ૐ
શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આ છેલ્લા અઢારમા અધ્યાયમાં અર્જુનને કહ્યું : ‘‘તું મને પ્રિય હોવાથી આ મારું પરમ હિતકર વચન સાંભળ કે તું મારામાં જ મન રાખનારો થા, મારો જ ભક્ત થા, મને જ નમસ્કાર કર, તેથી તું મને જ પામીશ. બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.
ગીતાજીની ચર્ચાને અંતે પ્રભુ પૂછે છે : ‘‘હે પાર્થ ! મેં કહેલા આ ઉપદેશને તેં એકાગ્ર ચિત્તથી સાંભળ્યો ? આથી તારો મોહ નષ્ટ થઈ ગયો ?’’ ત્યારે અર્જુને જવાબ આપ્યો : ‘‘હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને સત્યનું જ્ઞાન થયું છે. હવે મારો સંદેહ મટી ગયો છે. હું આપનાં વચન પ્રમાણે વર્તીશ.’’ અહીં ગીતાજી પૂર્ણ થાય છે.
મહર્ષિ વેદવ્યાસજીની કૃપાથી જેમને મહેલમાં બેઠાં બેઠાં, મહાભારતનું યુદ્ધ જોવા માટે જ દિવ્યદ્રષ્ટિ મળી હતી તે સંજય, ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરતાં કરતાં પોતાનો અભિપ્રાય આપતાં કહે છે : ‘‘આ પરમ ગુહ્ય યોગને મેં સાંભળ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદભુત સંવાદનું વારંવાર સ્મરણ કરીને હું હર્ષિત થાઉં છું. હે રાજન! શ્રી હરિનું તે અત્યંત અદભુત રૂપ (વિશ્વરૂપ દર્શનની વાત) સંભારી સંભારી મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર આનંદ પામું છું. હે રાજન ! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી, વિજય, વૈભવ અને અવિચળ નીતિ છે જ એવો મારો મત છે.’’
ત્યાર પછી મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. ભીષ્મ પિતામહ કૌરવોના સેનાપતિ હોવા છતાં પોતાના પૌત્રો પાંડવોને નહીં હણવાનું તેમણે મનમાં નક્કી કર્યું હતું. એવી જ રીતે મોહ નાશ પામવા છતાં અર્જુન પણ પૂજ્ય ભીષ્મ પિતામહને હણવાનું ટાળે છે. નવ દિવસ સુધી યુદ્ધ ચાલવા છતાં અને બંને પક્ષે ઘણી ખુવારી થવા છતાં કંઈ પરિણામ આવતું નથી. જો આમ ને આમ યુદ્ધ લંબાયા કરે તો ખુવારી વધવા સિવાય કંઈ અર્થ ન રહે તેથી દુર્યોધન ભીષ્મ પિતામહને વધુ આક્રમક બનવા કહે છે.
યુદ્ધ દરમિયાન પોતે શસ્ત્ર ગ્રહણ નહીં કરે એવી પ્રતિજ્ઞા શ્રીકૃષ્ણ ભગવાને લીધી હતી, પરંતુ દસમા દિવસે ભીષ્મ પિતામહે શ્રીકૃષ્ણ ભગવાનને શસ્ત્ર ઉઠાવવાની પોતે ફરજ પાડશે એવી પ્રતિજ્ઞા લીધી. તેમનું વધુ આક્રમક રૂપ જોઈને, પાંડવોની રક્ષા કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાન રથ પરથી કૂદીને બાજુમાં પડેલા ભાંગેલા રથનું પૈડું લઈને ભીષ્મ પિતામહને મારવા ધસી ગયા. આ પ્રસંગ અદભુત છે.
ભીષ્મ પિતામહે પોતાનાં શસ્ત્રો ફેંકી હાથ જોડીને કહ્યું : ‘‘પ્રભુ ! આપને હાથે મારું મૃત્યુ થાય એનાથી વધુ ઉત્તમ બીજું શું હોય ? આપને શસ્ત્ર ઉપાડવાની ફરજ પડે એટલે જ હું ઉગ્ર યુદ્ધ કરતો હતો. આપે આપની પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞા સાચવી છે. રથનું પૈડું એ શસ્ત્ર નથી એ રીતે આપે આપની પ્રતિજ્ઞા પણ સાચવી છે, પરંતુ મારવા ઉગામેલી કોઈ પણ વસ્તુ હથિયાર જ ગણાય એ રીતે આપે શસ્ત્ર ઉઠાવીને મારી પ્રતિજ્ઞા પણ સાચવી છે. હું આપને કોટિ કોટિ વંદન કરું છું.’’
‘શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર’ એ મહાદેવજીની સ્તુતિ છે. એમાં એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન માટે એક શબ્દ છેઃ ‘‘રથચરણપાણિ’’. ચરણ એટલે પગ અને રથચરણ એટલે રથનું પૈડું અને પાણિ એટલે હાથ. ‘‘રથચરણપાણિ’’ એટલે રથનું પૈડું જેમણે હાથમાં ધારણ કર્યું છે એવા શ્રીકૃષ્ણ ભગવાન. ઉપર વર્ણવેલા પ્રસંગને અનુરૂપ આવું સુંદર નામ સંસ્કૃત સાહિત્યમાં જ મળે.
એ પછી તો શ્રીકૃષ્ણ ભગવાનની સૂચના અનુસાર, શિખંડીની પાછળ રહીને અર્જુને બાણોનો વરસાદ વરસાવી ભીષ્મ પિતામહને બાણશૈયા પર ઢાળી દીધા.
આચાર્ય ગુરુ દ્રોણ નવા સેનાપતિ બન્યા. તેમને ખાળવા શ્રીકૃષ્ણ ભગવાને ભીમને અશ્વત્થામા નામના હાથીને હણીને ‘અશ્વત્થામા મરાયો’ એવું જાહેર કરવા કહ્યું. ગુરુ દ્રોણને પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો એવું લાગતાં તેઓ ઢીલા પડી ગયા. તે તકનો લાભ લઈ, ધૃષ્ટદ્યુમ્ને પોતાના પિતાનું વેર વાળવા ગુરુ દ્રોણનું માથું કાપી નાખ્યું.
મહારથી કર્ણ સેનાપતિ બન્યા પછી યુદ્ધ દરમિયાન તેમના રથનું પૈડું જમીનમાં ખૂંચવા માંડ્યું. એ રથમાંથી નીચે ઊતરી પૈડું ઠીક કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કર્ણને હણવા કહ્યું. પોતે રથમાં નથી. હાથમાં શસ્ત્રો નથી એ સમયે પોતાના પર શસ્ત્ર ચલાવવાં એ અધર્મ છે એમ કહી કર્ણે વિરોધ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ગજબ કહ્યું ‘‘દ્રૌપદીનાં વસ્ત્રહરણ પ્રસંગે અધર્મનું આચરણ થયું ત્યારે ચૂપ રહેનારને ધર્મની વાત કરવાનો અધિકાર નથી.’’ આ રીતે કર્ણ હણાયો.
યુદ્ધના અંત ભાગમાં, ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું ત્યારે, ભીમ અત્યંત પરાક્રમી હોવા છતાં, દુર્યોધનને હરાવવાનું અશક્ય હતું. માતા ગાંધારીના આશીર્વાદને કારણે દુર્યોધનનું જાંઘ સિવાયનું શરીર વજ્ર જેવું બની ગયેલું. યુદ્ધના નિયમ અનુસાર શરીરના નીચેના ભાગમાં ગદા ન મારી શકાય. તેમ છતાં દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરવા ભીમને ઇશારો કરવા, શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સૂચવ્યું. આ રીતે ભીમની પ્રતિજ્ઞા પણ સચવાય તેમ હતી. ફરીથી ધર્મ અધર્મની ચર્ચા થઈ, પરંતુ ‘‘અધર્મનું આચરણ કરનારને ધર્મની ચર્ચા કરવાનો અધિકાર નથી’’ એમ કહી તેની હત્યા કરવામાં કશું ખોટું નથી એમ શ્રીકૃષ્ણ ભગવાને ભારપૂર્વક કહ્યું. આવાં તો મહાભારતમાં અનેક ઉદાહરણો છે.
આમ ઉપરછલ્લી દ્રષ્ટિએ દરેક વખત શ્રીકૃષ્ણ ભગવાને કંઈક અધર્મ કહી શકાય તે રીતે દુશ્મનોની હત્યા કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો એવું લાગે, પરંતુ એક બહુ જ મહત્વનો ફેર આપણે નોંધવો જોઈએ. સામાન્ય રીતે દરેક માનવી પોતાના અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને સાચાખોટાનું અર્થઘટન કરતો હોય છે, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનનો કોઈ નિર્ણય તેમના પોતાના અંગત સ્વાર્થ પર આધારિત ન હતો. ધર્મસંસ્થાપનાના શુભ આશયથી, સમાજકલ્યાણની ભાવનાથી, અધર્મીઓનો નાશ કરવા માટે જરૂરી હોય તો અધર્મ આચરવામાં કંઈ ખોટું નથી. આવું સ્પષ્ટ મંતવ્ય ભાગ્યે જ કોઈ વ્યક્ત કરી શકે. શ્રીકૃષ્ણ ભગવાને ક્યારેય કોઈ નિર્દોષની હત્યા કરવા કે કરાવવા કોશિશ કરી નથી એ અત્યંત મહત્વની વાત આપણે નોંધવી જોઈએ.
આમ સંજયનું મંતવ્ય સાચું પડ્યું. જો શ્રીકૃષ્ણ ભગવાનની હાજરી ન હોત તો તેમના અમૂલ્ય માર્ગદર્શન વિના પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ન શકત. અર્જુન મહાસમર્થ બાણાવળી હતા તેમ છતાં શ્રીકૃષ્ણ ભગવાનના દેહોત્સર્ગ પછી દ્વારિકાથી હસ્તિનાપુર જતાં રસ્તામાં લૂંટારાઓએ તેમને તથા તેમની સાથેના યાદવ પરિવારોને લૂંટી લીધા એટલે તો કોઈએ કહ્યું:
‘‘કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ.’’
શ્રીકૃષ્ણ ભગવાન વિના અર્જુનની શક્તિ હણાઈ ગઈ. આવા અદભુત, અપ્રતિમ, અને વિરલ વ્યક્તિત્વવાળા, ગીતાગાયક શ્રીકૃષ્ણ ભગવાનને કોટિ કોટિ વંદન.
| Comments |
|
|
||||||||




‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’