આજે દશેરાએ તમારા ઘરમાં ફાફડા-જલેબી જે અખબારના પડીકામાં આવ્યા, એ અખબારનું સ્વરૂપ બદલાતા સમય સાથે કેવું બદલાઈ રહ્યું છે, એ નજરોનજર જોવું છે? વાત છે એક અમેરિકન અખબાર યુએસએટુડેની.
1982માં શરૂ થયેલા આ અખબારને શરૂઆતમાં કોઈએ ખાસ વજનદાર ગણ્યું નહોતું. આ અખબારે પહેલેથી ઝાઝું કહેવાને બદલે ઝાઝું બતાવવાની નીતિ રાખી હતી, એટલે કે અખબારમાં સમાચાર કરતાં વિઝ્યુઅલ્સનું પ્રમાણ વધુ રહેતું. તેની એ નીતિ આજના ઓછા સમયમાં ઝડપી વાંચનના સમયમાં બરાબર ચાલી અને અત્યારે યુએસએટુડે વોલસ્ટ્રીટ જર્નલ પછી અમેરિકાનું બીજા નંબરનું અખબાર બની ગયું છે.
પ્રિન્ટ અખબારનો વિઝ્યુઅલ ડ્રિવન એપ્રોચ તેની વેબસાઇટમાં પણ જાળવી રખાયો. અખબારની દરરોજ 18લાખ નકલો વેચાય છે અને વેબસાઇટ પર રોજના 66લાખ લોકો આવે (પ્રિન્ટ અને ઓનલાઇન ફેલાવામાં તફાવત નોંધ્યો?) સાઇટની વિવિધ મોબાઇલ એપ્સ પણ છે, મતલબ કે અત્યારે યુએસએટુડે એક મલ્ટિ-પ્લેટફોર્મ મીડિયા કંપની છે.
આ અખબારે સપ્ટેમ્બર મહિનામાં, તેના 30મા જન્મદિને સંપૂર્ણપણે નવો લૂક મેળવ્યો. સમય કેવો બદલાઈ રહ્યો છે એ બરાબર જોજો, આ અખબારની માલિક કંપનીએ સ્પષ્ટ કર્યા પ્રમાણે હવે કંપની યુએસએટુડેને એક ન્યૂઝપેપર બ્રાન્ડ તરીકે નહીં પણ ન્યૂઝ બ્રાન્ડ તરીકે રીપોઝિશન કરવા માગે છે!
નવા લૂકમાં, યુએસએટુડેના લોગોથી માંડીને અખબારના દરેક પેજનાં સેક્શન હેડિંગથી માંડીને નાના-નાના વિભાગોનાં હેડિંગ, પેજનો લેઆઉટ, વિવિધ સપ્લીમેન્ટ્સના લેઆઉટ, ફોન્ટ વગેરે તમામમાં ધરમૂળથી પરિવર્તન થયાં. પહેલાં લોગોથી લઈને અખબારના ફ્રન્ટ પેજમાં વિવિધ પ્રકારની ખીચડી જોવા મળતી હતી તેના સ્થાને હવે ગુજરાતીમાં કહીએ તો સ્પષ્ટ, સુરેખ રજૂઆત અને ઇંગ્લિશમાં કહો તો સ્લીક પ્રેઝન્ટેશન જોવા મળે છે. લોગો બિલકુલ સિમ્પલ છે, માત્ર એક વાદળી રંગનો ગોળાકાર, પણ આખા અમેરિકામાં એની એટલી અસરકારક રીતે જાહેરાત થઈ રહી છે કે લોકોના કહેવા પ્રમાણે આ પરિવર્તન ‘આઇડેન્ટિટી ઓફ ધ યર’ બની જાય તો નવાઈ નહીં.
પણ વાત એટલી ટૂંકી હોત તો આપણે અહીં એની વાત કરતા ન હોત! અખબારની સાથે તેની વેબસાઇટમાં જે પરિવર્તન આવ્યું છે એ ખાસ જોવા જેવું છે, કેમ કે આપણે ત્યાં અત્યારે ભલે દૂરની વાત લાગતી હોય, પણ લાંબા ગાળે આ જ પ્રકારનું ડિઝાઇનિંગ (સ્ટીવ જોબ્સને યાદ કરો, ડિઝાનિંગ એટલે માત્ર શું દેખાય છે એ નહીં, જે દેખાય છે તે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે એ આખો અનુભવ એટલે ડિઝાઇનિંગ) જોવા મળશે એમાં કોઈ શક નથી. મજાની વાત એ છે કે યુએસએટુડેની વેબસાઇટ ડેસ્કટોપ કે લેપટોપ પર, ટેબલેટ કે આઇપેડ કે સ્માર્ટફોનમાં લગભગ એકસરખો અનુભવ આપે છે. અત્યાર સુધી આપણે પીસીમાં કોઈ વેબસાઇટ જોતા હોઈએ તો ઉપરથી નીચેની તરફ સ્ક્રોલ કરતા હતા, જ્યારે ટેબલેટમાં આંગળીના હળવા લસરકાથી પેજીસની ડાબી-જમણી બાજુ પણ જઈ કે જોઈ શકાય છે. કંઈક એવો જ અનુભવ યુએસએટુડેની વેબસાઇટનો પીસી પર મળે છે. ડાબે જમણે દેખાતા એરોને ક્લિક કરતાં સાઇટનાં જુદાં જુદાં સેક્શન ડાબી કે જમણી બાજુ ખસે છે અને એકના સ્થાને બીજું સેક્શન આવે છે, તેમાં તમે ઉપરથી નીચે જઈ શકો. પેટા વિભાગોમાંના સમાચારોને યુઝર પોતાની મરજી મુજબ ગ્રીડ કે લિસ્ટના ફોર્મમાં સેટ કરી શકે છે.
ટૂંકમાં યુએસએટુડેની નવી ઓવરઓલ ડિઝાઇનમાં પીસી અને હેન્ડહેલ્ડ ડિવાઇસીઝ વચ્ચેના અંતરને ભૂંસી નાખવાનો પૂરતો પ્રયાસ થયો છે. એને આગળ ધપાવતાં, અખબારના પાને જે કંઈ વાંચનસામગ્રી પીરસવામાં આવે છે તેમાં વધુ કવરેજ, વધુ ફોટોગ્રાફ માટે ક્યુઆર કોડની મદદથી સીધા વેબસાઇટ પર વાચકોને લઈ જવાનો સભાન પ્રયત્ન થાય છે. વાચકોના પ્રતિભાવ માટે ફેસબુક અને ટવીટરનું ટાઇટ ઇન્ટીગ્રેશન કરવામાં આવ્યું છે.
મતલબ કે ન્યૂઝ અને મીડિયાનું ભાવિ કઈ દિશામાં જઈ રહ્યું છે એ બરાબર જોવું અને સમજવું હોય તો યુએસએટુડેની રીડિઝાઇન્ડ વેબસાઇટ અચૂક જોવા જેવી છે : http://www.usatoday.com/
| Comments |
|
|
||||||||





