ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૧૧


મા— ‘‘હરિ, બે જણ વચ્ચે તિરસ્કાર પેદા કરવો અને તેમની વચ્ચે ફૂટ પડાવવાનું કેટલું સહેલું અને બે જણ વચ્ચે મેળ કરાવવો અને તેમની વચ્ચે મહોબત અને પ્રેમ પેદ કરવો એ કેટલું અઘરું છે એ તું ક્યાં નથી જાણતો ? મૂર્ખ હિંદુ અને મુસલમાનો પણ પોતાનો રસ્તો ચૂકી ગયા, ગાંધીજીનો પ્રેમનો સંદેશ વિસારે પાડી એકબીજા સાથે ઝઘડવા લાગ્યા અને થોડા જ વખતમાં સ્વતંત્રતાની મજલ નજર સામેથી ખસી ગઈ.

 

‘‘હિંદુ અને મુસલમાનોને આ રીતે લડતા અને એકબીજાનું લોહી વહેડાવતા જોઈને મહાત્માજીના દુઃખનો પાર ન રહ્યો. દિલ્હીમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે આવી લડાઈ થઈ એટલે મહાત્માજી ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમણે એકવીસ દિવસના આકરા ઉપવાસ કર્યા. પોતાના ઉપવાસ અને પ્રાર્થનાથી તેઓ પરસ્પર પ્રેમ જાગ્રત કરવા માગતા હતા.

 

‘‘ઉપવાસના અગિયાર દિવસ તો લોકોએ જેમતેમ કરી કાઢ્યા. બારમે દિવસે દાક્તરે કહ્યું કે હવે ગાંધીજી ઉપવાસ નહી છોડે તો તેમની જિંદગીને જોખમ છે. આ સમાચાર સાંભળતાંવેંત દેશ પર જાણે અંધકાર છવાઈ ગયો. ગાંધીજીના બધા સાથીઓએ તેમ જ દાક્તરે ગાંધીજીને ઉપવાસ છોડવા માટે ખૂબ દબાણ કર્યું. તે દિવસે વળી ગાંધીજીનો મૌનવાર હતો એટલે તેમણે એક ચબરખી પર લખી જણાવ્યું કે, ‘ઇશ્વર પર ભરોસો રાખો, પ્રાર્થનાની શક્તિ મોટી છે.તે રાત ઘણી ભયાનક વીતી. બધા લોકોએ આખી રાત, જાગતા રહી ઇશ્વરને ગાંધીજીની જિંદગી બચાવી લેવાને આજીજી કરી.

હરિ— ‘‘મા, તો શું ભગવાને એ લોકોની પ્રાર્થના કાને ધરી ખરી ?’’

 

મા— ‘‘હા, તેમણે આપણા સૌની આજીજી સાંભળી. બીજે જ દિવસે સવારે મહાત્માજીની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે એવા સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા. એકવીસ દિવસ પૂરા થતાં ગાંધીજીએ પારણાં કર્યાં. પારણાં વખતે તેઓ ખૂબ પ્રસન્ન જણાતા હતા !

 

 ‘‘તે દિવસે ગાંધીજીના બધા સાથીઓ સવારે ચાર વાગ્યે ઊઠ્યા ઊઠીને પ્રાર્થના કરી. બપોરે બાર વાગ્યે ગાંધીજી પારણાં કરવાના હતા. પારણાં કરતાં પહેલાં સૌથી પહેલું કુરાન વાંચવામાં આવ્યું. કુરાન વાંચ્યા પછી એક ખ્રિસ્તી મિત્રે એક ગીત ગાયું. એ ગીત પછી ગીતાનો પાઠ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ગાંધીજીએ સંતરાનો રસ લઈ પોતાના ઉપવાસ છોડ્યા.

 

 ‘‘આ પ્રસંગે પંડિત મોતીલાલ નેહરુ, દેશબંધુ ચિત્તરંજન દાસ, મૌલાના આઝાદ, મૌલાના શૌકત અલી, ડો. અનસારી, મૌલાના મોહમદ અલી, હકીમ અજમલખાન તેમ જ સ્વામી શ્રદ્ધાનંદ વગેરે જે હિંદુમુસલમાન આગેવાનો હાજર હતા. તેમણે ગાંધીજીને કોલ આપ્યો કે હિંદુમુસ્લિમ એકતા માટે પોતે બધું જ કરી છૂટશે. ગાંધીજીના આ ઉપવાસ પછી ઘણા લાંબા સમય સુધી જ કરી છૂટશે. ગાંધીજીના આ ઉપવાસ પછી ઘણા લાંબા સમય સુધી હિંદુમુસ્લિમ એકતા કાયમ રહી.

