‘‘ઈસવી સન ૧૯૧૫ની સાલમાં ગાંધીજીએ શ્રી ગોખલેની સલાહથી અમદાવાદ નજીક કોચરબ નામના ગામમાં એક આશ્રમ શરૂ કર્યો. આશ્રમના દરેક સભ્યે એવું વ્રત લેવાનું હતું કે હું જૂઠું નહીં બોલું, અહિંસાને માનીશ, સાદો ખોરાક લઈશ, ચોરી નહીં કરું, મારે પોતાને માટે પૈસા એકઠા નહીં કરું, કોઈથી ડરીશ નહીં, સ્વદેશી ચીજો વાપરીશ, હાથના કાંતેલા સૂતરની હાથની વણેલી ખાદી પહેરીશ, હિંદુસ્તાની બોલીમાં વિદ્યાનો ફેલાવો કરવાની અને આભડછેડ દૂર કરવાની કોશિશ કરીશ
‘‘કોચરબ આશ્રમમાં અસ્પૃશ્ય લોકો અને ઊંચી ન્યાતના લોકો બધા સાથે રહેતા, ખાતાપીતા અને બેસવાઊઠવાનું રાખતા. ત્યાં બધા સરખા હતા, ન કોઈ ઊંચું હતું, ન કોઈ નીચું હતું. આશ્રમવાસીઓને શરૂ શરૂમાં તો એ રીતે રહેવામાં નવાઈ જેવું લાગતું પણ પાછળથી બધા ટેવાઈ ગયા. આપણા દેશમાં આ પહેલાં આવું તો ક્યાંથી બન્યું હોય ! ઘણા લોકોને આ બરાબર થતું નથી એમ લાગ્યું.
જે તવંગરો કરી. એક દિવસ એવો આવ્યો કે ગાંધીજીની પાસે આશ્રમ ચલાવવા માટે એક કોડી પણ ન રહી ! તેઓ ચિંતામાં પડી ગયા. સાંજના સુમારે તેઓ ઉદાસ થઈને બેઠા હતા અને હવે શું કરવું તેનો વિચાર કરતા હતા ત્યાં એકાએક એક અજાણ્યો માણસ આશ્રમમાં આવ્યો અને તેર હજાર રૂપિયાની રકમ આપી આવ્યો હતો તેવો ચાલ્યો ગયો. ઇશ્વરના બધા સાચા ભક્તોને, અલ્લાના બંદાને, ભીડને વખતે આવી રીતે સાધન આવીને મળી રહે છે.
‘‘ગાંધીજીનાં કામ, તેમની સચ્ચાઈ તથા તેમની નેકી અને તેમનો ત્યાગ જોઈને રવીન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્મા કહેવાનું શરૂ કર્યું. પછી તો આખો દેશ તેમને ‘મહાત્મા’ના નામથી ઓળખવા લાગ્યો. મહાત્માજી જ્યાં જાય ત્યાં હજારો લોકો તેમનાં દર્શન કરવા આવવા લાગ્યા. સો તેમને પગે પડતા અને તેમની ચરણરજ માથે ચડાવતા.
‘‘લોકોનો અંગ્રેજો તરફનો તિરસ્કાર આ સમયે વધતો જતો હતો અને લોકો તેમનાથી ત્રાસી ગયા હતા. લોકોમાં હિંમત અને જુસ્સો પેદા થાય એવું ગાંધીજી જરૂર ચાહતા હતા. પણ અંગ્રેજો તરફનો દ્વેષ તેમને પસંદ નહોતો. આ દ્વેષ કોઈ ને કોઈ રીતે લોકોના દિલમાંથી ધોવાઈ જાય એવું તેઓ ઇચ્છતા હતા. અંગ્રેજ સરકાર સાથે બાથ ભીડવી એ કંઈ બચ્ચાંનો ખેલ નથી એ વાતનો પણ તેમને પૂરો ખ્યાલ હતો. તે માટે તેમને આખા દેશના બધા લોકોનો સાથ લેવાની જરૂર હતી. તેથી તેમણે ગરીબો, ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા માટેનાં કામો કરવા માંડ્યાં. તેમની સેવામાં તેઓ પોતાની જાતને પણ ભૂલી ગયા.
‘‘ઇંગ્લંડ અને જર્મની વચ્ચેની લડાઈ આ દિવસોમાં જોર પર હતી અને અંગ્રેજોને એ લડાઈમાં હિંદુસ્તાનીઓની મદદની ખૂબ જરૂર હતી. તેમણે ગાંધીજીને પોતાને મદદ કરવા માટે સમજાવ્યા. અંગ્રેજો હિંદુસ્તાનીઓ સાથે જે રીતે વર્તતા હતા તે જોઈ કોઈ બીજો હોત તો તેમને સહેજ પણ મદદ ન કરત, પણ ગાંધીજી તો દુશ્મનની લાચારીનો લાભ લેવામાં માનતા નહોતા. એટલે તેઓ અંગ્રેજોની લાચારીનો લાભ પણ શેના લે? તેઓ તો અંગ્રેજોનું કામ કરી તેમને ઉપકારના ભાર નીચે દાબી તેમની પાસેથી હિંદુસ્તાન માટે સ્વરાજ્ય મેળવવા ઇચ્છતા હતા.
વળી, તેઓ એમ પણ માનતા હતા કે હિંદીઓ ઉપર અંગ્રેજો જે અત્યાચાર કરે છે તેવું અંગ્રેજ પ્રજાના લોહીમાં નથી. એવું વર્તન કરવાવાળા હિંદુમાં આવી રાજ્ય ચલાવનારા કેટલાક અંગ્રેજ અમલદારો હોઈ પોતાની મૂર્ખાઈ ને લીધે આમ કરે છે. બાકી, અંગ્રેજોને આપણે પ્રેમથી જીતી શકીએ એવું છે. આવું માનતા હોવાથી ગાંધીજી જાતે ગામેગામ ફર્યા અને લોકોને લડાઈ માટેની ફોજમાં ભરતી થવાનું કહેવા લાગ્યા. આ કામ પાછળ તેમણે રાતદિવસ એક કર્યાં. આમાં તેમણે એટલી જહેમત ઉઠાવી કે આખરે માંદા પડ્યા ! તેઓ માંદગીમાંથી ઊઠે તે પહેલાં જ યુદ્ધ બંધ પડ્યાના સમાચાર આવ્યા અને ભરતીનું કામ બંધ કરવામાં આવ્યું. આ જ માંદગી દરમિયાન ગાંધીજીએ બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું. ત્યારથી બકરનું દૂધ અને બાફેલા શાકભાજી તેમનો ખોરાક બન્યો અને તે જ તેમણે છેવટ સુધી ચાલુ રાખ્યો.’’
હરિ— ‘‘યુદ્ધ બંધ થયું તેથી મહાત્માજી અને દેશના બધા લોકોને ઘણો આનંદ થયો હશે, નહીં મા ?’’
મા— ‘‘દુનિયામાં મારામારી અને કાપાકાપી બંધ થયાં તેથી સોને આનંદ થયો ખરો પણ આપણા દેશની હાલત તે વખતે અજબ જેવી હતી. બધા લોકો માનતા હતા કે લડાઈ બંધ થતાંવેંત આપણે અંગ્રેજો માટે જે બળિદાન આપ્યાં છે તેના બદલામાં આપણને થોડી સ્વતંત્રતા મળશે જ મળશે, અને તેથી શાંતિ અને ખુશાલીના દિવસો આવશે. પણ સ્વતંત્રતા કેવી ને વાત કેવી ? અંગ્રેજોએ તો શાંતિને બદલે આપણા પર પહેલાં કરતાં પણ વધારે જુલમ કરવા માંડ્યા ! આપણા મોટા મોટા નેતાઓને નજીવા કારણસર પકડીને જેલમાં ધકેલી દેવાય તે માટેના કાયદા અંગ્રેજ સરકારે પસાર કર્યા. આવા અંધેરની સામે કલકત્તાથી કરાંચી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખાયે દેશમાં રોષ અને ગુસ્સાનું મોજું ફરી વળ્યું. ગામેગામ સભાઓ ભરાઈ અને ભાષણો થયાં. બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, હિંદુ કે મુસલમાન સૌ કોઈ આવા અન્યાયી કાયદાનો ભંગ કરવા તેમ જ સમય આવ્યે દેશને માટે જાનમાલ આપી દેવા તૈયાર થઈ ગયાં.
‘‘ગાંધીજી સાજા થઈ બેઠા થયા. તેમણે પ્રેમથી જ્યોત જલાવી અંધારામાં અજવાળું ફેલાવ્યું. દેશના બધા લોકોએ એક થઈ અંગ્રેજો પાસે સ્વરાજ્યની માગણી કરી. ગાંધીજીએ સૌની આગેવાની લીધી. તેમણે એક વાત સ્પષ્ટ કરી કે અંગ્રેજો સાથેની લડતમાં હિંસાનું નામ પણ ન હોવું જોઈએ. આપણે માત્ર શાંતિ અને અહિંસાથી લડત ચલાવવા માગીએ છીએ. હિંદુમુસલમાન સૌ ખભેખભા મેળવી અંગ્રેજ સરકાર સામે લડવા માટે તૈયાર થઈ ગયા. ગાંધીજીએ એક દિવસ એવો નક્કી કર્યો જે દિવસે દેશભરમાં હડતાળ પાડવામાં આવે અને સારાયે દેશનું બધું કામકાજ તે દિવસે બંધ રહે. હિંદુમુસલમાન સૌ કોઈ તે દિવસે એક દિવસનો ઉપવાસ કે રોજો કરે. મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં ઇશ્વર આપણા દેશને સ્વતંત્ર કરે તે માટેની પ્રાર્થના કરવામાં આવે.
‘‘હડતાળ અને તે દિવસના કાર્યક્રમની વાત દેશભરમાં પહોંચી ગઈ. સરકારને આવી વાત ક્યાંથી ગમે ? એટલે આપણને તેમ કરતા રોકવા અને દબાવવા તેણે જાતજાતના અત્યાચારો કરવા શરૂ કર્યા. અમૃતસરના જલિયાનવાળા બાગમાં મળેલી સભા પર જનરલ ડાયરના હુકમથી ગોળીઓ ચલાવવામાં આવી. સેંકડો નિઃશસ્ત્ર પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને જુવાનો તેમ જ વૃદ્ધો તેના ભોગ બન્યાં. પંજાબમાં હજારો લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
‘‘પોસ્ટ, તાર અને રેલવે બધું બંધ હોવાથી પંજાબના સમાચાર ગાંધીજીને તે દિવસે ક્યાંથી મળે ? પણ આવી વાત કંઈ છૂપી થોડી રહે છે ? થોડા જ દિવસોમાં પંજાબના અત્યાચાર અને તેના પર વીતેલી આફતના સમાચાર કોઈ ને કોઈ રસ્તે ગાંધીજી પાસે પહોંચ્યા સિવાય ન રહ્યા. આ દુઃખદ કહાણી જાણતાંવેત તેમનું દિલ ભરાઈ આવ્યું, અને દુખી હૃદયે તેઓ પંજાબની મદદે ચાલી નીકળ્યા. પણ તેઓ અમૃતસર પહોંચે તે પહેલા રસ્તામાં જ સરકારે તેમની ધરપકડ કરી અને પાછા મુંબઈ લાવી તેમને છોડી મૂક્યા.
‘‘અંગ્રેજ સલ્તનતની બધી શક્તિ ગાંધીજીને દબાવવાને કામે લગાડવામાં આવી. પણ ગાંધીજી આવી સખતાઈથી હિંમત હારે તેવા નહોતા. તેમણે પહેલાં કરતાં પણ વધારે નીડર થઈ પોતાનું કામ ચાલુ રાખ્યું અને દેશની બધી જાતિઓને એકત્ર કરવાના પ્રયત્નો શરૂ કર્યા. તેમની મહેનત ફળી હિંદુ અને મુસલમાન નેતાઓ એક ઝંડા નીચે એકઠા થયા. સાચી આઝાદી મેળવવા માટે બંને કોમોને એકત્ર કરવા ઉપરાંત હજુ બીજી ઘણી તૈયારીઓ કરવાની હતી.
