‘‘સમજૂતી કરવા માટે ઇંગ્લંડમાં ગોળમેજી પરિષદ થઈ. કોંગ્રેસે ગાંધીજીને પોતાના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં મોકલ્યા. નીકળતી વખતે ગાંધીજીએ દેશના લોકોને કોલ આપતાં કહ્યું—‘તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તે ખોટો નહીં પડવા દઉં એટલી હું તમને ખાતરી આપું છું.’
‘‘બારમી સપ્ટેમ્બરે ગાંધીજી લંડન પહોંચ્યા ત્યાંના છાપાંમાં તેમની મોટી મોટી છબીઓ પ્રગટ થઈ. એક છાપાવાળાએ એક કાલ્પનિક ચિત્ર દોરી તેમાં મહાત્માજી પ્રિન્સ ઓફ વેલ્સને પગે પડે છે એવું બતાવ્યું. આ ચિત્ર જોઈ બાપુએ હસીને કહ્યું કે, ‘જેમને આપણે સદીઓથી કચડ્યાં છે તેવા આપણા દેશના ગરીબમાં ગરીબ ભંગીને પગે પડવા હું તૈયાર છું, એવા અસ્પૃશ્યને નમવામાં કંઈ ખોટું નથી; પણ હું ઇંગ્લંડના રાજકુમારને તો શું, બાદશાહને પણ પગે પડવાનો નથી.’
‘‘ગોળમેજી પરિષદમાં ભાષણ કરતાં બાપુએ કહ્યું, ‘હિંદમાં કોઈ પણ રીતે અંગ્રેજોનું હીણું દેખાય એવું કરવાની મારી જરાયે ઇચ્છા નથી. હા, એટલું જરૂર ઇચ્છું છું કે અંગ્રેજો હિંદને ઇંગ્લંડની સાથે સરખો ગણે તેમ જ જે જાતનો વહેવાર તેની સાથે સરખા ગણાતા દેશો સાથે કરે છે તેવો વહેવાર તેઓ હિંદ સાથે પણ કરે.’
‘‘પરિષદ પૂરી થયા પછી બાદશાહ અને રાણીએ પરિષદના બધા સભ્યોને પોતાના મહેલમાં મળવા બોલાવ્યા. બીજા બધા સભ્યો ત્યાં એક એકથી ચડિયાતા સૂટ પહેરીને ગયા. પણ ગાંધીજી તો એક સાદી કામળી ઓઢીને, ખાદીનું સાદું પંચિયું અને પગમાં ચંપલ પહેરીને બાદશાહના આલેશાન મહેલમાં ગયા.’’
હરિ—‘‘મા ! બાદશાહના મહેલમાં જતી વખતે પણ તેમણે સારાં કપડાં ન પહેર્યાં, એ કેવું?’’
મા—‘બેટા, વાત એમ છે કે આપણા ગરીબ દેશના પ્રતિનિધિને ગરીબો જેવાં કપડાં જ શોભે. ગાંધીજી મહેલમાં ગયાં ત્યાં રાજા અને રાણીએ ઘણો વખત તેમની સાથે વાતોચીતો કરી.’’
હરિ—‘‘ખરેખર !’’
મા—‘‘ઇંગ્લંડમાં બાપુ મિસ લિસ્ટર નામની એક ગરીબ અંગ્રેજ બાઈના મહેમાન તરીકે રહેલા. તેને ત્યાં તેઓ હિંદમાં જે રીતે રહેતા તેવી જ રીતે રહેતા. સવારસાંજ પ્રાર્થના કરતા તેમ જ સાંજે ફરવા જતા. તેમની સાદાઈ અને પ્રેમ ઇંગ્લંડના ગરીબ લોકોના મન પર ખૂબ અસર કરી, અને તે અસર આજ સુધી કાયમ રહી છે.
‘‘કોઈ માણસ નવા શહેરમાં યા તો નવા દેશમાં જાય છે ત્યારે ત્યાંના જાણીતા લોકોને મળવા માટે જવાનું ચૂકતો નથી. બાપુ પણ મિસ્ટર ચર્ચિલને મળવા માગતા હતા, પણ મિ. ચર્ચિલે બાપુને મળવાની ના પાડી અને કહ્યું કે, ‘એ નાગો ફકીર જ્યાં સુધી ઠીકઠાક કપડાં પહેરીને ન આવે ત્યાં સુધી હું તેને મળવા માગતો નથી.’
‘‘મિસ્ટર ચર્ચિલના આવા ઉદ્વત જવાબથી ગાંધીજીને તો કંઈ અસર ન થઈ પણ હિંદવાસીઓની લાગણી ઘણી દુભાઈ.
‘‘હિંદ અને ઇંગ્લંડ વચ્ચે કોઈ પણ જાતની સમજૂતી ન થતાં ગાંધીજી હિંદ આવવા પાછા ફર્યા. રસ્તે તેઓ ઇટાલીમાં રોકાયા અને ત્યાંના સરમુખત્યાર મુસોલિનીને મળ્યા. રોમમાં પોપનો મહેલ ‘વેટિકન’ પણ જોયો. ડિસેમ્બરની આખરે તેઓ મુંબઈ આવી પહોંચ્યાં. તે દિવસોમાં દેસભરમાં પકડાપકડી ચાલતી હતી. પંડિત જવાહરલાલ નેહરુ, ખાન અબદુલ ગફારખાન અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકપ્રિય નેતાઓને પકડીને સરકારે જેલમાં પૂર્યા હતા. ઓછામાં ઓછા નેવું હજાર જેટલા માણસોને જેલમાં રાખવામાં આવ્યા હતા.
અંગ્રેજ સરકાર કોઈ પણ રીતે કોંગ્રેસનો નાશ કરવાની કોશિશ કરતી હતી પણ લોકો ઉપર આની ઊલટી અસર થઈ અને સ્વરાજ્ય મેળવવા માટેની તેમની ઝંખના એથી વધારે તીવ્ર થઈ. સરકારનો જુલમ પણ ધીમે ધીમે વધતો ગયો અને તેણે મહાત્માજીની ધરપકડ કરી તેમને ફરી વાર જેલમાં મોકલ્યા. બાપુને જેલમાં મોકલી આખા દેશની હિંમત તોડી નાખવાનું બની શકશે એમ અંગ્રેજ સરકાર માનતી હતી. પણ બાપુએ પ્રગટાવેલી જ્યોત એટલી સહેલાઈથી હોલવાય ખરી કે? બાપુ જેલમાં ગયા પછી હિંદની મુશ્કેલીઓ વધતી ગઈ. દેશ પર પડતાં દુઃખોની વાત સાંભળીને બાપુ અકળાતા હતા. આખરે સરકારનો એવો જુલમ રોકવા માટે તેમણે જેલમાં આમરણ ઉપવાસ જાહેર કર્યા. ઉપવાસ શરૂ કરતાં જ સરકારે તેમને છોડી મૂક્યા. જેલમાંથી બહાર આવીને તરત તેમણે સત્યાગ્રહની લડત રોકી લીધી અને અછૂતોદ્વારનું કામ ઉપાડી લીધું’’
હરિ—‘‘મા, અછૂતોને બધા ‘હરિજન’ શા માટે કહેતા હશે ?’’
મા—‘‘બેટા, લોકો જેમને અછૂત કહી ઓળખે છે તેઓ હકીકતમાં હરિ એટલે કે ભગવાન ભક્તોની સૌથી વધુ સેવા કરે છે. આમ હોવાથી તેઓ ઇશ્વરને સહુથી વહાલા લાગતા હશે. એમ વિચારીને બાપુએ તેમને હરિજન એટલે કે ભગવાનના વહાલા કહેવાનું શરૂ કર્યું. એ રીતે અસ્પૃશ્યોનું નામ ‘હરિજન’ પડ્યું’’
| Comments |
|