 

‘‘ત્યાર પછી ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણનું કામ ઉપાડ્યું અને સ્પૃશ્ય-અસ્પૃશ્યનો ભેદભાવ દૂર થાય તે માટે પ્રયત્નો કરવા માંડ્યા. તે દિવસોમાં ત્રાવણકોરના બ્રાહ્મણો હરિજનોને અમુક મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા નહોતા. આ વાત જાણવામાં આવતાં જ ગાંધીજી ત્રાવણકોર ગયા. ત્યાં તેમણે તેમનું સત્યાગ્રહનું જૂનું શસ્ત્ર ફરી અજમાવ્યું અને ત્રાવણકોરની બધી સડકો હરિજનો માટે ખુલ્લી કરાવી.

 

  ‘‘તે જ દિવસો દરમિયાન ગુજરાતના બારડોલી તાલુકામાં ખેડૂતો અને સરકાર વચ્ચે ઝઘડો પડ્યો. ગાંધીજીને આ વાતની જાણ થઈ. સરકાર ખેડૂતો પર જુલમ કરે છે એવું જાણવા મળતાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલી મોકલ્યા અને તેમને ખેડૂતોની આગેવાની લેવા જમાવ્યું. કુનેહ અને અથાગ પરિશ્રમથી સરદારે સરકારને માત કરી. બારડોલીની લડતમાં ખેડૂતોની જીત થઈ.

 

  ‘‘દેશમાં અશાંતિ સારી પેઠે વધતી જતી હતી. આખા દેશમાં મહાત્મા ગાંધીજીની જયના પોકારો ગાજી રહ્યા હતી. હિંદુસ્તાનને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે લોકો જેલમાં જવા તેમ જ પોતાનું બલિદાન આપવાને તત્પર હતા.

 

 ‘‘૧૯૩૦ની સાલમાં કોંગ્રેસે ત્રિરંગી ઝંડાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. મહાત્મા ગાંધીએ તો ૧૯૨૧ની સાલથી તેને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો.

 

‘‘આ ઝંડામાં ઉપરનો કેસરી લીલો પટ્ટો બહાદુરીનું, વચ્ચેનો સફેદ પટ્ટો પવિત્રતાનું અને નીચેનો લીલો પટ્ટો શાંતિ અને ખુશાલીનું પ્રતીક છે. વચમાં જે ચરખો મૂકેલો છે તે મહેનત અને મજૂરીની કદર કરવાનો પાઠ આપે છે. આ ઝંડો કોઈ એક ધર્મ કે જાતિનો નથી પણ આમજનતાનો છે. તેને માન આપવું એ દરેક હિંદીનું કર્તવ્ય છે.

 

‘‘દેશવાસીઓ આઝાદી મેળવવા માટે આતુર હતા પણ અંગ્રેજો તેમની માગણીને ઠોકરે મારતા હતા. એટલા માટે ગાંધીજી કાનૂનભંગ કરી સરકાર સામે સત્યાગ્રહ કરવા ચાહતા હતા. તેઓ એવા કાનૂનનો ભંગ કરવા માગતા હતા કે જેને તોડવાથી આમજનતાને લાભ થાય. તેમણે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. મીઠું ગરીબ તેમ જ તવંગર સૌ કોઈની જરૂરિયાતની ચીજ છે. દરિયાના પાણીમાંથી અને અમુક જગ્યાની જમીનમાંથી જેની ઇચ્છા થાય તે મીઠું બનાવી શકે.

 

પણ સરકારે એવો કાયદો કર્યો હતો કે સરકાર સિવાય બીજા કોઈને મીઠું બનાવવાની છૂટ નથી. આથી સરકાર મીઠાની વપરાશ મારફતે મનમાન્યો વેરો વસૂલ કરી શકતી. ગાંધીજીને મતે મીઠા પરના વેરાનો બોજો અમીરો કરતા ગરીબો પર વધારે પડતો હતો. એટલા માટે તેમણે મીઠાના કાયદાને તોડવા માટેની તૈયારી કરવા માંડી અને ગુજરાતના દાંડી ગામે જઈ મીઠું બનાવવાનો નિર્ણય કર્યો. દાંડી જતાં પહેલાં તેમણે ઉપવાસ કર્યા અને અગણ્યાએંસી સાથીઓ સાથે તેઓએ સાબરમતી આશ્રમથી દાંડી જવાને કૂચ શરૂ કરી. સૌથી આગળ ગાંધીજી અને તેમની પાછળ તેમના સાથીઓ ત્રણ ત્રણની હારમાં ચાલી નીકળ્યા.

