મારું મન અચકાયા કરે છે. આખરે કાશ્મીરમાં આવેલી સિંધુની ખીણ જ્યાંથી શરૂ થાય છે તે સોનમર્ગ જવાનું થતાં ત્યાં મારી જોડે હું એ લખાણ લેતો ગયો. ત્યાં ઊંચા પહાડો ને બરફથી ભરેલી ખીણોની સોડમાં બેસી હું ગાંધીબાપુની કહાણી ફરી વાંચી ગયો.

આખરે એ વિષે લખતાં મને સંકોચ કેમ રહેતો હતો એ વાત મને પોતાને પણ સમજાતી નથી. એટલી મને ખબર છે કે ગાંધીજીનો ખ્યાલ આવતાંની સાથે મને મારી ખામીઓ ને ત્રુટીઓનું ખૂબ ભાન થાય છે. ગાંધીજીની બાબતમાં કંઈ પણ લખવા ધારું છું ત્યારે ધીરે ધીરે મારી ખાતરી થઈ જાય છે કે એ પડકાર ઝીલવાનું મારું ગજું નથી. અમારામાંથી જે લોકોને ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં રહેવાનું અને ઊછરવાનું સદભાગ્ય મળ્યું છે અને જેમણે વિવિધરૂપે પ્રગટ થયેલી તેમની શક્તિ તેમ જ મહત્તાનો વૈભવ જોયો છે તે પોતાને થયેલા અનુભવનું વર્ણન બીજાની આગળ કરવાને સમર્થ નથી. અમારામાંથી દરેકના દિલ પર તેમના વ્યક્તિત્વનો અલગ અલગ એવો ઘેરો પ્રભાવ પડ્યો છે કે અમારી આખી જિંદગાની તેના રંગે રંગાઈ ગઈ છે. હવે આવો પ્રભાવ કે જેને માત્ર પોતાનું દિલ સમજે છે તેનું વર્ણન કેવી રીતે કરવું? તે કંઈ બોલ લખો તે રોજેરોજના વહેવારના અને હલકા લાગ્યા કરે છે. જે વાત કહીએ તે તથ્ય વગરની અવાસ્તવિક લાગે છે અને પછી મનને બેચેની રહ્યા કરે છે કે, જે કહેવું હતું તે બરાબર કહેવાયું નહીં.

પણ એટલુંયે ખરું કે ગાંધીજીને જોવાવાળા, તેમના ચરણનો સ્પર્શ કરવાવાળા અને તેમના વ્યક્તિત્વના કોઈ ને કોઈ પાસાના જાણકાર લોકોની પેઢી આખરે ચાલી જવાની છે બલકે આપણી નજર સામે ચાલી જવા માંડી છે. ગાંધીજીની સ્મૃતિ જાગતી રાખવાને કોઈ લેખો, કોઈ પુસ્તકો અને હરેક પ્રજાના ઇતિહાસમાં ઘણું મહત્વ ધરાવનારી કહાણીઓ જેવી યાદગીરીઓ આપણી પાસે બાકી રહેશે.

આપણને છોડીને ગાંધીજીને ગયાને સાડા ચાર વરસ થઈ ગયાં. હવે તેમનું સ્થાન હિંદુસ્તાનના ઇતિહાસમાં જ નહીં, તેનાં પુરાણો ને કથાઓમાં પણ છે. હવે તેઓ માણસાઈનો રસ્તો દેખાડવાને, માણસોના દિલમાં ભલાઈનું તેજ અને માણસમાં એક નવો પ્રાણ પૂરવાને જમાને જમાને જન્મ લેતી રહેતી વ્યક્તિઓની સાથે ભળી ગયા છે.

આપણા દીકરાઓ, પોતરાઓ અને તેમનાં છોકરાઓ પણ બચપણથી તેમની કહાણી સાંભળે એ સારું છે. એમાં લડાઈની કહાણીના જેવું રસ પડે તેવું બયાન છે. અને હવે જોકે આપણાં બચ્ચાંઓના નસીબમાં ગાંધીજીને જીવતાજાગતા જોવાનું રહ્યું નથી તોપણ તેમને આ કહાણીમાંથી તેમના જીવનની વિવિધ દશાનું જ્ઞાન મળશે, ગાંધીજીનું વ્યક્તિત્વ જેનો એક અવ્વલ નંબરનો નમૂનો હતું, તે પ્રાચીન ભારતીયતાને તે બધાં ઓળખતાં થશે અને જે ગાંધીજીનો સંદેશ છે તેમ જ જે હિંદુસ્તાન પોતાના સૂફીઓ અને સંતો મારફતે પેઢીદરપેઢી પહોંચાડતું રહ્યું છે તે સંદેશને પણ સાંભળવા પામશે.

આ ચોપડી લખાઈ તેથી મને આનંદ થયો છે અને મને આશા છે કે તે પોતાનો આશય પાર પાડવામાં સફળ નીવડશે.

- જવાહરલાલ નહેરુ

નવી દિલ્હી, સપ્ટેમ્બર ૧, ૧૯૫૨

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend