ૐ
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઉદબોધેલો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આ છેલ્લો અધ્યાય છે. અર્જુને સંન્યાસ અને ત્યાગનું તત્વ જુદું જુદું સમજાવવા વિનંતી કરતાં પરમાત્માએ સમજાવ્યું કે કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ અને કર્મફળના ત્યાગને ત્યાગ કહેવાય છે. આમ બંને ત્યાગ જ છે.
અમુક વિદ્વાનો માને છે કે જીવનના બંધનનું મુખ્ય કારણ કર્મ છે માટે કર્મ ન કરવાં જોઈએ. પરંતુ બીજા વિદ્વાનો માને છે કે દાન, તપ, યજ્ઞ વગેરે કર્મો ત્યજવા જેવાં નથી. જીવનની ઉન્નતિ માટે એ જરૂરી છે. આમ કર્મત્યાગ એટલે કે સંન્યાસ બાબત વિદ્વાનોમાં મતમતાંતર છે. આ બાબત પોતાનો નિર્ણય આપતાં, શ્લોક નં. ૫ અને ૬માં પરમાત્મા કહે છે કે યજ્ઞ, દાન અને તપનાં કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. એ તો બુદ્ધિમાન મનુષ્યોને પણ પાવન કરનાર છે. પરંતુ ‘‘હે પાર્થ ! આ કર્મો આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવાં જોઈએ. એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે.’’
ગીતાજીનો ખરો પ્રારંભ બીજા અધ્યાય ‘સાંખ્યયોગ’થી થાય છે. પરમાત્માએ તેમાં કહ્યું છે કે : ‘‘તને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે. ફળની આશા તારે રાખવી નહીં.’’ આ આપણે ખાસ યાદ રાખવા જેવું છે. ગીતાજીની શરૂઆતમાં થયેલ વાત પર પરમાત્માએ છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.
‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન ! કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી અને કલ્યાણ કરનારાં કામોમાં આસક્ત થતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી. તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે, એમ કહેવાય છે.’’
કર્મફળનો ત્યાગ ન કરનારાઓને મરણ પછી (પણ) કર્મનું, સારૂં, માઠું અને મિશ્ર, એમ ત્રણ પ્રકારે ફળ મળે છે, પરંતુ જે કર્મફળનો ત્યાગી છે એવા કર્મફળ સંન્યાસીને આવાં ફળ કદી ભોગવવાં પડતાં નથી. કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લેપાતી નથી, એટલે કે કર્મનાં ફળની તેને અસર થતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ તે ખરી રીતે મારતો નથી અને બંધનમાં પડતો નથી.( આ વાત યુદ્ધના સંદર્ભમાં હોવાથી આમ કહ્યું છે, પરંતુ સામાન્ય અર્થમાં ‘‘હું કર્તા છું’’, એવા અહંકાર વિના જે કર્મ કરવામાં આવે તે કર્મ, બંધનકર્તા બનતું નથી.)
જ્ઞાનના ત્રણ પ્રકાર સમજાવી કહ્યું કે ‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં રહેલા પરમ તત્ત્વને, અવિનાશી ભાવે એકરૂપે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન જાણ.’’
કર્મના ત્રણ પ્રકાર સમજાવી કહ્યું કે ‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું" એવા અભિમાનપૂર્વક, કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય, અજ્ઞાનથી જે કાર્યનો આરંભ કરે છે તે તામસ કર્મ છે.
જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનાર, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે. જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર તથા દીર્ઘસુત્રી છે, તે તામસ કર્તા છે.
આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે પરમાત્માએ જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે. પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, ગીતાજીમાં અગાઉ જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે. પરમાત્મા એ વાત પર અત્યંત ભાર મૂકે છે કે તમારાં તમામ કામ ફળની અપેક્ષા વિનાનાં હોવાં જોઈએ.
સાત્વિક જ્ઞાન એટલે પરમાત્મા બધામાં એક રૂપે વ્યાપેલા છે,તે વાત સાચા અર્થમાં સમજવી. સાત્વિક કર્મ કરીએ, સાત્વિક જ્ઞાન જીવનમાં ઉતારીએ તો ભક્તિ આપમેળે થશે, પ્રભુદર્શન શક્ય બનશે. પુણ્ય કમાવાની ગણતરીથી કોઈ સારું કામ કરવું કે અપયશની બીકથી કે કોઈના ડરથી, કોઈ કામ ન કરવું એ બંને ખોટું છે. ફરજ બજાવતાં બજાવતાં પ્રભુમય થઈ જવું એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. કોઈ સજ્જને ફક્ત બે પંક્તિમાં ગીતાસાર સમજાવેલો છે :
‘‘સંસારમાં સરસો રહે, ને મન મારી પાસ,
સંસારથી લેપાય નહીં, તે જાણ મારો દાસ. ’’
| Comments |
|



‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’