ઇન્ટરનેટનું એક મસ્ત પાસું છે ચૅટિંગ. આંખો ઝીણી અને કાન સરવા થયા? ચૅટિંગ વિશે અત્યાર સુધીમાં ઘણું સાંભળ્યું હશે અને એમાંથી ઘણું ન સમજાયું હોય તો આજની સફર તમારે નામ. ઇન્ટરનેટની મદદથી અલગ અલગ કમ્પ્યૂટર સામે બેઠેલી વ્યક્તિઓ વાતચીત કરે એ કહેવાય ચૅટિંગ.
ચૅટિંગને ઇન્સ્ટન્ટ મેસેજિંગ (આઇએમ) પણ કહે છે. ગૂગલ, યાહૂ, એમએસએન, સ્કાઇપ, એઓએલ વગેરે કંપનીઓ આ આઇએમની સર્વિસ આપે છે. ગૂગલ અને યાહૂમાં તો ઇ-મેઇલ સાથે જ ચૅટ પ્રોગ્રામ સાંકળી લેવામાં આવ્યા છે. ગૂગલટૉક અને યાહૂ મેસેન્જરની અલાયદી સર્વિસ પણ ખરી. તેમ, એક વાર ડાઉનલોડ કરીને વાપરવાના કે વેબ પરથી જ ઉપયોગ કરવાના વિકલ્પ પણ ખરા. ગૂગલના તમારા ઇ-મેઇલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ એટલે ગૂગલનું એકાઉન્ટ ધરાવતા તમારા અન્ય મિત્રોમાંથી કોણ કોણ એ ક્ષણે ઓનલાઇન છે એટલે કે ઇન્ટરનેટમાં સર્ફિંગ કરે છે એની તમને ખબર પડી જાય (જો એમણે પોતે ‘ઇન્વીઝબલ' રહેવાનું પસંદ કર્યું ન હોય તો).
બસ, પછી જે ઓનલાઇન હોય એના નામ પર ક્લિક કરી, નવા ખૂલતા બોક્સમાં ફટાફટ મેસેજ લખીને એન્ટર કી પ્રેસ કરો એ સાથે તમારા મિત્રના સ્ક્રીન પર તમારો મૅસેજ ઝબૂકી ઉઠે (જે જોઈને તમારા મિત્ર રાજી પણ થાય અને અકળાઈ પણ ઠે, જેવા તમારા સંબંધ અને તમારી છાપ!). ચૅટિંગ સાથે ફાઇલ ટ્રાન્સફર, વોઇસ ચૅટિંગ અને વીડિયો ચૅટિંગની સવલત પણ ઉમેરાઈ ગઈ છે.
કમ્યુનિકેશનની દુનિયામાં અને ભાષામાં પણ આ ઇન્સ્ટન્ટ મેસેજિંગે ગજબની ક્રાંતિ લાવી દીધી છે. ઇ-મેઇલ કરતાં પણ એ ફાસ્ટ હોવાથી, ઑફિસોમાં અને દોસ્તો વચ્ચેની ગપસપમાં એનો સખ્ખત ઉપયોગ થાય છે, વળી એસએમએસની જેમ ચૅટિંગમાં કોઈ ખર્ચ નહીં! ચૅટિંગ જોર એટલું વધ્યું કે કેટલીક કંપનીઓએ એનો ઉપયોગ ફરજિયાત બંધ કરાવવો પડ્યો.
અને હવે, એક વાચકમિત્ર મ્ગેશ જાનીએ જાણ કર્યા મુજબ, www.meebo.com નામની સાઇટ પર એક નવો જ રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. આ સાઇટ પર તમે ગૂગલ ટૉક, યાહૂ, એમએસએન અને બીજી આઇએમ સર્વિસમાં એક સાથે લોગઇન થઈ શકો અને એક જ વેબપેજ પરથી, બધાના સંપર્કમાં રહી શકો - ફ્રીમાં! ફાયરફોક્સનો ઉપયોગ કરતા લોકો તેમના બ્રાઉઝરમાં આ મીબોનું પ્લગ-ઇન ઉમેરી શકે છે, તેમ તમે તમારી વેબસાઇટ કે બ્લોગ પર પણ મીબોનું પ્લગ-ઇન ઉમેરી શકો. એમ કરવાથી શું થાય એ જાણવા માટે થોડાં જાતે જ ખાંખાંખોળાં કરી જુઓ!
અને હા એક અગત્યની વાત તો રહી જ ગઈ, યુનિકોડથી ગુજરાતીમાં લખવાની ફાવટ હોય તો ગુજરાતીમાં પણ ચૅટિંગ કરી શકો છો, મીબો પર!
| Comments |
|





