ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૧૪

‘‘હિંદના લોકોના હૃદય પર ગાંધીજીનો પ્રભાવ અંગ્રેજ સરકારના પ્રભાવ કરતાં ક્યાંયે વધારે હતો. કેટલાક પ્રાંતોમાં તો તેમના સાથી કોંગ્રેસીઓએ પ્રધાનપદાં સંભાળ્યાં હતાં. દેશની આવી બદલાયેલી સ્થિતિ અંગ્રેજ સરકારની આંખમાં ખૂંચતી હતી. લોકોનો વધતો જતો જુસ્સો તેમને અકળાવતો હતો.

‘‘આપણા આગેવાનોએ રાજ્યની લગામ હાથમાં લીધી ત્યાર બાદ થોડા દિવસ થયા ત્યાં ઇંગ્લંડ અને જર્મની વચ્ચે લડાઈ સળગી ઊઠી. દુનિયાની આ બીજી મોટી લડાઈ હતી. અંગ્રેજોએ આપણા નેતાઓની સંમતિ વિના આપણા દેશનો માલ અને સિપાઈઓને યુદ્ધમાં જર્મનીની સામે મોકલવા માંડ્યા. તેથી લોકોને ખૂબ દુઃખ થયું. કોંગ્રેસી નેતાઓએ તરત જ ગાંધીજીની સલાહથી પ્રધાનપદેથી રાજીનામાં આપ્યાં. ગાંધીજી એમ માનતા હતા કે આવી અગત્યની બાબતમાં પણ આપણા આગેવાનોને કંઈ પૂછવામાં ન આવે તો પ્રધાનપદોએ રહેવાનો કશો અર્થ નથી.

‘‘બાપુને આશ્રમમાં બેઠા બેઠાં આખી દુનિયાના સમાચાર મળ્યા કરતા. બે દેશ વચ્ચે યુદ્ધ થવાથી કેટલી બધી ખાનાખરાબી થશે તે તેઓ જાણતા હતા. તેમણે જર્મનીના સરમુખત્યાર હિટલરને એક પત્ર લખી જણાવ્યું કે આમ તો દુનિયામાં કોઈને હું મારો શત્રુ ગણતો નથી પણ આપણે બન્ને એક જ દુશ્મન એટલે કે અંગ્રેજ સામે લડીએ છીએ. જો તમે પણ મારી જેમ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજ સાથે લડો તો કેવું સારું ? કારણ કે હિંસક લડાઈથી દુનિયાના નાશ સિવાય બીજું કંઈ થવાનું નથી. અહિંસાના શસ્ત્ર વિશે તમારે કંઈ જાણવું હશે તો તમારા સૈન્યનો એક સિપાઈ મારા આશ્રમમાં રહી ગયો છે તેની પાસેથી જાણી શકશો. આ વખતે તમે જ આ મહાયુદ્ધ અટકાવી શકો એમ છો.

‘‘ગાંધીજીની ઇચ્છા આ પત્ર વાઇસરોય મારફત મોકલવાની હતી પણ વાઇસરોયે તેમ કરવાની ના પાડી. જો વાઇસરોય આ પત્રને હિટલર સુધી પહોંચવા દેત અને હિટલર મહાત્માજીની વાત માની જાત તો દુનિયા મોટા વિનાશમાંથી ઊગરી ગઈ હોત. પણ અંગ્રેજ અને હિટલર બંનેને પોતાની તાકાતનું અભિમાન હતું. તે ગાંધીજીની વાત શાના માને ?

‘‘અંગ્રેજો આપણને શાંતિપૂર્વક સ્વતંત્રતા આપી દે તે માટે ગાંધીજીએ તે દિવસો દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પણ દરેક વખત તે ફોકટ ગયા. લડાઈ કરીને અને લોહી વહેડાવીને આઝાદી મેળવવા માટે ગાંધીજી તૈયાર નહોતા, તેઓ ધારત તો અંગ્રેજ સરકાર સામે લડવા માટે આખાયે દેશને મેદાનમાં ઉતારી શકત, પણ અહિંસાના પૂજારીને એ વાત પસંદ નહોતી. તેથી તેમણે સરકાર સામેની લડત ચાલુ રાખવા માટે એક નવી રીત અખત્યાર કરી.

સામુદાયિક સત્યાગ્રહ બંધ કરી એક એક જણ વારાફરતી વ્યક્તિગત સત્યાગ્રહ કરે એવું તેમણે ઠરાવ્યું. જે અહિંસાને સારી રીતે સમજતા હોય અને તેનો અમલ કરતા હોય તેવાને વ્યક્તિગત સત્યાગ્રહ માટે મોકલવામાં આવતા. બાપુએ પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી. સરકારે તેમને તો પકડ્યા જ પણ જેમણે સત્યાગ્રહમાં સક્રિય ભાગ નહોતો લીધો તેવા સેંકડો દેશભક્તોને પણ તેમની સાથે જ તેમના ઘરમાંથી પકડી લઈ જેલ ભેગા કર્યા. પંડિત જવાહરલાલ નેહરુને પણ ચાર વરસની જેલ મળી. પણ હિંદુસ્તાનીઓનાં જુસ્સો અને અધીરાઈ જોઈ અંગ્રેજ સરકાર ગભરાઈ અને થોડા જ દિવસોમાં તેમણે આપણા બધા આગેવાનો અને દેશભક્તોને છોડી મૂક્યા.

‘‘યુરોપની લડાઈ પુરજોશમાં ચાલતી હતી ત્યાં સમાચાર આવ્યા કે જાપાને અમેરિકા પર હલ્લો કર્યો છે અને આગળ વધીને રંગૂન પર કબજો કર્યો છે... રંગૂન પર જાપાનનો વાવટો ફરકતો થયો તેની સાથે આપણને દુશ્મન આંગણમાં દેખાવા લાગ્યો. આખાયે દેશમાં બેચેની ફેલાઈ ગઈ અને લોકો તરેહતરેહની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતા હતા કે અમેરિકાની અને જાપાનની લડાઈમાં આપણે જીવાતની માફક દબાઈ જઈશું, તો કોઈ વળી ઇચ્છતા હતા કે જાપાનીઓ બ્રહ્મદેશમાંથી આગળ વધીને અહીંથી અંગ્રેજોને હાંકી કાઢે તો સારું. મતલબ કે લોકો ફરી એક વાર સ્વતંત્ર થવાને અધીરા થઈ ગયા હતા.

‘‘લોકોને સ્વરાજ્ય મેળવવા માટે આટલા બધા અધીરા થયેલાં જોઈ અંગ્રેજોએ લંડનથી મિસ્ટર ક્રિપ્સને દિલ્હી મોકલ્યા. તેઓ હિંદ અને ઇંગ્લંડ વચ્ચે સમાધાન કરાવવા આવ્યા હોવાથી લોકોને અંધકારમાં આશાનું નાનું સરખું કિરણ દેખાયુ. લોકોને લાગ્યું કે હવે કદાચ સ્વરાજ્ય મળી જશે, પણ તેમની આશા પૂરી ન થઈ. તેમણે જે શરતો મૂકી તે આપણા નેતાઓને પસંદ નહોતી અને અંગ્રેજો આપણા નેતાઓની માગણી સંતોષવા તૈયાર નહોતા. એટલે ક્રિપ્સ જેવા આવ્યા હતા તેવા ખાલી હાથે પાછા ગયા. ગાંધીજી અને બીજા નેતાઓએ નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી મહાયુદ્ધમાં અંગ્રેજોને મદદ ન કરવી.

‘‘બાપુએ જોયું કે મહાયુદ્ધના ભડકા અને જાપાનના યુદ્ધની ઝાળ હિંદનો નાસા કરી રહી છે. લાચાર હિંદીઓની ઇચ્છા ન હોવા છતાં પણ તેમનાં ધનદોલત અને જુવાનોને યુદ્ધના કામમાં લેવામાં આવે છે. આ જોઈ બાપુને દુઃખ થયું. તેમણે બધા નેતાઓને ભેગા કર્યા અને કહ્યું કે જ્યાં સુધી આપણે  અંગ્રેજોના ગુલામ છીએ ત્યાં સુધી તેઓ આ જ રીતે આપણું લોહી ચૂસતા રહેશે. તેથી ચાલો, આપણે સૌ ભેગા મળી અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢીએ.

પણ તેમની સાથે હિંસક લડાઈ કરીને આપણે તેમને દૂર કરીશું તેનો કશો અર્થ નથી. આપણે સૌએ ભેગા મળી એક અવાજે અંગ્રેજોને હિંદ છોડોએમ કહી દેવું જોઈએ. ગાંધીજીને મોઢેથી હિંદ છોડોની વાત નીકળતાં જ ચાળીસ કરોડ લોકોએ તે ઉપાડી લીધી. અંગ્રેજો ! હિંદ છોડોના પોકારોથી આખો દેશ ગાજી ઊઠ્યો. અંગ્રેજોને તેમના ઘરની બહાર રસ્તા પર, ઓફિસના ટેબલ પર, મોટર પર... અરે, દરેક જગ્યાએ, ‘હિંદ છોડોજ દેખાવા લાગ્યું ! તેઓ સમજી ગયા કે હવે ખરેખર હિંદ છોડવાનો વખત આવી પહોંચ્યો છે.

‘‘તરત જ ગાંધીજીએ વાઇસરોયને એક પત્ર લખ્યો. તેમાં તેમણે જણાવ્યું કે અંગ્રેજો હિંદુસ્તાનને આઝાદ કરી દે તો હિંદુસ્તાનીઓ યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરશે. જો તેઓ આ વખતે પણ હિંદુસ્તાનીઓને આઝાદી નહીં આપે તો હિંદુસ્તાનીઓ પોતાની જિંદગીને ભોગે સ્વતંત્ર થવા માટે લડત લડશે. આ લડત ખૂબ આકરી હશે પણ તે અહિંસક રીતે લડાશે.’’

હરિ— ‘‘મા ! વાઇસરોયે બાપુના પત્રનો જવાબ આપ્યો કે નહીં ?’’

મા— ‘‘આ પત્રનો વાઇસરોય સો જવાબ આપે ? એટલે તેમણે તો ઊંધું ઘાલીને આપણા બધાય મોટા મોટા નેતાઓને અને કાર્યકરોને પકડીને જેલભેગા કરી દીધા !

‘‘બાપુ અને કસ્તૂરબાને તેઓ પૂના લઈ ગયા અને ત્યાં આગાખાન મહેલમાં નજરકેદ કર્યાં. સરોજિની નાયડુ, સુશીલા નય્યર અને મહાદેવભાઈ વગેરે સાથીઓને પણ તેમની સાથે નજરકેદમાં રાખવામાં આવ્યાં.’’

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend