જો તમે યાહૂ કે હોટમેઇલથી ‘સંતુષ્ટ’ હો તો તો કોઈ સવાલ નથી, પણ દિલ ‘થોડા ઓર વિશ’ કરતું હોય તો તમે જીમેઇલને ચોક્કસ એક ટ્રાય આપી હશે. 
આમ તો નેટ પર જીમેઇલ હજી ચોથા નંબરે છે, તેની ઉપર હોટમેઇલ, એઓએલ અને યાહૂ છે અને અત્યારે કોમ્પીટીશન યાહૂ સિવાયની ત્રણ સર્વિસ વચ્ચે જ છે, કેમ કે યાહૂ આ ત્રણેય કરતાં ક્યાંય આગળ છે.
યુએસમાં જીમેઇલના યુઝર્સમાં એક વર્ષમાં ૪૩ ટકાનો વધારો થયો છે અને હોટમેઇલમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. દેખીતું છે કે જીમેઇલને નંબર વન બનાવવા ગૂગલના એન્જિનીયર્સ જી-જાન સે કોશિશ કરી રહ્યા છે.
ગૂગલની લૅબમાં, જીમેઇલમાં જાતભાતની નવી સુવિધા ઉમેરવાના અખતરા ચાલી રહ્યા છે અને ગૂગલ તેની પ્રણાલી મુજબ આપણને તેના પ્રયોગોમાં ભાગીદાર પણ બનાવે છે.
તો તૈયાર છો, જીમેઇલ લૅબની ટેસ્ટ ડ્રાઇવ માટે? ઓકે, જીમેઇલમાં લોગઇન કર્યા પછી, સેટિંગ્સમાં જાઓ. તેમાં છેલ્લેથી બીજા બટન `લૅબ' પર ક્લિક કરો. પહેલો ફકરો જરા ધ્યાનથી વાંચી જાઓ, અને પછી તેની નીચે આપેલી અવનવી સુવિધાઓ પર નજર નાખી, કામની લાગતી સર્વિસ ઇનેબલ કરી દો. 
અત્યારે અહીં મેળવી લો, આ બધી સર્વિસની એક ઝલક...
-
ઇન્ટરનેટ કનેક્શન બંધ હોય ત્યારે પણ તમારા મેઇલ એક્સેસ કરવા છે? હવે એ પોસિબલ છે.
-
રોજબરોજનાં કામની યાદી માઉસવગી તો ઠીક, મેઇલવગી રાખવી છે? તો ઇનબોક્સની બાજુમાં જ મૂકી દો ટાસ્ક્સ.
-
કોઈ સાઇટ તમે વારંવાર જોતા હો, તો જીમેઇલમાં એની ક્વિક લિંક્સ સેટ કરી શકો છો.
-
મોટા ભાગે તમે જીમેઇલમાં લેબલ્સનો ઉપયોગ તો કરતા જ હશો (અગાઉ મેઇલમાં આપણી સાદી ફાઇલ જેવી ફોલ્ડર સિસ્ટમ હતી - એક કાગળ એક જ ફાઇલમાં મૂકી શકાય. હવે તેના બદલે લેબલ છે, એક મેઇલને તમે અલગ અલગ લેબલ આપીને સેવ કરી શકો છો - બહુ કામની વાત છે). હવે તમે આપેલાં લેબલ અનુસાર એક જ સ્ક્રીન પર જુદાં જુદાં ઇનબોક્સ સેટ શકાય છે. મતલબ કે બેસ્ટ ફ્રેન્ડના તમામ મેઇલ હવે એના અલગ ઇનબોક્સમાં જોઈ શકશો.
-
જીમેઇલના ડિફોલ્ટ સેટિંગમાં જે જુદાં જુદાં બટન્સ છે એની જગ્યા હવે તમે બદલી શકો છો, તેમ વધુ કામનાં લાગતાં નવાં બટન્સ ક્રિએટ પણ કરી શકો છો.
-
ગૂગલ કેલેન્ડર, ડોક્યુમેન્ટ્સ વગેરેને જીમેઇલના પેજ પર ગોઠવી દેવાની સગવડ પણ થઈ શકે.
-
મેઇલથી કંટાળો ત્યારે રમી શકાય એવી ટચૂકડી ગેમ પણ અહીં ગોઠવી શકાય.
-
તમારી સિગ્નેચર પહેલાં દેખાતી બે લાઇન (--) કાઢવા મથી મથીને થાક્યા હો તો હવે એ શક્ય છે.
હવે મૂળ મુદ્દાની વાત, ગૂગલ ચોખવટ કરે છે તેમ આ બધી સર્વિસીઝ અત્યારે ટ્રાયલની સ્થિતિમાં છે અને તે ગમે ત્યારે રદ કે ગૂમ થઈ શકે છે. અલબત્ત, તમારા મેઇલ્સમાં તેનાથી કોઈ ફેર પડતો નથી. વાત તો સગવડ વધારવાની છે અને બિલકુલ સાદી, નાની લાગતી વાતનો પણ વિચાર કરીને તમને ‘અરે વાહ!’ બોલતા કરવામાં તો ગૂગલના એન્જિનીયર્સ હોશિયાર છે જ!