સાયબરજગતમાં ‘દો કિસ્મ કે લોગ હોતે હૈં - એક જો ટેક્નોલોજી કા સહી ઉપયોગ કરતે હૈં, ઔર દૂસરે જો...' આ ‘દૂસરે' ટાઇપના લોકોમાં વાયરસ, સ્પાયવેર્સ, એડવેર્સ, ટ્રોજન, કી-લોગર્સ વગેરે વગેરેનો ફેલાવો કરનારા લોકોનો સમાવેશ થાય છે.
આ બધાં નામ જેમને થોડાં અજાણ્યાં લાગ્યાં હોય એમના માટે જરા ક્વિક રેફરન્સ...
વાયરસ એટલે આપણી જાણ બહાર કમ્પ્યુટરમાં ઘૂસી જતો નાનો પ્રોગ્રામ. જે મેડિકલ વાયરસની જેમ જ, કમ્પ્યુટરમાં હાહાકાર મચાવી શકે, સિસ્ટમ ક્રેશ કરી શકે, બધો ડેટા ભૂંસી શકે.
સ્પાયવેર જરા જુદા, એ તમારા કમ્પ્યુટરમાં ઘૂસ્યા પછી, તમારી બાતમી - પાસવર્ડ, ક્રેડિટ કાર્ડના નંબર વગેરે - પોતાના મૂળ માલિક, સ્પાયવેર તૈયાર કરનાર વ્યક્તિ કે વેબસાઇટને પહોંચાડે છે.
એડવેર, તેના નામ પ્રમાણે કમ્પ્યુટરમાં ઘૂસીને જાત-ભાતની એડ્સ પોપ-અપ કરે છે.
ટ્રોજન પણ એના નામ પ્રમાણે, ફ્રી મ્યુઝિક, સ્માઇલી, સ્ક્રીનસેવર વગેરેની લાલચ આપીને તેની આડશમાં ઘૂસે છે. કીલોગર તો વળી તમે કીબોર્ડ પર ટાઇપ કરો એ બધું રેકોર્ડ કરી લે છે.
આ બધાનાં નામ-રૂપ જૂજવાં, અંતે તો તમામ નુક્સાનકારક. પહેલેથી ચેતવામાં જ સમજદારી. વાયરસનો ફેલાવો કરીને એન્ટીવાયરસ પ્રોગ્રામ વેચવા એ પણ મોટો બિઝનેસ હોવાનું કહેવાય છે.
આ બધું ફેલાય છે કેવી રીતે? ઇ-મેઇલ્સ, મેસેન્જર, આઉટલૂક જેવા પ્રોગ્રામ્સ, સીડી, પેનડ્રાઇવ, ફ્લોપી (હવે ક્યાં દેખાય છે બિચારી!) વગેરે પર દોષનો ટોપલો છે.
વાયરસનો વેપલો કરનારા લોકો જુદા જુદા મોકાની તલાશમાં રહે છે. જેમ કે, વેલેન્ટાઇન ડે નજીક આવે એટલે લોકોના દિલમાં પ્રેમનો પારો ચે ચઢે એ સાથે ઇન્ટરનેટ પર વાયરસના વાયરા પણ જોરથી ફૂંકાવા લાગે છે. વેલેન્ટાઇન ડે સમયે, સૌનાં દિલમાં કૂણી કૂણી લાગણીઓ જન્મી હોય અને આખી દુનિયા સરસ મજાની, ભરોસાપાત્ર લાગતી હોય ત્યારે `યોર ટ્રુ લવ' કે `વીથ ટેન્ડર લવ' જેવા સબ્જેક્ટ સાથેના ઇ-મેઇલ્સ ખોલવાનું કોઈને પણ મન થાય અને પછી તો...!
અલબત્ત, સાયબરજગતમાં ‘જે પોષતું તે મારતું' કરતાં જુદો સીન પણ છે. અવાસ્ટ, એવીજી વગેરે નામ સાથે એન્ટીવાયરસ કે એન્ટીસ્પાયવેર લખીને સર્ચ કરશો એટલે, હોમ કે નોન-કમર્શિયલ યૂઝ માટે ફ્રી એન્ટીવાયરસ પ્રોગ્રામ આપતી સાઇટસ પર પહોંચશો. ગૂગલ ‘ગૂગલ પેક' નામે ઉપયોગી સોફ્ટવેર ફ્રી ડાઉનલોડ કરવા આપે છે એમાં પણ એન્ટીવાયરસ પ્રોગ્રામ છે.
આ બધા પ્રોગ્રામ એકવાર ડાઉનલોડ કર્યા પછી, તમે જ્યારે પણ નેટસર્ફિંગ કરો ત્યારે આપોઆપ નવા શોધાયેલા વાયરસની ડેફિનેશન ડાઉનલોડ કરીને કોમ્પ્યુટરને પ્રોટેક્ટ કરતા રહે છે. નિયમિત સ્કૅન કરવાની જવાબદારી તમારી, પણ પાયરેટેડ પ્રોગ્રામ કે કમ્પ્યૂટર વેન્ડરને ભરોસે રહેવાની જરૂર રહેતી નથી.
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||





