ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૧૩

‘‘નાનપણથી બાપુ સ્પર્શાસ્પર્શના ભેદભાવને બુરી વાત માનતા હતા, તે તું જાણે છે. દેશની આ ભૂંડી રૂઢિ જોઈ તેઓ મનમાં ને મનમાં બળાપો કરતા. તેમનું કહેવું એમ હતું કે માણસમાત્ર સરખા છે. વળી, કોઈ પણ માણસને બીજા કરતાં પોતાને ઊંચો ગણાવવાનો કોઈ અધિકાર નથી. ઇશ્વરના દરબારમાં માણસનાં કામોની કિંમત આંકી તેને ઊંચો કે નીચો ગણવામાં આવે છે. ન્યાતજાતના ભેદ માણસના મનની કલ્પના હોઈ એક જાતનું પાખંડ છે.

‘‘જે વાત પોતાના દેશના લોકોને સમજાવવી હોય તેનો ખાલી ઉપદેશ આપી ગાંધીજી બેસી રહેતા નહોતા. તેઓ તેનો અમલ પણ કરી બતાવતા. તેમણે વર્ધામાં એક આશ્રમ ખોલ્યો. પાછળથી આ આશ્રમ સેવાગ્રામ આશ્રમના માનથી જાણીતો થયો. એ આશ્રમમાં ન્યાતજાત કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ માણસ જોડાઈ શકતો. દળવું, કપડાં ધોવાં, રાંધવું, વાળવું, જાજરૂ સાફ કરવું અને એવાં બધાં કામ દરેકે જાતે કરી લેવાં પડતાં. ગાંધીજી અને કસ્તૂરબા પણ બીજા આશ્રમવાસીઓની જેમ આ બધાં કામો જાતે કરી લેતાં. આશ્રમમાં એક જ રસોડું હતું અને બધા આશ્રમવાસીઓનું ભોજન ત્યાં તૈયાર કરવામાં આવતું. બધા ભેગા જમવા બેસતા. જમતાં પહેલાં સૌ પ્રાર્થના કરતા અને ओम् शांतिः शांतिःનો મંત્ર પૂરો કરી સૌ જમવાનું શરૂ કરતા.

‘‘આશ્રમનો ખૂણેખૂણો રોજ તપાસી લીધા વગર બાપુને ચેન પડતું નહીં. કોઈ પણ જગ્યાએ કચરો કે ગંદકી જોવા મળતાં તો તેઓ જાતે તેને સાફ કરવા મંડી પડતા. આશ્રમમાં કોઈ માંદું હોય તો તેઓ તેની ખબર લેવા માટે નિયમિત જતા. તેઓ તેની સાથે ટોળટપ્પાં કરી તેને સારી રીતે કરી જાણતા.

‘‘એક વખત આશ્રમમાં એક મદ્રાસી છોકરાને મરડો થયો. તબિયતમાં થોડો સુધારો થતાં તેને મજેદાર મદ્રાસી કોફી યાદ આવી.

બીજા આશ્રમવાસીઓની જેમ સાદું અને બાફેલું ભોજન કરવાથી તે ટેવાઈ ગયો હતો તોયે મદ્રાસી કોફી તેને દરરોજ યાદ આવ્યા કરતી. પણ આશ્રમમાં ચા-કોફી પીવાની અને પાન ખાવાની બંધી હતી. એટલે તે કોફી પી શક્તો નહીં. તે કોફી પીવા મળે તો કેવું સારુંએવા વિચારમાં હતો તેવામાં મહાત્માજીની પાવડીનો ખડખડાટ તેના કાને પડ્યો. થોડી વારમાં તેણે બાપુનો હસતો ચહેરો પોતાની સામે જોયો. બાપુ તેના પલંગ પાસે આવ્યા અને તેમણે કહ્યું : આજે તો તબિયત પહેલાં કરતાં સારી લાગે છે, હવે તો તને ભૂખ પણ લાગતી હશે.બાપુ જાણતા હતા કે દક્ષિણના લોકોને ઢોંસા ખૂબ ભાવે છે. તેથી મજાક કરતા બોલ્યા, ‘ઢોંસા ખાવાનું મન તો નથી થતું ને?’’

હરિ— ‘‘મા, ઢોંસા વળી શું છે ?’’

મા— ‘‘આપણે પૂડા બનાવીએ છીએ તેને મળતી મીઠું નાખીને બનાવેલી મદ્રાસી વાનગીને ઢોંસા કહે છે. બાપુને મોઢે ખાવાની વાત સાંભળતાં જ પેલો છોકરો રંગમાં આવી ગયો. સહેજ અચકાઈને બોલ્યો, ‘બાપુ, મારાથી કોફી પિવાય ?’

‘‘ ‘ઓ પુરાણા પાપીગાંધીજી હસીને બોલ્યા, ‘તારે કોફી જ પીવી છે ને ? જરૂર પીજે. નરમ કોફી પીવાથી તને ફાયદો પણ થશે. પણ કોફીની સાથે શું લેશે ? ઢોંસા તો બનાવી શકાય તેમ નથી. ગરમ ગરમ ટોસ્ટ કોફી સાથે સારાં લાગશે, તે લેજે. હું હમણાં જ તારે માટે કોફી અને ટોસ્ટ મોકલું છું.

‘‘એમ કહી બાપુ ચાલ્યા ગયા. છોકરાને થયું કે આશ્રમમાં તો ચા અને કોફી પીવાની છૂટ નથી; બાપુએ ભૂલમાં તો હા નહીં પાડી હોય ! આશ્રમમાં, અને તેયે બાપુને હાથે બનાવેલી કોફી પીવાનું તેના નસીબમાં લખ્યું છે, એ વાત તેના માન્યામાં જ નહોતી આવતી.

‘‘થોડી વારમાં બાપુની પાવડીનો ખડખડાટ ફરી સંભળાયો. પેલા છોકરાના હૃદયના ધબકારા વધી ગયા. તેને થયું કે હમણાં બાપુ આવશે ને કહેશે કે, ‘આશ્રમમાં કોફી ન પિવાય, મેં તને ભૂલથી હા પાડી હતી.પણ તેણે જોયું તો બાપુ ખાદીના રૂમાલથી ઢાંકેલી થાળી લઈ તેના ઓરડા તરફ આવતા હતા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. બાપુએ છોકરાને થાળી આપતાં આપતાં કહ્યું: લે આ ટોસ્ટ અને કોફી. હું મારી જાતે બનાવીને લાવ્યો છું. કોફી પીને તો તારા જેવા મદ્રાસીને પણ થશે કે ના ! બાપુને સરસ કોફી બનાવતાં પણ આવડે છે.

‘‘પણ... પણ બાપુ’, છોકરાએ અચકાતાં અચકાતાં કહ્યું, ‘તમે કોઈ બીજાને કહ્યું હોત તો ! મારે લીધે તમને કેટલી બધી તકલીફ પડી !

‘‘ગાંધીજી તેને ગળગળો થયેલો જોઈ હસી પડ્યા અને બોલ્યા, ‘નાહક ગરમ કોફીની મજા શું કામ બગાડે છે ? બા સૂઈ ગયાં હતાં એટલે તેમને ઉઠાડવાનું મને ઠીક ન લાગ્યું. તું હવે કોફી પી લે, હું જાઉં છું. કોઈ આવીને વાસણ લઈ જશે.આટલું કહીને બાપુ ચાલ્યા ગયા. કોફી ખૂબ સરસ બની હતી. છોકરાએ ખૂબ સ્વાદથી કોફી પીધી. તેને માટે તે કોફી નહીં, બાપુના હાથનું અમૃત હતું.’’

હરિ— ‘મા, આશ્રમમાં તો કોઈ ચા કે કોફી પીતું નહોતું; તો પછી ગાંધીજી એટલી વારમાં કોફી લાવ્યા ક્યાંથી ?’’

મા— ‘‘રાજગોપાલાચારી અને મિસ્ટર એન્ડ્રૂઝ ગાંધીજીને ઘણી વખત મળવા આવતા. તેમને માટે કસ્તૂરબા  આ ચીજો રાખતાં, એટલે આટલી જલદી કોફી મળી શકી, સમજ્યો ?

‘‘સેવાગ્રામમાં બાપુ પાસે તરેહતરેહના લોકો આવતા. કોઈ પોતાના બીમાર છોકરાની દવા કરાવવા તો કોઈ પોતાના જમીનના ઝઘડાનો નિકાલ કરાવવા તેમની પાસે આવતું. કોઈક વખત કોઈ પતિપત્ની પોતાનો ઝઘડો પતાવવા પણ બાપુ પાસે આવી ચડતાં ! એક દિવસ એક મહેરબાન બાપુ પાસે આવી ચડ્યા. તેઓ દેખાવે ગાંડા જેવા છતાં ખૂબ વિદ્વાન હતા.

પહેલાં તેઓ કોઈ કોલેજમાં પ્રોફેસર હતા. ત્યાર પછી કેટલીયે વખત જેલની હવા ખાઈ આવ્યા અને પછી જોગી થઈ ગયા. અઠવાડિયાઓ સુધી ચાલુ ઉપવાસ કર્યા અને પછી એક દિવસ સંસારની માયા છોડી જંગલને રસ્તે પડ્યા. વરસો સુધી કપડાં વગર ભટક્યા કર્યું. કેટલાયે દિવસ સુધી મૌન રાખ્યું. મૌન વખતે બોલી ન જવાય તે માટે હોઠોને તાંબાના તારથી સીવી લીધા અને માત્ર લોટનું પાણી અને લીમડાનાં પાનનો ઉકાળો પીને પેટ ભર્યું !

‘‘શરૂશરૂમાં તેઓ કોઈ પણ જાતનું કામ કરતાં ગભરાયા કરતા, પણ પાછળથી એકધારું સત્તર કલાક કામ કરવા લાગ્યા. આઠથી દસ કલાક કાંતે અને બીજા સાતેક કલાક આશ્રમમાં લોકોને ભણાવે. જે માણસ એક સમયે મોં સીવીને ફર્યા કરતો તેની ઠઠ્ઠામશ્કરી અને ખડખડાટ હસવાના અવાજથી આશ્રમ ગાજવા લાગ્યો. હવે તેણે એક નાનું પંચિયું પણ વીંટવા માંડ્યું. આ એક પંચિયા સિવાય બીજો કશો સામાન તેઓ નહોતા રાખતા. જ્યાં સાપ કે વીંછીનો ખૂબ ડર હોય તેવી જગ્યાએ પણ તે બેધડક ચાલ્યા જતા. ક્યારેક તેમને પાછી ધૂન ભરાઈ આવતી ત્યારે તેઓ ગભરાયેલે ચહેરે મહાત્માજી પાસે આવી કૂવામાં ઊંધા લટકી રહેવાની રજા માગતા. પણ બાપુ તેવી રજા શાના આપે ? અને ઇશ્વરકૃપાએ બાપુના વાક્યને તેઓ દેવવાક્ય માનતા હોવાથી તેમનું ધારેલું કરી શકતા નહીં.

એ દિવસોમાં બાપુ આશ્રમમાં રહીને આભડછેટના તેમ જ ન્યાતજાતના ભેદભાવ અને અજ્ઞાન દૂર કરવાનું કામ કરતા હતા. તેમણે ચરખા સંઘ, તાલીમી સંઘ અને ગોસેવા સંઘની સ્થાપના કરી. તેઓ ઇચ્છતા હતા કે હિંદનો ખેડૂત પોતાના ફુરસદના સમયમાં હાથ જોડીને બેસી ન રહે. તે રેંટિયો કાંતે, પાટી વણે અથવા કોઈ બીજા હાથઉદ્યોગનું કામ શીખી લે. આ કામો કરવાની સાથે સાથે તે વાંચતાંલખતાં પણ શીખે. આ બધી વાતોના પ્રચાર મારફતે તેઓ ગામડાંની ખેડૂત પ્રજાને સ્વતંત્રતા માટે કેળવતા હતા. તેમને માત્ર રાજકીય સ્વરાજ્ય નહોતું જોઈતું, તેઓ ગરીબી, બીમારી અને અજ્ઞાનનાં બંધનોમાંથી પણ ખેડૂતોને મુક્ત કરવા માગતા હતા. વળી આ બધી વાતો એકબીજા સાથે જોડાયેલી હોવાથી તેમાંથી એક પણ ન હોય તો બીજી બધીની કંઈ કિંમત રહેતી નથી.’’

આટલી વાત પૂરી કરી હરિની માએ હરિને પૂછ્યું— ‘‘બેટા હરિ, તને ઊંઘ તો નથી આવતી ને ? થાક્યો હોય તો કહેજે. હવે થોડી વાત બાકી છે. તારી સાંભળવાની મરજી હોય તો પૂરી કરીએ, નહીં તો પછી કાલે આગળ ચલાવીશું.’’

હરિ— ‘‘ના મા, મને ઊંઘ નથી આવતી. મને વાત સાંભળવામાં ખૂબ રસ પડે છે ને પૂરા ધ્યાનથી સાંભળું છું. પૂરી વાત સાંભળ્યા વગર મને ચેન નહીં પડે એટલે તું વાત પૂરી જ કર.’’

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend