‘‘માંસ ખાવાની ધૂન મોહનદાસે વડીલોને ખાતર છોડી ખરી પણ હવે તેને ઝટપટ મોટા થઈ જવાની ધૂન વળગી. બાળકમાં ઝડપથી મોટા થઈ જવાની લાલસા જાગે છે ત્યારે તેને તરેહતરેહના તુક્કા સૂઝે છે. મોટાઓની નકલ કરીને તે મોટા થવાની આરત પૂરી કરે છે. મોહનદાસ તેના કાકાને મોંમાંથી ધુમાડાના ગોટા કાઢતા જોતો ત્યારે તેને પણ તેમની માફક બીડી પીને મોમાંથી અને નાકમાંથી ધુમાડો કાઢવાનું મન થઈ આવતું. મોહનદાસે પોતાના એક મિત્ર સાથે બીડી પીવાનું નક્કી કર્યું. પણ બીડી લાવવી ક્યાંથી ? ગજવામાં તો ફૂટી બદામ સરખી નહોતી ! એટલે તેણે બીડીનાં ઢૂંઢા પીવા માંડ્યાં.
પોતાના કાકા ઊઠીને ચાલ્યા જતા ત્યારે મોહનદાસ ને તેનો દોસ્ત બન્ને છાનામાન બીડીના ઠૂંઠાં વીણી લેતા. સંતાઈને આવાં ઠૂંઠા કૂંકવામાં તેમને ખૂબ મજા પડતી. પણ થોડા દિવસ પછી એટલાથી મન ન માન્યું ત્યારે તેમણે નોકરોના ગજવામાંથી પૈસા કાઢી લઈ બીડી લેવા માંડી. આમ છુપાઈ ને બીડી પીવાથી જોકે બન્નેનો જીવ પ્રસન્ન ન થયો. એક દિવસ બન્ને મિત્રો ઘણા વખત સુધી બહુ ઉદાસ થઈ ને બેસી રહ્યાં. તેમને થતું હતું કે, ‘આ તે કંઈ જિંદગી છે ! આપણાથી ખુલ્લી રીતે શોખથી બીડી પણ ન પિવાય !’ આમ વિચારતાં વિચારતાં તો તેમનો જીવ વધારે ને વધારે ગૂંગળાવા લાગ્યો. બન્નેને થયું કે ચાલો આના કરતાં આપઘાત કરીને મરી જઈએ. એટલે બન્નેએ ધંતૂરાનાં બી ભેગા કર્યાં. તે ખોઈને આપઘાત કરવાના ‘શુભ કામ’ માટે સાજનું મુરત ઠરાવ્યું. બી ખાવાની તૈયારીમાં હતા ત્યાં વિચાર આવ્યો કે બી ખાઈને પણ મર્યા નહીં તો પછી શું ? આ વિચાર આવતા તેમણે આપઘાત કરવાનું માંડી વાળ્યું અને સાથે સાથે બીડી ન પીવાનું પણ પણ લીધું.
હરિ— ‘‘માં ! મોટા થયા પછી મોહનદાસે બીડી પીધી હશે, નહીં ?’’
મા— ‘‘ના બેટા, તે દહાડાથી માંડીને તે આજનો દહાડો, કદી તેમણે બીડી મોઢે નથી લગાડી.
‘‘આપઘાત કરવાનો વિચાર માંડી વાળતાંની સાથે તેમના મનપરથી મોટો બોજો ઊતરી ગયો અને જિંદગી પહેલાંના જેવી સોહામણી લાગવા માંડી.
‘‘એક દહાડો મોહનદાસ ઘરમાં બેઠો બેઠો કંઈ વાંચતો હતો તેવામાં તેનો ભાઈ તેની પાસે આવ્યો. તેના મોં પર ગભરાટ હતો. તેણે મોહનદાસ પાસે બેસી તેના કાનમાં કંઈ ગુસપુસ કર્યું. બનેલું એવું કે મોહનદાસના ભાઈને વીસપચીસ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને તે ચૂકવવા માટે તેને ભાઈની મદદ જોઈતી હતી. મોહનદાસે ખૂબ વિચાર કરી છેવટે એક ઉપાય શોધી કાઢ્યો. લાગ જોઈ એક રાતે તેણે પોતાના બીજા ભાઈના કપડામાંથી સોનાની નાની કચ્ચર કાપી લીધી. તે વેચીને દેવું ચૂકતે કર્યું.’’
