‘‘એક હી ઉલ્લૂ કાફી હૈ બર્બાદે ગૂલિસ્તાં કરને કો, યહાં તો હર શાખ પે ઉલ્લૂ બૈઠા હૈ, અંજામે ગૂલિસ્તાં ક્યા હોગા...’’ શબ્દો આમતેમ હોઈ શકે છે, પણ ચૂંટણી નજીક આવે ત્યારે ભલભલા લોકો આવા દર્દીલા શેરોમાં ડૂબકી મારવા લાગે છે.
આપણી આ સફરમાં આ શેર યાદ કરવાનું કારણ જુદું છે. કેટલાય વાચકો, મિત્રો, પરિચિતો કે અન્ય લોકોના મેઇલ્સ કે અન્ય પ્રકારનાં લખાણોમાં, ખાસ કરીને ઇગ્લિશ લખાણોમાં સ્પેલિંગ અને ગ્રામરની જે પાર વગરની ભૂલો જોવા મળે એ જોઈને સહેજે વિચાર આવે કે આમની કારકિર્દી પાટે કેમ ચઢશે? અને બેળેબેળે પાટે ચઢી ગઈ હશે તો આગળ કેમ વધશે? ક્યારેક મજા પણ પડે. મેઇલમાં ‘‘આઇ એમ એટેચિંગ હીયરવીથ...’’ એવું કંઈક હોવું જોઈએ એના સ્થાને વાંચવા મળે ‘‘આઈ એમ એટેચ્ડ હીયરવીથ...’’ ભાઈ, તમે પોતે મેઇલમાં મેઇલમાં એટેચ થઈ ગયા?
‘ઇંગ્લિશ ઇજ અ ફન્ની લેંગ્વેજ’ એવા ડાયલોગ કે ‘બોલ બચ્ચન’ જેવી ફિલ્મમાં ઇંગ્લિશની ફિરકી ઉતારવામાં આવે ત્યારે આપણે ખુશીથી ઉછળી પડીએ કારણ કે આપણે પોતે આ ભાષામાં ક્યાં, કેવા લોચા મારીએ છીએ એ તો આપણે ક્યાં જાણીએ જ છીએ! પણ, જો તમને તમારી ભૂલો જાણવામાં અને સુધારવામાં ખરેખર રસ હોય તો તમારે કામનું છે આ સોફ્ટવેર - http://www.gingersoftware.com.
સામાન્ય રીતે આપણે ઇંગ્લિશમાં પ્રેપોઝિશન્સ (એટ, એન, ઇન, બાય, ઓન વગેરે)માં લોચા કરતા હોઈએ છીએ, ઇંગ્લિંશમાં આવા લગભગ 150 પ્રેપોઝિશન્સ છે. બીજી ભૂલ કરીએ છીએ કોન્ટેક્સ્ટ્ચ્યુઅલ સ્પેલિંગની, એટલે કે સ્પેલિંગ સાચો હોય, પણ જે વાક્યમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ એના સંદર્ભમાં એ ખોટો હોય. ઇંગ્લિશમાં આવી તો પાર વગરની સંભાવના છે. ત્રીજી ભૂલ થાય છે વ્યાકરણની - એમાં પણ ભૂલ થવાની અસંખ્ય શક્યતાઓ છે.
ભાષાની તકલીફ કહો તો તકલીફ અને મજા કહો તો મજા, એ માત્ર પુસ્તકો વાંચીને શીખી શકાતી નથી. એમાં તો જાતે બોલો, વાંચો, લખો અને વિચારો (ઇંગ્લિશમાં વિચારતા થશો તોય ઘણું શીખી શકશો) તો જ તમે ક્યાં કાચા પડો છો અને ક્યાં સુધારણાની જરૂર છે એ સમજાય, પણ એ માટે જોઈએ કોઈ એવું જે આપણી ભૂલો પિનપોઇન્ટ કરીને બતાવે અને સુધારે.
જિન્જર સોફ્ટવેર બરાબર આ જ કામ કરે છે. એ આપણા લખાણમાં ઉપર બતાવેલી ત્રણેય પ્રકારની પાયાની ભૂલો તારવીને, એના બદલે સાચો શબ્દ કે લખવાની સાચી રીત કઈ હોઈ શકે એ કહી બતાવે છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મોટા ભાગનાં વિવિધ પ્રકારનાં સોફ્ટવેરની જેમ આ સોફ્ટવેર પણ બે વર્ઝનમાં છે - ફ્રી અને પેઇડ. આપણા માટે ફ્રી વર્ઝન પણ પૂરતું છે. તમે જિન્જર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે એ માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામ અને ફાયરફોક્સ, ક્રોમ જેવાં મોટા ભાગનાં મેજર બ્રાઉઝર્સમાં ચાલશે.
જિન્જરની સૌથી મોટી ખાસિયત સંદર્ભના આધારે સ્પેલિંગની ભૂલો શોધી બતાવવાની આવડત છે. વર્ડમાં પણ આ સગવડ છે તો ખરી, પણ જિન્જર આ બાબતે ચઢિયાતું લાગે છે. તમે ઇંગ્લિશમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરો અને પછી વર્ડના જ સ્પેલચેકરની મદદથી તેને તપાસો તો સ્પેલિંગમાં જેટલી દેખીતી ભૂલો હશે એટલી જ એ તમને બતાવશે. સ્પેલિંગ સાચો હોય,પણ વાક્યના સંદર્ભમાં એ ખોટો હોય તો વર્ડ તે બતાવે નહીં એવું બની શકે છે. જિન્જર આવી ભૂલો પણ પકડી પાડે છે.
આ સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં તમારે તેની ટ્રાય કરી જોવી હોય તો http://www.gingersoftware.com/proofreading/પર તમારું નાનું એવું ઇંગ્લિશ લખાણ મૂકીને તેને જિન્જર કરી જુઓ, એટલે કે જિન્જરની મદદથી ચેક કરી જુઓ. એમ લાગે કે વાત કામની છે, તો સોફ્ટવેર ડાઉનલોડ કરીને આગળ વધો.
આ સાઇટનો બ્લોગ પણ સરસ છે, એમાં તેના યુઝર્સ સામાન્ય રીતે કેવી જુદા જુદા પ્રકારની ભૂલો કરે છે, પ્રૂફરીડિંગ કરવામાં શું ધ્યાન રાખવું, સામાન્ય ભૂલો કેવી રીતે નિવારવી વગેરેની સંખ્યાબંધ ટીપ્સ મળી રહેશે. આ સોફ્ટવેરમાં યુકે અને યુએસ એમ બે પ્રકારની ડિક્શનરીની મદદથી સ્પેલચેક કરી શકાય છે. સ્પેલચેકિંગમાં સોફ્ટવેરનું પર્ફોર્મન્સ સારું છે, પણ સંદર્ભલક્ષી ભલો કે વ્યાકરણની ભૂલો પકડવામાં આ સોફ્ટવેર ક્યારેક થાપ ખાતું હોવાનું તેના કેટલાક યુઝર્સ કહે છે. જિન્જરનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહેવું જરૂરી છે. આ સોફ્ટવેરને સતત ચાલુ રાખશો તો કમ્પ્યુટર ધીમું થવાની સંભાવના છે. છતાં, સોફ્ટરવેર છે કામનું.