ૐ
શ્રીકૃષ્ણ ભગવાનના પરમ તત્ત્વને સંબોધીને કોઈ ઋષિએ સંસ્કૃતમાં સુંદર શબ્દોમાં પ્રાર્થના કરી છે :
તમસો મા જ્યોતિર્ગમય,
મૃત્યો મા અમૃત ગમય.’’
આ જ પ્રાર્થના ગુજરાતીમાં આપણા વિદ્વાન કવિ સ્વ. શ્રી ન્હાનાલાલે બહુ જ ભાવવાહી શબ્દોમાં પરમાત્માને સંબોધીને કરી છે :
‘‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.’’
ઉપરનાં ત્રણ ચરણ તો સુંદર છે, સરળ છે અને મહત્વનાં છે, પણ ચોથું ચરણ તો સવિશેષ સુંદર, સરળ અને અત્યંત મહત્વનું છે. ‘‘હે પ્રભુ ! હું તમારા વિના અધૂરો છું, તમારાં દર્શનથી જ પરિપૂર્ણ થઈ શકું. દુન્યવી વસ્તુઓની ઝંખનાને બદલે સતત તમારાં દર્શનની ઝંખના રહે એવું નિર્મળ મન આપો. તમારું સ્મરણ ક્યારેય ન ભૂલું એવી સન્મતિ આપો. હે નાથ ! તમારામાં ખોવાઈ જવા ઇચ્છું છું. હું મારા અસ્તિત્વને જ ભૂલી જાઉં એવી વિસ્મૃતિ આપો.’’
મુસ્લિમ કવિ શ્રી રહીમજી ગજબ કૃષ્ણ ભક્ત હતા. તેમણે સાદા શબ્દોમાં ભક્તિનું રહસ્ય સમજાવી દીધું.
‘‘આપુ હૈ તો હરિ નહીં, હરિ તો આપુન નાહીં,
રહીમન ગલી હૈ સાંકરી, દોનોં નહીં ઠહરાઈં.’’
ભક્તિમાર્ગની ગલી બહુ સાંકડી છે. આપણું અહમ્, આપણો અહંકાર, આપણું જુદાપણું અને પરમાત્મા બંને સાથે રહી શકે તેમ નથી. આપણે પ્રભુમાં ખોવાઈ જઈએ, આપણું અસ્તિત્વ ભૂલી જઈએ તો જ પ્રભુનાં દર્શન શક્ય છે. આપણું અસ્તિત્વ પ્રભુમાં ઓગળી જાય તો પછી પ્રભુદર્શનનો સવાલ જ ન રહે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્મનો મહિમા ખૂબ જ વર્ણવ્યો છે અને સકામ પુરુષો પામર છે એમ પણ કહ્યું છે, એટલે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કોઈ દુન્યવી વસ્તુની માગણી ન કરવી જોઈએ. આ બાબતમાં એક સજ્જને બહુ સરસ વાત કરી કે કોઈ પણ બાળક પોતાના માબાપ પાસે હક્કથી માગી શકે. એ એનો અધિકાર છે. એમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ પરમાત્માનાં સંતાનો છીએ એટલે પરમાત્મા પાસે કાંઈ માગીએ તો અયોગ્ય ન ગણાય.
આ વાત ખરેખર સાચી અને સારી છે, પણ એક વાત યાદ રાખવા જેવી છે, આપણું બાળક આપણને ખૂબ વહાલું હોય છે તેમ છતાં એ દરરોજ ચોકલેટ, પિપરમીંટ જેવું કાંઈક ને કાંઈક માગે તો આપણે ઘણી વાર તેની માગણી સંતોષતા નથી. ક્યારેક છરી, ચપ્પુ, લોખંડનો સળિયો કે માચીસ માગે તો આપણે આપતા નથી. એ જ રીતે આપણે દરરોજ પ્રભુ પાસે કાંઈક ને કાંઈક માગ્યા જ કરીએ તો એ ન પણ આપે. એમને આપવા યોગ્ય લાગે તો આપે અને ક્યારેક આપવા યોગ્ય ન લાગે તો ન પણ આપે ત્યારે આપણે નારાજ ન થવું જોઈએ. પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી, એટલે મારી શ્રદ્ધા ઊઠી ગઈ એવી ફરિયાદ ન કરવી જોઈએ. જે ઉઠી જાય તેને શ્રધ્ધા ન કહેવાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને દરેક પરિસ્થિતિમાં સમાન ભાવ કેળવવા પર ખૂબ ભાર મૂક્યો છે. બીજા અધ્યાયમાં કહ્યું છે :
‘‘દુઃખેષુ અન્ ઉદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ,
વિતરાગભયક્રોધઃ સ્થિત ધીઃ મુનિઃ ઉચ્યતે .’’ ( ગીતા ૨ - ૫૬ )
સુખ, દુઃખ, લાભ, ગેરલાભ, જય, પરાજય એમ દરેક પરિસ્થિતિમાં સમાન ભાવ કેળવવો જરૂરી છે. કદાચ દુઃખ પડે તો પણ મન ઉદ્વેગરહિત રહે, કોઈ ચિંતા મનને પરેશાન ન કરે અને સુખ હોય તો પણ મન ઇચ્છારહિત રહે, માણસ અભિમાનથી છકી ન જાય. જો મનની સ્થિતિ આવી રહે તો પરમાત્મા પાસે પણ કાંઈ માગવાની જરૂર ન રહે.
