આરએસએસ વિશે તમે કેટલું જાણો છો? વેઇટ, વેઇટ, તમારા જીકેનું અપમાન કરવાનો કોઈ ઇરાદો નથી કેમ કે અહીં આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નહીં પણ ‘રીયલી સિમ્પલ સિન્ડિકેશન'ની વાત કરીએ છીએ!
ઇન્ટરનેટના દરિયામાંથી, તમને ગમતાં મોતી, તમારી કોઈ મહેનત વિના તમારી સામે હાજર કરતા મરજીવાનું કામ કરે છે આ આરએસએસ. ઉદાહરણથી વાત સમજીએ. ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લોગ્સનો આછેરો પરિચય મેળવ્યા પછી તમે પણ બે-પાંચ ગુજરાતી બ્લોગની મુલાકાત લીધી હશે. મજા પણ પડી હશે અને ચસ્કો પણ લાગ્યો હશે.
હવે સવાલ એ છે કે ગુજરાતીમાં દોઢસો-બસો-ત્રણસો બ્લોગ હશે (સંખ્યા ખરેખર આટલી ઝડપે જ વધે છે) અને અંગ્રેજીમાં તો પાર વિનાના. એમાંથી તમને ગમતા બ્લોગની સંખ્યા પણ ખાસ્સી મોટી રહેવાની. એમાં નવું નવું લખાણ ઉમેરાતું રહે એટલે વારંવાર તમારે એ બધા બ્લોગ પર જઈને વાંચવાનું? આ તો લાંબી મગજમારી થઈ. ઉપાય છે આરએસએસ, જે તમને ગમતા બધા બ્લોગ પર કોઈ પણ નવું લખાણ મુકાય કે તરત એની લિંક (લખાણ સહિત) એક જ જગ્યાએ, વ્યવસ્થિત રીતે ગોઠવીને તમારી સમક્ષ મૂકી દે છે.
આરએસએસનું સરળ ઉદાહરણ છે,
|
આ ‘એક જ જગ્યા' એટલે કઈ, એવો સવાલ થયો? જવાબ છે આરએસએસ રીડર. ટેક્નોલોજીની લાંબી વાત ટૂંકાવીને એમ કહી શકાય કે કેટલીક એવી સાઇટ્સ છે જે તમને આરએસએસ રીડર પૂરું પાડે છે. એ ‘જગ્યા' પર જઈને તમે આરએસએસનો લાભ લઈ શકો. જરા અઘરું લાગ્યું? સાવ સહેલો ઉપાય આપે છે (જી હા, સાચું ધાર્યું!) ગૂગલ.
ગૂગલ રીડર પર જાઓ, કશું જ ડાઉનલોડ કરવાની જરૂર નથી, ફક્ત તમારા ગૂગલ એકાઉન્ટ (જીમેઇલનો એકાઉન્ટ)થી સાઇનઇન કરો અને આગળ વધો - મફતમાં! આરએસએસ ફીડ સેટ કરવાના બે રસ્તા છે. એક તો ગૂગલના રીડરમાં જઈને ‘એડ સબસ્ક્રીપ્શન' પર ક્લિક કરી, તમને ગમતા બ્લોગનું યુઆરએલ (એડ્રેસ) લખો. ગૂગલ છે એટલે સર્ચ પણ છે - ઇચ્છો તો ભારતના ન્યૂઝ આપતી કઈ સાઇટ આરએસએસની સેવા આપે છે તે સર્ચ કરી લો. બીજો રસ્તો છે, જે તે સાઇટ પર હો ત્યારે તેમાં આરએસએસની લિંક શોધી કાઢો અને ત્યાં કહી દો કે નવાં લખાણ હું ગૂગલ રીડર પર જોવા માગું છું. બ્લોગલાઇન્સ, યાહૂ વગેરે પણ આવી સેવા આપે છે.
આટલું થયા પછી, તમે જ્યારે ઇચ્છા પડે ત્યારે ગૂગલ રીડર પર જઈ, તમે પસંદ કરેલા બ્લોગ્સ, સાઇટ્સનાં નવાં લખાણ એક સાથે વાંચી શકો છો. ઇચ્છા પડે તો ત્યાંથી મૂળ બ્લોગ કે સાઇટ પર પણ જઈ શકો. લાગે છેને કામની ચીજ?
તો માઉસને આપો પાંખો અને ગૂગલ રીડરમાં આરએસએસ ફીડ સેટ કરી સતત ઇન્ટરનેટની તાજામાં તાજી વાત જાણતા રહો !
| Comments |
|





