ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

ગાંધીબાપુ પ્રકરણ - ૩

‘‘મોહનદાસનાં માતાપિતાએ નાનપણમાં જ તેનું લગ્ન પોરબંદની કસ્તૂરબાઈ નામની એક કન્યા સાથે કર્યું હતું. તે વખતે તો ચાલો લગ્ન પછી સારાં સારાં કપડાં પહેરવાનાં મળશે અને એક નવી છોકરી સાથે રમવાનું મળશે, એમ મોહનદાસ મનમાં ને મનમાં ખૂબ મલકાતો હતો. પણ મોટપણે મોહનદાસ છોકરાંઓને બચપણમાં પરણાવી દેવાની વાત સારી નથી એમ કહી હંમેશાં તે એવાં લગ્નોની વિરુદ્ધમાં રહ્યાં.

‘‘લગ્ન થતાંવેંત મોહનદાસે ભોળીભાળી કસ્તૂરબાઈ સાથે અહીં ન જઈશ, ત્યાં ન જઈશ, ફલાણી બહેનપણીને ન મળીશ, ઢીકણાને ન મળીશ એવી એવી સખતાઈ કરવા માંડી. મોહનદાસની આવી આડીઅવળી વાતોથી કસ્તૂરબાઈ અકળાઈ ઊઠી. મોહનદાસ ખોટી રીતે તેને જેટલું દબાવવા જતો તેટલું કસ્તૂરબાઈ તેની બરાબર સામે થતી. કેટલીક વખત આવી વાતોમાંથી એટલો મોટો ઝઘડો થઈ જતો કે બંનેનું એકબીજા સાથે બોલવાચાલવાનું પણ બંધ થઈ જતું.’’

હરિ— ‘‘મા, મોહનદાસ એવું શું કામ કરતા ?’’

મા— ‘‘બેટા, વાત એમ હતી કે આવા લડાઈ ઝઘડાને મોહનદાસ પ્રેમની નિશાની સમજતો હતો. લગ્નની આળપંપાળમાં ફસાયા છતાં મોહનદાસનું નિશાળે જવાનું ચાલુ રહ્યું. ઉપરના વર્ગમાં પહોંચ્યા પછી તેની ગણતરી વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓમાં પણ થવા માંડી. નિશાળમાં તે હંમેશાં એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરતો કે જેથી લોકો તેને એક સાચાબોલા ને એકવચની વિદ્યાર્થી તરીકે ઓળખે. કોઈ મશ્કરીમાં પણ તેને જૂઠો કહેતું તો તેને ખૂબ લાગી આવતું અને તે કલાકો સુધી રોયા કરતો.

‘‘મોહનદાસને એક એવો પણ શોખ હતો કે પોતાના અવળે રસ્તે ચડી ગયેલા મિત્રોને સચ્ચાઈ ને નેકીને રસ્તે વાળવાનો તે પ્રયત્ન કરતો. તેમાં તે ક્યારેક ફાવતો પણ ખરો. આ રીતે મિત્રોને સાચે રસ્તે ચડાવવાની ધૂનમાં તેણે એક બહુ ખરાબ અને રખડુ છોકરા સાથે દોસ્તી કરી. કસ્તૂરબાઈએ, એટલું જ નહીં, મોહનદાસનાં માતાપિતાએ પણ તેને અનેક વખત એ છોકરાને મળવાનું છોડી દેવાનું કહ્યું, પણ મોહનદાસે તેમની વાત એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખી.

‘‘મોહનદાસ ખૂબ નરમ અને ડરપોક છે, અંધારી ઓરડીમાં કદી જતો નથી અને ગમે તે રીતે ઘણો બહાદુર ને પહેલવાન બનવા માગે છે, એ વાત તેનો આ મિત્ર સારી રીતે જાણતો હતો. તેણે મોહનદાસને કહ્યું : મોહન ! બહાદુર બનવાનો એક જ ઉપાય છે અને તે એ કે તું માંસ ખાવાનું શરૂ કર. જો, અંગ્રેજો હિંદીઓ કરતા કેટલા બધા માતેલા, જાડાજબરા ને બળવાન છે. માંસ ખાઈ ને તેઓ નિર્બળ હિંદીઓ પર રાજ્ય કરી જાય છે.બહાદુર બનવાની ધૂનમાં પાગલ બનેલા ભોળા મોહનદાસે આ વાત સાચી માની લીધી ને તે માંસ ખાવા તૈયાર થઈ ગયો.

‘‘હરિ ! વૈષ્ણવધર્મમાં માંસાહાર કરવાની મનાઈ છે તે તું જાણે છે. એટલે મોહનદાસને માંસ તો ખાવું હતું પણ કેવી રીતે ખાય ? તેના ઘરમાં માંસ આવતું નહોતું. એટલે તેના મિત્રે નક્કી કર્યું કે પોતે મોહનદાસને પોતાને ત્યાં જમવાને નોતરે અને તેને ઘેર કોઈ ન જાણે તેમ મોહનદાસને માંસ ખવડાવે. નોતરું મળ્યું હતું તે પ્રમાણે મોહનદાસ પોતાના મિત્રને ત્યાં જમવા ગયો. બધા ખાવા બેઠા. મોહનદાસે માંસનો ટુકડો ગળામાં ઉતારવા ઘણી કોશિશ કરી પણ ન ઉતારી શક્યો. છેવટે તેને ઊલટી થઈ આવી અને લાચાર થઈ જમતાં જમતાં તેને ઊઠી જવું પડ્યું. ઘેર પહોંચ્યો તો ત્યાં પણ તેની દશા બહુ કફોડી થઈ. ઊંઘમાં અને જાગતાં તેને એમ લાગ્યા કરતું કે મારા પેટમાં બકરી બેં બેં કરે છે ! આ બનાવ બન્યા પછી પણ મોહનદાસે માંસ ખાવાના પ્રયત્નો કર્યા પણ તેને માંસ કદી ભાવ્યું નહીં.

‘‘જે દિવસે માંસની ઉજાણી હોય તે દિવસે મોહનદાસને ઘેર પહોંચતાં કાયમ મોડું થઈ જતું અને ઘરવાળાં આગળ જૂઠું બોલવું પડતું. ઘેર મોડા આવવા માટે બેચાર વાર જૂઠાં બહાના બતાવ્યા પણ પછી તેને લાગ્યું કે મા કે બાપ આગળ જૂઠું બોલીને અને તેમને છેતરીને હું બહાદુર અને બળવાન બનું તોયે શા કામનું ? આ વાત સમજ્યા પછી તેણે પ્રતિજ્ઞા કરી કે ભલે ગમે તેટલો કમજોર અને બીકણ રહી જાઉં પણ માંસાહાર કદી નહીં કરું અને જૂઠું તો કદી નહીં બોલું. માબાપને છેતરીને અને તેમની આગળ જૂઠું બોલીને નીડર અને બળવાન બનવું તદ્દન નકામું છે !’’

હરિએ નીડરતાથી પૂછ્યું : ‘‘મા, તો પછી તેઓ આટલા નીડર અને બહાદુર શી રીતે બન્યા ?’’

મા— ‘‘જૂઠું બોલવાનું તો જાણે મોહનદાસે છોડ્યું, પણ નીડર અને બહાદુર બનવાની લગની ન છૂટી. મોહનદાસના ઘરમાં રંભા નામની એક ઘરડી દાસી હતી. મોહનદાસ અંધારાથી કેટલો બીએ છે તે તે જાણતી હતી. એક દિવસ વાતવાતમાં રંભાએ મોહનદાસને કહ્યું : જો તને અંધારામાં જતાં બીક લાગે અથવા કોઈ મુશ્કેલી આવી પડે તો તરત રામના નામનું રટણ કરવા માંડવું. તેમ કરશે એટલે તારી બીક ચાલી જશે.’’

હરિ— ‘‘મા ! તો શું સાચેસાચ રામના નામનું રટણ કરવાથી તેમના દિલમાંથી બીક જતી રહી ?’’

મા— ‘‘બેટા, એ નામમાં મોટો ગુણ છે. કોઈ સાચા દિલથી ભગવાનની મદદ માગે તો તે તેને મદદ કર્યા વગર રહેતો નથી.’’

હરિ— ‘‘મને પણ અંધારા ઓરડામાં જતાં બીક લાગે છે. હવેથી હું પણ અંધારામાં જતાં બીક લાગે ત્યારે રામનામનું રટણ કરીશ.’’

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend