ગોંડલના મહારાજા ભગવદસિંહજીને કલ્પના પણ હશે કે એમણે ૨૬ વર્ષની આકરી મહેનતથી, ખૂણેખાંચરેથી વીણી વીણીને
એકઠા કરેલા ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૭ શબ્દો, એના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગો એક સમયે લોકોને સેકન્ડના છઠ્ઠા ભાગમાં, આંગળીના ઇશારે ઉપલબ્ધ થશે?
એ પણ વિચારો કે એ દૃષ્ટિવંત મહારાજાએ રચેલા ભગવદ્ગોમંડલ ગ્રંથમાં એવું તે કેવું કૌવત હશે કે એની એક નહીં પણ બે બે વેબસાઇટ સર્જાઈ!
પહેલાં, આ ગ્રંથની પ્રિન્ટ આવૃત્તિ પ્રકાશિત કરનાર રાજકોટના પ્રવીણ પ્રકાશને ગ્રંથનાં ૯૨૭૦ પાનાંને સ્કેન કરી ડિજિટાઈઝ કર્યાં (અહીં વાંચો એ વિશે વધુ) અને હવે ગુજરાતી લેક્સિકોનની ટીમે તો આ ગ્રંથના તમામે તમામ શબ્દો નવેસરથી કમ્પ્યૂટર પર મૂકી આપ્યા છે. ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં ૨૬ વર્ષ લાગ્યાં હતાં. લંડનના વયોવૃદ્ધ ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયાને ગુજરાતી લેક્સિકોનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં ૨૦ વર્ષ લાગ્યાં અને એ અનુભવ પછી, ભગવદગોમંડલનું કામ ૧૧ મહિનામાં પૂર્ણ કરી શકાયું! આ પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્ર્વની પ્રમુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.
યાદ રહે, ભગવદગોમંડલની સાઇટ્સ જોયા પછી હિન્દી બ્લોગ્સમાં લોકોએ એમની ભાષામાં આવી સુવિધા નથી એવો અફસોસ વ્યક્ત કર્યો છે. ગુજરાતીનાં એટલાં સદભાગ્ય કે ભાષા પ્રત્યેની આવી ડી લગન ધરાવતા સજ્જન તો એને મળ્યા જ, પણ આજની ટેકનોલોજી સાથે એનો મેળ બેસાડી આપવાનું અતિ કડાકૂટભર્યું કામ કરનારી ટેક્નોટીમ પણ મળી! હવે સમગ્ર ગ્રંથ યુનિકોડમાં તૈયાર થયો હોવાથી એક સરખા પ્રાસવાળા શબ્દો શોધવા કે પ્રારંભ અને અંતના અક્ષરો સમાન હોય એવા અક્ષરો શોધવા જેવાં કામ પણ આંખના પલકારે શક્ય બનશે.
શબ્દો સાથે આટલી માથાફોડી કરવાની જરૂર છાપામાં છપાતી શબ્દરમતની આડી ભી ચાવી ભરનારા લોકોને જ હોય એવું માનવાની ભૂલ ન કરતા. પહેલાં તો સાઇટ પર આ ગ્રંથનો ઇતિહાસ ખાસ વાંચજો. હવે ગુજરાતી શબ્દો જ નહીં, ગુજરાતની ઓળખ અને આખી સંસ્કૃતિ આંગળીના ટેરવે સુલભ બની છે. આ ગ્રંથ ફક્ત શબ્દકોશ નથી.
એક સાદું ઉદાહરણ લઈએ. `કલા' શબ્દ વિશે સાર્થ કે બૃહદ કોશમાં છ-સાત અર્થ આપવામાં આવ્યા છે, જ્યારે ભગવદગોમંડલમાં પૂરાં છ પાનાં ભરીને ૬૨ અર્થ, ૫૪ કલાનાં નામ અને શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ પણ આપેલાં છે. અહીં ફક્ત શબ્દનો અર્થ નહીં પણ ઉચ્ચાર, વ્યુત્પત્તિ, વ્યાકરણ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ વગેરે ચિત્રો, કોષ્ટક વગેરે તમામ માહિતી મળે છે.
આપણી સામાન્ય વાતચીતમાં પણ ઇંગ્લિશ શબ્દોનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ભાષા મરી રહી છે એવી મરણપોક મૂકીને બેસી રહેવાથી કંઈ ન વળે. ભાષાને જીવતી રાખવી હોય તો જે રીત લોકોના જીવનનો અંતરંગ ભાગ બનવા લાગી હોય એ જ રીતમાં ભાષાની બારીક ખૂબીઓ લોકો નજીક મુકાય, તો એની અસર થયા વિના રહે નહીં. www.bhagvadgomandal.com
બરાબર એ જ કામ કરે છે.
| Comments |
|






