‘‘મોહનદાસના મોટાભાઈએ તેની ઓફિસ માટે અગાઉથી મુંબઈમાં મકાન ભાડે લઈ રાખ્યું હતું. આ મકાન પર ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ એવું પાટિયું લગાવી મોહનદાસે પોતાનું બેરિસ્ટર તરીકેનું કામકાજ શરૂ કર્યું. પણ મુંબઈમાં તેનું ગાડું ન ચાલ્યું. છ મહિના તનતોડ મહેનત કર્યા પછી ત્યાંની ઓફિસ બંધ કરી તે રાજકોટ ગયો અને ત્યાં તેણે પોતાની ઓફિસ શરૂ કરી. રાજકોટમાં ગાંધીને સારું કામ મળવા લાગ્યું. પણ તેને ત્યાં બિલકુલ ન ગમ્યું. ત્યાંના લોકોનાં જૂઠાણાં અને દગાખોરી જોઈ ત્યાંના કામમાંથી તેનું મન ઊઠી ગયું
‘‘પોરબંદરમાં દાદા અબદુલ્લાની કંપનીને અને ગાંધીકુટુંબને ધરોબો સારો હતો. તે જ દિવસોમાં દાદા અબદુલ્લાની કંપનીનો આફ્રિકામાં એક મોટો કેસ ચાલતો હતો. એ કેસનું કામકાજ સંભાળવા માટે તેમણે મોહનદાસને ડરબન મોકલાવ્યો.
‘‘ગાંધી, અરે નહીં, હવે તો ગાંધીજી, દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે અહીંની દુનિયા જુદી છે. ત્યાંના ફિરંગી (યુરોપિયન) ગોરાઓ કાળા લોકોને અનેક રીતે હેરાન કરતા. મજૂર હોય કે નોકર, બેરિસ્ટર હોય કે વેપારી ગમે તે હિંદીને તેઓ કુલી કહીને બોલાવતા. અને જે કાળા લોકો ખરેખર કુલીનું એટલે કે સામાન ઊંચકવાની મજૂરીનું કામ કરતા હતા તેમની સાથે તો એ બધાં જાનવરો હોય તેથીયે ભૂંડી રીતે વર્તતા !
‘‘કાળાઓને હોટલમાં ઊતરવાની તો શું, તેમાં જવાની સુધ્ધાં બંધી હતી. ફૂટપાથ પર કોઈ પણ ગોરાની સાથે ચાલવાનીયે તેને મનાઈ હતી. કોઈ પણ હિંદીને ફૂટપાથ પરથી ધક્કો મારી ઉતારી મૂકવો એ સાવ સામાન્ય વાત ગણાતી. કોઈ હિંદીની મજાલ નહીં કે તે સાથે પાઘડી રાખીને કોઈ પણ અંગ્રેજની સામે જાય. આગગાડી અને ઘોડાગાડીમાં પણ અંગ્રેજની સાથે હિંદીઓ બેસી શકે નહીં. આવી તો બીજી કેટલીયે વાતો હતી.’’
હરિ— ‘‘મા, તો તો પછી ગાંધીબાપુને ત્યાં રહેવાનું ઘણું અઘરું થઈ ગયું હશે, નહીં ?’’
મા— ‘‘ગાંધીજીને આફ્રિકામાં કેવી કેવી મુસીબતો વેઠવી પડી હતી ને તેમની સામે થવું પડ્યું હતું તેનો ખ્યાલ તને હું ત્યાંની તેમની એક વાત કહું તેના પરથી આવશે.
‘‘એક વખત, ડરબનથી પ્રિટોરિયા જવા માટે ગાંધીજી ઘોડાગાડીમાં બેસવા જતા હતા તેવામાં ગાડીના ગાર્ડે આવી તેમને રોક્યો. તેમને સિગરામમાં અંગ્રેજ મુસાફરો સાથે બેસવા દેવાની ના પાડી, અને બહાર કોચવાન પાસેની બેઠક પર બેસવા જણાવ્યું. ગાંધીજીને ગમે તે રીતે પ્રિટોરિયા પહોંચવું હતું એટલે એઓ ગાડીના કોચવાનની પાસેની બહારની બેઠક પર બેઠો. પેલો ગાર્ડ અંદર બેઠો અને ગાડી ચાલી. થોડા વખત પછી ગાર્ડ પાછો આવ્યો ને તેણે ગાંધીજીને કોચવાનની પાસેની બેઠક પરથી ઊતરીને તેના પગ પાસે નીચે જગ્યા હતી ત્યાં બેસવાનો હુકમ કર્યો. ગાંધીજીએ ત્યાં બેસવાની સાફ ના પાડી. આથી ગાર્ડનો મિજાજ ગયો. કાળો માણસ આવું કરે તે કેમ ચાલે ? એટલે તેણે આઘુપાછું જોયા વગર ગાંધીજી પર ગાળોનો અને મારનો વરસાદ વરસાવ્યો. એટલાથી ન ધરાતાં તેણે ગાંધીજીના હાથ પકડી તેમને ગાડીમાંથી નીચે ગબડાવી મૂકવાને ખેંચવા માંડ્યાં. ગાંધીજી હિંમતથી ગાડીની બાજુ પરના હાથાને ઝોડની જેમ વળગ્યા. ગાર્ડે પણ નિર્દયપણે તેમને મારવાનું અને ગાળો દેવાનું ચાલુ રાખ્યું. ગોરા મુસાફરો પણ થોડો વખત આ તમાશો જોઈ રહ્યા, પણ જ્યારે ન રહેવાયું ત્યારે તેના આવા કામ માટે તેને ઠપકો આપ્યો. ગાર્ડે જોયું કે ગાડીમાંના ગોરા ઉતારુઓ પણ ગાંધીજીની વહાર કરે છે એટલે તેણે ગાંધીજીનો પીછો છોડ્યો ને ચુપચાપ તે પોતાની જગ્યાએ જઈને બેઠો. ગાંધીજી માંડ મરતાં મરતાં બચી ગયા અને ફરીથી તેમને કોચવાનની પાસેની બેઠક મળી.
‘‘અરે, તું તો રડવા બેઠો ! આવો કેવો તું નરમ છે ? ગાંધીજીએ બીજા લોકો માટે આનાથી પણ મોટાં મોટાં દુઃખો સહન કર્યાં હતાં, અને ક્યારેય દુઃખનો ઉદગાર સરખો કાઢ્યો નહોતો. કોઈ તેમના પર અત્યાચાર કરતું તો તેમને દુઃખ જરૂર થતું પણ તેઓ તારી જેમ ગભરાઈને રડવા નહોતા બેસતા.’’
આ સાંભળી હરિએ તરત જ ખમીસની બાંયથી પોતાની આંખ લૂછી નાખી.
‘‘દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાનીઓની આવી બૂરી હાલત જોઈ ગાંધીજીએ નક્કી કર્યું કે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી અને પારસી વગેરે બધા હિંદીઓએ ભેગા મળી ત્યાંના સરકારી અમલદારો સુધી પોતાની ફરિયાદો પહોંચાડવી જોઈએ. આમ વિચારી તેમણે બધા હિંદીઓને ભેગા કર્યા અને પરિણામે દક્ષિણ આફ્રિકામાં ત્યાંની કોંગ્રેસનો જન્મ થયો.
‘‘હરિ, તને કદાચ થશે કે ગાંધીજી આફ્રિકા ગયા તે પહેલાં પણ ત્યાં હિંદીઓ રહેતા હતા. તેમના ઉપર ગોરા લોકો સારી પેઠે જૂલમ પણ ગુજારતા હતા. તો પછી તેમના સિવાય બીજા કોઈ ને તેમની હાલત સુધારવાનું કેમ નહીં સૂઝ્યું હોય ? પણ સાચી વાત એવી છે કે બીજાનાં દુખો જોઈ કંપી જાય એવું દિલ તેમના વગર બીજા કોઈ પાસે નહોતું. પોતાના જીવને જોખમમાં નાખી તેઓ બળવાન સામે નિર્બળને મદદ કરતા. એટલા માટે જ તેમણે દક્ષિણ આફ્રિકામાં પણ નિર્બળ અને દુઃખી હિંદીઓની વહાર કરી.
‘‘લોકોની આવી રીતે સેવા કરવાથી ગાંધીજીને ત્યાંનું એકેએક છોકરું ઓળખતું થઈ ગયું અને ત્યાંના હિંદીઓ તેમને ‘ગાંધીભાઈ’ કહીને બોલાવવા લાગ્યા. તેમને ‘ગાંધીભાઈ’ કહીને બોલાવવામાં લોકોનાં તેમને માટેનાં પ્રેમ અને આદર જણાઈ આવતાં હતાં. ગાંધીજીને આ જાતની લોકપ્રિયતા મળી તેની સાથે જ તેમનું બેરિસ્ટરીનું કામ પણ સારી રીતે ચાલવા લાગ્યું ને ચમકી નીકળ્યું.
‘હવે ત્યાંના લોકોએ જોયું કે ગાંધીજી વગર આપણું કામ ચાલે એવું નથી અને આપણાં દુઃખ મટવાનાં નથી. એટલે તેમણે સૌએ મળીને ગાંધીજીને કહ્યું કે, ‘ગાંધીભાઈ, તમે અહીં જ રહી જાઓ. તમે અહીં રહીને તમારું બેરિસ્ટરનું કામ પણ કરી શકશો અને સાથે સાથે હિંદીઓની સેવાનું કામ પણ કરી શકશો,’ ગાંઘીજીને પણ લોકોની આ વાત વાજબી લાગી અને તેમણે દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં કાયમી વસવાટ કરવો હોય તો કસ્તૂરબા તેમ જ બાળકોને પણ ત્યાં બોલાવી લેવાં જોઈએ એટલે ગાંધીજીએ જાતે હિંદુસ્તાન જઈ તેમને દક્ષિણ આફ્રિકા લઈ આવવાનો વિચાર કર્યો અને છ મહિનાની રજા લઈ તેઓ હિંદ આવવા ઊપડ્યા.
‘‘તે જમાનામાં આફ્રિકાથી હિંદુસ્તાન આવતાં ચોવીસપચીસ દિવસ લાગતા. સ્ટીમરમાં કોઈ પણ જાતના કામ વગર ગાંધીજીને અકળામણ થવા લાગી. એટલે ગાંધીજીએ એક મોલવીને શોધી કાઢી તેમની પાસે ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું.
‘‘હિંદુસ્તાન આવીને તરત ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિ કેવી ખરાબ છે તેની સાચી વાત આખા દેશને સમજાવવા માટે ભાષણો કરવા માંડ્યા અને છપાંઓમાં લખવા માંડ્યું. સર ફીરોજશાહ મહેતા અને ગોખલે જેવા મોટા આગેવાનોએ તેમની વાતો પર ધ્યાન આપી તેમને મદદ કરવાનું વચન આપ્યું.
‘‘પોતે હિંદમાં આ રીતે લોકોને તૈયાર કરતા હતા ત્યાં દક્ષિણ આફ્રિકાથી તેમને બોલાવવાનો તાર આવ્યો. તાર મળતાં તેઓ કસ્તૂરબા અને બાળકોને લઈ ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં દરિયાના તોફાનની મુસીબતો વેઠતા અને બીજા મુસાફરોની સેવા કરતા કરતા તેઓ ડરબન પાછા ફર્યા.’’
હરિ— ‘‘વારુ મા, પછી શું થયું ?’’
મા— ‘‘હરિ, હવે તું ભૂખ્યો થયો હોઈશ. બપોરનું ખાવાનું રહેવા દીધું છે તે ચાલ તને ગરમ કરી આપું. તે પહેલો ખાઈ લે, પછી તને આગળની બાકીની વાત સંભળાવું.’’
હરિ— ‘‘ના મા. ઘરમાં કોઈ નહીં ખાય તો હું પણ નહીં ખાઉં. તું તારે તારી વાત આગળ ચલાવ.’’
મા— ‘ના બેટા, થોડું તો ખાઈ લે.’’
હરિ— ‘‘ના મા, મને જરાયે ભૂખ નથી. હું તો ગાંધીબાપુની વાત જ સાંભળીશ.’’
મા— ‘‘વારુ. જેવી તારી મરજી. તો હવે આગળ સાંભળ.’’
| Comments |
|