હરિ— ‘‘મા, તું તો કહે છે કે ચોરી કરવી એ પાપ છે. તો પછી મોહનદાસે ચોરી કેમ કરી હશે ?’’
મા— ‘‘બેટા હરિ ! આવી ભૂલ બધાં છોકરાં કરી બેસે છે. પણ ભૂલ કર્યા પછી તે સમજતાં જે પસ્તાય અને ફરી વાર એવી ભૂલ ન કરે તે બાળકો પ્રામાણિક બાળકો તરીકે ઓળખાય, સમજ્યો ?
‘‘એક ભાઈને દેવામાંથી છોડાવવાને બીજા ભાઈના કડામાંથી સોનાના ટુકડાની ચોરી મોહનદાસે કરતાં કરી તો ખરી પણ પછી તેને ભૂલ સમજાઈ. તેને કંઈ ચેન પડે નહીં. શું કરવું તે તેને સૂઝતું નહોતું. ખૂબ વિચાર્યા પછી તેણે છાનામાના પોતાના પિતાને એક ચિઠ્ઠી લખી તેમાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી અને હવે પછી ચોરી ન કરવાનું વચન આપ્યું; સાથે સાથે એમ પણ લખ્યું કે પિતાજી ગમે તેટલી આકરી સજા કરશે તોપણ પોતે માઠું નહીં લગાડે અને સજા ખુશીથી ભોગવી લેશે. મોહનદાસના પિતા એ દિવસોમાં બીમાર હોવાથી પથારીમાં સૂઈ રહેતા. મોહનદાસ ચિઠ્ઠી લઈ તેમની પાસે ગયા. ચૂપચાપ બેસી ગયો.
‘‘મોહનદાસના પિતા બેઠા થયા અને તેમણે ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠી વાંચતાં જ તેમની આંખમાંથી આંસુ ખરવા માંડ્યાં. જાણે આંસુ ટપકતાં જતાં હતાં ને તેના પાણીથી મોહનદાસનાં પાપ ધોવાતાં જતાં હતાં ! મોહનદાસ પર એ મોતીબિંદુઓની એવી અસર થઈ કે તેનું જીવન બદલાઈ ગયું. તે હવે પહેલાંના કરતાં કેટલાયે ગણો સારો છોકરો બન્યો.’’
હરિ— ‘‘મા, મોહનદાસના પિતા રડ્યા શા માટે ? તેમણે મોહનદાસને માર કેમ ન માર્યો ?’’
મા— ‘‘બેટા ! મોહનદાસની હિંમત અને સચ્ચાઈ જોઈ તેના પિતાનું દિલ ભરાઈ આવ્યું. મોહનદાસને માર્યા સિવાય પોતે દુઃખી થઈને મોહનદાસ પર તેમણે જે અસર કરી. તે મોહનદાસને મારવાથી ન થઈ હોત. માર કરતાં તેમના આવા પ્રેમની મોહનદાસ પર ઊંચી અસર થઈ.
‘‘મોહનદાસની જિંદગીમાં અહિંસાનો આ પહેલો પાઠ હતો. મોટા થઈ એ જ અહિંસાને જોરે તેણે અંગ્રેજોને લડ્યા વિના આ દેશમાંથી તેમને ઘેર પહોંચાડ્યા અને દેશને સ્વતંત્ર કર્યો.
હરિ— ‘‘હાય, હાય ! બિચારો કેટલું રડ્યો હશે ?’’
મા— ‘‘હા બેટા ! અને આજે તે જ મોહનદાસને માટે એકલું આખું હિંદુસ્તાન જ નહીં આખું જગત રડે છે.’’
| Comments |
|


