‘‘હમણાં મેં જેમનું નામ લીધું તે શ્રી ગોખલે હિંદુસ્તાનના એક બહુ મોટા આગેવાન હતા. તેઓ ગાંધીજીને પોતાના નાના ભાઈ જેવા ગણતા. તેમના જ કહેવાથી ગાંધીજીએ મુંબઈ જઈ ફરી બેરિસ્ટરનું કામ શરૂ કર્યું. માંડ ત્રણચાર મહિના એ ચાલ્યું ત્યાં તો આફ્રિકાથી ગાંધીજીને પાછા ત્યાં બોલાવવાના તાર આવવા માંડ્યા. ત્યાંના હિંદીઓની એવી માગણી હતી કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવી અંગ્રેજ પ્રધાન મિ. ચેમ્બરલેનને મળે અને હિંદીઓની ફરિયાદોનો નિકાલ કરાવે. ગાંધીજીને લાગ્યું કે આ મોટું કામ છે અને તે માટે મારે આફ્રિકા જવું જ જોઈએ.
તેઓ તરત ત્યાં જવા ઊપડ્યા. તેમણે ત્યાં જઈ બેરિસ્ટરનું કામ છોડી દીધું અને એક છાપું શરૂ કર્યું. પ્લેગમાં સપડાયેલા દર્દીઓના ચાકરી કરી, મજૂરોની સેવા કરી ને તેમની હાલત સુધારી. સાથે સાથે હિંદીઓને સરખાપણાના હકો મળે તે માટેની ચળવળ તેમણે જોશભેર શરૂ કરી. એ જ દિવસો દરમિયાન તેમણે પોતાના મનને શુદ્ધ કરવા માટે વ્રતો લીધાં અને ગીતાના તેર અધ્યાય મોઢે કર્યા. ભગવાનને રસ્તે ચાલવું હોય તો માણસે જગતના ઠાઠમાઠ અને એશઆરામનો ત્યાગ કરવો જોઈએ એ વાત તેમના મનમાં ઠસી ગઈ હતી.
‘‘માણસમાત્ર સરખાં છે, કોઈ ઊંચું નથી અને કોઈ નીચું નથી એમ તેઓ માનતા, તેથી તેમણે ગરીબો સાથે ગરીબ જેવા થઈ અને તેમની સાથે હળીમળીને રહેવાનું નક્કી કર્યું. આ માટે તેઓ એક નાનકડા ગામમાં રહેવા ગયા અને ગામના લોકો જેવું સાદું જીવન જીવવા લાગ્યા. છાપું પણ ત્યાંથી જ બહાર પાડવા માંડ્યું. ગાંધીજીના અંગ્રેજ મિત્રો પર આની એટલી બધી અસર થઈ કે તેમાંના ત્રણે તેમની સાથે એ ગામમાં રહેવા માંડ્યું.
‘‘આ દિવસો દરમિયાન એશિયાના લોકોની વિરુદ્ધ આફ્રિકાની સરકારે નવા નવા આકરા કાયદાઓ પસાર કરવા માંડ્યા. આ અસહ્ય કાયદાઓ રદ કરાવવા માટે લોકોએ ગાંધીજીની સંમતિથી સત્યાગ્રહ શરૂ કર્યો. સત્યાગ્રહ અહિંસક લડાઈ માટેનું ગાંધીજીનું મોટામાં મોટું શસ્ત્ર હતું. હિંદીઓએ લડત દરમિયાન શાંતિ, અહિંસા અને બલિદાનથી સરકારની લાઠી અને બંદૂકોનો સામનો કર્યો. જેલમાં જવું એ રમતવાત થઈ પડી. ઇ.સ.૧૯૦૮માં ગાંધીજીને પહેલી વખત કાનૂનભંગ માટે જેલમાં મોકલવામાં આવ્યા. જનરલ સ્મટ્સ ત્યાંના વડા પ્રધાન હતા.
વીસ દિવસ ગાંધીજીને જેલમાં રાખ્યા બાદ તેમણે ગાંધીજીને સમજૂતી માટે પ્રિટોરિયા બોલાવ્યા. ગાંધીજીએ જણાવ્યું કે પોતાની સાથેના બધા કેદીઓને છોડી દેવામાં આવશે ત્યારે તેઓ સરકાર સાથે સમજૂતી માટેની વાટાઘાટ કરશે. આ શરત પ્રમાણે બધા કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. જોહાનિસબર્ગમાં એક મસ્જિદ છે ત્યાં હિંદીઓની મોટી સભા થઈ. આ સભામાં સરકાર સાથે સમજૂતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પણ કેટલાક ઝનૂની પઠાણોને આ નિર્ણય ગમ્યો નહીં. તેમાંના એક જણે તો આ નિર્ણય લેવા માટે ગાંધીજીને માર્યા પણ ખરા ! ગાંધીજીને માથામાં ખૂબ વાગ્યું !’’
હરિ— ‘‘મા, પછી ગાંધીજીએ એ પઠાણને સજા કરાવી ખરી કે નહીં ?’’
મા— ‘‘ના બેટા. તેમણે તેના પર ફરિયાદ કરવાની ના પાડી અને કહ્યું, ‘મારા લોહીભીના પાટા વડે મારા દુશ્મનો પણ મારી મૈત્રીના બંધનમાં બંધાશે અને મારા મિત્ર બનશે.’ અને હરિ ! તેમની આ વાત તદ્દન સાચી પડી. તેમને મારનાર પઠાણે આ વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. તેણે ગાંધીજીની માફી માગી અને હંમેશને માટે તે તેમનો મિત્ર બન્યો.
‘‘૧૯૧૪ની સાલમાં આખી દુનિયા લડાઈનાં વાદળોથી ઘેરાઈ ગઈ. ચોથી ઓગસ્ટે ઇંગ્લેન્ડે જર્મનીને લડાઈનું કહેણ મોકલ્યું અને યુદ્ધ સળગી ઊઠ્યું. ગાંધીજીને લાગ્યું કે આવે સમયે મારા દેશને મારી સેવાની જરૂર પડશે, તેથી મારે ત્યાં જવું પડશે, તેઓ આફ્રિકાથી લંડન ગયા અને ત્યાં થોડા દિવસ રોકાય બાદ હિંદુસ્તાન આવ્યા. ૧૯૧૫ની સાલના જાન્યુઆરી માસની નવમી તારીખે તેઓ મુંબઈ પહોંચ્યા. તે દિવસોમાં તેઓ હિંદની મિલમાં વણાયેલા કપડાનાં કોટ અને ધોતિયું પહેરતાં અને માથે ફેંટો બાંધતા !’’
હરિ— ‘‘તેમને કોટ મજાનો લાગતો હશે, નહીં ? પાછળથી તેમણે એ પાશક ક્યારે અને શા માટે છોડી દીધો ?’’
મા— ’’આ પોશાક તેમને શોભતો હતો ખરો પણ ૧૯૧૯ની સાલમાં તેમણે જોયું કે દેશના કેટલાયે ગરીબોને કોટ તો શું, પહેરણ પણ પહેરવા મળતું નથી. ત્યારે તેમણે એ પોશકા છોડી દીધો. ત્યારથી હંમેશને માટે દેશમાં ગરીબમાં ગરીબ માણસનો માત્ર એક નાના પચિયાનો પોશાક પહેરવો તેમણે શરૂ કર્યો અને ખમીશ ને કોટને બદલે જરૂર પડ્યે ચાદર ઓઢવા માંડી.’’
| Comments |
|


