તમારું ડેસ્કટોપ તમારા દિમાગની જેમ એકદમ પેટીપૅક, હાઉસફૂલ રહે છે! તો તમારે એની સાફસૂફી તરફ ધ્યાન આપ્યા વિના છૂટકો નથી
આપણી કમ્પ્યુટર કે સાયબર યાત્રાના ‘શ્રીગણેશ’ ક્યાંથી થાય છે? મોટા ભાગે આપણા કમ્પ્યુટરના ડેસ્કટોપ સ્ક્રીન પરથી. હવે તમે યાદ કરો, છેલ્લે તમે તમારા ડેસ્કટોપ પર ધ્યાનથી ક્યારે નજર ફેરવી હતી? એનું પણ ગણેશજી જેવું જ છે, દરરોજ જીવનમાં આનંદમંગલ થાય એવી આશા રાખીએ, પણ રોજ વિઘ્નહર્તાને દિલથી યાદ ન કરીએ!
તમે ઉતાવળીયા જીવ હશો અને કમ્પ્યુટરમાં કેટકેટલુંય કામ કરતા હશો તો તમારા ડેસ્કટોપનો ઉપયોગ તો સખત કરતા હશો, પણ એની તરફ ધ્યાન નહીં આપતા હો. હવે આ લેખ બાજુએ મૂકીને જોઈ જુઓ, ડેસ્કટોપ ભરચક છે? કેટલાય શોર્ટકટ, ફોલ્ડર, ફાઇલ્સ, લિંક્સ... તમે અહીં એવો ખડકલો કર્યો હશે કે કામ સહેલું બનાવવા માટે આ કર્યું હોવા છતાં અંતે તો જોઈતું શોધવામાં નાકે દમ આવતો હશે. ક્યારેક તમે કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય, ત્યારે એ તમારી નજર ચૂકાવીને ડેસ્કટોપ પર પોતાની હાજરી નોંધાવી દે એવું પણ બને.
હવે પહેલો સવાલ તો એ છે કે ડેસ્કટોપ ચોખ્ખું રાખવાની જરૂર શા માટે છે? જરૂર ઓછામાં ઓછાં બે-ત્રણ કારણોને લીધે છે.
પહેલું તો આપણા ઘર, રૂમ, કબાટ કે ટેબલની જેમ, જો ડેસ્કટોપ પર બધું અસ્તવ્યસ્ત પડ્યું હશે તો જાણે-અજાણે એની અસર આપણા મન પર, કામ કરવાના ઉત્સાહ પર અને મૂળ કામ પર પણ થવાની જ. કોઈ સરસ મજાના વોલપેપરથી ડેસ્કટોપ સજાવ્યું હોય તો કેટલાય આઇકન્સના એક્સ્ટ્રા ચિતરામણથી એની મજા શા માટે મારી નાખવી?
બીજું, મોટા ભાગે આપણે ઉતાવળમાં હોઈએ અને ફાઇલ યોગ્ય રીતે કયા ફોલ્ડરમાં નાખવી એ વિચારવાનો સમય ન હોય ત્યારે આપણે એને ડેસ્કટોપ પર સેવ કરી લેતા હોઈએ છીએ. હવે આ ડેસ્કટોપ પરની બધી ફાઇલ્સ કમ્પ્યુટરની સી ડ્રાઇવમાં સેવ થતી હોય છે. જો કમ્પ્યુટરમાં ક્યારેક, કંઇક પણ ગરબડ થઈ તો એન્જિનીયર તો ટાઢા કોઠે કહી દેશે, ‘સાહેબ, ફોર્મેટ કરવું પડશે!’ મતલબ કે તમે યોગ્ય રીતે બેકઅપ લેવાની તસદી ન લો કો સી ડ્રાઇવમાંનું બધું ભૂંસાઈ જવાનું. ઉપયોગી ફાઇલ્સ માટે આવું જોખમ શા માટે લેવું?