 

દરેક સત્યાગ્રહીએ ખભે એક લાકડી લીધી હતી અને તેને એક છેડે નાનો બિસ્તરો લટકતો હતો. ગાંધીજી જ્યાં જ્યાંથી પસાર થતા ત્યાં ત્યાં લોકો તેમનાં દર્શને આવતાં. રસ્તાઓ પાણી છાંટીને તૈયાર રાખતા. ફૂલ અને નાળિયેરથી સૌ ગાંધીજીને વધાવતા. રસ્તામાં તેઓ રોકાતા, ભાષણો કરતા અને ઉપદેશ આપી આગળ ચાલતા. આ રીતે ચાલતાં ચાલતાં બારમી માર્ચે નીકળેલા ગાંધીજી પાંચમી એપ્રિલે દાંડી પહોંચ્યા. દાંડી ગુજરાતના દરિયાકિનારે આવેલું બંદરી ગામ છે. અમદાવાદથી બસો માઇલ છેટું છે.

 

 ‘‘મહાત્માજીએ કાનૂનભંગ કરી મીઠું બનાવતાંની સાથે સૂતેલો દેશ જાણે જાગી ઊઠ્યો. લોકોએ ઠેરઠેર મીઠું બનાવી સવિનય કાનૂનભંગ કર્યો. સરકાર પણ તેટલી નિર્દયતાથી તેમના પર તૂટી પડી.

 

  ‘‘ચોથી મેની રાતે હથિયારબંધ પોલીસોએ ગાંધીજીની ઝૂંપડીને ઘેરી લીધી. ગાંધીજી અને તેમના સાથીદારો નિરાંતે ઊંઘતા હતા તેવામાં એક અંગ્રેજ અમલદારે ગાંધીજી પર બેટરી નાખી અને પૂછ્યું, ‘તમે મોહનદાસ કરમચંદ ગાંધી છો?’ ગાંધીજીએ કહ્યું, ‘તમે મને લેવા આવ્યા છો? થોડી વાર બેસો. હું જરા હાથમોં ધોઈ લઈ તમારી સાથે આવું છું.ગાંધીજીએ દાતણ કર્યું અને મોં ધોયું. પોલીસ અમલદાર તેમનો બિસ્તરો લઈ ઊભો રહ્યો, મોં ધોઈ લઈ ગાંધીજીએ પ્રાર્થના કરવા માટે થોડો સમય રોકવાની રજા માગી. તેમના સાથીઓ સાથે તેમણે પ્રાર્થના કરી અને ભજન ગાવામાં આવ્યું. સૌએ એક પછી એક મહાત્માજીને પ્રણામ કર્યા. એક સિપાઈએ ખાદીના બે નાના થેલાઓ ઉપાડી લીધા. આ થેલામાં ગાંધીજીએ જરૂરી ચીજો લીધી હતી. ગાંધીજી સૌની આગળ ચાલ્યા અને લોરીમાં બેઠા. તેમની પાછળ પોલીસો પણ લોરીમાં ગોઠવાયા. આ રીતે રાતને વખતે પોલીસો ચોરની માફક આવ્યા અને ગાંધીબાપુને પકડી ગયા.’’

 

હરિ—‘‘પણ એ બધાએ બૂમાબૂમ કેમ ન કરી? બૂમાબૂમ કરત તો લોકો દોડી આવત અને તેમને પોલીસો પાસેથી ચોડાવી લેત ને?’’

 

મા—‘‘પોલીસ કે સરકારની સામે થવામાં હિંસા કે જબરજસ્તી કરવી પડે એવું ગાંધીજી કદી નહોતા ઇચ્છતા. એ તું જામે છે, છતાં આવો સવાલ કેમ પૂછે છે?’’

 

હરિ—‘‘હા મા, એ વાત તો મને યાદ જ ન રહી ! વીરુ, પણ પછી શું થયું તે તો કહે !’’

 

  આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend