ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમગૂગલ ગિફ્ટ્સવર્લ્ડ વન્ડર્સની ટુર, ઘેરબેઠાં

વર્લ્ડ વન્ડર્સની ટુર, ઘેરબેઠાં

સામાન્ય રીતે, આપણે જે શેરમાં નાણાં રોક્યાં હોય એ ગગડે તો આપણા હૈયે ધ્રાસ્કો પડે. ગયા અઠવાડિયે ગૂગલના શેરમાં તોતિંગ ગાબડાં પડ્યાં તો આપણો એક રૂપિયો ધોવાયો ન હોવા છતાં હૈયે ધ્રાસ્કો પડે કે આના કારણે ગૂગલના કેટલાક અફલાતૂન પ્રોજેક્ટસને તો અસર નહીં પહોંચેને?

આજે વાત કરવી છે ગૂગલના વર્લ્ડ વન્ડર્સ પ્રોજેક્ટ વિશે. ‘સાયબરસફર’ના વાચક તરીકે તમે ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી તો સુપેરે પરિચિત હશો જ, એ જ ટેક્નોલોજીને આગળ ધપાવતાં ગૂગલે સમગ્ર વિશ્વની પ્રાચીન અને અર્વાચીન સાઇટ્સની વર્ચ્યુલ ટુર આપણા માટે સુગમ બનાવી દીધી છે. સ્ટ્રીટ વ્યૂ, 3ડી મોડેલિંગ અને ગૂગલની અન્ય ટેક્નોલોજીને કામે લગાડીને તૈયાર થયેલા આ પ્રોજેક્ટની મદદથી આપણે સૌ, જાણે સદેહે એ સ્થળે પહોંચી ગયા હોઈએ એ રીતે જે તે સ્થળનું નિકટ દર્શન કરી શકીએ છીએ. યુનેસ્કો અને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ સહયોગથી ગૂગલે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

ઠીક છે, પણ મુદ્દાની વાત - આ પ્રોજેક્ટનો લાભ કેવી રીતે લેવો? પહોંચો આ એડ્રેસ પર : http://www.google.com/intl/en/culturalinstitute/worldwonders/

સાઇટ પર તમે જોશો તેમ, આપણે જે તે લોકેશન અથવા ચોક્કસ થીમ મુજબ વિવિધ સ્થળોની વર્ચ્યુલ ટુરમાં જોડાઈ શકીએ છીએ. હોમ પેજ પર દેખાતા સ્લાઇડશોનો લાભ લઈને કોઈ એક સ્થળના પ્રવાસે ઉપડો અથવા એન્ટાર્કટિકા, એશિયા, યુરોપ, અમેરિકા વગેરે ખંડો અનુસાર રસના પ્રદેશો શોધો કે પછી આર્કિયોલોજી, આર્કિટેક્ચર, સિટીઝ એન્ડ ટાઉન, હિસ્ટોરિક સાઇટ્સ, પેલેસ, ગાર્ડન્સ, વન્ડર્સ ઓફ નેચર વગેરે થીમ અનુસાર જુદાં જુદાં લોકેશન શોધો. એશિયામાં ફક્ત ઇઝરાયેલ અને જાપાન એ બે જ નામ વાંચીને થોડું નિરાશ થવાય એવું છે, પણ ગૂગલ આશ્વાસન આપે છે કે આ પ્રોજેક્ટમાં વિવિધ દેશોનાં સ્થળો સતત ઉમેરાતાં જશે.

ગૂગલે આ બધાં સ્થળોએ છત પર કેમેરા ધરાવતી સ્ટ્રીટ વ્યૂ કાર્સની મદદથી પાર વગરની તસવીરો લીધી છે અને પછી એકમેક સાથે સ્ટીચ કરી છે. કાર ન જઈ શકે એવાં સ્થળોએ ટ્રાયસિકલનો ઉપયોગ થયો છે.

ઘેરબેઠાં આખી દુનિયા ફરી વળવા માટે આ પ્રોજેક્ટ કેવો મજાનો છે એ જાણવા મળશે આ પ્રમોશનલ વીડિયોમાં : http://youtu.be/wZg8FTi5_Os અને આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સ્થળોની તસવીરો અને માહિતી કેવી રીતે એકઠી કરવામાં આવે છે તે જોવા માટે જુઓ આ વીડિયો : http://youtu.be/O3vP-arpriA

જોકે વાત માત્ર જુદાં જુદાં સ્થળોના સ્ટ્રીટ વ્યૂથી પૂરી થતી નથી. પ્રોજેક્ટમાં આ દરેક સ્થળ વિશે વિગતવાર માહિતી આપતા લેખ આવરી લેવામાં આવ્યા છે. સ્ટોક ફોટોગ્રાફ્સ માટે જાણીતી સાઇટ ગેટ્ટીઈમેજીસના સહયોગમાં જે તે સાઇટના વિવિધ ફોટોઝ પણ આપણે અહીં એક્સપ્લોર કરી શકીએ છીએ.

શિક્ષક કે પોતાના સંતાનના સર્વાંગી શિક્ષણમાં રસ લેતા માતા-પિતાને રસ પડે એવો, આ સાઇટનો વિભાગ છે એજ્યુકેશન. ઇતિહાસ અને ભૂગોળ બંનેના શિક્ષણમાં જબરજસ્ત ઉપયોગી એવા આ પ્રોજેક્ટનો કઈ રીતે પૂરેપૂરો લાભ લઈ શકાય એ સમજાવતી, પ્રાઇમરી સ્કૂલ અને સેકન્ડરી સ્કૂલના ટીચર્સ માટે ગાઇડ તરીકે ઉપયોગી પીડીએફ ફાઇલ્સ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. એ ઉપરાંત, વિવિધ સ્થળોનાં ડાઉનલોડેબલ પેક્સ પણ છે, જેની મદદથી વિદ્યાર્થીઓ જે તે સ્થળ વિશે વધુ જાણકારી મેળવી શકે છે, તેમ જ સ્ટ્રીટ વ્યૂ તેમ જ ગૂગલની અન્ય સર્વિસીઝની મદદથી વર્ગખંડ (કે ઘર)માંના શિક્ષણને ખરેખર રસપ્રદ કેવી રીતે બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સમજણ કેળવી શકે છે.

કબૂલ, આપણી ગુજરાતી શાળાઓમાં કદાચ આ રીતે પણ શિક્ષણ આપી શકાય એ દિવસો દૂર હશે, પણ તેમને નજીક લાવવાનું પણ આપણા જ હાથમાં છે!

બીજી એક વાત, આ ગૂગલનો પ્રોજેક્ટ છે એટલે સૌથી ચઢિયાતો જ હશે એવું માની લેવાની પણ જરૂર નથી. ગૂગલના આ પ્રોજેક્ટમાં જમીન પરથી થયેલી ફોટોગ્રાફીની કરામત છે, તો રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે શરૂ થયેલા એક નોન-કમર્શિયલ પ્રોજેક્ટમાં આખી દુનિયાનાં રોમાંચક સ્થળોનાં આકાશમાંથી દર્શન કરી શકાય છે! એ પ્રોજેક્ટની વાત કરીશું, આગળ ઉપર ક્યારેક!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગૂગલગિફ્ટ્સમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com