પ્રાર્થના એટલે ખુશામત નહિ. ખુશામત તો માનવીના પતનની નિશાની છે. પ્રાર્થના પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ છે. પ્રેમ ઉન્નતિની નિશાની છે. પ્રેમ જેટલો વધુ એટલી પ્રભુનાં દર્શનની શક્યતા વધુ. પ્રભુનાં ગુણગાન ગાઈએ, અઘરા શ્લોક બોલીએ, બધાં કીર્તન કરે એટલે આપણે પણ કીર્તન કરીએ, ઝાંઝપખાજ વગાડીએ તો જ પ્રભુ પ્રસન્ન થાય એવું નથી.
અનેક મહાનુભાવોએ બહુ ઉત્તમ સ્તુતિ દ્વારા પ્રભુની પ્રાર્થના કરી છે. આપણે તદ્દન સાદી ભાષામાં આપણા હૃદયના ભાવ વ્યક્ત કરતી પ્રાર્થના કરી શકીએ. પ્રાર્થના ચોક્કસ શબ્દોથી જ થઈ શકે એવું નથી. પ્રેમ વ્યક્ત કરવા અલંકારિક ભાષાની બિલકુલ જરૂર નથી. અરે ! સંપૂર્ણ મૌન રહીને પણ દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. કોઈ દુન્યવી વસ્તુની અપેક્ષા વિના, પ્રભુનો પ્રેમ મેળવવા પ્રાર્થના કરનારને, પરમાત્મા વાંસો થાબડીને કહે છેઃ ‘‘મારે શરણે આવતો રહે, તું ક્યારેય મૂંઝાઈશ નહિ, હું તારી સાથે જ છું.’’
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને આવું અદભુત અભય વચન આપ્યું છે :
‘‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ,
અહમ્ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ .’’ ( ગીતા ૧૮ - ૬૬ )
આપણાં વિદ્વાન લેખિકા શ્રીમતી કુંદનિકાબહેન કાપડીઆએ ‘‘પરમ સમીપે’’ નામના તેમના પુસ્તકમાં એક બહુ સરસ પ્રાર્થના લખી છે. ‘‘હે પરમાત્મા ! આમ તો અમે દરરોજ તમારી પાસે કાંઈક ને કાંઈક માગીએ છીએ, પણ આજે હું કાંઈ માગવા આવી નથી. મને તમારી પાસે બેસવું ગમે છે એટલે આવી છું. તમારો પ્રેમાળ હાથ મારા માથા પર ફરતો રહે, પરમ શાંતિનો અનુભવ કરતાં કરતાં હું તમારામાં ખોવાઈ જાઉં. બસ, એથી વિશેષ કોઈ જ ઇચ્છા નથી.’’
ભક્તકવિ શ્રી દયારામે, મૃત્યુ સમયે પરમાત્માનાં દર્શન થાય અને બીજી શારીરિક વેદના ન થાય એ માટે તેમણે પ્રભુને ખૂબ ભાવવાહી શબ્દોમાં પ્રાર્થના કરી છે :
‘‘મુખ, મન, લોચનમાં આવી વસજો શામળિયા ! વ્હાલા !
પીડા ન પામું એવું કરજો હો નંદલાલા !
અવગુણ ભર્યા છે મુજમાં સારા શામળિયા ! વ્હાલા !
દોષ ન જોશો, દર્શન દેજો, હો નંદલાલા ! ’’
| Comments |
|



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’