ત્રીજું - જી હા, તમે સાચું વિચાર્યું - ડેસ્કટોપ એકદમ ભરેલું પડ્યું હશે તો તમારું કમ્પ્યુટર ધીમું થઈ જવાની પૂરી શક્યતા છે! તમે ડેસ્કટોપ પર શું શું રાખ્યું છે, શોર્ટકટ્સ, પ્રોગ્રામ્સ, ફાઇલ્સ, ફોલ્ડર્સ, લિંક્સ વગેરે અને એ બધું ક્યારે કેવી રીતે કામ કરે છે એના ઉપર આ વાતનો વધુ આધાર છે, પણ કમ્પ્યુટરને ધીમું કરતા કોઈ પણ કારણને મોટું શા માટે થવા દેવું?
આ બધા વિચારને અંતે તમે ડેસ્કટોપને નીટ એન્ડ ક્લીન રાખવાનો ‘દૃઢ નિર્ધાર’ કરી લીધો તો સવાલ એ રહે છે કે એના પર અમલ કઈ રીતે કરવો? એના પણ બે ત્રણ રસ્તા છે.
એક તો, ફક્ત એક વાર થોડો સમય કાઢીને ડેસ્કટોપ પર મૂકેલી ચીજોમાંથી કામની બાબતો તેના યોગ્ય ફોલ્ડરમાં મૂકી આવો (કટ એન્ડ પેસ્ટ કરજો, કોપી-પેસ્ટ કરશો તો પાછું પેલી સરકારી ઓફિસમાં ફાઇલ્સની ઝેરોક્સ સાચવવાની જોક જેવું થશે!). કામની બાબતો સચવાઈ જાય તે પછી જુઓ, તમે જે શોર્ટકટ કે લિંક્સ (તમે ઇન્ટરનેટની સાઇટ્સની લિંક્સ પણ ડેસ્કટોપ પર સાચવી શકો છો) હવે ખરેખર કામની છે કે નહીં એ તપાસો. નકામું દૂર કરો, કામના શોર્ટકટને ડેસ્કટોપ પર રાખવાને બદલે સ્ટાર્ટ મેનુ કે નીચેના ટૂલબાર કે ટાસ્કબારમાં મૂકી દેવાથી કામ ચાલે તેમ હોય તો એ કરો. એમ કરવા જતાં ટાસ્કબાર પણ ભરાઈ ન જાય એનો ખ્યાલ રાખશો.
તમારી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ એક્સપીહોય કે વિન્ડોઝ સેવન (કે પછી મેક!) ડેસ્કટોપ યોગ્ય રીતે ઓર્ગેનાઇઝ્ડ રાખવાના ઘણા રસ્તા તમને ઓપરેટિંગ સિસ્ટમમાંથી જ મળી આવશે. પણ, જો તમને એટલાથી સંતોષ ન હોય અને ડેસ્કટોપનો ભરપૂર ઉપયોગ કર્યા વગર તમને ચાલતું ન હોય તો આગળનો રસ્તો, ડેસ્કટોપ ઓર્ગેનાઇઝેશનનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો છે. નેટ પર ગૂગલિંગ કરશો તો આવાં કેટલાંય સોફ્ટવેર મળી આવશે. એમની ખાસિયતો તપાસો, જુદા જુદા લોકોના રીવ્યુ જુઓ, તમારે જે જોઈએ છે એ એ સોફ્ટવેર આપી શકે તેમ છે કે નહીં એ જુઓ, પછી બધું યોગ્ય લાગે તો આગળ વધો. આવું એક સોફ્વેર છે ફેન્સીઝ. તેના ફ્રી વર્ઝન વિશે પણ લોકો એવા રીવ્યૂ લખે છે કે ‘આના વગર અત્યાર સુધી કેમ ચાલ્યું એ સમજાતું નથી!’ એની સાઇટ પર જાતે પહોંચો અને તપાસી જુઓ!
| Comments |
|
|
||||||||
|
||||||||






