ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૭

‘‘આ તરફ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હાલત કેવી ખરાબ છે તેમ જ ગોરાઓ તેમની સાથે કેવું વર્તન રાખે છે તે હિંદુસ્તાનના લોકોને સમજાવવા માટે ગાંધીજીએ અહીં હિંદુસ્તાનમાં કરેલાં ભાષણો પેલી તરફ દક્ષિણ આફ્રિકાનાં છપાંઓમાં સારી પેઠે મીઠુંમરચું ભભરાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. આ બધું વાંચીને ત્યાંના ગોરાઓ વધારે ચિડાયા. તેમનું ચાલત તો ડરબન બંદરે ઊતરતાંવેંત તેઓ ગાંધીજીના કેવાયે હાલહવાલ કરત. પણ મારવાવાળા કરતાં બચાવવાવાળો વધારે જોરાવર છે.

ગાંધીજી સ્ટીમરમાંથી ઊતર્યા તેવા જ કેટલાક ગોરા છોકરાઓ અને ગુંડાઓએ તેમને ઘેરી લીધા. તેમણે ગાંધીજી પર કાંકરા અને સડેલાં ઈંડાનો વરસાદ વરસાવ્યો. કેટલાકે તેમને તમાચા માર્યા અને લાતો મારવી પણ શરૂ કરી. ગાંધીજીને તમ્મર આવી ગયાં અને પડખેના ઘરની જાળી પકડી તેઓ માંડ ઊભા રહ્યા. સારે નસીબે તેમના એક અંગ્રેજ મિત્રની પત્ની ત્યાંથી પસાર થતી હતી. તેણે ગાંધીજીને જોયા. ટોળું ચીરીને તે ગાંધીજીને પડખે આવી ટોળાની સામે ઊભી રહી. હવે ટોળું થોડું વિખેરાયું એટલે પેલી બાઈએ ગાંધીજીને તેમના મિત્ર રુસ્તમજીને ત્યાં પહોંચાડ્યાં. સાંજ પડતાં થોડા ગોરાઓએ રુસ્તમજીના ઘરને ઘેરી લીધું. તેઓ જોરથી ગાવા લાગ્યાઃ

ચાલો આપણે ગાંધીને પેલે

આમલીના ઝાડે ફાંસી લટકાવીએ.

‘‘આ તોફાન જોઈ ગાંધીજીના મિત્રોએ ગાંધીજીને છૂપી રીતે રુસ્તમજીના ઘરમાંથી બીજે મોકલી દીધા.

ગાંધીજીએ ધાર્યું હોત તો તેઓ તેમને હેરાન કરનાર ગુંડાઓ પર કેસ ચલાવી તેમને સજા કરાવી શક્યા હોત. પણ ના, નાનપણમાં તેમના પિતાએ તેમને અહિંસા અને પ્રેમનો જે પાઠ આપેલો તે તેમને બરાબર યાદ હતો. તેમની સામે થયેલા અને તેમને મારનારા ગોરાઓ પોતાની ઉપર ભૂલ સમજે અને તે માટે પસ્તાવો કરે તે સારુ ગાંધીજીએ ખૂબ ધીરજથી કામ લીધું. ગાંધીજીના આવા વર્તનથી ગોરાઓ ઉપર ખૂબ સારી અસર થઈ અને તેમના દિલમાં હિંદીઓને માટે થોડી સહાનુભૂતિ જાગી.

‘‘આફ્રિકામાં બોઅર લોકો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ગાંધીજીએ અંગ્રેજોને સાથ આપ્યો. તેમની જગ્યાએ બીજું કોઈ હોત તો અંગ્રેજોને મદદ ન કરતાં તેમની હિંદીઓની સાથે ચલાવેલા ખરાબ વર્તનનો બદલો લેત. પણ ગાંધીજી એવું કરે? તેમનો તો અવેરથી જ વેરને શમાવવાનો અને દુશ્મનને પણ પ્રેમથી જીતી લેવાનો કાયમનો નિયમ હતો. આ જ શસ્ત્રોની મદદથી તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા અંગ્રેજોનાં દિલ જીતી લીધાં. આફ્રિકાના બીજા ભાગોમાં રહેતા હિંદુસ્તાનીઓની સચ્ચાઈ અને પ્રામાણિકતાની અંગ્રેજો પર ખૂબ સારી છાપ પડી.

‘‘ગાંધીજીને ઈશ્વરે બધું આપ્યું હતું. પત્ની હતી, બાળકો હતાં, અને પૈસો પણ હતો. આમ છતાં તેમના જીવને ચેન નહોતું. ગૌતમ બુદ્ધની જેમ જગતના એશઆરામ તેમણે પણ ખૂંચવા લાગ્યા. ખૂબ વિચાર્યા બાદ તેમને લાગ્યું કે દુનિયાના એશઆરામ ને મોજમજા છોડી સાદું જીવન જીવવામાં સાચો આનંદ છે. આવા નિર્ણય પર પહોંચ્યા પછી તેમણે પોતાનાં બધાં કામ જાતે કરી લેવા માંડ્યાં. કપડાં ધોવાં, કચરો વાળવો, જાજરૂ સાફ કરવું, રાંધવું વગેરે તેમણે પોતાને હાથે કરવા માંડ્યાં.

‘‘એક દિવસ તેઓ એક ગોરા હજામની દુકાને વાળ કપાવવા ગયા. તે વખતે ગોરાઓને કાળા માણસો તરફ કેટલી નફરત હતી તે તું જાણે છે. પેલા ગોરા હજામે પણ નફરતના માર્યા ગાંધીજીના વાળ કાપવાની સાફ ના પાડી. ગાંધીજી જરા પણ રકઝક કર્યા વગર સીધા ઘેર આવ્યા. ઘેર આવીને તેમણે પોતાના અંગ્રેજી ઢબથી કાપેલા લાંબા વાળ કાપીને ટૂંકા કરી નાખ્યાં. આ પહેલાં ક્યારેય તેમને પોતાના વાળ જાતે કાપવાનો પ્રસંગ આવ્યો નહોતો. તેથી વાળ એવા તો લાંબાટૂંકા કપાયા કે જાણે રાત્રે ઉંદરે તેમના વાળ કાતરી ખાધા ન હોય ? બીજે દિવસે આવા વાળ સાથે તેઓ કોર્ટમાં ગયા. તેમની આવી હજામતની મિત્રોએ ખૂબ ઠેકડી ઉડાવી. પણ ગાંધીજીને શા કારણે જાતે વાળ કાપવા વારો આવ્યો એ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તે બધા ચૂપ થઈ ગયા. આ બનાવ બન્યા બાદ ગાંધીજીએ અંગ્રેજી ઢબના વાળ રાખવાનું છોડી દીધું. તેઓ હંમેશાં તેમના વાળ જાતે કાપી લેતાં.’’

હરિ— ‘‘મા ! પોતાના વાળ જાતે કાપીને પછી ગાંધીજીએ અરીસામાં જોયું હશે ત્યારે તેમને પોતાને પણ ખૂબ હસવું આવ્યું હશે, નહીં ?’’

મા— ‘‘આવ્યું જ હશે ને ! તેઓ કેવા આનંદી અને હસમુખા હતા તે તેં જોયું છે.

‘‘વારુ, પછી ૧૯૦૨માં અંગ્રેજો અને બોઅર લોકો વચ્ચેનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને શાંતિ સ્થપાઈ ચૂકી હતી. હવે તેમને હિંદુસ્તાન યાદ આવવા લાગ્યું. હિંદુસ્તાન જઈ પોતાના દેશની સેવા કરવાની તેમને ઉત્કટ ઇચ્છા હતી. સરસામાન બંધાવા માંડ્યો અને તેમની હિંદ પાછા ફરવાની તૈયારી થવા લાગી. ગાંધીજીએ આફ્રિકામાં વસતા હિંદીઓની જે સેવા કરી હતી તેના બદલામાં તેમણે તેમને કીમતી ભેટો આપી. કસ્તૂરબાને પણ એક હાર ભેટ આપવામાં આવ્યો. આ બધી ભેટો ગાંધીજીએ ત્યાંની કોંગ્રેસની કચેરીમાં જમા કરાવી જેથી તે બધાંનો ઉપયોગ લોકોની સેવામાં થઈ શકે. તેઓ એમ માનતા હતા કે પ્રજાના સેવકોને આવી ભેટો લેવાનો કે રાખવાનો કંઈ અધિકાર નથી.

‘‘૧૯૦૬માં ગાંધીજી હિંદુસ્તાન આવ્યા. તે વર્ષે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું તેની તડામાર તૈયારીઓ ચાલતી હતી. બધા હિંદીઓને સ્વતંત્ર થવાની લગની લાગી હતી. ગાંધીજીએ જોયું કે હિંદુસ્તાનીઓમાં સ્વતંત્ર થવાની હોંસ છે, પણ તેમને સંપીને સાથે મળીને કામ કરવાની ટેવ નથી. દરેક માણસ પોતાનું કામ બીજા પર ઢોળી દેવા માગે છે અને નાનાં નાનાં કામો કરવામાં સુધ્ધાં લોકોને નાનમ લાગે છે. આવું જોઈ ગાંધીજીએ કોંગ્રેસના અધિવેશનમાં વ્યવસ્થા રાખવાનું પોતાને માથે લીધું અને ત્યાં આવનારા મહેમાનોના ઓરડા વગેરેની સફાઈ કરવાનું કામ તેમણે પોતાના હાથમાં રાખ્યું. તેમને આ કામ કરતા જોઈ બીજા લોકોએ પણ તેમાં તેમને મદદ કરવા માંડી. ત્યાર બાદ તેમણે મહાસભાના મંત્રીના હાથ નીચે કારકુનનું કામ પણ કર્યું. આ જ અધિવેશનમાં તેમણે હિંદના આગેવાનોને આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિનો ખ્યાલ આપ્યો અને તેમને માટે કોંગ્રેસની સહાનુભૂતિ મેળવી.

‘‘મહાસભાની બેઠક પૂરી થયા બાદ તેઓ ત્રીજા વર્ગના ડબ્બામાં બેસી ઘેર આવ્યા. ત્યારથી તે આજ સુધી તેઓએ કાયમ રેલવે ગાડીના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી. તેમ કરવામાં ખર્ચ ઓછું થતું અને ગરીબ લોકો સાથે બેસીને વાતો કરવાની તક પણ મળતી. કલકત્તાથી તેઓ બનારસ, આગ્રા, જયપુર અને પાલનપુર થઈ રાજકોટ પહોંચ્યા. આટલી મુસાફરીમાં તેમને માત્ર એકત્રીસ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેઓ પોતાની સાથે એક ગરમ કોટ, એક ધોતિયું, એક ખમીસ અને ટુવાલ, એટલું માય તેવડી સાદી થેલી અને એક ભાથાનો ડબ્બો, એટલો સામાન રાખતા. આ ડબ્બો તેમને ગોખલેએ ભેટ આપ્યો હતો.’’

હરિ— ‘‘મા ! તેઓ થેલીમાં સાબુ અને દાંત સાફ કરવાનું બ્રશ વગેરે તો રાખતા જ હશે, નહીં ?’’

મા— ‘‘ના બેટા. તેઓ તો પોતાના દાંત સાફ કરવા માટે કુદરતી બ્રશ એટલે કે દાતણનો ઉપયોગ કરતા.’’

પાણી આપને પાય, ભલુ ભોજન તો દીજે;

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.

આપણ ઘાસે દામ, મહોરોનું કરીએ;

આપ ઉગારે પ્રાણ, તે તણા દુખમાં મરીએ.

ગુણ કેડે તો ગુણ દસ ગણો, મન વાચા કર્મે કરી;

અવગુણ કેડે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી.

‘‘કવિ શામળના નીતિ વિશેના આ છાપ્પાએ મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું એની મને ધૂન લાગી. એના અનેક અખતરા પણ કરવા માંડ્યા.’’

- ગાંધીબાપુ

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend