ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝભગવદ્ગોમંડલ હવે ઓનલાઇન!

ભગવદ્ગોમંડલ હવે ઓનલાઇન!

શીર્ષક વાંચીને તમારુ બે પ્રકારનું રીએક્શન હોઈ શકે છે - ‘‘અરે વાહ!'' અથવા તો ‘‘ભગવદ્ગોમંડલ? એ વળી શું છે?'' તમારું રીએક્શન ગમે તે હોય, આ લેખ તમારે વાંચવો રહ્યો એ નક્કી.

પહેલાં વાત કરીએ ભગવદ્ગોમંડલ શું છે એની. આ એક, અદ્ભુત શબ્દ ઓછો પડે એવો પહેલો ગુજરાતી જ્ઞાનકોશ છે. સામાન્ય રીતે આપણે રોજબરોજની વાતચીતમાં દોઢથી બે હજાર જેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યારે ૧૯૪૦માં પહેલી વાર પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં ૨.૮૨ લાખ શબ્દોની કુલ ૮.૨૨ લાખ શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે!

ગોંડલ રાજ્યના એ સમયના મહારાજા ભગવદ્સિંહજીની પ્રેરણાથી, ૨૭ વર્ષોની મહેનતથી કુલ નવ ભાગમાં આ દળદાર ગ્રંથ તૈયાર થયો, પણ પહેલી આવૃત્તિની માત્ર ૫૦૦ પ્રત છપાઈ હતી, જે ૧૯૫૮ સુધીમાં તો અપ્રાપ્ય બની ગઈ. એ પછી લગભગ કોઈ પ્રકાશક એની પુન:આવૃત્તિની હામ ભીડવા તૈયાર નહોતા ત્યારે, રાજકોટના પ્રવીણ પ્રકાશને ૧૯૮૭માં અને પછી હમણાં આ વર્ષે આ દુર્લભ ગ્રંથ ફરી લોકોના હાથમાં મૂક્યો.

અને હવે, પ્રિન્ટ આવૃત્તિની જેની કિંમત સાડા સાત હજાર જેટલી છે એવો આ સંપૂર્ણ ગ્રંથ પ્રવીણ પ્રકાશને ઇન્ટરનેટ પર મૂકી દીધો છે - ગુજરાતીઓની સેવામાં, બિલકુલ નિ:શુલ્ક! પ્રવીણ પ્રકાશનના મિહિરભાઈ માકડિયા કહે છે, ‘‘ભગવદ્ગોમંડલની પ્રિન્ટ આવૃત્તિનું પ્રકાશન પણ અમે વેપારી હેતુથી નહોતું કર્યું. દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતી સુધી આ અનન્ય ગ્રંથ પહોંચે એ જ અમારું લક્ષ્ય છે.'

www.bhagavadgomandalonline.com પર, આ કોશની અસલ પ્રથમ આવૃત્તિના નવેનવ ભાગનાં તમામ પાનાં સ્કેન કરીને મૂકવામાં આવ્યાં છે. સાથે યુનિકોડની મદદથી સર્ચની સગવડ છે. યુનિકોડથી ગુજરાતીમાં લખી ન શકતા લોકો માટે સરળ કી-બોર્ડ પણ તમારી સમક્ષ હાજર છે. નર્મદા' લખીને સર્ચ કરો એટલે ગ્રંથનું ૪૮૬૨મું પાનું ખૂલે અને ત્યાંથી સંખ્યાબંધ પાનાંઓ સુધી નર્મદા સંબંધિત માહિતીનો ખજાનો વિસ્તરતો રહે, જેમાં નર્મદાના તીરે આવેલાં સેંકડો તીર્થ અને નર્મદાનાં હજાર નામ પણ જાણવા મળે!

આ જ્ઞાનકોશમાં સાહિત્ય, વિજ્ઞાન, સમાજ, વ્યક્તિ, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, વ્યાપાર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નૃત્ય, સંગીત, રસોઈ, પશુ-પક્ષી, રોગ, યોગ વગેરે તમામ વિષયો આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના કુલ ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગો ને ૧૦,૦૦૦ જેટલી કહેવતોનું અપાર વૈવિધ્ય પણ આ કોશમાં તમારી સમક્ષ છતું થાય છે!

તમારાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય અને વેબસ્ટર ડિક્શનરી કે ઓક્સફર્ડના એન્સાયક્લોપીડિયાને જ પૂજતાં હોય તો એક વાર તેમને આ ગુજરાતી ગૌરવનાં દર્શન પણ કરાવજો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com