જ્યારે નિર્બળના મનમાંથી બળવાનનો અને ગરીબના મનમાંથી તવંગરનો તેમ જ હરિજનના મનમાંથી બ્રાહ્મણનો અને ખેડૂતના મનમાંથી જમીનદારનો ડર નીકળી જાય અને હિંદુસ્તાનીના મનમાંથી અંગ્રેજનો ડર દૂર થાય ત્યારે જ સાચી સ્વતંત્રતા મળી ગણાય એમ ગાંધીજી માનતા હતા. તેથી તેમણે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા. તેઓ વારંવાર ભારપૂર્વક કહેતા કે લોકોના મનમાંથી દરેક જાતનો ડર દૂર કરવા માટે તેમ જ તેમને સ્વતંત્ર કરવા માટે સત્ય અને અહિંસાનું પાલન સૌથી વધારે જરૂરી છે.
‘‘આજથી બે હજાર વરસ પર મહાત્મા બુદ્ધે હિંદુસ્તાનીઓને અહિંસાનો જે પાઠ શીખવ્યો હતો તે જ પાઠ મહાત્માજીએ પાછો શીખવ્યો. તેમણે કહ્યું કે કોઈ નો જીવ લેવો એ મોટામાં મોટું પાપ છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે આપણે સૌએ આપણા દેશની તેમ જ પોતાની આઝાદી માટે લડવું જોઈએ. પણ આ લડાઈ આપણે ખૂની હથિયારોથી નહીં, અહિંસા અને શાંતિથી લડીશું. સૂતેલા હિંદુસ્તાનીઓને તેમણે ઢંઢોળીને ઊભા કર્યા. લોકોને સ્વતંત્રતા માટે જાગ્રત કરવા તેમણે ગામેગામ પોતાના કાર્યકરો મોકલ્યા. આ કાર્યકરો લોકોને કાંતતાં અને વણતાં તેમ જ વાંચતાંલખતાં પણ શીખવતા. લોકો આભડછેટમાં ન માને તેમ જ દારૂ ન પીએ તે માટેનો પ્રચાર પણ તેઓ કરતા. મહાત્માજી જે બીજા પાસે કરાવવા ઇચ્છતા તેનું આચરણ પોતે પહેલું કરતા. તેથી લોકોને કાંતવાનું કહ્યું તેની સાથે તેમણે પોતે પણ કાંતતાં શીખી લીધું. તને જાણીને નવાઈ થશે કે થોડા જ દિવસમાં તેઓ બંને હાથે કાંતતા થઈ ગયા !
‘‘આ રીતે મહાત્માજી હિંદુસ્તાનને જાગ્રત કરી સ્વરાજ્યની લડત માટે તૈયાર કરતા હતા ત્યાં એવા સમાચાર આવ્યા કે ઇંગ્લંડના રાજાનો સાથી મોટો કુંવર હિંદુસ્તાનની મુલાકાતે આવે છે. આ પ્રસંગે લોકો તેનું કોઈ પણ જાતનું સ્વાગત કરવા ઇચ્છાતા નહોતા. સરકાર પોતાનો વટ જમાવવા માટે પ્રિન્સ ઓફ વેલ્સને અહીં બોલાવે છે એમ તેમની ફરિયાદ હતી. બધાએ સરઘસ કે સભામાં સામેલ ન થવાનો ઠરાવ કર્યો. એટલે એક તરફ જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સની સવારી મુંબઈનાં સૂમસામ બજારોમાંથી પસાર થતી હતી ત્યારે બીજી તરફ લોકોએ વિદેશી કાપડના ઢગલાઓ કરીને તેની હોળી કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો, કેમ કે તે દિવસોમાં સ્વદેશી માલ વાપરવાનો ખૂબ પ્રચાર ચાલતો હતો.
‘‘આ કાર્યક્રમ ખૂબ શાંતિથી ચાલતો હતો ત્યાં અમદાવાદ અને મુંબઈમાં કેટલાક માથાફરેલ લોકોએ જુસ્સામાં આવી જઈ હુલ્લડો કર્યા. કેટલાક અંગ્રેજો પર પથ્થરમારો કરવામાં આવ્યો. જે પારસીઓએ રાજાના કુંવરના સ્વાગતમાં ભાગ લીધો હતો તેમને માર પડ્યો. ટ્રામો તોડી નાખવામાં આવી અને દારૂની દુકાનોમાં ઘૂસી જઈ તે લોકોએ તેનો કચ્ચરઘાણ કાઢ્યો. ગાંધીજીને આ વાતની ખબર પડતાં તેઓ જાતે તોફાનો શાંત કરવા માટે મોટરમાં નીકળ્યાં અને જુદી જુદી જગ્યાએ ફર્યા. એક જગ્યાએ તેમણે ઘાયલ થયેલા સિપાઈઓને ખાટલા પર બેભાન હાલતમાં પડેલા જોયા. ગાંધીજી મોટર રોકીને નીચે ઊતર્યો. તેમના ઊતરતાંની સાથે લોકોનાં ટોળાંએ તેમને ધેરી લીધા અને તે બધા ‘મહાત્મા ગાંધીની જય’ પોકારવા લાગ્યા. તેમને નામે આ જાતનાં હુલ્લડો અને જુલમ થતાં જોઈ ગાંધીજીને ખૂબ દુઃખ થયું.
તેમણે લોકોને કેટલીક કડવી છતાં સાફ વાતો સંભળાવી અને સમજાવ્યું કે અંગ્રેજ સરકાર સાથે આ રીતે લડવામાં ગાંધી અને અહિંસા, બંનેની હાર છે. હિંસાથી મળેલી આઝાદીની મારે કંઈ જ જરૂર નથી. ગાંધીજીની આ વાત સમજાતાં લોકોને પોતે કરેલાં કામો બદલ પસ્તાવો થયો. ગાંધીજીએ પેલા ઘાયલ સિપાઈઓને ઇસ્પિતાલમાં પહોંચતા કર્યા. એક તરફ ગાંધીજી લોકોને આ રીતે સમજાવીને શાંત કરતા હતા ત્યાં બીજી તરફ શહેરના એક ભાગમાં નીકળેલા સરઘસ ઉપર પોલીસે ગોળીબાર કર્યાના સમાચાર આવ્યા. આ સમાચાર ફેલાતાં શહેરમાં હોહા મચી ગઈ અને ઠેર ઠેર હુલ્લડો ફાટી નીકળ્યાં. ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાંઓએ ઠેર ઠેર દુકાનો તોડી તેમ જ બસો અને ટ્રામોને આગ ચાંપી. લોકોએ ન કરવાનું કર્યું !
‘‘લોકોને આ રીતે બહેકી જતા જોઈ ગાંધીજીએ ઉપવાસ જાહેર કર્યો અને કહ્યું: ‘લોકોએ જે જાતનું વર્તન કર્યું છે તે બરાબર નથી અને તેની સજા હું જાતે ભોગવીશ. આપણે અહિંસાવ્રતનો ભંગ કર્યો છે. જે હિંદુમુસલમાન ભાઈઓએ આ વ્રતનો ભંગ કર્યો છે તેમણે આપણા પારસી, ખ્રિસ્તી અને અંગ્રેજ ભાઈઓને દુઃખ પહોંચાડ્યું છે. તેમણે તેમની માફી માગવી જોઈએ. જ્યાં સુધી તેઓ તેમની માફી નહીં માગે ત્યાં સુધી હું ઉપવાસ છોડવાનો નથી.’
‘‘અને ગાંધીજી ઇચ્છતા હતા તેવું જ થયું. બધા પક્ષના નેતાઓ ભેગા થઈને ગાંધીજી પાસે આવ્યા અને તે સૌએ તેમને જણાવ્યું કે દરેક મારામારી કરનારે જેમને દુઃખ પહોંચ્યું હતું તેમની માફી માગી છે અને સામા પક્ષે તે મંજૂર પણ રાખી છે. નેતાઓની આ જાતની ખાતરી મળ્યા પછી જ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. તે દિવસથી તેમણે હિંદુસ્તાનને સ્વરાજ ન મળે ત્યાં સુધી દર સોમવારે મૌન પાળવાનું વ્રત લીધું.’’
હરિ— ‘‘મા, ગાંધીજી દર સોમવારે મૌન શું કામ પાળતા ?’’
મા— ‘‘તેમ કરવાથી તેમને ખૂબ આરામ મળતો. તેમને ચિંતન તેમ જ મનન કરવા માટે પણ પૂરતો સમય મળી રહેતો. વળી તેમના પત્રો માટેના લેખ પણ તેઓ તે દિવસે લખી શકતા.’’
| Comments |
|


