ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ખરી મજા કઈ વાતમાં છે, ખબર છે? ઇન્ફર્મેશન અને ટેક્નોલોજીના મિશ્રણમાં! બંને એકબીજાનાં પૂરક અને બંને પરસ્પરની હાજરીમાં સોળે કળાએ ખીલી ઠે! આ વાતનું સરસ ઉદાહરણ હવે જોવા મળે છે યાહૂ સર્ચ પર.
અત્યાર સુધી ઇન્ટરનેટ પર કંઈ પણ બાબતે સર્ચ કરવું હોય તો મગજમાંથી કમાન્ડ આવે તે પહેલાં જ કીબોર્ડ પરની આંગળીઓ ગૂગલનું પેજ ખોલી નાખે એટલી હદે ગૂગલ છવાઈ ગયું છે. ત્યાં સુધી કે સામાન્ય જિંદગીમાં (ઓફ-લાઇન?!) કંઈક શોધવા માટે પણ લોકો ‘ગૂગલિંગ' શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા. સ્વાભાવિક રીતે માઇક્રોસોફ્ટની એમએસએન કે યાહૂ જેવી હરીફ કંપનીઓ ગૂગલનો તોડ શોધવા માટે આકાશપાતાળ એક કરતી હોય. આ દિશામાં યાહૂનો એક પ્રયાસ છે ‘યાહૂ ગ્લૂ પેજીસ'.
યે ગ્લૂ ગ્લૂ ક્યા હૈ? તેનો જવાબ છે ઇન્ફર્મેશન અને ટેક્નોલોજીનું સરસ મિશ્રણ. અત્યાર સુધી આપણે યાહૂ કે એમએસએન કે ગૂગલ પર કંઈક પણ સર્ચ કરીએ એટલે આપણા સર્ચને લગતી જુદી જુદી અનેક સાઇટ્સનું લાંબું અને કંટાળાજનક લિસ્ટ આપણી સમક્ષ આવે. હવે ઇન્ટરનેટ પર માત્ર ટેક્સ્ટ નથી, અહીં તો અનેક પ્રકારનાં કન્ટેટ છે. એમાંથી આપણને જોઈતું શોધવું એ સર્ચ કર્યા પછી પણ મુશ્કેલ છે. આ મુશ્કેલી ઘણે અંશે હલ કરે છે યાહૂનાં ગ્લૂ પેજીસ.
વાત બરાબર સમજવા માટે પહોંચો http://in.yahoo.com/ પર. ઉપર મથાળામાં જ આપેલા સર્ચ બોક્સમાં લખો શાહરૂખ ખાન (કોણે બગાસું ખાધું?). ઓકે, એને જોઈને થાક્યા હો તો લખો અક્ષયકુમાર. હવે તમને સર્ચ રીઝલ્ટ દેખાશે યાહૂ ગ્લૂ પેજ તરીકે, જેમાં આપણે અત્યાર સુધી જોઈ છે એવી સાઇટની યાદી ઉપરાંત, અક્ષયની ક્વિકફેક્ટ્સ, એના ફોટોઝ, વિડિયો અને હિટ સોંગ્સ પણ એ જ પેજ પર જોવા મળશે.
જે તમે એ જ પેજ પર ઓપન કરીને જોઈ-સાંભળી પણ શકો! એ પ્રમાણે, અમદાવાદ વિશે સર્ચ કરો તો એક ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે અમદાવાદની માહિતી, તસવીરો, નકશો, અમદાવાદ વિશેના સમાચાર વગેરે જોવા મળે એક જ પેજ પર. ડાયાબિટિસ વિશે સર્ચ કરો તો વિકિપીડિયા પરનો લેખ, વેબએમડી નામની તબીબી સેવામાંની માહિતી, યાહૂ ગ્રુપ અને ગૂગલ બ્લોગ્સ પર ડાયાબિટિસનાં લખાણ, યાહૂ આન્ઝર્સમાં એ વિશે પૂછાયેલા સવાલો અને એના જવાબ વગેરે બધું એક પેજ પર જોવા મળે.
ટેકનિકલ ભાષામાં આને ‘કન્ટેન્ટ મૅશિંગ' કહે છે, એટલે કે જુદી જુદી જગ્યાએ પડેલી માહિતીનું એક પેજ પર એકત્રીકરણ. યાહૂએ અત્યારે આ સેવા હેલ્થ, સ્પોર્ટ, એન્ટરટેઇન્મેન્ટ, ટ્રાવેલ, ટેક્લોનોજી અને ફાઇનાન્સ કેટગરી પૂરતી મર્યાદિત રાખી છે. તમે એવો કોઈ શબ્દ લખો જેના વિશે ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ન હોય (અરે હોતું હશે કંઈ?) તો યાહૂ તમે રોજિંદાં સર્ચ રીઝલ્ટ આપશે.
મજાની વાત એ છે કે યાહૂ કંપનીએ દુનિયાભરમાં સૌથી પહેલાં ભારતમાં આ સર્વિસ લૉન્ચ કરી છે.
આ જુઓ એક સેમ્પલ, યાહૂ ગ્લૂ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કઈ રીતે પ્રેઝન્ટ કરે છે તેનું...
| Comments |
|
|
||||||||






