ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૫

‘‘અઢાર વરસનો થતાં મોહનદાસે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. તેના પિતાના એક જૂના મિત્રની સલાહથી મોહનદાસના મોટા ભાઈએ તેને બેરિસ્ટર થવા વિલાયત મોકલ્યો. તે વખતે લોકો વિલાયતમાં ધર્મ સાચવી શકાતો નથી એવું માનતા હતા. એટલે મોહનદાસને વિલાયત મોકલવા માટે તેના ઘરનાં કચવાતાં કચવાતાં માંડ કબૂલ થયાં.

‘‘વિલાયત મોકલતા પહેલાં તેની માએ તેની પાસે ત્રણ પ્રતિજ્ઞા લેવડાવી. પહેલી માંસ ન ખાવાની, બીજી દારૂ ન પીવાની અને બીજી બધી છોકરીઓને પોતાની બહેન સમાન ગણવાની. મોહનદાસે સાચા દિલથી આ પ્રતિજ્ઞાઓ લીધી અને મા, ભાઈ તેમ જ વડીલોના આશીર્વાદ લઈ તે વિલાયત જવા નીકળ્યો.

‘‘જતાં પહેલાં તેણે ઢગલાબંધ અંગ્રેજી ઢબનાં કપડાં સિવડાવ્યા, ચકચકતાં બૂટ લીધાં અને રંગબેરંગી ટાઈઓ પણ ખરીદી. પહેલાં પહેલાં મોહનદાસને ટાઈ બાંધતાં આવડતું નહોતું. જ્યારે તે બરાબર ટાઈ બાંધતાં શીખ્યો ત્યારે, અંગ્રેજી ઢબનાં કપડાંમાં ટાઈ તેને સૌથી સારી લાગવા માંડી હતી.

‘‘આગબોટ વિલાયતને બંદરે પહોંચી તે દિવસે મોહનદાસ વિલાયતની જમીન પર પહેલવહેલો ઊતરતો હતો. એ દિવસે કપડાંની સારામાં સારી જોડ પહેરવી જોઈએ એમ તેને લાગ્યું. તેણે પેટી ખોલી સફેદ ફલાલિનનાં કોટપાટલૂન કાઢ્યાં ને તે પહેરી ખૂબ ઠાઠથી તે બંદર પર ઊતર્યા. ઊતરતાંવેંત ઊંચી નજર કરતાં તેણે જોયું કે બાકી બધા લોકોએ ઘેરા રંગનાં કોટપાટલૂન પહેરેલાં છે અને તેણે એકલાએ સફેદ કોટપાટલૂન પહેર્યાં છે ! આથી સૌ કોઈ તેના તરફ નવાઈથી જોઈ રહ્યાં. ખૂબ શરમના માર્યા તેના શરીરે પરસેવો છૂટી ગયો ! જેમ તેમ કરીને તે હોટલે પહોંચ્યો કમનસીબે બીજે દિવસે રવિવાર હતો તેથી ઓફિસો બંધ હતી એટલે બંદર પરથી સામાન પણ આવે તેમ નોતું. બિચારા મોહનદાસને ત્રણ દિવસ સુધી એ સફેદ કોટપાટલૂન પહેરી રાખવાં પડ્યાં અને તેથી તેણે બને ત્યાં સુધી હોટલની બહાર જવાનું ટાળી હોટલમાં પુરાઈ રહેવાનું રાખ્યું !

‘‘વિલાયતમાં મોહનદાસે જોયું કે બધા ફેશનવાળા લોકો ઊંચી હેટ પહેરે છે. તેને શોખ થયો કે ચાલો આપણે પણ ઊંચી હેટ લઈએ ! મૂળે શરમાળ તો હતો, પણ બધી હિંમત એકઠી કરી હેટવાળાની દુકાને પહોંચ્યો ને જે હેટ સૌથી પહેલી નજરે ચડી તે ખરીદી ઘેર આવ્યો. ઘેર આવીને હેટ પહેરી જોઈ ત્યારે ખબર પડી કે તે ખાસી એક આંગળ મોટી છે ! સારું થયું કે તેના મોટા મોટા કાન તે વખતે કામ આવ્યા ને તેનાથી હેટ નીચે ઊતરી આવતી અટકી, નહીં તો હેટ સીધી નાક પર ઊતરી આવત અને પછી સામે કંઈ દેખાત જ નહીં !’’

હરિ— ‘‘મા, આટલા નાના છોકરાએ મોટી હેટ પહેરી હશે ત્યારે કેવો વિચિત્ર લાગતો હશે ? હું ત્યાં હોત તો આપણા કેમેરાથી તેનો ફોટો પાડ્યા વગર રહેત નહીં.’’

મા— ‘‘હા બેટા, વિચિત્ર તો લાગતો જ હશે ને ! બીજા હિંદી છોકરાઓની જેમ મોહનદાસને પણ શરૂ શરૂમાં વિલાયતમાં મન મૂકીને પૈસા ખચ્યાં. નાચવાનું શીખ્યો, વાયોલિન વગાતાં શીખ્યો, સારી સારી દુકાનોમાં કપડાં સિવડાવ્યાં, સોનાની ઊંચી જાતની ઘડિયાળ ખરીદી, --ટૂંકમાં પેટ ભરીને પૈસા બગાડ્યા. પણ તેનામાં એક ગુણ બહુ સારો હતો. તે પાઈએ પાઈનો હિસાબ રાખતો. એક દિવસ મોહનદાસને થયું કે હું મોજશોખમાં અને ફેશન કરવામાં વખત ગાળીશ તો ભણીશ ક્યારે ને શી રીતે અને મોટાભાઈ પણ ક્યાં સુધી અને કેટલા પૈસા મોકલ્યા કરશે ? આ વિચાર આવતાંવેંત મોહનદાસે હિસાબની ચોપડી કાઢી અને તેમાંથી જે જે ચીજો તેને મોંઘી ને નકામી લાગી તે બધીનો ત્યાગ કરવાનો ઠરાવ કર્યો. બને ત્યાં સુધી બસમાં બેસવાનું પણ તેણે ઓછું કર્યું. સસ્તું પણ આરોગ્યને માફક આવે તેવું ખાવાનું મેળવવા તેણે રાંધવાનું શીખી લીધું અને બે મોટા મોટા ઓરડાને બદલે એક નાના ઓરડામાં રહેવા માંડ્યું.

‘‘અભ્યાસની સાથે સાથે બીજા ધર્મના ધર્મગ્રંથો વાંચવાની અને તેને સમજવાની પણ વિલાયતમાં તેને તક મળી. નાનો હતો ત્યારે તેના પિતા પાસે જૈન. હિંદુ, બોદ્ધ, પારસી, ખ્રિસ્તી અને મુસલમાન એ બધા ધર્મના લોકો આવતાં અને કલાકો સુધી આ ધર્મોની ચર્ચાઓ ચાલતી. મોહનદાસ ચુપચાપ બેસીને આ ધર્મચર્ચા સાંભળ્યા કરતો. ત્યારથી તે બધા ધર્મોને આદરથી જોતાં શીખ્યો હતો. બાળપણથી એક વિચારે તેના મનમાં જડ ઘાલી હતી કે નેકી બધા ધર્મોનું મૂળ છે અને સત્યના પાલન વગર માણસ નેક બની શકતો નથી.

‘‘માંદા માણસોની સેવા કરવાની ધૂન પણ તેને વિલાયતમાં જ વળગી. એક દાક્તરની મદદથી તે પતિયાંની સારવાર કરતાં શીખ્યો. થોડા દિવસમાં તે આ કામ એવું મજાનું શીખી ગયો કે જોનારા નવાઈ પામવા લાગ્યા.’’

હરિ— ‘‘મા, આટલી બધી ઝડપી આ કામ તે શી રીતે શીખ્યો હશે ?’’

મા— ‘‘કેમ કે તેને એ કામ શીખવાની લગની લાગી હતી. બેટ ! કોઈ પણ કામ શીખવું છે એવી મનમાં લગની લાગે તો તે કામ જલદી આવડ્યા વગર રહે જ નહીં. પછી તો ગરીબોની માફક રહીને અને દુખિયાંઓની સેવા કરીને મોહનદાસ મનથી બહુ રાજી રહેતો.

‘‘મોહનદાસે પોતાના ઘણા દોસ્તારોને મોઢે પેરિસ શહેરના વખાણ સાંભળ્યા હતાં. તે કહેતા કે પેરિસ ખૂબ મોટું, ચોખ્ખું અને સુંદર શહેર છે. તે હિંદ આવવા પાછો ફર્યો તેના થોડા મહિના પહેલાં પેરિસમાં એક ઘણા મોટા પ્રદર્શનની તૈયારીઓ ચાલતી હતી. એકી વખતે પેરિસ શહેર અને પ્રદર્શન બન્ને જોવાશે એમ ગણી મોહનદાસ પેરિસ ગયો. પેરિસમાં જે પ્રદર્શન ભરાયું હતું તેમાં પ્રદર્શનના મેદાનની વચ્ચોવચ એક લોખંડનો મિનારો ઊભો કરવામાં આવ્યો હતો. દિલ્હીના કુતુબમિનાર કરતાં તેની ઊંચાઈ ત્રણગણી હતી. જે પ્રદર્શન જોવા જતાં તે આ મિનારા પર ચડવાનું ચૂકતા નહીં. એ મિનારાની ટોચે એક હોટલ પર હતી. લોકો તે હોટલમાં બેસી ખાતાંપીતાં અને પ્રદર્શન જોવાની મજા પણ લેતાં. મોહનદાસે પણ મિનારા પર ચડવા માટેની ટિકિટ લઈ મિનારા પર આવેલી હોટલમાં નાસ્તો કર્યો.

‘‘પ્રદર્શન જોયા બાદ મોહનદાસે પેરિસનાં પ્રખ્યાત જોવાલાયક સ્થળો જોયાં. ત્યાંનાં પ્રાચીન દેવળો તેને ગમ્યાં અને તેમાંય નોત્ર-દામનું દેવળ તેને બહુ ગમ્યું.’’

હરિ— ‘‘લોખંડનો ઊંચો મિનારો પણ તેને ઘણો ગમ્યો હશે, નહીં મા ?’’

મા— ‘‘કોણ જાણે કેમ, પણ એ મિનારો તેને ન ગમ્યો. હા, એટલું ખરું કે પેરિસની જૂની ઇમારતો તેને બહુ ગમેલી.

‘‘બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી મોહનદાસે હિંદુસ્તાન પાછા ફરવાની તૈયારી કરવા માંડી. સમુદ્રનાં તોફાન ને પવનના સુસવાટાનો સામનો કરતું કરતું તેનું વહાણ જુલાઈ મહિનામાં મુંબઈ ને કિનારે આવી પહોંચ્યું.

‘‘બંદર ઉપર તેના મોટાભાઈ તેને લેવા આવ્યા હતા. મોહનદાસ પોતાની માને મળવા માટે અધીરો થઈ ગયો હતો. મુંબઈ પહોચતાંવેંત મોટાભાઈ પાસેથી તેને જાણવા મળ્યું કે મા તો અવસાનપામી છે ! તે જ્યારે ઘેર પહોંચશે ત્યારે મા પોતાને ભેટી પડવાને વહાલથી આવકારવા દરવાજે ઊભી નહીં હોય એ જાણી દુઃખથી તેની આંખે અંધારા આવી ગયાં. પણ મોહનદાસનું મન બહુ મજબૂત હતું. તેણે દુઃખનો હરફ સરખો ન કાઢ્યો અને દુઃખને તે ગળી ગયો.’’

હરિ— ‘‘અરેરે ! એનાથી શી રીતે સહન થયું હશે ? બીજો કોઈ હો તો રડી રડીને તેની આંખો સૂજી ગઈ હોત !’’

મા— ‘‘પણ એ થોડો જ બીજો કોઈ હતો ? એ તો મોહનદાસ કરમચંદ ગાંધી હતો.’’

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend